પાંચ કાવ્યો । મીનાક્ષી ચંદારાણા
લોકડાઉન ખૂલતાં
ધબકતી દોડતી ધસમસતી દુનિયા,
ફરી પાછી કમરિયા કસતી દુનિયા!
ફરી પાછી એ બેઠી થઈ રહી છે,
ફરી શું પામવાને ધસતી દુનિયા!
ફરી આવીને ઊભશે છેક ધારે?
ફરીથી કઈ દિશામાં ખસતી દુનિયા?
ફરી માણી શકીશું કલબલાટો?
ફરી કિલકારીઓને ગ્રસતી દુનિયા?
હવે શ્વાનોના હમખ્યાલો કહે છે,
આ દિલ માગે છે નરવું હસતી દુનિયા!
હું જોઉં છું, પલાંઠી વાળી બેઠી,
નથી જોવી પગરખાં ઘસતી દુનિયા!
*****
અમે...
આંય શું હું તમારા કે'વાની વાટ જોઈને બેઠો છું?
મારી તલપ
મારી તડપ
મારી ભૂખ
મારી તરસ
મારો શ્રમ
મારો પરિશ્રમ
મારી મજૂરી
મારી મજબૂરી
મારો આશ્રમ
મારો વિશ્રામ...
એ બધાનો હું માલિક છું!
હું તો ઠીક,
મારા બે વરહના છોકરાના પેટમાંય બિલાડાં બોલે ને,
તો છોકરો ય હાકોટો કરીને કહી દે,
કે...ચૂપ મર!
એટલે બલાડાં ચૂપ!
જસલી, મૂઈ હાલતી નો'તી કાલે
લાશની જેમ ગબડી જાય, રોઈ!
પાણી માંગતી‘તી!
કેતી’તી, કે મોઢું સુકાય છે...
તે એની મા એના કાનમાં બોલી કે હાલ ઘેર જાવું છે ને!
ત્યાં તો જેમતેમ કરતી ઊભી થઈને હેંડવા માંડી!
તરસ છો ને ગળામાં, પણ ગળું તો આપડું ને!
આપડે કઈ એમ કરે!
છાલાં છો ને પગમાં,
પણ પગ તો આપડા છે ને,
આપડે કઈ એમ કરે!
અમારું પેટ અમારા કહ્યામાં,
અમારી ભૂખ અમારા કહ્યામાં,
અમારી તરસ અમારા કહ્યામાં,
અમારી તલબ અમારા કહ્યામાં!
બાકી…
*****
કોરોના અને લોકડાઉન
પહેલી વેળા બાળકોને મુક્ત હાસે,
મેં રમત રમતાં દીઠાં નરવા હુલાસે!
જે ન'તી ભાળી મેં વૈભવને વિલાસે,
તારલી દેખાઈ ગઈ કાળી અમાસે!
ઊઘડેલા આત્મના અઢળક ઉજાસે,
મોતીડાં કોળી ઊઠે છે ચાસચાસે!
બંદિશો, રંગો, શબદ આકાશવાસી,
આવીને ઊભાં સ્વયં મારા નિવાસે!
રાતના અંધારને વાગોળવામાં,
રાતરાણી જેમ મહેકી પ્રાસપ્રાસે!
ભીડમાં ઠેબે ચડી'તી પ્યાસ મારી,
એય પામી નવજીવન એકાંતવાસે!
એક પ્રશાંતિના મીઠા ઠંડા તરંગો,
ને બીજી હું, બેઉ બેઠાં પાસપાસે!
મેં કહ્યું, કે કોરો ના, કોરો ના, હરદમ,
એ કહે, કંડારૂં છું પ્રત્યેક શ્વાસે!
ક્યારીમાં યુગયુગથી ક્વોરન્ટાઇન કુસુમો,
ક્યાંના ક્યાં પહોંચે છે બસ કેવળ સુવાસે!
*****
ધૂંઆધાર કોરોના
આ ધૂંઆધાર...અપરંપાર... અનરાધાર... કોરોના
અરે, આ પાર કોરોના, અને ઓ પાર કોરોના
બધા ચળકાટ ફરતી એક કાળી ધાર... કોરોના
બધાના હોઠ પર છે એક બસ ઉદગાર... કોરોના
મહત્ત્વાકાંક્ષા મારી માણસાઈને વળોટી ગઈ
અને એથી જ લીધો તેં નવો અવતાર... કોરોના?
અમે વિકાસ સાધ્યો'તો, અમાસો પણ હતી ઉજળી
હવે ધોળા દિ'એ વરસે છે એક અંધાર... કોરોના
વરતીએ એક વિવેક રાખી, જરા વિચાર પણ કરીએ
કદાચ એ જોઈને પાછો વળે ખૂંખાર કોરોના
*****
કોરોના
તમારી કલ્પનાથી હું ઘણી આગળ છું, ઓ બેટા!
હું છું કુદરત, ને મારા ઝીણા રૂપનું નામ કોરોના!
હણો છો ચેતના ભેગાં મળી, વિલાસના મદમાં,
અને એથી જ પામ્યાં છો અજબ અંજામ... કોરોના!
ઘણાંએ લોક-ધામોથી તો માહિતગાર છો માનવ,
હવે એમાં ઉમેરો એક અજાણ્યું ધામ... કોરોના!
કે જીભ તો આભને આંબે, અસીમ કેવી બુભુક્ષા આ!
કરો પ્રગતિ, ને છેવટ લો વસાવી ગામ કોરોના!
ઘણું દોડ્યા તમે, થોભો જરા અંતરમાં ઝાંખીને,
લિખિતંગ આપનો, બસ આપનો આરામ... કોરોના!