ત્રણ કાવ્યો | મનીષ શિયાળ
૧.કીડીઓ
અરર… આ શું ?
કીડીઓ ટપો-ટપ મરી રહી છે,
કંઈ-કેટલીય આઈસીયુમાં છે.
એનાથી લાખો-કરોડો
દૂરસંચારની અફવાઓ સાથે અથડાતાં
મૂર્છિત થઈ છે.
એમાંની કેટલીક દિશાહીન થઈ છે.
એને લાગી છે લા'હ, પેટમાં.
એને ઠારવાનુ તો દૂર…
આ…
અસહ્ય યાતનાઓ વચ્ચે
એની કોઈ ખર-ખબરેય લેતું નથી.
બધા છૂપાઈ બેઠા છે, બિલમાં.
કેટલાક ઝીલમાં.
એ બધા કાને મુંગા
મુખે આંધળા
અને
આંખે બહેરા થયા છે,
હવે એનો કોઈ ઈલાજ નથી.
ભુખ અને મોત વચ્ચે
કીડીઓ ઝઝુમી રહી છે, એકલી.
*****
૨. કરોળિયાનું જાળું
કરોળિયાએ ગૂંથ્યુ છે, એક જાળું.
એમાં આવી ફસાયું,
કીડીઓનું ટોળું.
તે બચવા આમ-તેમ ફાંફાં મારે છે,
તરફડે છે,
ને
અંદરને અંદર ગૂંચવાઈ મરે છે.
એને શી ખબર
કરોળિયે લગાવ્યું છે,
પ્રથમી આખીને તાળું.
*****
૩. છપ્પનની છાતીઓ
એ મજૂર છે,
એજ તો રોગ ફેલાવે છે,
એનાથી જ અર્થતંત્ર ભાંગ્યું છે.
હા, આ બધો જ વાંક મજૂરો ને આમ જનતાનો છે,
એવું ‘એ' કેહે છે.
ને હવે આ એકાએક,
બધાને છૂટછાટ મળી ગઈ છે,
જુઓ, આ કીડીઓના
ટોળેટોળાં જઈ રહ્યા છે,
કોઈ ઉત્તર
કોઈ દખણ
બધી જ દિશાઓમાં ભમી રહ્યા છે.
એને કોઈ રોકતું નથી, કોઈ ટોકતુ નથી.
છપ્પનની છાતીઓ તૈયાર છે !!