ગઝલ | મણિલાલ હ. પટેલ
હું ક્વોરન્ટાઇન થઈને પાછો આવ્યો છું
માસ્ક બધા ઉતારી દઈને પાછો આવ્યો છું
શહેર જવાની હઠ છોડી મેં કાયમ માટે
માટીનું ઘર મનમાં લઈને પાછો આવ્યો છું
ખડકી ખોલો : હું જ તમારો ઉડાઉ દીકરો
અઢળક ઠોકર ખાઈને પાછો આવ્યો છું
બે જોડી કપડાં ને ટંકે એક રોટલો ભલો
હું જીવતર જાણી લઈને પાછો આવ્યો છું
તળાવ સાથે ખેતર વૃક્ષો પાદર છલક્યાં
હું સ્મરણો ભીનાં લઈને પાછો આવ્યો છું
મને જોઈને મલકી ઊઠ્યા ચોરો શેરી રસ્તા
હું જાત બચાવી લઈને પાછો આવ્યો છું
મેં વર્ષો સુધી ગામ જવાની હઠ છોડી ના
હું સમજણ સુખની લઈને પાછો આવ્યો છું
(22/4/2020)