ચાર કાવ્યો | લતા હિરાણી
લોકડાઉન 1
શાંત સઘળું સ્થિર સઘળું, વિસ્તર્યું આ સુન્ન જો
પીડ છે પણ ચીસ ચૂપ છે, પાર આવ્યો પૂણ્યનો?
આવ-જાના દ્વાર પર વાસ્યાં છે તાળાં બીકમાં
ને પુરાયા પગ મહીં રસ્તાય સઘળા રીસમાં.
શૂન્યતા મેળા ભરીને સુમસામે ફાલતી
કોણ જાણે કેટલું આયુષ્ય એનું! ડારતી.
કો’ક દિ’ ઝંખ્યા સહુ, દે શાંતિ હે ઈશ્વર મને!
આમ શાંતિ? ના વિભુ, તું દે ફરી રઘવાટ એ!
દાવ પર છે જિંદગી, ક્યાં હાથ આવે છે દવા?
‘લોક’માં છે આજ લોકો, જાનની માંગે દુઆ!
*****
લોકડાઉન 2
માણસ છું, મૂંઝાઉ છું ને ત્રસ્ત છું
એકાંતોને ઓગાળ્યા તો મસ્ત છું.
છૂટી ગયા છે ભીડ-ટોળાં ખુશ છું!
એ કારણથી દિલમાં હું ઉપસ્થ છું.
માનવ થઈને માનવથી ડરવું પડતું
પણ સંબંધો કરતી હું દુરસ્ત છું.
કે'તા સહુ ચોંકંના તારે રહેવાનું
ભીતર ભાળું ઈશ્વર! હું આશ્વસ્ત છું.
*****
લોકડાઉન 3
ભૂખના ભંડારથી
ફાટવા આવેલું પેટ
કેમ સાંધવું?
એમના
થાકેલા પગ
દુઃખનાં પોટલાં
ઊંચકીને ચાલવાની
ના પાડે છે
માણસ ભૂલી ગયો છે
હવે
‘આંખ’નો અર્થ.
*****
લોકડાઉન 4
ઉપાધિનાં પોટલાં લઈ
નદીની જેમ
વહી નીકળ્યા છે
આ શ્રમિકો
વતન તરફ....
રસ્તે આવતા ખડકો
એના ‘પાણી’ને
ચૂરચૂર કરી ફંટાવી દે છે
કદીક
મૃત્યુ તરફ....
*****