પલાયન!!! ખરેખર કોનું? | કૃષ્ણ દવે
સાંભળનારું જ નથી કોઈ.
એક બાજુ કોરોના! એક બાજુ ભૂખ સાલી પાછળ પડી છે હાથ ધોઈ.
સાંભળનારું જ નથી કોઈ.
નાનકડાં પગલાંની જિદ્દ તો જુઓ કે આખા હાઇવેને'ય હાંફ ચડી જાય છે.
પથ્થર પર વાટેલી લસણની ચટણીમાં વ્હેંચીને રોટલો ખવાય છે.
ગામડું તો આપીને રાજી થઈ જાય અને શ્હેર તેં તો માનવતા ખોઈ?
સાંભળનારું જ નથી કોઈ.
કપરા આ ટાણામાં માલિકપણાનો હજુ તમને કાં લોભ નથી છૂટતો?
બાપુની આંગળીએ વળગેલી પગલીનો ક્યારેય વિશ્વાસ નથી તૂટતો.
જાણે કોઈ ગોવાળે તરછોડી દીધી હોય ગાયું, ભેંસુંને દોઈ દોઈ
સાંભળનારું જ નથી કોઈ.
(તા-૨૮-૩-૨૦૨૦ ફેસબૂક વોલ પરથી)
*****
અક્કલના ઇસ્કોતરા!!!
(કોઈ પણ જાતની ઇમરજન્સી વગર નીકળી પડતા મૂર્ખાઓ માટે)
આખ્ખી દુનિયા ઘરમાં બેઠી ને તું રખડે બ્હાર?
કોરોનાથી મરવા માટે થઈ જાજે તૈયાર.
પંદરનો તું માવો(મસાલો) ખા ને પંદરસોનું થૂંકે!
તારા જેવાં મળી જાય તો વાઇરસ એને મૂકે?
તરત જ ચાલુ કામ કરી દે એમાં શેની વાર?
આખ્ખી દુનિયા ઘરમાં બેઠી ને તું રખડે બ્હાર?
તું ય મરીશ ને તારા આખ્ખા ઘરને પણ તું મારીશ
આજુ બાજુ આખ્ખી સોસાયટીની વાટ લગાડીશ
અક્કલના ઇસ્કોતરા! શું તું હજી ન સમજ્યો સાર?
આખ્ખી દુનિયા ઘરમાં બેઠી ને તું રખડે બ્હાર?
(તા-24-3-2020, ફેસબૂક વોલ પરથી)
*****
કોરોનાસુર વધ!!!
(કોરોના વાઇરસની સામે પોતાના જીવની પરવા કર્યા વગર દર્દીઓની સેવા કરી રહેલા ડોક્ટર, નર્સ, વૈજ્ઞાનિક અને અનિવાર્ય સેવારત લોકોને સમર્પિત)
ડોક્ટર થઈને હરિ અવતર્યા, નર્સ રૂપે મા અંબા
કોરોનાસુરનો વધ કરવા રણે ચડ્યાં જગદંબા
સેનેટાઇઝર, માસ્ક ઉગામી ધસ્યા અસુરની સામે
હસ્તે જીવનરક્ષક આયુધ લઈ ઊતર્યાં સંગ્રામે
જાણે વ્હેતી ધવલ વસ્ત્રમાં માનવતાની ગંગા.
કોરોનાસુરનો વધ કરવા રણે ચડ્યાં જગદંબા
આઇસોલેટેડ વોર્ડ, વોર્ડમાં સાવ અટૂલી ચીસ
એને નવજીવન અર્પે તે જનની ને જગદીશ
જીવન જીતે જંગ, બધાના ફરકી ઊઠે તિરંગા.
કોરોનાસુરનો વધ કરવા રણે ચડ્યાં જગદંબા
(તા-20-3-2020, ફેસબૂક વોલ પરથી)
*****
કોરોના!!!
છેક છેલ્લા માળે
આઇસોલેટેડ વોર્ડમાં
દર્દીઓની સેવા કરી રહેલી
નર્સે મોઢા પર પ્હેરેલા માસ્કમાંથી
અચાનક બૂમ પાડી.
અરે તમે કોણ છો?
આ રીતે કેમ ખુલ્લેઆમ ફરી રહ્યા છો?
શું તમે નથી જાણતા? અહીં કોની સારવાર થઈ રહી છે?
અરે તમે અહીં પ્હોંચ્યા જ કેવી રીતે?
પ્રશ્નોની ઝડીથી સ્હેજ પણ અકળાયા વિના એક ગંભીર અવાજે કહ્યું,
શું ખરેખર તમારે જાણવું છે?
હું અહીં પ્હોંચ્યો કેવી રીતે?
તો સાંભળો.
હું તમારા સુધી પ્હોંચ્યો છું કતલખાને લઈ જવાઈ રહેલ અબોલ આંખોની લાચારીમાંથી.
હું તમારા સુધી પ્હોંચ્યો છું જાળમાં પકડાઈ ગયા પછી લેવા મથતા અંતિમ શ્વાસના તડફડાટમાંથી.
હું તમારા સુધી પ્હોંચ્યો છું સ્વાદની બજારમાં શેકી નંખાતા શ્વાનની વફાદારીમાંથી.
હું તમારા સુધી પ્હોંચ્યો છું તમારા મોંમાં ચવાઈ રહેલા હજુ તો હમણાં જ જન્મેલાં સપનાઓના ચિત્કારમાંથી.
હું તમારા સુધી પ્હોંચ્યો છું જીવતા જ ઉકાળીને સૂપની જેમ પિવાઈ જતી પ્રત્યેક પીડામાંથી.
હું તમારા સુધી પ્હોંચ્યો છું કુદરતને પ્હોંચાડવામાં આવતી તમામ ખલેલમાંથી.
નર્સે સ્હેજ ઝીણી આંખ કરી અધવચ્ચે અટકાવતાં કહ્યું,
બસ બસ બહુ થયું,
સીધેસીધું જ કહી દો ને
તમે છો કોણ?
ફરી એ જ ગંભીર અવાજે કહ્યું,
શું હજુય મને ના ઓળખ્યો?
(તા-૧૫-૩-૨૦૨૦, ફેસબૂક વોલ પરથી)
*****