આ કાળમાં | કિસન સોસા
કાગ બોલે એકલો ટગ ડાળમાં આ કાળમાં
પાંદડાં ફફડે હવા વિણ ફાળમાં આ કાળમાં
સૂર્ય સોંસરવી ઊભરતી, ડૂબતી જાતી સડક
પગ બળે, પગલાં વરાળે ઝાળમાં આ કાળમાં
ના અંકોએ કોણ કૂણી પાનીએ પથ કાપતો
આટલું બળ ક્યાંથી કૌવત બાળમાં આ કાળમાં
પોતપોતાની હવાએ શ્વાસ લેવા માસ્કમાં
ઘર બધાં યે બદ્ધ એ ઘટમાળમાં આ કાળમાં
શબ્દની સોનેરી માછલીઓ ન જાણે ક્યાં ગઈ
આ સમય સપડાયો એવી જાળમાં આ કાળમાં
મૂઢ હાંકેડુ જુએ ખુદને ખૂંપેલો ખાળીયે
ગાડું મલ્લાવલ્લાનું એ નાળમાં આ કાળમાં