બારીમાંથી... | કવિત પંડ્યા
જગ્યા કરવા માટે,
ગંતવ્ય સુધી પહોંચવા માટે,
કેટકેટલાય લોકોને
ધક્કા ને કોણીઓ મારી,
મારામારી કરી,
દરવાજામાંથી બહાર પછાડી
ભૂંડા બોલી ગાળો ફટકારી,
ભૂખનું દુઃખ લઈને
વેલ્લી સવારમાં
લોકલ ટ્રેનમાં
જગ્યા લેવા માટે,
નીકળી પડતો રઘવાયો ‘હું’,
ઘણાં દ્હાડે,
શાંત ચિત્તે,
ફલૅટની બારીમાંથી બેઠોબેઠો,
દૂર વસતાં પ્રિયજનોને યાદ કરું છું...
ઘરનો દરવાજો બંધ છે,
અંદરનો અકબંધ છે,
ત્યાં સુંદર ઉપવન છે,
મારા શમણાઓનું મધુવન છે.
મન મારું આજે નિરુદ્દેશ ફરે છે...
કબુતર-કાબર, કાગડા-કોયલ ને ખિસકોલી,
સામે ઊભેલા વૃક્ષ વચ્ચે એકલી ઊડે છે ચકલી,
ને રસ્તા ઉપર
છાના-માના, એકલ-દોકલ હરે-ફરે છે નકલી.
વાળી પલાઠી બધો નજારો બારીમાંથી બેઠોબેઠો જોયા કરું છું...
અચાનક સામે નજર પડે છે,
કશુંક અઘટિત ઘટે છે,
મારી આંખોને પાંખો ફૂટે છે...
એ દેખે છે
ગેરેજનાં છાપરાં ઉપર,
ભંગારની વચ્ચે,
કશુંક શોધવા ફાંફાં મારતા મૂષકને...
ને મૂષક ઉપર નજર માંડીને દૂર બેઠેલી બિલ્લીને...
બિલ્લીની ધીરતા જોતાં,
મૂષકની અધીરાઈ જોતાં,
પેટ બેયના ખાલી છે એ પાક્કું છે,
ભૂખ બેયની ભૂંડી છે એ સાચ્ચું છે.
શું થવાનું છે બરો...બર... જાણું છું,
નચિકેતાની જીજ્ઞાસા લઈને
પરિણામને ફૉક કરવા
અર્જુન નજરે પૂરો નજારો માણું છું.
તાકીને તૈયાર બેઠેલી બીક્કણ બિલ્લીને હુમલો કરવો છે,
પિતૃની શાંતિ માટે, પુણ્ય કમાવા મુકાયેલાં,
મુઠ્ઠી ગાંઠિયા ભૂખ્યા મૂષકને ખાવા છે...
તીર ગતિએ બિલ્લી તરાપ મારે છે,
રઘવાયો થઇ ભૂખ્યો મૂષક ગાંઠિયા પાછળ દોટ મૂકે છે,
મારા ગળામાંથી ચીસ ફૂટે છે,
ને બારીમાંથી એ જ ગતિએ હાથ મારો ગાંઠિયા ભરેલા વાટકાને ફેંકે છે...
“ખોરાક તો પાછો મળી જ રહેશે, પાછો નહિ મળે આ દેહ” -
એવી શ્રદ્ધા સાથે, ભયના માર્યા બિલ્લી - મૂષક,
પોતપોતાના ઘર તરફ,
ભૂખ ત્યજીને ઊભી પૂછડીએ ભાગે છે...
હું
ઊંડા શ્વાસે (કે નિઃશ્વાસે.?)
પ્રિયજનોની યાદમાં પાછો ખોવાઈ જાઉં છું,
મારા ઘરની બારીમાંથી થોડો જીવાઈ જાઉં છું...