માઝા મૂકી અને ખાલીખમ થયા નથી | કમલ પાલનપુરી
માઝા મૂકી
ક્યાંક ઘણી વેળા પરદાએ માઝા મૂકી
સાવ વળી ખાલી રસ્તાએ માઝા મૂકી.
ધમધોકાર બધે ફાલ્યા કાળા વેપારી,
લૂંટ વધી, બમણાં ખર્ચાએ માઝા મૂકી.
ઘરમાં રહેવું ને જલસાથી રહેવું સારું,
ઉલ્લંઘન કરતી જનતાએ માઝા મૂકી.
ઢગલાબંધ મરે છે લોકો દુનિયાભરમાં,
રોજ નવી ઘટતી ઘટનાએ માઝા મૂકી.
રેશન માટે નક્કી લાંબી લાઇન થાશે,
સહુને મળશે તે અફવાએ માઝા મૂકી.
જીવ બચે તો ગંગા નાહ્યા, ગંગા નાહ્યા,
રોગ વધ્યાના એ ખતરાએ માઝા મૂકી.
તાણ-અછત ઊભી કરતા જાણી જોઈને,
ખૂબ કમાવાની મનસાએ માઝા મૂકી.
*****
ખાલીખમ થયા નથી
આ શહેરનાં ય શહેર એમ ખાલીખમ થયાં નથી!
મજૂરને કરી શકે મદદ, હજી મળ્યાં નથી.
ઉદર સળગતું શોધશે પછી ઉપાય ભૂખનો?
ઘણાય હાથ રોટલી સુધી હજી ગયા નથી.
બરફ બની ગઈ'તી વેદના તમામ એટલે,
નયન સુધી બધાં કદાચ આંસુઓ વહ્યાં નથી.
ઘણાં ચરણ સવાર સાંજ ચાલતાં રહ્યાં છતાં,
સફરનો અંત થાય કેમ? માર્ગને દયા નથી!
પછી તો કૈંક શહેર હીબકે ચડી ગયાં 'કમલ',
વિકાસનો મદાર જે હતાં હવે રહ્યાં નથી.