જન્માષ્ટમીનું ગીત | જયપ્રકાશ સંતોકી
રાધાએ કૃષ્ણને કાનમાં જઈ કીધું અલ્યા કર્યા તે કેવા ગોટાળા-
કે તારા મંદિરને લાગી ગયાં તાળાં?
ચોરી કરવાની તારી ટેવ છે જૂની, કામ તારાં છે પહેલેથી જ કાળાં
કે તારા મંદિરને લાગી ગયાં તાળાં.
માખણની મટકીઓ ફોડતો તું તે છતાં થાતી અમે સૌ ઇમ્પ્રેસ,
કપડાં અમારાં તે ચોર્યાં હતાં ને તોય, કર્યો ન'તો તારા પર કેસ;
ગોપીઓ સમાન ના હોય બધી ભોળી, કર્યા હશે તે કૈંક ચાળા
કે તારા મંદિરને લાગી ગયાં તાળાં.
ક્રિકેટના સટ્ટામાં હારી ગયો કે જોવા ગયો તો તું ઘોડાની રેસ,
શામળશા શેઠની ઊઠી ગઈ પેઢી કે બદલાવી નાખ્યું એડ્રેસ;
મોબાઇલના સમ તને સાચું તું બોલજે, શું કામાં કર્યાં છે છોગાળા?
કે તારા મંદિરને લાગી ગયાં તાળાં.
ઊઠી નથી અને ઊઠશે પણ નહીં આ શામળશા શેઠની પેઢી,
પણ ગામડા ને શે'રની, શેરી ને ગલીઓમાં ગાયું રખડે છે સાવ રેઢી;
માણસનાં પાપ વધ્યાં તેથી તેને દૂધ નહિ પીવા પડે છે ઉકાળા.
તેથી મંદિરને લાગી ગયાં તાળાં.