કાવ્ય । કુમાર જૈમિનિ શાસ્ત્રી
એક લોન્ગ લોકડાઉન
હોવા છતાં પણ
હું રોજ સવારે
મારા નિયત સમયે
ઊઠી જ જઉં છું
Exercise
Shaving
અને સ્નાન પતાવી
ઇસ્ત્રીબંધ વસ્ત્રો પહેરી
કારમાં સવાર થઈ
સેલ મારી લઉં છું
ગાડી સહેજ આગળ-પાછળ કરી,
પાછી યથાસ્થાને મૂકી,
બરાબર લોકડાઉન કરી
પાછો આવીને
કી-બોર્ડ પર ચાવી લટકાવી
Writing table પર
લખવા બેસી જાઉં છું.
કોઈને કદાચ આ ચેષ્ટા
નિરર્થક લાગે
પણ તેથી શો ફેર પડે?
કારણ કે
મને ખબર છે કે
લોકડાઉન હટ્યા પછી
સૌ પ્રથમ
મારા જ બારણે
નોકડાઉન થશે
કેમ કે....
હું
શિક્ષક છું.
*****
લોકડાઉન-સોશ્યિલ ડિસ્ટન્સિંગ
લોકડાઉન
અને
સોશ્યિલ ડિસ્ટન્સિંગનું
ચુસ્તપણે
પાલન કરું છું હું
છતાં
દિવંગત મમ્મી-પાપા
અવારનવાર
સપનામાં આવી ચડે છે
મળવા
આજકાલ સપનામાં
એમની અવરજવર
કોણ જાણે કેમ
વધી પડી છે
કામ તો ખાસ શું હોય?
બસ એ જ
જે અમે કાયમ કરતાં હતાં
એક જ છત નીચે રહીને
પોત પોતાનામાં ડૂબેલાં-ખૂંપેલાં
રચ્યાંપચ્યાં રહેલાં
એ પણ એક સોશ્યિલ ડિસ્ટન્સિંગ હતું
અને આ પણ....