નઝમ | હિતેશ વ્યાસ
ફરી કોઈ મહામારી આવી ચડી છે
ને માણસે જીવવાની જીદ પણ કરી છે
જુઓ કાળ વિક્રાળ થઈને ઊભો છે
એ ખુશ છે કે લોકો ડરી પણ ગયા છે
છે ઘરમાં જ પોતાના કેદીની માફક
અને કેટલાંયે મરી પણ ગયાં છે
ભલા કોઈ રોકીને પૂછો તો એને
ખબર એને છે કે આ માણસ મરે નઈ
ઘણી આંધીઓને એ ઠારી ચૂક્યો છે
આ જિદ્દી દીવો છે હવાથી ઠરે નઈ
સુનામી ભૂકંપો ને દુષ્કાળ જોયાં
આ જિદ્દી પ્રજાતિએ એ પણ સહ્યું છે
અમે તો આ ગોળાની પર જઈને જોયું
આ જીવન ટકાવું છે, ક્યાં ક્યાં ટક્યું છે?
તું એવી પ્રજાતિને હણવા ચહે છે?
બધીએ પ્રજાતિને જે બહુ નડ્યો છે.
આ મંદિર આ મસ્જિદમાં જા જઈને જોજે
અમારો ખુદા પણ અમોએ ઘડ્યો છે.
તું મનફાવે એવાં જા મારી લે વલખાં
ખૂટે નહિ કદી એવી હિંમત પડી છે
ફરી કોઈ મહામારી આવી ચડી છે
ને માણસે જીવવાની જીદ પણ કરી છે.
*****