લોક-ડાઉન | ઘ્વનિલ પારેખ
જરા યાદ કરી જુઓ
છેલ્લે તમારા ખભા પર
કોઈના સ્પર્શનો માળો
ક્યારે રચાયો હતો?
જરા યાદ કરી જુઓ
હસ્તધૂનન પછી
કોઈના સ્પર્શનો ગરમાવો
ક્યારે અનુભવ્યો હતો?
હા, યાદ તો આપણ કરવા જેવું છે કે
દીકરીના કપાળે વહાલસોયું
ચુંબન ક્યારે કર્યું હતું?
તમારા પ્રિયની ફરતે
સ્પર્શનું વર્તુળ
ક્યારે રચ્યું હતું?
ગ્લોવ્ઝ પહેરેલી આંગળીઓને
પુસ્તકનાં સજીવ પાનાંઓનો
સ્પર્શ ક્યારે થયો હતો?
ટ્રાફિક સિગ્નલ પર માગતી હથેળીઓમાં
સિક્કો મૂકતી વખતે
અજાણતાં થતો સ્પર્શ
છેલ્લે ક્યારે થયો હતો?
હું સ્પર્શની બાબતમાં
અંધ થતો જાઉં છું
મારાં ટેરવાં
મારા હોઠ
મારી સમગ્ર ત્વચા અંધ
બધું બંધ...
*****