ત્રણ કાવ્યો | દાન વાઘેલા
માનવતાની હોળી
માનવતાની હોળી થઈ ગઈ;
ભૂખ ભટકતી ઝોળી થઈ ગઈ!
ક્યાંક ખુવારી, ખુદ્દારીથી -
પગદંડી સૌ પ્હોળી થઈ ગઈ!
ધોમ ધખેલા રસ્તા ઉપર -
આંખો લાલહિંગોળી થઈ ગઈ!
લાખ્ખો કરોડ વચન સુણ્યાં તો -
કેરી પણ લીંબોળી થઈ ગઈ!
ઈશ્વર - અલ્લા, ગલ્લા - તલ્લા;
સત્તા પણ નઘરોળી થઈ ગઈ!
'દાન' ભરોસો પંડ ઉપર પણ -
ચિંતા વડવાગોળી થઈ ગઈ!
*****
વતન વાપસી
શ્રમિક જીવનના પેટગુજારા રફેદફે;
ત્યાં સ્વાભિમાન, સ્નેહ, સહારા રફેદફે!
ભૂંડી જ ભૂખ હોય તો ભારે પડે છે શ્વાસ;
એ માર્ગમાંય રોજ ઉતારા રફેદફે!
ખપ પૂરતી જ પંથમાં ઘરવખરી તે છતાં;
વિશ્વાસની માળાનાય પારા રફેદફે!
પલડું સદાય ઊંચું રહ્યું રંકનું હજી;
તો ત્રાજવામાં ન્યાયના ધારા રફેદફે!
લાખ્ખો અબજ કરોડ મળી સાંત્વના જ 'દાન';
ચાલ્યા છીએ છતાં, એકધારા રફેદફે.
*****
સજા!
કોકનો જ ગુન્હો ને ભોગવતા કોક સજા!
જુદેરું સત્ય ક્યાંક ખોટ બહુ લેય મજા!
કાગળ પર લ્હાણી ને છાપામાં લાખ વચન;
અન્નક્ષેત્ર અલગારું, જશ માગે કોક ધજા!
नाचेगा रोयेगा तुं जोकर ही रहेगा;
लोग सिर्फ हसेगा, जंबूरे ढोल बजा!
नग्न आया जग में तुं ऐसे ही जायेगा;
તોય ગુપ્ત ખીંચી ને કેટકેટલાંય ગજા!
વિશ્વ એક ઘર છતાંય ઘરમાં પણ ઘર અનેક;
ત્યાંય થાય મૂંઝારો, મળે નહીં 'દાન' રજા!
*****