ઘરમાં જ બેઠો છું | ચેતન શુક્લ 'ચેનમ'
અરીસામાં મને હંફાવવા ઘરમાં જ બેઠો છું.
ગુમાવ્યું છે ઘણું એ શોધવા ઘરમાં જ બેઠો છું.
ગુનો તો કેટલાં વરસો જુનો- એની સજા આજે ?
મળી છે કેદ એને માણવા ઘરમાં જ બેઠો છું.
નથી ગમતી મને આવી, બધા વચ્ચેની એકલતા,
નર્યા એકાંતને પામી જવા ઘરમાં જ બેઠો છું.
હજુ થોડા દિવસ પહેલા જ તો કાઢી ગયા જેને,
હું એ ખુલ્લાપણુ ફંફોસવા ઘરમાં જ બેઠો છું.
હવે જ્યોતિષની માફક હું ચહેરા વાંચતો રહું છું,
મને અખબાર થઇ વંચાવવા ઘરમાં જ બેઠો છું.