કાવ્ય અને ગઝલ | ચંદ્રેશ મકવાણા
ગઝલ
ખભે કોથળો કેડે બાળ
મળે નહિ રસ્તાની ભાળ
દેખનહારા દૂરથી દેખી
દેતા મા દીકરીની ગાળ
પચ્ચીસ વ્હેંત જગા તો આપો
અમે ચણ્યા છે પચ્ચીસ માળ
ભૂખ વણે છે આંતરડાંમાં
કરોળિયાની જાણે જાળ
પડતું મેલ્યું પાટા માથે
બૈરાં છોરાં બન્યાં વરાળ
એક તરફ ફેંકાઈ રોટી
બીજી તરફ ઢોળાઈ દાળ
ધૂબકો માર્યો ધબ્બ કૂવામાં
માએ કાપી નાખી નાળ
શિયળ વેચવા ચાલી મમતા
વિખરેલા ગૂંથીને વાળ
સરહદ પર વિંઝાયા દંડા
કંકુવરણું થયું કપાળ
ઈશ્વર અલ્લાહ થયા છૂમંતર
સ્મશાન થઈ ગઈ ધરા વિશાળ
જજો તારું નખ્ખોદ કરમડા
થજો શેઠિયા શઠ કંગાળ
*****
ગઝલ
તૂટશે જો લોક ડાઉન
લાશમાં તરશે આ ટાઉન
સેલ્ફ ડિસ્ટન્સ જાળવે છે
આંધળા લુંગી ને ગાઉન
એકસરખા થરથરે છે
પાઘડી સાફો ને ક્રાઉન?
બ્રેઇન વોશિંગ થઈ ગયું છે
ત્યાં હવે શું ગ્રીન કે બ્રાઉન?
પંખીઓ ફફડાટમાં છે
ક્યાં ગયા કરપીણ ક્લાઉન?
પૃથ્વીને અણુ બોમ્બ માફક
તાકે છે નભ થઈને ફ્રાઉન
(ક્લાઉન - જોકર, ફ્રાઉન - ભવાં ચઢાવવા (અહીં : ગુસ્સે થઈને))
*****
પ્રભાતના પહોરમાં હૈયું દઝાડતી દ્વિધા
એક તરફ ખીલતી કુદરત છે પશુ પંખી છે હસતા
બીજી તરફ નિર્દોષ માણસો ટપ ટપ ટપ ટપ મરતા
હસી ઊઠે જે આંખો રાતે સ્વચ્છ ગગનને જોઈ
એ જ આંખ છાપું વાંચીને રહ રહ પડતી રોઈ
એક તરફ જે કુદરતની છે બીજા બધ્ધા પર મ્હેર
વર્તાવે છે એ જ કાં માણસો પર આ કાળોકેર
સ્વચ્છ હવાને શ્વસું પંખીના ટહુકાથી જઉં મલકી
પણ દુખે છે છાતી જોઈ શહેરમાં ફરતો કલ્કી
સમજ ન પડતી જોઈ પ્રકૃતિ ખીલતી રાજી થાઉં
કે છાતી પર કૂટી છાજીયા શોક મરશિયા ગાઉં?
*****
ગઝલ
દાણા પાણી, રામ ભરોસે
ઘરની ઘાણી રામ ભરોસે
હરવું-ફરવું મેલી ઊંઘો
ચાદર તાણી રામ ભરોસે
મરચું રોટલી ચા બિસ્કુટ ને
ખજૂર ધાણી રામ ભરોસે
સિવણ સંચો ખોઈ બેઠી
ચીસો કાણી રામ ભરોસે
જખ મારે છે ઝાંપાવાળી
વદતી વાણી રામ ભરોસે
રાજકાજ ત્યાગીને બેઠા
રાજા-રાણી રામ ભરોસે