સલાહ સોનુ સૂદને | બિરેન કોઠારી
હા તો ભઈ, સોનુ સૂદ!
તું લાગી પડ્યો ખુદ?
પડદે વિલનગીરી
ને બહાર હીરોગીરી,
ભારે બેવડાં તારાં ધોરણ,
ઘટાડ્યું તંત્રનું ભારણ,
પણ યાદ રાખજે એટલું,
ના કરે નારાયણ ને,
બને જો તારું બાયોપીક,
તો પડદે ભજવવી અઘરી પડશે
આ ભૂમિકા તને,
અપાશે એને કરમુક્તિ,
જેમ તેં અપાવી શ્રમિકોને મુક્તિ,
આ જ નેતાઓ પાડશે તાળીઓ,
મૂકશે તરતું સૂત્ર,
વ્યાજ નહીં, માંગો સૂદ,
હર ઘર હોગા સોનુ સૂદ,
હા ભઈ, થાય એવું જો,
કેટલી શાંતિ એમને તો!
દેશ સપડાયો છે આફતે ત્યારે,
તેઓ રચ્યાપચ્યા છે,
ઘોડાઓની લે-વેચમાં,
હિન્દુ-મુસ્લિમમાં ને
ઇન્ડિયા-ભારતમાં,
હજી એમની અડફેટે તું ક્યાં ચડ્યો છે?
આથી એટલું યાદ રાખજે, ભઈ!
ભલે કર્યું આ કામ તમામ,
ભૂલી જજે તેં કર્યું આ કામ,
એવું હોય તો ખાજે ઓછી બે બદામ,
કેમ કે, તેં મહામહેનતે મોકલેલા મજૂરો,
સોરી, સોરી શ્રમિકો!
બહુ જલ્દી આવી જશે પાછા,
ચડી જશે કામે પાછા,
એટલે નવેસરથી મરશે,
કાનૂનના સુધારા એ કામ કરશે,
તું કેટકેટલે પહોંચી વળશે?
આના કરતાં પડદે કરી ખા વિલનગીરી,
કે કદાચ નવેસરથી હીરોગીરી.
પણ યાદ રાખજે એટલું તું કે
હીરો ને વિલન કેવળ પડદે જ અલગ હોય છે,
સિનેમાના પડદે જ અલગ હોય છે,
રૂપેરી પડદે જ અલગ હોય છે.
(ફેસબૂક વોલ પરથી)
*****