ખરેખર । ભદ્રેશ વ્યાસ
મોઘમ છૂટ્યાં"કોરોના"ના બાણ ખરેખર,
રાખે પાછા ક્યાંય નહીં એંધાણ ખરેખર.
સન્નાટાના ઓળા ચારે કોર ફરે ને,
રોજ સવારે ઊગે રડમસ ભાણ ખરેખર.
સપનાના બચકાઓ રસ્તે રસ્તે રઝળે,
ભૂખના ટોળા પ્રગતિના પરમાણ ખરેખર ?
ખૂબ જ છેટે નીકળી ગ્યા છો માનવતાથી,
જાગ્યા હોતો પાછા વાળો વ્હાણ ખરેખર.
મોટાએ હળવાશ હાશને બ્હાર ધકેલી,
ઘરમાં ખીચોખીચ ભરી છે તાણ ખરેખર!
કચરો ખૂબ વધે છે ત્યાંરે ઝાડુ લઇને,
વાળી ચોળી સાફ કરે છે ઘાણ ખરેખર.
તો પણ માનવ જીતી જાશે જંગ લડીને,
છેવટ થાશે "કોરોના"ની કાણ ખરેખર.
*****
વિટંબણા
આ કેવી છે વિટંબણા તે સમજાવોને!
ક્હેવાનું પણ બંધ થયું મળવા આવોને!
આલિંગન દેવાના દિવસો ભૂલી જાજો,
હાથ મિલાવી તાલી દેતા, મમળાવોને!
ધબ્બો મારી પીઠ નહીં પસવારી શકશો,
છેટા મેલી દ્યો સઘળા અંતર ભાવોને!
ભૂખના ટોળા,સન્નાટાઓ ભમતા સઘળે,
પોલિસ ફોર્સ કરીને એને વિખરાવોને !
ફૂલ પતંગા રોજ મળે છે બાગ બગીચે,
"કોરોના"ના ડરથી એને ધમકાવોને!
કરી શકો તો કામ ઘણા છે કરવા જેવા,
ઠરી ગયેલા સૂરજ પાછા પ્રગટાવોને.
લાગે છે કે ભાર વધ્યો છે ધરણી પરનો,
ખોટા મોટા ચ્હેરા મ્હોરા દફનાવોને!
*****
લોક ડાઉન
ના મળો જણ ચાર આવ્યું લોક ડાઉન,
સાચવો ઘરબાર આવ્યું લોક ડાઉન,
હાથ વા છેટા રહીને વાત કરજો,
લઈ નવા વ્યવહાર આવ્યું લોક ડાઉન.
બીક, સન્નાટા ફરે ચારે તરફ ને,
બંધ છે સૌ દ્વાર આવ્યું લોક ડાઉન.
હાથ પગ હૈયું ભરીને પોટલામાં,
ભૂખ ભટકે બ્હાર આવ્યું લોક ડાઉન.
એ ય "કોરોના" શરમ જેવું તને છે?
પાધરો કાં વાર? આવ્યું લોક ડાઉન.
બહુ જગા છે, ઘર ભરી દે લાગણીથી,
ના સમય વેંઢાર આવ્યું લોક ડાઉન.
આમ તો છે આ સમય ભીતર જવાનો,
થા નવો અવતાર આવ્યું લોક ડાઉન.