ગઝલ : ક્યાં જઈ અટકશે! | બાબુલાલ ચાવડા 'આતુર'
નથી કંઈ જ સમજાતું શું થઈ રહ્યું છે, સ્થિતિ આ વિકટ સાવ ક્યાં જઈ અટકશે!
અચાનક જે આવી ગયો છે જીવનમાં એ અણધાર્યો બદલાવ ક્યાં જઈ અટકશે!
કદી હાથતાળી જીવન દઈ રહ્યું છે, કદી થાય છે મ્હાત મૃત્યુ સ્વયં પણ,
સતત એક ભીતિ ભીતર એ જ છે કે હવે આ પકડદાવ ક્યાં જઈ અટકશે!
દિવસ-રાત વધતું રહ્યું એક અંતર, વધી દૂરતાઓ, વધી ખાઈ-ખીણો,
અલગ ક્યાં સુધી આમ રહેવાશે ને આમ ને આમ અલગાવ ક્યાં જઈ અટકશે!
જખમ છાતીએ ઝીલવા ક્યાં મળ્યા છે અને પીઠ પર ક્યાં થયા છે પ્રહારો!
છતાં થઈ રહ્યા છે જે અસ્તિત્વ પર એ અદીઠા અતલ ઘાવ ક્યાં જઈ અટકશે!
સમજ બ્હાર છે સૃષ્ટિક્રમ ને સમજ બ્હાર છે એમ તારું આ સર્જન-વિસર્જન,
ઓ સર્જક, જશે ક્યાં સુધી આ બધું ને હવે તું જ સમજાવ ક્યાં જઈ અટકશે!
*****