કોઈ નહીં આવે… । અશ્વિન ચંદારાણા
વગાડી બીન મંતર મારવા કોઈ નહીં આવે!
જગતનો નાથ થઈને તારવા કોઈ નહીં આવે!
તું પાસા નાખ, તને પણ વારવા કોઈ નહીં આવે,
પરંતુ દ્રૌપદીને હારવા કોઈ નહીં આવે!
અમારે તો અમારા પગ અમારે હાથ ધોવાના,
અમારી નાવ માટે ખારવા કોઈ નહીં આવે!
બહેન-ભ્રાતા-પિતા-માતા તમાશો જોઈ રહેવાનાં,
ફસ્યો જો સાતમે, ઉગારવા કોઈ નહીં આવે!
બધીયે વાસના સાથે સુતો તું બાણશય્યા પર,
સતત બળતી ચિતાને ઠારવા કોઈ નહીં આવે!