કલમશ્રમિકને શ્રમિકની સંવેદના | અશોક ચાવડા 'બેદિલ'
તારું નખોદ કવલાં જાય, હાય હાય, તારું નખોદ જાય રે...
મારા પગમાં ડામર હાય રે
તારી પૂંઠે ચામર હાય રે
તારે ભાતભાતનું ભાણું
મારે હાથવેંત ન છાણું
મારા પગમાં લાગી લ્હાય, હાય હાય, તારું નખોદ જાય રે...
જોને રસ્તે રઝળી મેલ્યાં
તેં કોઈ કલમદાવ ન ખેલ્યા
તારી પેને મૂતર ભરજે
તું ફૂલનાં કવિત કરજે
અહીં અમને શૂળ ભોંકાય, હાય હાય, તારું નખોદ જાય રે...
ના રે કવલે હમજી પીડ રે!
હવે અમને તમથી ચીડ રે
તારું હોવું કેવળ ઠીબ રે
સાવ બુઠ્ઠી તારી નીબ રે
તારાં મુખે લોહી ગંધાય, હાય હાય, તારું નખોદ જાય રે...
*****