બે ગઝલ અને મુક્તક | અનિલ ચાવડા
ગઝલ-1
ઘરની બ્હાર નીકળવામાં બહુ જોખમ છે;
મળવું છે પણ મળવામાં બહુ જોખમ છે.
થોડા દાડા અભણ રહો તો શું વાંધો છે?
ગણિત સ્પર્શનું ભણવામાં બહુ જોખમ છે.
એટલે જ સૌ તળાવ થઈને બેસી ર્યા છે,
નદી જેમ ખળખળવામાં બહુ જોખમ છે.
ગમ્મે ત્યારે ગમ્મે ત્યાંથી ગ્રહણ લાગશે,
સૂરજ થઈ ઝળહળવામાં બહુ જોખમ છે.
*****
મુક્તક
કોઈ રડતું હોય તો આંસુ ય લૂછી ના શકાય;
વ્હાલથી એના ખભે પણ હાથ મૂકી ના શકાય.
આવી લાચારી ન દેતો કોઈને અહીંયાં પ્રભુ;
બાળ રડતું હોય ને માતાથી ચૂમી ના શકાય!
*****
ગઝલ-2
ફકત થોડા જ દિવસોમાં જે કંટાળી ગયો ઘરમાં.
એ વર્ષોથી કરી બેઠો છે ઈશ્વર કેદ પથ્થરમાં.
અહીંયાં કોઈએ ટોળે ન વળવું એમ કહેવાને;
હજારો માણસો ભેગા થયા છે એક ખંડરમાં.
જીવન પોતે જ બીમારી છે એમ કહેનાર એક ફિલસૂફ,
જરા ખાંસી ચડી તો એકદમ ધ્રૂજી ઊઠ્યા ડરમાં!
કબૂતર બાંધતું’તું જાદુગરની ટોપીમાં માળો!
એ જોઈ આવી ગઈ શ્રદ્ધા બધાને જાદુ-મંતરમાં.
ગહન અંધારનો કાળો વિષય શિખવાડવા માટે;
વદ્યા શિક્ષક : ‘દીવા કરજો બપોરે ઘરના ઉંબરમાં!’
તમારા આંકડા શિકારી ન્હોતા એ વખતના છે,
હવે ક્યાં એક પણ જોવા મળે છે હંસ સરવરમાં?
ટીવીમાં બેઘરોના ન્યૂઝથી રડનારને પૂછ્યું,
ઘડીક બાળકને સાચવશો? તો બોલ્યો હેં-હેં ઉત્તરમાં!
*****