કોરોના ઘરવાસ । અભય દોશી
આ કોરોના કાળ કેવો કપરો
વસંતથી વર્ષા સહુ ગૃહવાસે જ ગયા.
નિકટના ઉદ્યાનમાં વસંતે મહોરે અશોક
તામ્રવર્ણ પત્રોને શું રાતી કેશરી રંગછટા;
લટાર પણ ઉદ્યાને વર્જિત;
તો આંખભ્રમર કેમ પીએ એ મધુર ઘટના?
ને ગ્રીષ્મે તો શું ગરમાળો મઘમઘે.
પીળાં એના સુવર્ણરંગથી શોભતાં
પુષ્પો ઝુમર શાં લટકતા ને
અંગપ્રત્યંગે ભમરાને આમંત્રે
અહો! નયનનીએ મહેફિલ સુની રહી આ વર્ષે.
વિદ્યાપીઠની સરળને ક્યાંક સંકુલ કેડીઓ
સોનમહોરે છવાયા રસ્તા
પીળા રંગનો સહુ વૈભવ છલકાવતા
આ વર્ષે તો અદૃશ્ય જ રહ્યા.
પથની બે ય બાજુ આછાં ગુલાબી પુષ્પો
સૃષ્ટિનાં તો જાણે એ સુંદરતમ રૂપો
તડકો પરસેવાને રેલાવેને સાથે જ
પથની બે ય બાજુ ફૂલને તો ફેલાવે.
અમે બંધાયા ઘરની ચાર દીવાલ વચ્ચે
ને ઋતુ સરતી આમ રંગની મહેફિલ રચીને.
આવ્યો વર્ષાકાળ, લીલુંછમ ઘાસ ફેલાયું હશે ચારેય દિશામાં;
પણ અમે જાતે રચેલી નજરકેદે,
જાણીએ પણ જોઈ ન શકીએ આ રંગોનો વૈભવ અનેરો.
ક્યાંય પાણીના ધોધવા દડે,
લીલીછમ પહાડીઓ ને ઝરણાં દડે;
મુંબઈ-પૂણેના રાજપથ પર
વસઈ-નેમનોર સમીપે ય તો કેવા
લીલા રંગનું સામ્રાજ્ય સઘળે...
પણ ઓ કોરોના કાળે હોમ ક્વોરન્ટાઇન..
વસંતથી વર્ષા સહુ અમારા ગૃહવાસે જ ગયા.