કોરોના વાઈરસની પર્યાવરણ પર થયેલ અસર
21 મી સદી એટલે સમગ્ર વિશ્વમાં ટેકનોલોજીનો યુગ માનવામાં આવેછે. ટેકનોલોજીના આ યુગમાં સમગ્ર વિશ્વમાં એટલી મોટી શોધખોળો થઇ કે માનવીનું જીવન ખૂબજ ઝડપી અને સાધન સુવિધાયુક્ત બની ગયું છે. રેલ, રસ્તા, હવાઈ મુસાફરી એટલી ઝડપી અને સુવિધાયુક્ત બની ગઈ કે તમામ લોકો પોતાની જરૂરિયાત મુજબ પરિવહન કરવા સક્ષમ બની ગયા છે. રસ્તાઓ એટલા મોટા અને સારા બની ગયા કે લોકો ૧૦૦ કિલોમીટરનું અપ-ડાઉન કરીને નોકરી કે વ્યવસાયના સ્થળે અવર-જવર કરતા થઇ ગયા. ટેકનોલોજીની હરીફાઈમાં અવનવી શોધખોળો થવા લાગી અને વૈશ્વિક બજાર અસ્તિત્વમાં આવ્યું. જેના કારણે સાધનોની કિંમતોમાં પણ ઘટાડો થવા લાગ્યો. વિશ્વ લેવલે બેન્કિંગ સેવાઓ ઊભી થતાં બેંકો પણ કર્જ આપવા માટે ગ્રાહકના ઘર સુધી પહોંચવા લાગી. જેના કારણે સામાન્ય વ્યક્તિ પણ સાધન-સંપન્ન બનવા લાગ્યો. જ્યાં ૨૦મી સદીના છેલ્લા દાયકામાં મોટરસાઈકલ સ્ટેટસ સિમ્બોલ હતું, ગામડામાં તો ગણ્યાં-ગાંઠ્યા વ્યક્તિઓ જોડેજ મોટરસાઈકલ હતી. જે ૨૧મી સદીના બીજા દાયકા સુધીમાં ગ્રામીણ અને શહેરી તમામ લોકો માટે વિહિકલ જરૂરિયાતનો ભાગ બની ગયું. પહેલાં સગવડો માત્ર શહેરો પૂરતીજ સીમિત હતી તે આજે ગામડાંઓ સુધી પહોચી ગઈ. આજે શહેરોની જેમ ગામડાંઓ પણ તમામ પ્રકારની ટેકનોલોજી ધરાવતા થઇ ગયાઅને સાધન સંપન્ન બની ગયા.
સરકાર દ્વારા પણ લોકોની જરૂરિયાત મુજબ ટેકનોલોજીના સહારે અધતન આધુનિક રસ્તા તથા અન્ય સુવિધાઓ ઊભી કરવામાં આવી. અને સમયની સાથે વ્યક્તિગત પરિવહન માટેની સવલતો વધવા લાગી અને પબ્લિક પરિવહનનો પ્રભાવ ઘટવા લાગ્યો.તમામ વર્ગના લોકો સુખ-સુવિદ્યા યુક્ત અને સાધન સંપન્ન બનવા લાગ્યા.
આ બધી પરિસ્થિતિમાં ક્યારેય સરકારે કે વ્યક્તિઓએ પર્યાવરણની ચિંતા કરી નહિ. દર વર્ષે તાપમાનનું પ્રમાણ વધવા લાગ્યું અને વરસાદનું પ્રમાણ ઘટવા લાગ્યું. અને વાતાવરણમાં ઝેરી તત્ત્વોનું પ્રમાણ વધવા લાગ્યું. ખેતીવાડીમાં ઉત્પાદન વધારવાની લ્હાયમાં જંતુનાશક દવાઓનું પ્રમાણ વધવા લાગ્યું. કારખાનાઓ ઉધોગો પણ મહદ અંશે પર્યાવરણમાં ઝેરી તત્ત્વોનો ઉમેરો કરવા લાગ્યા, નદીઓના પાણીને પણ પ્રદૂષિત કરવા લાગ્યા. આમ દરેક વ્યક્તિ મોટે ભાગે હવા,પાણી, અને ખોરાકને પ્રદૂષિત કરતો થયો. પણ આ પ્રદૂષણ અટકાવવા ભારત જેવા દેશમાં ના તો વ્યક્તિ સ્વયં જાગૃત થયો કે નાતો સરકારના નિયમો કે ધોરણોનું પૂરતું પાલન કરતો થયો.
જંતુનાશક દવાઓનો કેટલા પ્રમાણમાં ઉપયોગ કરવો તે માટેના કાયદાકીય ધોરણો હોવા છતાં લોકો વધુ ઉત્પાદન મેળવવા તેનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવા લાગ્યા જેના પરિણામ સ્વરૂપે લોકોમાં રોગોનું પ્રમાણ વધવા લાગ્યું. આજે ભારતમાં કેન્સરના દર્દીઓનું પ્રમાણ કૂદકે અને ભૂસકે વધી રહ્યું છે. મોબાઈલ ફોનની સુવિધાઓ થતાં નાના ગામડાથી માંડી મોટા શહેરો સુધી મોટા મોટા મોબાઈલ ટાવરો નંખાયા જેના લીધે સજીવ સૃષ્ટિને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. જેના લીધે કુદરતી બેલેન્સ ખોરવાવા લાગ્યું છે. આ બધી પરિસ્થિતિમાંથી રાષ્ટ્રને બચાવવા માટે કેટલાક પર્યાવરણવિદો અને કેટલીક સમાજસુધારક સંસ્થાઓ દ્વારા લોકજાગૃતિ લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. પણ તેને નાતો જરૂરી લોક સહકાર મળેછે કે નાતો સરકાર તરફથી કે કાયદાકીય પૂરો સહકાર મળે છે.
ભારતના મોટા શહેરોમાં વાતાવરણ એટલુંબધું દૂષિત થઇ ગયું કે લોકોને ઘરથી બહાર નીકળવાનું પણ જોખમી બનવા લાગ્યું છે. દિલ્હી જેવા શહેરોમાં તો પ્રદૂષણ ઘટાડવા ઓડ-ઇવન પદ્ધતિ દ્વારા સાધનો ફેરવવા પર પ્રતિબંધ મુકવાના પ્રયત્નો પણ થયા. તેમજ કેટલીકવાર હવામાં ફેલાયેલાં ઝેરી તત્ત્વોને જમીન પર લાવવા કૃત્રિમ વરસાદના પ્રયોગો પણ થયા. પેટ્રોલ, ડીઝલનો વપરાશ એટલો બધો વધવા લાગ્યો કે વિદેશોમાંથી મોટા પાયે આયાત કરવું પડે છે. તેમ છતાં તેના વપરાશ પર નિયંત્રણ મુકવાનો કે જાહેર પરિવહનના સાધનોનો વપરાશ વધારવા માટેના યોગ્ય પ્રયાસો કરવામાં આવતા નથી. જેના ફળ સ્વરૂપે સમગ્ર દેશનું વાતાવરણ દિન-પ્રતિદિન દૂષિત થવા લાગ્યું છે.
લોકોને પણ જાણે ઘરમાં રહેવું આફત સમાન હોય તેવી પરિસ્થિતિ પૂરા દેશમાં જોવા મળે છે. જાહેર પ્રસંગો, ઉત્સવો, મોટા-મોટા મેળાવડાંઓમાં લાખોની સંખ્યામાં લોકો ભેગા થતાં હોય છે. સરકાર તેમજ સામાજિક, ધાર્મિક સંસ્થાઓ દ્વારા પણ મોટા-મોટા મેળાવડાંઓમાં લાખોની સંખ્યામાં લોકોને ભેગા કરવામાં આવતા હોય છે. આ બધી પરિસ્થિતિમાં ક્યારેય કોઈએ પર્યાવરણની લેશમાત્ર ચિંતા કરી નથી. અને તેના લીધે આખો દેશ પ્રદૂષિત બનવા લાગ્યો.
વસ્તીશાસ્ત્રી થોમસ માલ્થસે કહ્યું છે કે લોકો સ્વયં રીતે વસ્તી અને પ્રકૃતિને નિયંત્રણમાં નહિ રાખે અને તેનું બેલેન્સ બગાડશે તો કુદરત તેના પ્રકોપ દ્વારા પ્રકૃતિનું બેલેન્સ ઊભું કરી લેશે. અને આજે જોઇએતો સમગ્ર વિશ્વમાં વસ્તીનું પ્રમાણ અતિશય વધી રહ્યું છે. અને ટેકનોલોજીના અતિશય ઉપયોગથી ઉત્પન્ન થતા પ્રદૂષણ દ્વારા પ્રકૃતિ પણ વિક્ષેપ પામી રહી છે.
આવી પરિસ્થિતિમાં ડિસેમ્બર-૨૦૧૯ માં ચીનના વુહાન શહેરમાંથી ઉત્પન્ન થયેલ કોવીડ-19 નામના વાઇરસે સમગ્ર વિશ્વને થંભાવી દીધું છે. આજે વિશ્વનો કોઈપણ દેશ તેના પ્રકોપથી મુક્ત રહ્યો નથી. અને આ વાઈરસ માત્ર માનવી દ્વારા માનવીને થતા સ્પર્શમાત્રથીજ ફેલાય છે. અને તેના લીધે આજ રોજ તા ૦૮ સપ્ટેમ્બર ૨૦૨૦ સુધીમાં સમગ્ર વિશ્વમાં અંદાજિત 2 કરોડ 75 લાખ કરતાં પણ વધુ લોકો તેના ચેપનો ભોગ બન્યા છે. અને વિશ્વ માં 8.96 લાખ કરતાં વધુ લોકોએ આ વાઈરસથી પોતાનો જીવ ગુમાવ્યો છે. સમગ્ર વિશ્વની મહાસત્તા અમેરિકા આજે આ વાઈરસથી સૌથી વધુ પ્રભાવિત બની છે. અને આજ દિન સુધી ત્યાં 65 લાખ કરતાં વધુ લોકો તેના ચેપનો ભોગ બન્યા છે. અને 1.90 લાખ કરતાં વધુ લોકોએ આ વાઈરસથી પોતાનો જીવ ગુમાવ્યો છે. તે ઉપરાંત ભારતમાં 42.80 લાખ, બ્રાઝિલમાં 41.47 લાખ, રસીયામાં 10 લાખ, તે ઉપરાંત પેરુ, કોલંબીય, દક્ષીણ આફ્રીકા અને મિક્ષીકો જેવા દેશોમા 6.5 લાખ કરતાં વધુ અને જર્મની, ઇટાલી, સ્પેન, ફ્રાંસ, ઇંગ્લેન્ડ, તુર્કી અને ઈરાન જેવા દેશોમાં 3 લાખ કરતાં વધુ લોકો તેના ચેપનો ભોગ બન્યા છે. અને આ વૈશ્વિક મહામારીથી સમગ્ર વિશ્વનું અર્થતંત્ર, સામાજિક સંબંધો અને મેડીકલ સેવાઓ સૌથી વધુ પ્રભાવિત બની છે. જેને કાબૂમાં કરવા સમગ્ર વિશ્વના લોકો છેલ્લા સાત મહિનાથી પ્રયત્ન કરવા છતાં આજ સુધી તેના પ્રસરણની તીવ્રતા પર કાબૂ મેળવી શક્યા નથી. અને આજ સુધી વિશ્વમાં તેનું પ્રસરણ ગુણાંકનમાં વધતું જોવા મળી રહ્યું છે. એટલે માલ્થસના સિદ્ધાંત મુજબ કુદરતી પ્રકોપ આગળ માનવસર્જિત ટેકનોલોજી પોકળ પુરવાર થઇ છે.
પણ આ મહામારીને બીજી રીતે જોઇએ તો પર્યાવરણ માટે ખૂબજ આશીર્વાદ સમાન પુરવાર થઇ છે. આજે આખા વિશ્વની હવાઈ સેવાઓ બંધ છે, અથવા નહિવત અંશે જ ચાલું છે. અને વિશ્વના કેટલાય દેશોની રેલવે તથા માર્ગ પરિવહન સેવાઓ પણ ઘણા લાંબા સમય માટે બંધ રાખવાની ફરજ પડી છે. ભારત દેશ ૧૩૨ કરોડની ગીચવસ્તી ધરાવે છે, જ્યાં બે મહિના સુધી સમગ્ર દેશને લોક-ડાઉન કરવામાં આવ્યો હતો. જેના લીધે આજે સમગ્ર વિશ્વમાં હું માનુછું ત્યાં સુધી પર્યાવરણની બાબતમાં સૌથી વધુ ફાયદો ભારત દેશને થયો છે. ભારતના દિલ્હી, મુંબઈ, કલકત્તા, ચેન્નાઈ જેવા મહાનગરોમાં હવાનું પ્રદૂષણ તેની ચરમ સીમાએ હતું જે કોરોના મહામારીના પ્રસરણને રોકવા સરકારે આપેલ લોકડાઉનના કારણે આજે આવા મહાનગરોની હવા એકદમ શુદ્ધ થયેલી જોઈ શકાય છે. પહાડી પ્રદેશોમાં પણ પ્રદૂષણને કારણે ૧૫૦ થી ૨૦૦ કિમીના અંતરે આવેલા પર્વતો પણ નરી આંખે જોઈ શકાય છે. ધાર્મિક પ્રવૃત્તિઓથી અત્યંત દૂષિત થયેલ પવિત્ર ગંગા નદીનું પાણી લોકોની આ પ્રકારની પ્રવૃત્તિઓ બંધ થતાં એટલું સ્વચ્છ અને નિર્મલ બન્યું છે કે ગંગા નદીનું તળિયું સ્પષ્ટ દેખાવા લાગ્યું છે. આમ, કુદરતી મહામારીએ જ્યારે લોકોને ઘરમાં રહેવા મજબૂર કર્યા છે ત્યારે માનવસર્જિત પ્રદૂષણનો નાશ થયો છે. અને હવામાં પ્રાણ વાયુનું સ્તર ઊંચું આવતાં માનવીની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થયો છે. જેના લીધે આજે સમગ્ર રાષ્ટ્રમાં અને વિશ્વમાં કોરોના વાઈરસ સિવાયના રોગના દર્દીઓનું પ્રમાણ ખૂબજ ઘટી ગયું છે.
આ મહામારીના કારણે ભારતમાં અંદાજિત 42.80 લાખ જેટલા લોકો ચેપનો ભોગ બન્યા છે. અને 72800 કરતાં વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. અત્યારે અનલોક-4 માં ધીમે ધીમે કોરોનાનું પ્રસરણ વધી રહ્યું છે. અને હવે ભારતના કેટલાક શહેરો બપોર પછી સ્વયં રીતે બંધ પાળતા થયા છે. અને લોકો સ્વયં રીતે ઘરમાં રહેવા મજબૂર બન્યા છે. જેના લીધે સમગ્ર દેશમાં રોજના હજારો લોકો માર્ગ અકસ્માતમાં મરતાં જે મહદ અંશે ઓછું થઇ ગયું, હવા પ્રદૂષણ ને કારણે થતાં રોગોમાં ઘટાડો થતાં તેવા મૃત્યુદરમાં પણ ઘટાડો થયો તેમજ અન્ય સજીવસૃષ્ટિને પણ ખૂબ મોટો ફાયદો થયો છે. આમ કોવીડ-19 વૈશ્વિક મહામારીએ સમગ્ર વિશ્વને સ્તબ્ધ કર્યું છે. જેના કારણે આર્થિક-સામાજિક તેમજ અન્ય રીતે ખૂબજ મોટું નુકસાન થયું છે. પરંતુ તેના લીધે વૈશ્વિક પર્યાવરણને જે ફાયદો થયો છે તે કદાચ વિશ્વની બધી સંપત્તિના ભોગે પણ ન મળી શકે. હું માનું છું કે આના કારણે જીવસૃષ્ટિમાં પણ ખૂબજ સારો વધારો થશે અને માનવીનું સરેરાશ આયુષ્ય પણ કદાચ ૫ થી ૧૦ વર્ષ જેટલું વધી શકે છે. અને આ પરિસ્થિતિથી લોકો અને સરકાર દ્વારા પર્યાવરણ બાબતે જાગૃત બની યોગ્ય પગલાં ભરવામાં આવેતો ભવિષ્યમાં તેને દૂષિત થતું રોકી શકાય.
*****
ડો. નરેશ આર. ચૌધરી, એસોસિએટ પ્રોફેસર(સમાજશાસ્ત્ર), સરકારી વિનયન કોલેજ, સેકટર-૧૫, ગાંધીનગર.