તો કદાચ એની જિંદગી સફળ કહેવાતી હશે !
માણસે અસ્તિત્વ ટકાવી રાખવા સતત સંઘર્ષ કરવો પડે છે. ગુલાબના ખૂબસૂરત ફૂલની આસપાસ કાંટા હોય છે, એમ ખુશનુમા જિંદગીને સંઘર્ષ ઘેરી લે છે. જિંદગી ઝરણાં જેવી છે, પારદર્શક છે, પવિત્ર છે, ઉછળે છે, કૂદે છે, પછડાય છે, અથડાય છે, ખળખળ વહે છે, રેલછેલ થાય છે, સંગીતના સૂર રેલાવે છે, પથ્થરોથી અવરોધાય છે. ઝરણાં જેવું જ જિંદગીનું સત્ય છે. ઝરણાંની જેમ જિંદગી અનિશ્ચિત છે. જિંદગીનો ગૂઢાર્થ સમજવો અસંભવ છે. જર્મન વિચારક હરમાન હાસે કહ્યું છે : “જીવનમાં દરેકે એક જ કામ કરવાનું હોય છે : પોતાની જાતને શોધવાનું.” હરમાન હાસની આ વાત સાચી છે. પરંતુ માનવીને પોતાની જાતને શોધવાનો સમય હતો ? ના. કોવિડ-19 અર્થાત કોરોના વાયરસ મહામારીએ આપણને જીવનની ભીતર જોવાનું શીખવ્યું છે.
માણસજાતના પ્રતિનિધિ તરીકે ક્યારેય વિચાર્યું જ નથી કે આપણે શું કરી રહ્યાં છીએ ? બાળકનું વિસ્મય એ છે કે જિંદગી કયાંથી શરુ થઈ ? આ પ્રશ્ન મૃત્યુ સુધી પ્રશ્ન જ રહે છે. ચંદ્રકાંત બક્ષી કહે છે : “જિંદગીને હું એક અકસ્માત સમજું છું, જેનો તર્ક કે ધર્મ કે વિજ્ઞાન કે ઇતિહાસ પાસે ઉત્તર નથી. મારા સર્જનહારે મને આ પૃથ્વી પર માત્ર આત્માનું કલ્યાણ કરવા માટે જ મોકલ્યો છે એવું હું માનતો નથી. ઈન્દ્રિયો છે, મનુષ્ય સંબંધો છે, આપણે કોઈકને સહાય કરીએ છીએ, કોઈ આપણને ઠગી જાય છે, રોમાંસ અને પરાક્રમ છે, જિંદગી તપસ્યાઓ કરી કરીને સૂકવી નાંખવાની વસ્તુ નથી એવું હું માનું છું.” બક્ષીએ જે કહ્યું છે, એ આપણને કોરોના સંકટે શીખવ્યું છે. મનુષ્ય તરીકે સંબંધોનો જે મહિમા હતો, એ આપણે જાણે ટેકનોયુગમાં ભૂલી ગયા હતાં. પણ કોરોના સંકટથી આપણને આત્મ-વિશ્લેષણ કરવાની તક મળી છે.
કોરોના સંકટે દરેક માનવીના માનસપટ પર અસર કરી છે. સદીઓ પછી પહેલીવાર મનુષ્યજાત માટે સંકટ તો પેદા થયું છે, સાથે-સાથે સૌ કોઈની જિંદગી હતાશાથી ઘેરાઈ ગઈ છે. કારણ કે કોરોના વાયરસની અસર માનસિક, સામાજિક, શારીરિક, શૈક્ષણિક અને આર્થિક રીતે થઈ છે. કલા અને સાહિત્યની દુનિયા પણ શાંત પડી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. પણ ઉત્ક્રાંતિવાદના પ્રણેતા ચાર્લ્સ ડાર્વિને કહ્યું છેઃ‘‘સૃષ્ટિના દરેક સજીવે અસ્તિત્વ ટકાવી રાખવા માટે સંઘર્ષ કરવો પડે છે. જે શક્તિશાળી હશે એ ટકશે.’’ બસ, કોરોના વાયરસની સામેના યુદ્ધમાં મનુષ્યની જાતની જ જીત થશે, એમાં કોઈ શંકા નથી.
સંઘર્ષ અને અસ્થિરતા એ જિંદગીની પ્રકૃતિ છે. બક્ષી પોતાની શૈલીમાં ‘જિંદગી’ને રજૂ કરે છે : “જીવવું શું છે એ સમજી લીધા પછી ખબર પડી કે જિંદગી સીધી લીટીમાં દોડતી નથી પણ ઈલેક્ટ્રોકાર્ડીઓગ્રામની જેમ ઊછળે છે, પટકાય છે, ધ્રૂજતી દોડે છે, ઠોકર ખાય છે, અટકે છે, ફેંકાય છે. જિંદગીની ગતિ સમતલ નથી. અસ્થિર છે. દીપની શિખાની જેમ કે ધ્વજના ફડફડાટની જેમ. એ જ જિંદગીની પ્રકૃતિ છે.”
ઉત્ક્રાંતિના સિદ્ધાંત અનુસાર મનુષ્યના કદ-આકાર અર્થાત રુપ-રંગ કે સમગ્ર સ્વરુપ લાખો વર્ષોથી બદલાતું રહ્યું છે. કોરોના વાયરસનું પણ એવું છે. 72 વર્ષ પહેલાં ચામાચિડિયામાં કોરોના વાયરસ જોવા મળ્યો હતો. ત્યારથી આજ સુધી કોરોના વાયરસ સતત પોતાનું સ્વરુપ બદલતો રહ્યો છે. પણ ચામાચિડિયા જેટલી રોગપ્રતિકાર શક્તિ મનુષ્યની નહીં હોય, એટલે મનુષ્યજાત માટે જોખમી સાબિત થઈ રહ્યો છે.
એમ તો, સૃષ્ટિ પર સંકટ સતત આવતા રહ્યા છે મનુષ્યજાત દરેક સંકટમાંથી બહાર આવી છે. ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’માં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છેઃ‘હે અર્જુન, જીવન દુખઃમય છે અને આ શરીર રોગનું ઘર છે.’ આ ગીતાનું સત્ય આપણે સમજી શક્યા નથી. કીડીઓનો સમૂહ પર્વતોની હારમાળા નીચે લાંબી ટનલ બનાવી શકે છે, કીડીઓ હાર માનતી નથી, વિચલિત થતી નથી. થોડાક સમયમાં કોરોના વાયરસ સામે મનુષ્યજાતે હાર થોડી માની લેવાની હોય ? જિંદગી વેદનામાં કણસે, જુલ્મ સહન કરે, ભયભીત થાય, સંઘર્ષમય બને તોય ધબકતી રહે છે, આ નિયતિ છે.
જિંદગી કેવા પ્રકારના સંઘર્ષ અને યાતનામાંથી પસાર થાય છે ? આ સવાલનો ઉત્તર મેળવવા એની ફ્રેન્કની જિંદગીમાં નજર નાંખવા જેવી છે, તેમ કહીને ચંદ્રકાંત બક્ષી કહે છે : “મેં વાંચેલી શ્રેષ્ઠ ડાયરીનું નામ છે : ‘ડાયરી ઓફ એની ફ્રેક.’ વિશ્વસાહિત્યની શ્રેષ્ઠ કૃતિઓમાં આ ડાયરીનું અમીટ સ્થાન છે. એની ફ્રેંક 13 વર્ષની થઈ ત્યારે એના પિતા ઓટો ફ્રેંકે એની ને એક ડાયરી ભેટ આપી હતી. યુદ્ધ દરમિયાન જર્મન નાઝીઓએ હોલેન્ડનું એમ્સટર્ડેમ નગર કબજે કર્યું અને એની બહેન માર્ગોટ, પિતા ઓટો અને માતા એડિથ તથા અન્ય કેટલાક યહૂદીઓ મિયેપગિઝ નામની એક ભદ્ર મહિલાના ભંડકિયામાં સંતાઈને બે-ત્રણ વર્ષ રહ્યાં હતાં. એ યહૂદીઓ હતાં, માટે ગુપ્ત વાસમાં રહેતા હતા. એની અને એનો પૂરો પરિવાર વિનાશ કેન્દ્રોમાં મરી ગયો. ફક્ત પિતા ઓટો જીવતો પાછો આવ્યો. યુદ્ધ સમાપ્તિ પછી એની ફ્રેકની ડાયરી ભંગારમાંથી મળી હતી. એ પ્રકટ થઈ. બીજા વિશ્વયુદ્ધનું આ સૌથી મહાન પુસ્તક ગણાય છે. હોલંડમાં, અમેરિકામાં, અન્યત્ર આ પુસ્તક સ્કૂલોમાં પાઠ્યપુસ્તક તરીકે ચાલે છે - યહૂદીઓ પર કેવા જુલ્મ વરસ્યા હતા એ નવી પેઢીને શીખવવા માટે ! અને વિવેચકનો કોઈ જ સિદ્ધાંત અહીં લાગુ પડતો નથી. યુદ્ધ દરમિયાન જર્મન નાઝીઓએ હોલંડનું એમ્સટર્ડેમ નગર કબજે કર્યું. ત્યારે એની ફ્રેક 13 વર્ષની ખુશખુશાલ છોકરી હતી. 16 વર્ષે એ મરી ગઈ. બે-ત્રણ વર્ષ સુધી ભંડકિયાની જાળીમાંથી દેખાતો આકાશનો ચોરસ ટુકડો એ જ એનું બાહ્યવિશ્વ હતું. દિવસે ચૂપચાપ સંતાઈ જવાનું, અવાજ કરવાનો નહીં. એનીનો જીવન અનુભવ શૂન્ય હતો. શિક્ષણ 13 વર્ષે અટકી ગયું હતું. બાહ્ય વાચન થવાનું કોઈ કારણ ન હતું. એ જ દીવાલો, એ જ માણસો, એ જ ભૂખમરો અને કૃશ થતા જતા આઠ-નવ માણસો. આ નાની છોકરી પાસે ફક્ત ઈમાનદારી હતી. સાહિત્ય એ વસ્તુ છે, જ્યાં 13 વર્ષની એની ફ્રેંક એક માસ્ટરપીસ લખીને 16 વર્ષે મરી પણ જાય છે ! સાહિત્યસર્જન માટે શું જોઈએ ? અનુભવ, વાચન, અભ્યાસ, ભોગવિલાસ, દર્શન, નવાનવા મનુષ્યોનો સંપર્ક, કોલેજનો અભ્યાસ ? કે ઈમાનદારી ? ડાયરી કદાચ ઈમાનદાર શબ્દવિદ્યા છે.”
એની ફ્રેન્ક 16 વર્ષની ઉંમરે પોતાનું શ્રેષ્ઠ પ્રદાન આપીને પૃથ્વી પરથી ‘પસાર’ થઈ, આનું નામ જિંદગી અને સંઘર્ષ ! એની ફ્રેન્કે વિશ્વયુદ્ધની યાતના વેઠી હતી, માણસજાતે કોરોના વાયરસ મહામારીમાં ચાર દિવાલની વચ્ચે માનસિક યાતના સહન કરી છે. કોરોના વાયરસ સંકટે દરેકને પીડા આપી છે, આ પીડા કેવી છે ? માનસિક કે શારીરિક ? કદાચ, કોઈ સાહિત્યકારની કૃતિમાં ભવિષ્યમાં કોરોનાની પીડા પ્રગટ થશે, સાક્ષી તરીકે આપણે વાંચીશું.
જન્મ અને મૃત્યુ જિંદગીના બે ધ્રુવ નથી પણ ભૂતકાળ અને વર્તમાનકાળ વચ્ચે જિંદગી જીવાતી હોય છે. ચંદ્રકાંત બક્ષી ‘બક્ષીનામા’માં લખે છે : “ભૂતકાળ અને વર્તમાનકાળની વચ્ચે એક કાળ હોવો જોઈએ : સ્મૃતિકાળ ! એવો એક કાળ જેમાં તમે ભૂતકાળના એક એક છિદ્રને, ભૂતકાળની એક એક ફ્રેમને, ભૂતકાળના એક એક દૃશ્યને ફ્રિઝ કરી શકો, અને મન ભરાઈ જાય ત્યાં સુધી જોઈ-અનુભવી, પુનર્જીવી શકો.” કદાચ, આપણે સૌ કોરોના સંકટના અનુભવને ભવિષ્યમાં પુર્નજીવિત કરી શકીશું. કોરોના વાયરસે દરેક મનુષ્યની માનસિક કસોટી કરી છે. કદાચ, કોરોનાએ મનુષ્યજાતને માનસિક રીતે મજબૂત બનાવી છે. ‘ઓલ્ડ મેન એન્ડ ધી સી’ના નાયક સાન્ટિયાગોની જેમ આપણે કોરોના વાયરસને કહેવું જ પડશે કે.‘‘માણસને મારી શકીશ, પણ હરાવી નહી શકે.’’
બસ, કોરોના વાયરસની રસી આવશે. ફરી એકવાર મનુષ્યજાત નવી દુનિયામાં પ્રવેશ કરશે. ત્યારે મનુષ્ય વિચાર, આહાર, વાણી-વર્તન, વ્યવહાર અને દૃષ્ટિમાં સહેજ ફેરફાર થયો હોય તો માનવું રહ્યું કે હજુ સૃષ્ટિના સર્જનહારને માણસજાત પર વિશ્વાસ છે.
અંતમાં,
જિંદગી સંઘર્ષ વિના સૌંદર્યમય અને સફળ બનતી નથી. સંઘર્ષ થકી દરેક માણસ જિંદગીને શ્રેષ્ઠત્વ તરફ લઈ જાય છે. શોખથી જિંદગી જીવી લેવાની કલાથી મોટી બીજી કોઈ કલા નથી. આફ્રિકન સંગીતકાર વાસીમ ડિયોપ કહે છે : “આફિકામાં....અમે જિંદગીની પાછળ દોડતા નથી, જિંદગી અમારી પાછળ દોડે છે !” બસ, જીવવું એક સંઘર્ષ બને છે ત્યારે મનુષ્યની શ્રેષ્ઠ શક્તિઓ બહાર આવતી જાય છે. કદાચ, સંઘર્ષભરી જિંદગીને લીધે જ મનુષ્યજાત વિકસિત થતી રહી છે. માણસ સંઘર્ષના સમુદ્રમાંથી તરીને કિનારા પર આવી જાય તો કદાચ એની જિંદગી સફળ કહેવાતી હશે !
સંદર્ભઃ
1. શ્રીમદ્ ભગવદ્ ગીતા, ગીતાપ્રેસ, ગોરખપુર
2. ધી ઓલ્ડ મેન એન્ડ ધી સી, લેખકઃઅર્નેસ્ટ હેમિંગ્વે
3. જર્નલ ઓફ નેચર બાયોલોજી, જુલાઈ-2020
4. બક્ષીનામા, લેખકઃચંદ્રકાંત બક્ષી
5. દૂધમાં લોહીના ટીપાં, લેખકઃચંદ્રકાંત બક્ષી
6. એની ફ્રેન્કની ડાયરી, અનુવાદઃકાંતિ પટેલ
7. યાદ ઈતિહાસ, લેખકઃચંદ્રકાંત બક્ષી
*****
ડૉ. માસુંગ પી.પટેલ, લેખક-પત્રકાર, નવગુજરાત સમય, ટાઈમ્સ ઓફ ઈન્ડિયા બિલ્ડિંગ, આશ્રમ રોડ,અમદાવાદ. મો.98245 55567, ઇમેલઃ masung.dost@gmail.com