કોરોનાકાળ અને આપણે
છેલ્લા કેટલાક માસથી ‘COVID-19’ અને ‘કોરોના’ આ બે શબ્દોએ આપણી શાંતિ હણી લીધી છે. સાથોસાથ પરમ શાંતિ કઇ રીતે મળે એનાં પગલાં જેવાં કે સોશ્યલ ડિસ્ટન્સીંગ, માસ્ક પહેરવું, કામ વગર ઘરની બહાર ન નિકળવું જેવી નાની પણ અત્યંત મહત્વની બાબતો શીખવી છે. જો કે આરોગ્યને લાગેવળગે છે ત્યાં સુધી જે તકેદારીઓ રાખવાની છે તે વાસ્તવમાં હતી જ, પણ તે માત્ર તબીબો સુધી સીમીત હતી. જેમ કે ઓપરેશન થીયેટરમાં તબીબો મોઢાં પર માસ્ક કાયમ બાંધતા જ હોય છે. તેમ હેંડ ગ્લોવ્ઝ પણ પહેરતા હોય છે. સેનેટાઇઝરનો ઉપયોગ પણ કરતા હોય છે. ‘પતનનું હર પગથીયું એક નવું સોપાન લાવે છે.’ એમ ચીનના વુહાન પ્રાંતથી પ્રયોગશાળામાંથી નાસી છુટેલા કે રાજકીય દાવપેચની દ્રષ્ટિએ છોડવામાં આવેલા ‘કોરોના’ નામના આ વાયરસે માત્ર થોડા જ મહિનામાં આખી દુનિયામાં હાહાકાર મચાવી દીધો છે. કહેવાતા વિકસિત દેશો જ તેની નાગચૂડમાં ફસાઇ ગયા છે. જેના આંકડા ચોંકાવનારા છે જે આખી દુનિયા જાણે છે. મહાસત્તાઓ કોરોના સામે વામણી થઇ છે !
CORONA VIRUS DEASEAS નું ટૂંકું નામ COVID-19 છે. WHO ની ગાઈડ લાઈન પ્રમાણે સંક્રમણથી કોરોના ફેલાય છે. કોરોનાની ઘાતક અસરો માનવજાત સામે આવી છે.
‘કોરોનાકાળ અને આપણે’ – અહીં એક બાજુ શક્તિશાળી વાયરસ છે અને બીજી બાજુ આપણે છીએ. ત્યારે આપણી જવાબદારીઓ પારિવારિક કે રાષ્ટ્રીય હોય તેમાં કોરોનાથી બચવાના ઉપાયો જેમ કે ક્વોરેન્ટાઈન થવું શક્યત: મજબુરીથી સફળ થયું છે. કેમ કે માનવ વિકાસ સૂચકાંક અને વાસ્તવિક માનવ વિકાસ વચ્ચે વિસંગતતાનું કારણ લોકોની નિરક્ષરતા જવાબદાર હોવાનું છાતી ઠોકીને કહી શકાય છે . નિરક્ષરતા પોતાની સામે ગરીબી, ખરાબ તંદુરસ્તી, સરકારી સહાય પર નિર્ભરતા વગેરે લાવે છે. તેમજ ટીવી માધ્યમોના અહેવાલો મુજબ કોરાનાનાં હવે વળતાં પાણી થવા લાગ્યાં છે એટલે કે રીકવરી દર વધ્યો છે, મૃત્યુ દર ઘટ્યો છે. પરંતુ નવા કેસો આવ્યા જ કરે છે. એટલે ‘હવાથી સંક્રમણ’ કે ‘પબ્લિક ટ્રાન્સમીશન’ જેવી વિનાશક બાબતો જો કોરોનાને વિસ્તારવા સક્ષમ હોય તો કોઈ કાયમી ઉપાય મળવો અશક્ય છે. કોરોનાકાળ અત્યારે ચાલી જ રહ્યો છે ત્યારે જ્યાં જ્યાં તેનો ફેલાવો નહિવત છે ત્યાં રાહત છે પરંતુ એ રાહત ક્યારે આહત કરી શકે છે તે કહેવું અઘરું છે.
‘લોકડાઉન’ થી કોરોનાની ઘાતક અસરો વિશે સાચી રીતે જાણવા મળ્યું કે ‘પહેલું સુખ તે જાતે નર્યા’ અને દિવસ-રાત કર્ફ્યું, બજારો બંધ, સોશિયલ ડિસ્ટન્સ વગેરે બાબતોએ આપણને આપણા આરોગ્ય પ્રત્યે સફાળા જગાડી દીધા છે. અને ‘આપણા ઘડવૈયા બાંધવ આપણે’ ની સાચી હકીકત જીવન સાથે વણાઈ ગઈ છે જેમ કે આજે આપણે જો ઘરથી બહાર નીકળીએ તો માસ્ક બાંધવાનું ભૂલતા નથી કેમ કે દંડ કરતાં જાહેરમાં અપમાનિત થવાનો ડર છે. જાગૃતિના અભાવના સમયે કોઈ સાચું કહે તો થયેલી ભૂલ નું પ્રાયશ્ચિત કરવાની વૈચારિક સજ્જતા કેળવવા હજી સમય લાગશે. તો બહારથી આવીને હાથ સેનેટાઈઝરથી અવશ્ય ધોઈએ છીએ. જાહેરમાં સ્વેચ્છાએ કે કાયદાના ડરથી સોશ્યલ ડિસ્ટન્સ પણ જાળવતા થયા છીએ. જાહેર આરોગ્ય સ્થળો, હોસ્પિટલો, ઓફિસો, મંદિરોના દરવાજે સેનેટાઈઝર મુકાયાં છે, તેનો ઉપયોગ પણ થાય છે. મેળાવડાના માણસ એવા આપણે એક મીટરનું અંતર જાળવતા પણ શીખ્યા છીએ. અને કોરોનાકાળ તેમજ લોકડાઉન દરમ્યાન ઘરમાં રહીને સાચા ગૃહસ્થ બન્યા તો જીવનશૈલી તદ્દન બદલાઈ ગઈ. પર્યાવરણ પરિપૂર્ણ બન્યું. અકસ્માતો જ બંધ થઇ ગયા. દવાખાનાઓની ભીડ ભૂતકાળ બની ગઈ. અને ધમધમતા રસ્તા સુના પરંતુ સ્વસ્થ બની ગયા. એટલે કોરોનાકાળે આપણને ઘણું ઘણું શીખવાડ્યું છે. આપનું કશું જ લીધું નથી. રાશન વગેરે ખાસ્સો સમય નિ:શુલ્ક પૂરું પાડીને આપના યોગક્ષેમની નામદાર સરકારશ્રીએ પૂરી દરકાર રાખી છે. અને સમગ્ર વિશ્વમાં સૌથી સારી સ્થિતિ આપણા દેશની છે. એનું કારણ દીર્ઘદર્શી પ્રબંધન હતું ને છે એમ કહેવાની જરૂર નથી. કેમ કે કવિ ‘પુષ્પ’ લખે છે.
‘આપણે તો બોલવાનું બંધ છે’
જોઈ લેશે ક્યાં જમાનો અંધ છે’
એટલે કોરોનાકાળ આપના માટે જાગૃતિનો સુવર્ણયુગ બનીને આવ્યો છે. કોરોનાની દવા- રસી શોધવા આજે વિશ્વભરના વૈજ્ઞાનિકો મંડી પડ્યા છે. એમાં સૌથી આગળ ગુજરાતી ગ્રુપ ‘ઝાઈડસ કેડીલા’ છે. એ આપણા માટે ગૌરવની બીના છે એની અકસીર દવા જયારે આવશે, એ રસી રૂપે અપાશે – એ દિશામાં નક્કર પરિણામો બહુ જ જલ્દી જોવા મળશે તેમાં જરાય શંકા નથી. જગતભરના ચુનંદા વૈજ્ઞાનિકો અને તબીબો પ્રયોગશાળામાં કોરોના રૂપી રાક્ષસનો વધ કરતી દવાઓ બનાવી રહ્યા છે. તેનાં પરિક્ષણોના દાવાઓ થઇ રહ્યા છે.
અત્યારે કોરોનાની પક્કડ ઢીલી પડી છે – એ આશાએ બહુ રાજી થવા જેવું એટલે નથી કે ‘પહેલું સુખ તે જાતે નર્યા’ – એટલે કે આપણી તંદુરસ્તી આપણા હાથમાં છે. જો રોગપ્રતિકારક શક્તિ મજબુત હશે તો જ કોરોનાને મહાત કરી શકાશે. એટલે રોગપ્રતિકારક શક્તિ વધારવા જરૂરી પોષક આહાર અને વ્યાયામ સૌ માટે ખુબ જ મહત્વ ધરાવે છે. સાથે સાથે કોરોનાનું સંક્રમણ કે ચેપ ન લાગે તે હેતુ થી માસ્ક, ગ્લોવ્ઝ, સેનેટાઇઝર, એક મીટરનું અંતર વગેરે જરૂરી છે. કોરોનાના લક્ષણો જેવા કે ખાંસી, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ જેવું જણાય તો તરત જ રાજ્ય હેલ્પલાઈન નંબર ૧૦૪ કે રાષ્ટ્રીય હેલ્પ લાઈન નંબર ૧૦૭૫ ઉપર સંપર્ક તેમજ નજીકના સ્વાસ્થ્ય કેન્દ્રની મુલાકાત લઇ શકાય છે. જરૂરી ટેસ્ટ કરાવીને પોઝીટીવ રીપોર્ટ આવ્યે તાકીદે સારવારની તત્પરતા દાખવવાની તાકીદ આ કોરોનાકાળે આપી છે એમાં બે મત નથી.
ટૂંકમાં ... તંદુરસ્તી જ સંપતિ છે ‘Health is Wealth’ નો સુવિચાર ભણી ગયા, ભણાવી ગયા, પણ હવે એનો જાતે અમલ કરવાનો છે. આ પ્રત્યક્ષ કેળવણી આપણને આ કોરોનાકાળના કારણે જ મળી છે એટલે કે કોરોનાકાળ એ તંદુરસ્તી પામવા માટેનો સુવર્ણયુગ છે અને આપણે એનો સાચો લાભ લઈએ એ જ આપણી સફળતા છે.
અખબારો કે સમૂહ માધ્યમોને ફક્ત મનોરંજનનું સાધન માનતા આપણે લોકો આજે ટીવી, મોબાઈલ, છાપાં વગેરેમાંથી પળેપળની અપડેટ લેતા થઇ ગયા છીએ. રેડઝોન, બફર ઝોન, કન્ટેનમેન્ટ ઝોન વગેરે શબ્દો બહુ જ અગત્યના બની ગયા છે. દરરોજની, દર કલાકની આંકડાકીય માહિતી આપણે જોતા થઇ ગયા, તેમજ લોક ડાઉન થી લઈને અનલોક સુધીમાં કઈ છૂટછાટો મળી – તેની ઝીણામાં ઝીણી વિગતો પ્રત્યે કેટલા જાગૃત બની ગયા આપણે ! આ બધું કોને શીખવ્યું ? – કોરોના કાળે જ ને !
કોરોના વોરીયર્સ તેમજ કોરોનાને મ્હાત આપનારાનું પુષ્પોથી સ્વાગત કોણે શીખવ્યું ? એટલે કોરોનાકાળે જ આપણને જગાડ્યા, ઢંઢોળ્યા, દોડતા કર્યા. માસ્ક, ગ્લોવ્ઝ, સેનેટાઈઝર સુધી અને વધુમાં વધુ આપણી જાત પ્રત્યે વાળ્યા છે આપણને આ કોરોના કાળે..! જાતજાતની ને ભાતભાતની એપ્સના અડાબીડ જંગલમાં ‘આરોગ્ય સેતુ’ એપ આવી, એની ઉપયોગીતા વિશે દાવા – દલીલો આજેય થતા રહ્યા છે. પરંતુ સત્તાના મદમાં સરહદો અને શાંતિમાં પલિતો ચાંપતી મુઠ્ઠીભર મહાસત્તાઓ કોરોનાથી ફફડે છે. થથરે છે. જયારે આપણો ભારત અને આપણું ગુજરાત – કોરોનાથી લડી રહ્યું છે. કોરોના હોય કે કંસ .. અહી એક એક ગોવાળિયો ગોવિંદ છે. અને એટલે જ આ લોકડાઉને પ્રજા તંત્ર, લોકશાહી તેમજ હક્ક અને ફરજ આ બધી બાબતો કાયદાના દાયરામાં છે એવું આપણને ભાન કરાવ્યું છે. એટલે કોરોનાકાળે એક મીટરના અંતરે મનહર ક્ષણો આપી છે. અંતર છે તોય અંતર (હૃદય) તો (એક જ ) છે અને કોરોનાકાળથી જ આપણને શીખવા મળ્યું કે પ્રેમ કે સંવેદના એ હૃદયગત બાબત છે. સ્થૂળ કરતાં સુક્ષ્મ વધુ શક્તિશાળી છે અને એટલે જ ડીઝીટલાઈઝેશનથી તમામ કાર્યો સંપન્ન થઇ રહ્યાં છે અને આ જાણે બનવાનું જ હતું – એની સામે આગોતરાં પગલાં રૂપે નવી દિલ્હીમાં શાસન બદલાતાં પાંચ –છ વર્ષ પૂર્વેથી જ કેશલેસ વ્યવહારો, ડીઝીટલાઈઝેશન તેમજ ઓનલાઈન એડમિનીસ્ટ્રેશનનો આરંભ થઇ ચુક્યો છે . વેબિનારની સંકલ્પના તેમજ ઓનલાઈન વિડીયો કોન્ફરન્સીંગની વધુ સ્વસ્થ તકો કોરોનાકાળ પછી ફરજીયાત બની. પરિણામે સમય, શક્તિ અને નાણાંનો અતિ બચાવ થયો.
*****
ડૉ. કેકા રમેશચંદ્ર ભટ્ટ – નખત્રાણા (કચ્છ), Email : kekabhatt19@gmail.com Mo. 7600220944