ઑનલાઈન શિક્ષણની યથાર્થતા
સારાંશ :
દુનિયાભરમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસથી બચવાના સરકારી ઉપાયોમાં સૌપ્રથમ પગલું એ શાળાઓ અને કૉલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ કરવવાનું ભરવામાં આવ્યું. માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં શાળાઓ અને યુનિવર્સિટીઓ બંધ કરવામાં આવ્યા છે. હવે એ ક્યારે પાછા ખુલશે તે પણ નક્કી નથી, કારણકે કોરનાની અસર ક્યારે પૂર્ણ થશે તે નક્કી નથી. શિક્ષણએ માનવવિકાસની પાયાની જરૂરિયાત છે.જે હાલ સુષુપ્તાઅવસ્થામાં છે. શિક્ષણ વિના કોઈ પણ દેશની ઉન્નતિ શક્ય નથી,એવું વીસમી સદી એ માનવજાતને શીખવ્યું છે. આથી જ હાલ ‘ઑનલાઈન શિક્ષણ’ વિશે ઘણી ચર્ચાઓ થઇ રહી છે.વિજ્ઞાનીકોનાં એક સમુહના મતાઅનુસાર આ વર્ષે કોરોનાની રસી આવે એવી શક્યતા ઓછી છે. તો આવા સમયે ‘ઑનલાઈન પ્લેટફોર્મ’ નાં સહારે ક્યાં સુધી વિદ્યાર્થીઓ શિક્ષણની જરૂરીયાતને પૂર્ણ કરી શકશે?
ચાવીરૂપ શબ્દો : ઑનલાઈન શિક્ષણ, વિદ્યાર્થીઓ, વાલીઓ,શિક્ષક
પ્રસ્તાવના :
પરંપરાગત રીતે શિક્ષણ પુસ્તકોના માધ્યમથી વર્ગખંડોમાં અનુભવી શિક્ષકો દ્વારા આપવામાં આવે છે.આપણા દેશમાં આ પરંપરા યુગો જુની છે. ‘ઉપનિષદ’માં જેનો શાબ્દિક અર્થ ‘ગુરુનાં સાનિધ્યમાં રહી આપવામાં આવતું શિક્ષણ’ એવો આપવામાં આવ્યો છે. સદીઓથી ચાલી આવતી આ પરંપરા માં થોડા સમયથી ખુબ ઝડપી પરિવર્તનો આવી રહ્યા છે. માહિતીસંચાર ટેકનોલોજીના આ યુગમાં બીજા અનેક ક્ષેત્રોની જેમ શિક્ષણમાં પણ ‘ભંગાણ’ થઇ રહયું છે. શિક્ષણની રચના ખુબ જ ઝડપથી બદલાઈ રહી છે. યુટ્યુબ,વિકિપીડિયા,કંટેટ મેનેજમેન્ટ સાઈટસ વગેરેનો પ્રભાવ અને બેઝ્ડ કોચિંગ એ શિક્ષણનાં ક્ષેત્રોમાં ઘણા ફેરફારો લાવી રહ્યાં છે. ‘ઑનલાઈન શિક્ષણ’ પણ આવો જ એક ફેરફાર છે, જેણે નવી તકની સાથે સમસ્યાઓ પણ ઉભી કરી છે.
‘ઑનલાઈન શિક્ષણ’થી ઉત્પન્ન થતી સમસ્યાઓ :
ઑનલાઈન શિક્ષણ સામે સૌ પ્રથમ ત્રણ પડકારો આડે આવે છે. ૧) સ્માર્ટફોન ૨) વીજળી અને ૩) ઇન્ટરનેટ. અત્યારસુધી શિક્ષકો વાલીઓને ફરિયાદ કરતાં કે ‘તમારા બાળકોને મોબાઈલ ફોન વાપરવા ન આપો.જો આપશો તો તેના ખરાબ પરિણામ માટે તમે જ જવાબદાર હશો.’ હવે આજ શિક્ષકો વિદ્યાર્થીઓને મોબાઈલ ફોન વાપરવા આપવાની વાત કરે છે. તે વાત વાલીઓને ગળે ઉતરતી નથી.કારણકે જો એક ઘરમાં ૩ કે એથી વધુ બાળકો હોય તો બધા માટે એક-એક મોબાઈલ ખરીદવો એ કાંઈ નાની સુની વાત નથી,કેમકે ૧૦,૦૦૦/- થી નીચે તો કોઈ પણ સ્માર્ટફોન બજારમાં ઉપલબ્ધ નથી .લોકડાઉનના કારણે ઘણા મહિનાઓથી વાલીઓના નોકરી-ધંધા ઠપ છે.તો એવામાં વાલીઓ માટે બે-ત્રણ તો શું એક સ્માર્ટફોન ખરીદવો એ એક મોટો પ્રશ્ન છે .
સ્માર્ટફોનની ઘણી બધી બદીઓ પણ છે, જેમકે પોર્ન સાઈટથી લઈને સોશિયલ મીડિયા સુધી ટીકટોક પર ભલે સરકારે હાલ પ્રતિબંધ મુક્યો હોય,પરંતુ આવી બીજી એની ભગિની જેવી એપ્સ પણ ઉપલબ્ધ છે. બાળકો તેના રવાડે ન ચડી જાય તેનું ધ્યાન રાખવા માટે વાલીઓએ સતત તેમના પર નજર રાખવી શક્ય નથી.
બીજો પ્રશ્ન ઇન્ટરનેટ સાથે વીજળીનો છે.ઉચ્ચ મધ્યમવર્ગ અને અમીરવર્ગને આ પ્રશ્ન ન નડશે.તેઓને તો મોંઘા ભાવે મળતું હાઈસ્પીડ ઇન્ટરનેટ પોસાઈ શકે છે. પરંતુ દેશનો મોટા ભાગનો વર્ગ નિમ્ન મધ્યમ અને ગરીબ છે. તેમના સંતાનોનું શું? તેઓના મોબાઈલ ડેટાની જે સ્પીડ હોય છે, તેમાં અડચણ વિના શિક્ષણ મેળવવું અશક્ય છે.
આ સાથે ત્રીજો પ્રશ્ન વીજળીનો પણ છે. મહાસત્તા બનવાના સ્વપ્ન જોતા ભારત દેશમાં હાલતા ને ચાલતા વીજળી જતી રહે છે એવા સમયે ફોન, ટેબલેટ કે લેપટોપ ચાર્જ રાખવાની સમસ્યા ઉભી થાય છે ‘ઑનલાઈન શિક્ષણ’ના સમયે જ વીજળી ન હોય અને સ્માર્ટફોન, ટેબલેટ કે લેપટોપ ચાર્જ ન હોય તો શું થશે ? નેટની સ્પીડ ધીમી હોય તો પણ વિદ્યાર્થીઓએ વર્ગ કેવી રીતે ભરવા ? ઘણી શિક્ષણની સંસ્થાઓ જીવંત પ્રસારણ કરી વર્ગ લઇ રહી છે .જેમાં રેકોડીંગની કોઈ સુવિધા નથી.એવા સમયે વિદ્યાર્થીઓ ઘણી મુશ્કેલીઓ અનુભવે છે.અમુક વિસ્તારમાં અમુક કંપનીનું જ ઇન્ટરનેટ પ્રાપ્ય હોય છે. અમુક મોબાઈલ કંપનીના ટાવર અમુક જગ્યા એ પકડાતા હોય છે.આવી નાની-મોટી સમસ્યાઓ પણ વિદ્યાર્થીઓને નડે છે.
‘ઑનલાઈન શિક્ષણ’એ લાંબા ગળાનાં ભાઈબંધ નથી, કેમકે આ ઑનલાઈન સુવિધા–ટુ-ડી અર્થાત ‘દ્વીપરિમાર્ગીય’ છે. માનવજન્મથી ‘ત્રિપરિમાણ’માં જીવવા ટેવાયેલો છે.લંબાઈ અને પહોળાઈ સિવાય ઉંડાઈ મનુષ્યને વધુ આકર્ષિત કરે છે. ઉંડાઈ અર્થાત ગહેરાઈ માનવને અનુભવની આધારશીલા પ્રદાન કરે છે.બ્લેકબોર્ડ અને ડસ્તરના ઉપયોગથી વર્ગખંડમાં અપાતું શિક્ષણ કાર્ય થ્રી-ડી-ઈફેક્ટ આપે છે,આથી વિદ્યાર્થીનું ધ્યાન ત્યાં વધુ કેંદ્રીત થાય છે.
વર્ગખંડનુ શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તક પૂરતું સીમિત હોતું નથી,એ સિવાય શિષ્ટાચાર અને શિસ્તના પાઠ પણ શિક્ષક સાથે સાથે વિદ્યાર્થીઓને શીખવતા જાય છે.જો શાળાના વર્ગખંડમાં કોઈ વિદ્યાર્થી ગેરવર્તણૂક કરે તો શિક્ષક તેને ઠપકો આપીને સમજાવી શકે છે.આથી વિદ્યાર્થી પણ શિક્ષકના ઠપકાને ગંભીરતાથી લઈને શિસ્તનું પાલન કરતા શીખે છે. ‘ઑનલાઈન શિક્ષણ’માં આવી સંભાવનાઓને કોઈ સ્થાન નથી. ‘ઑનલાઈન શિક્ષણ’માં શિક્ષક વિદ્યાર્થીને ઠપકો આપે તો વિદ્યાર્થી ફોન,ટેબલેટ કે લેપટોપ બંધ ન કરે તેની શું ખાતરી?
વિદ્યાર્થીઓને શિક્ષકના હુંફાળા શબ્દો અને લાગણી સાથે ખુબ જ સીધો સંબંધ હોય છે.એમાય ખાસ કરીને પ્રાથમિક વિભાગમાં જો શિક્ષક કે શિક્ષિકા એને વ્યક્તિગત રીતે સમજાવે ,બોલાવે અને વહાલ કરે એ જ ઘણી વખત એને ભણવામાં ધ્યાન આપવા પૂરતું હોય છે. ‘ઑનલાઈન શિક્ષણ’માં આ વ્યક્તિગત અંશ હંમેશા ખૂટશે.
બાળરોગ નિષ્ણાત ડૉ.આઈ.કે.વીજળીવાળાના મતાનુસાર જો વિદ્યાર્થી એક ઇંચ માથું આગળ નમાવીને બેસે તો ડોકના સ્નાયુઓ પર ૧૦ પાઉન્ડ એટલે કે ૫ કિલોગ્રામનું પ્રેશર આવે છે .જો બાળક ૫ ઇંચ માથું નમાવે (જે સામાન્ય છે ) તો એની ડોકના સ્નાયુઓ પર ૫૦ પાઉન્ડથી વધારે એટલે કે લગભગ સવા મણ (૨૫ કિલોગ્રામ) જેટલું પ્રેશર આવે છે.જે લાંબાગાળે ખુબ જ નુકશાન કરે છે.
સોર્સ: સ્ક્રીન ઇન્ડિયાનાં અહેવાલ મુજબ ગુજરાતમાં ૬૦% લોકો ગામડામાં રહે છે. એમાં ફક્ત ૧૮ થી ૨૦ % લોકો પાસે જ ટીવી સેટ્સ છે, બાકીના ૮૦% બાળકો કઈ રીતે ભણી શકે ?
ટાઈમ્સ ઑફ ઇન્ડિયાના ૧૬ સપ્ટેમ્બર ૨૦૧૯ ના એક અહેવાલ મુજબ ગુજરાતમાં ૧૦૪ મોબાઈલ ઘરાકોમાંથી ઇન્ટરનેટનો વપરાશ ફક્ત ૪૨ જણ જ કરે છે. એટલે કે મોબઈલ ધરાવતા લોકોમાંથી પણ ૪૦% લોકો જ ઈન્ટરનેટનો વપરાશ કરે છે. જો ગામડામાં ૨૦% લોકો પાસે મોબઈલ જ ન હોય તો આ રેશિયો વધારે નીચે જાય છે. તો આ રીતે વિદ્યાર્થીઓ સુધી શિક્ષણ પહોંચે કઈ રીતે ?
એક અભ્યાસ મુજબ કૉલેજમાં ભણતા વિદ્યાર્થીઓને પણ ૧ થી ૨ કલાક ફોનનાં ઉપયોગ પછી તપાસવામાં આવે છે તો તેઓમાં પણ ચિડિયાપણું, ડીપ્રેશન, માનસિક તાણ વગેરે જેવી તકલીફો જોવા મળે છે. તો પછી નાનકડાં બાળકો કે જેમનું મગજ દશેક વરસ સુધી હજુ વિકસતું જ હોય છે,એમના માનસ પર કેવી અસર થઈ શકે તે વિચારવું રહ્યું.
ઉપસંહાર :
જીવનમાં કેટલાક પરિવર્તનો અનિવાર્ય હોય છે.તેના ફાયદા અને ગેરફાયદા બન્ને હોય છે.ફાયદોએ છે કે ‘અગાઉ જડ બની ગયેલી અને સ્વયભું પરિવર્તન ન કરનારી વ્યવસ્થાને ફરજીયાત પણે બદલવું પડે છે.’ જ્યારે ગેરફાયદો એ છે કે ‘આવા ફરજીયાત અને અનિવાર્ય બદલાવ સાથે નવા પડકાર પણ ઉભા કરે છે.’જેનું ટૂંક સમયમાં કોઈ સમાધાન હાથ લાગતું નથી. ‘ઑનલાઈન શિક્ષણ’એ આવુંજ અલગ એક પરિવર્તન છે. જેણે નવી તકો ઉભી કરવાની સાથે સાથે અવ્યવસ્થા પણ ઉભી કરી છે .નવી તક વિદ્યાર્થી ને માટે કઈ રીતે સુલભ બનાવવી અને સર્જાયેલી અવ્યવસ્થા કઈ રીતે દૂર કરવી તે વિષય શિક્ષકો,વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે માથાનો દુઃખાવો બની ગયો છે.
સંદર્ભસૂચિ:
1. સોર્સ: સ્ક્રીન ઇન્ડિયાનો અહેવાલ (૨૦૨૦)
2. ટાઈમ્સ ઑફ ઇન્ડિયાના ૧૬ સપ્ટેમ્બર ૨૦૧૯ ના એક અહેવાલ
3. (n.d.). Retrieved July 10, 2017, from www.gidb.org:http://www.gidb.org/education-education-system-in-gujarat
4. http://aishe.gov.in. (n.d.). Retrieved July 10, 2017, from aishe.gov.in
5. http://scopegujarat.org/. (n.d.). Retrieved July 10, 2017, from http://scopegujarat.org/
6. www.britishcouncil.in. (n.d.). Retrieved July 9, 2017, from https://www.britishcouncil.in
7. www.dte.gswan.gov.in/. (n.d.). Retrieved July 2, 2017, from www.dte.gswan.gov.in: http://www.dte.gswan.gov.in/edte/Portal/News/1085_1_SSIP-08022017-72.pdf
8. www.kcg.gujarat.gov.in. (n.d.). Retrieved 7 9, 2017, from www.kcg.gujarat.gov.in
*****
Kavisha Patel, Research Scholar, Veer Narmad South Gujarat University, Surat