કોરોના અને કેટલાક ગીતો
સાહિત્ય એ જીવાતા જીવનનું પ્રતિબિંબ છે. માનવના જીવાતા જીવન સાથે થોડી કલ્પના અને રચના પ્રયુક્તિનું નાવિન્ય ભેળવી સર્જક આપણને સાહિત્યના નવોન્મેષના સ્વાદ ચખાડતાં હોય છે. આ નવોન્મેષમાં સાંપ્રત ઘટના મહત્ત્વની ભૂમિકા ભજવતી હોય છે. આજે જો સાંપ્રત સમયની વાત કરું તો કોરોના સિવાય મગજમાં કંઈ સ્થાન પામે એવો અવકાશ જ નથી રહ્યો. અચાનક આવી પડેલ આ મહામારીએ લોકોના જીવન પર એવી અસર કરી છે કે ભલભલાની ગાડી પાટા પરથી ઉતરી ગઈ છે. પરતું ગુજરાતી જેનું નામ... ભલભલી મુસીબતને પણ હસતે મોઢે ખમી જનાર આપણા ખમીરવંતા ગુજરાતીઓએ આ મહામારીને પણ શબ્દ અને સંગીતના ઢાળે ચડાવી. ક્યાંક ચેતવ્યા તો ક્યાંક હૈયે ધરપત આપી. ક્યાંક બદલાતી સામાજિક સ્થિતિનું તો ક્યાંક બદલાતા વ્યવહારોનું નિરૂપણ પોતાની સમજણ મુજબ કર્યું અને મોકળા કંઠે ગાયું. આજે મારે આવા જ થોડાંક ગાણાં વિશે વાત કરવી છે.
આ ગીતો જે સોશિયલ મીડિયાના માધ્યમથી મારા સુધી પહોચ્યાં એવા જ કોઈ બીજા સોશિયલ મીડિયાના માધ્યમથી આપ સુધી પણ પહોચ્યાં જ હશે. તમે પણ એને માણ્યા હશે. કોરોના અડવાથી ફેલાય છે અને કોરોનાના ભયને કારણે વતન પહોંચેલ લોકો ગાય છે કે, `અમને અડશોમાં કોરાનો લાગશે...' આમ ગીતની ધ્રુવ પંક્તિ જ લોકોને સાવચેત કરતું આ ગીત જુઓ...
અમને અડશોમાં કોરાનો આવશે
અમને અડશોમાં કોરાનો આવશે,
પછી નાવાને ક્યાં જાશો ...અમને અડશોમાં...
સ્વાઈન ફ્લુને ડેન્ગ્યું આવ્યો, ચીકન ગુનિયાએ અજવાળ્યાં
કોરોના તો વિશ્વમાં વ્યાપ્યો હાહાકાર મચાવ્યો... અમને અડશોમાં...
સુરતવાળા ભાઈને બહેનો દેશમાં પાછાં આવો,
દેશ વાળાએ ડેલાં ખુલ્લાં મેલ્યાં છે સંપીને સૌ રહેજો... અમને અડશોમાં...
હાથ-પગ ધોજો, માસ્ક બાંધી રાખો,
શાક-માર્કેટમાં નો જાજો, તમે ઘરમાં હોય તે રાંધો... અમને અડશોમાં...
મધ્યમ વર્ગના બૌ મુંજાણા, લોકડાઉન લાંબાણા,
સુરક્ષિત થઇ ઘરમાં રહેજો, કોરોના ભાગી જાહેં... અમને અડશોમાં... (૧)
આ ગીત કોરોના મહામારીમાં કેવી સાવચેતી રાખવી જોઈએ તે શીખવી જાય છે. જેમાં અડવાની મનાઈ હોય કે પછી નાવાની અને હાથ ધોવાની બાબત હોય, માસ્ક પહેરવાની વાત હોય કે, ભીડમાં ન જવાની વાત હોય... સરળ ભાષામાં લોકોને સાવચેતીના પાઠ શીખવતા શીખવતા લોકડાઉન અને મધ્યમ વર્ગની સ્થિતિની અને વતનમાં સંપીને રહેવાની સલાહ પણ આપી છે. આ ગીત ગાનાર બહેન ઘઉં સાફ કરતાં કરતાં ગાતા હોય છે. આ ગીતમાં અગાઉ આવેલા રોગનો ઉલ્લેખ અને કોરોના મહામારીની વૈશ્વિક અસર વિશે પણ વાત કરવામાં આવી છે.
આવું જ એક બીજું ગીત જે ભવાઈના ઢાળમાં રચાયું છે. જેમાં ઉપરના ગીતની જેમ જ કોરોનામાં સાવચેતીના પગલા સંદર્ભે વાત કરવામાં આવી છે. અહિ સાવચેતી સાથે કોરોના વોરીયર્સને બિરદાવવાનું કાર્ય અને તેમને સહયોગ આપવાનું સૂચન પણ થયું છે.
કોરોના ની ભવાઈ
હે... આજે વેરી રે બનીને વાયરસ આ...વીયો રે...
હે કોરોના એ કર્યો કાળો કેર...(૨) વેરી રે બનીને....
હે આજે બહાર જવાની મમતા મેલી રે દીયો...
હે રાખો તમે લોકડાઉનની લાજ....(૨) વેરી રે બનીને...
હે ... આજે ડોક્ટરને માનજો રે દુનિયાના દેવતા રે...
હે પોલીસોનો માનો તમે પાડ...(૨) વેરી રે બનીને...
હે... આજે સફાઇ કામદારની સેવા તમે સાચી રે માનો,
હે સહકાર આપો અપરંપાર...(૨) વેરી રે બનીને...
હે... આજે દુઃખના દિવસો રે હમણાં વિયા રે જાહેં,
કે હારો નહિ હૈયા કેરી હામ...(૨) વેરી રે બનીને ....
હે... આજે આટલી અરદાયું અમારી માની રે લેજો,
હે વિદેશોથી રે'જો વીસ ફૂટ દૂર...(૨) વેરી રે બનીને...(૨)
ધંધા-રોજગાર અર્થે સૌરષ્ટ્રના અનેક ગામડાઓમાંથી લોકોએ સુરતની વાટ પકડેલ. એક સમયે તો સુરતનો મોહ એટલો વધ્યો કે અમુક જ્ઞાતિમાં લગ્ન માટે પણ દીકરાઓએ ફરજીયાત સુરતમાં વસવાટ શોધવો પડ્યો. ઢોર-વાસિંદુ અને ગામડાંની સુગ એવી તો પેસી ગઈ કે ધીરે ધીરે ગામડાં ખાલી થવા લાગ્યા હતાં. મરચુંને રોટલો ખાઈને પણ જે સુરતમાં સ્થિર થવા માંગતા હતાં તેવાથી માંડી ભલભલા લોકો કોરોનાના ભયને કારણે રાતો-રાત જે વાહન મળ્યું એમાં ગામડે પહોંચી ગયા. અંતે તો જેનાથી સૂગ હતી એ ગામડાંએ જ એમને આશરો આપ્યો. જાણે પોતાની ભૂલ સ્વીકારતા હોય એમ સુરતથી આવેલા લોકો પોતાના ગ્રામ જનોને કહેતા હોય છે કે, `ઉઘાડો ડેલો અમે સુરતથી આવ્યા...'
ઉઘાડો ડેલો અમે સુરત થી આવ્યા...
ઉઘાડો ડેલો અમે સુરત થી આવ્યા...(૨)
રાતોરાત ભાગી નીકળ્યા,
ભાડાંની તો ગાડી લીધી,
છોકરા વારું સાથે લીધા,
વચમાં તો પોલીસ મળી,
ડંડે ડંડે માર્યા રે...
ઉઘાડો દરવાજો અમે સુરતથી આવ્યા...
પેલા તો અમે કે'તા તા
મરચું ને રોટલો ખાવો છે,
સુરતમાં રે'વું છે,
કોરોનાનો રોગ આવ્યો,
રાતોરાત ભાગ્યા રે....
ઉઘાડો દરવાજો અમે સુરતથી આવ્યા...
છોકરાનું વેહવાળ કરવું,
સુરત હોય તો વેહવાળ કરીએ,
દેહમાં તો દેવી નથી,
ગામડામાં રે'વું નથી,
ડોહલાંને સાચવવા નથી,
ગામડે આશરો દીધો રે....
ઉઘાડો ડેલો અમે સુરતથી આવ્યા... (૩)
આ ગીત કોરોનાના સમયમાં સૌથી વધુ પ્રચલિત થયું હતું. `ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા' ગીતના ઢાળમાં રચાયેલ આ ગીત બીજા એક પાઠ ભેદે આ રીતે પ્રાપ્ત થાય છે,
કોરોના નો કેર ફાટ્યો,
ભાડાની તો ગાડી બંધાવી
ગાડી મા રે અમે બેઠ્યા
અધવચ્ચે પોલીસે પકડ્યા
ડંડે ડંડે માર્યા રે...
આ ગીતમાં અચાનક વતન તરફનું પ્રયાણ તો છે જ પણ સાથે પોલીસ દ્વારા લોકડાઉન ભંગને તેને કારણે મળતી સજાનો રમુજ સાથે ઉલ્લેખ પણ છે. આમ હાસ્યની શૈલીમાં હળવા શબ્દો સાથે ગામડાને સમજવાનો એક ગૂઢ અર્થ પણ આ ગીતમાં વણાઈ ગયો છે. બીજા એક પાઠભેદમાં એક આખો અંતરો ઉમેરાય છે. જેમાં ગામડાના કામ કરવાની સૂગ કોરોનાએ કેવી ભગાડી તેનો ઉલ્લેખ થાય છે. કોરોના વિશે વાત થાય ત્યારે એના દ્વારા થયેલ તારાજીની વાત તો સૌ કરશે પણ કોરોનાના ભયે લોકોને અમુક સત્યનો સામનો પણ કરાવ્યો જે એક જમા પાસું બને છે. જેનો ઉલ્લેખ આ ગીતમાં થયો છે :
ખેતી મારે કરવી નથી
ચૂલે ચડવું ગમતું નથી
એ.સી. વિના ફાવતું નથી
`જોડે રે'જો રાજ'ના ઢાળમાં લખાયેલ વધુ આ એક ગીત જોશો તો તેમાં કોરોનાની મહામારીમાં સાવચેત રહેવાની વાત જ કરવામાં આવી છે. કોરોનામાં અમુક અંતર જરૂરી છે તેમ આ ગીતમાં પણ દૂર રહેવાની સલાહ અપાઈ છે. કોરોના હોય કે ન હોય સાવચેતી જરૂરી છે, તેવી વાત અહિ કરાઈ છે.
આધા રે'જો રાજ ...
આઘા રે'જો રાજ, થોડાં આઘા રે'જો રાજ, આઘા રેહજો રાજ,
અમે આધા રે'શુ રાજ, અમે આઘા રે'શુ રાજ,
ભલે કોરોના આવે કે ના આવે... અમે આઘા રે'શુ રાજ...
આઘા રે'જો રાજ...
આમ ન જાશો તેમ ન જાશો, તમે જાશો નહિ ઘરની બા'ર રે...(૨)
બા'ર જશો તો કોરોના લાગશે, પછી કાંઈ નહિ રે હાથ રે...(૨)
ભલે પોઝિટિવ હોય કે નેગેટિવ હોય, તમે આઘા રે’જો રાજ....
આધા રે'જો રાજ ...
આમ શોધો તેમ શોધો, શોધો મોઢાના માસ્ક રે...(૨)
ફ્રુટ ધોજો શાકભાજી ધોજો, ધોજો બરાબર હાથ રે...(૨)
માસ્ક મળે કે ન મળે, તમે રૂમાલ બાંધજો રાજ....
આઘા રે'જો રાજ...
ચાઈનાથી આવ્યો, ભલે ને આવ્યો, ભારતમાં નહીં મળે માન રે...(૨)
હાય ચીનીયા હોય ચીનીયા, તને પીટશે જગતના લોક રે...(૨)
કોરોના તું તો ચાલ્યો જાજે, ઊભી પૂંછડીએ રે...
આજ આઘા રે'જો રાજ...(૪)
આ ગીતમાં સાવચેતી અને સલામતીના પગલાઓ સાથે કોરોના ચીનથી આવેલ હોઇ તેને ચીનીયો કહી `હાય ચીનીયા હોય ચીનીયા' તેમ કહી તેના નામના છાજીયા પણ અંતની પંક્તિઓમાં ગવાયા છે. માણસ જ્યારે કોઈ સ્થિતિમાં લાચાર બની જાય ત્યારે ઈશ્વરનું શરણ લેતા હોઈએ છીએ. હવે પછીના ગીતમાં પણ આવી રીતે આ મહામારીને કુદરતની લીલા કહી તેમાંથી પાર ઉતારવા લોકડાઉનના નિયમનો ચુસ્ત પાલન કરવાની અને સરકારી આદેશ મુજબ ચાલવાની વાત કરવામાં આવી છે.
કુદરતની લીલા
જુઓ કુદરતની આ લીલા
કેવી કુદરતની છે લીલા
જગત આખું ધ્રૂજી ઉઠ્યું રે...(૨) મહાભયમાં
જુઓ કુદરતની લીલા ...
આજે લાચાર થયા માનવીઓ, કેવો અચાનક કોરોના આવ્યો (૨)
ક્યારે આવું જોયું નથી રે...(૨) જીવનમાં
જુઓ કુદરતની આ લીલા
ચાઇના દેશમાં વાયરસ જનમ્યો, ખૂબ જ ઝડપથી જગમાં ફેલાયો (૨)
કે નથી કાંઈ દવા મળતી રે... કે નથી કાંઈ રસી મળતી દુનિયામાં...
જુઓ કુદરતની આ લીલા
પોલીસ તંત્રને સહયોગ આપો, સૌ આરોગ્ય સેવાને માનો... (૨)
કે થોડાં થોડાં દૂર રહીએ રે (૨) સમજીને
જુઓ કુદરતની લીલા
જુઓ વિમાન મથકને રેલ્વે, સુના લાગે છે એમના સ્થાને...(૨)
કે સમય આવ્યો લોકડાઉનનો રે...(૨) ઘર ઘરમાં
જુઓ કુદરતની આ લીલા
પીએમ મોદી સાહેબનું કામ સારું, આપ્યું બચવાનું એક જ બારું (૨)
કે સંયમ સાથે ઘરે રહેજો રે...(૨) સમજીને...
જુઓ કુદરતની આ લીલા
સરકાર તંત્ર છે સૌની સાથે, આપણે રહીએ સરકારની સાથે (૨)
પરસ્પર વેઠી લઈએ રે... (૨) મુસીબતને ...
જુઓ કુદરતની આ લીલા
દયા ધર્મને કદી ન ભૂલીએ, નિત્ય માનવતામાં રહીએ... (૨)
જીવનને ધન્ય કરીએ રે... (૨) કળિયુગમાં...
જુઓ કુદરતની આ લીલા
હા..રે આપણા દેશની વસ્તુ લેજો, દેશને આત્મનિર્ભર બનાવજો... (૨)
કે સાહેલડીની વિનંતી ઉરમાં લેજો... (૨) સમજીને
જુઓ કુદરતની આ લીલા (૫)
`ગોકુળમાં આજ દિવાળી' ઢાળમાં રચાયેલ આ ગીતના પણ એકથી વધુ પાઠભેદ જોવા મળે છે. જેમાં એક પાઠમાં અંતિમ પંક્તિઓ સામેલ છે તો બીજા પાઠમાં આ આત્મનિર્ભર બનવાની વાતનો ઉલ્લેખ જોવા મળતો નથી.
આ ગીતોની સમાનતા એ છે કે આ ગીતો મુખ્યત્વે સુરતથી આવેલ પટેલ બહેનોના મુખેથી મળ્યા છે. આ ગીતોના ઘણા ખરા લક્ષણો લોક સાહિત્યને મળતા આવે છે. જેમાં આ ગીતોની ભાષા અને લોકગીતના લય અને ઢાળ તેને લોકગીત તરફ ખેંચી જાય છે. છતાં આ ગીતોને લોકગીત કહેવાની ઉતાવળ હું નહિ કરું. આજે જો પ્રયાસ કરીએ તો કદાચ આ ગીતોના રચયિતા સુધી પહોંચી શકાય એમ છે. હાલ આ ગીતો સાંપ્રત છે. સમૂહનું સંવેદન આ ગીતોમાં ધબકી રહ્યું છે. લોકો કંઠ પરંપરાએ આ ગીતોને ગાઈ રહ્યાં છે. બની શકે કાળ ક્રમે આ ગીતોના સર્જક સુધી પહોંચવાનો માર્ગ ભૂસાઈ જાય અને આપણે ભવિષ્યમાં કોરોના સમયના લોકગીત તરીકે આ ગીતોને મૂલવી દઈએ તો નવાઇ નહિ.
સંદર્ભ :
*****
જિજ્ઞાબા અજીતસિંહ રાણા, મદદનીશ પ્રાધ્યાપક(ગુજરાતી) સરકારી વિનયન કૉલેજ, વલ્લભીપુર. e-mail: jigna.msu@gmail.com મો. ૮૬૯૦૩૨૭૩૨૭