ગુજરાતના ગ્રામીણ વિસ્તારના નબળા વર્ગના કુટુંબોનાં સામાજિક આર્થિક જીવન પર કોરોના કોવિડ- 19 અને લોકડાઉનની પડેલી અસરોઃ એક સમાજશાસ્ત્રીય અભ્યાસ
પ્રસ્તાવના:
દેશ અને દુનિયાના અન્ય દેશોમાં કોરોના કોવિડ-19ની મહામારીની પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે ભારત સરકારે રરમી એપ્રિલ ૨૦૨૦થી સમગ્ર દેશમાં લોક ડાઉન કર્યુ હતુ. જેનાથી દેશની અર્થવ્યવસ્થા તેમજ સામાજિક જનજીવન પણ વિકટ પરિસ્થિતિમાં મુકાયો હતો. જો કે કેન્દ્ર સરકાર અને રાજય સરકારોના સન્નિષ્ટ પ્રયાસો થકી બાકી દેશોની તુલનામાં દેશમાં આવેલી મહામારીને કેટલેકઅંશે નિયંત્રિત કરી શકયા.
કોરોના કોવિડ -19 મહામારીની વિકટ પરિસ્થિતિમાં દેશના તમામ ક્ષેત્રો પ્રભાવિત થતાં દેશના તમામ વર્ગના લોકોને એક યા બીજી રીતે મુશ્કેલી વેઠવી પડી છે. ત્યારે સમાજનો એક હિસ્સો એવા સમાજના નબળા વર્ગો જેવા કે આદિવાસી સમુદાય, અનુસૂચિત જ્ઞાતિ અને અન્ય પછાત વર્ગોના કુટુંબો કે જેઓ ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં વસવાટ કરનારા છે અને સ્થાનિક તેમજ અન્યત્ર ધંધા રોજગારીથી આજીવિકા મેળવી જીવન જીવનારા છે તેથી આ વર્ગના કુટુંબોનું સામાજિક - આર્થિક જનજીવન પણ પ્રભાવિત થતાં તેમના સામાજિક - આર્થિક પ્રશ્નો અંગેની વાસ્તવિક પરિસ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો હતો. (પ્રસ્તુત અભ્યાસમાં 10 મે સુધીની સ્થિતિએ પ્રાપ્ત માહિતીના આધારે અભ્યાસના તારણો રજૂ કર્યા છે.)
પ્રસ્તુત સંશોધન અભ્યાસ માટે માહિતીના સાધન તરીકે ગુગલ ફોર્મ તૈયાર કરી સોસ્યલ મિડિયા ઘ્વારા ગુજરાતના કુલ 17 જિલ્લાઓ અને 30 તાલુકાના 50 ગામોમાંથી માહિતી મેળવી હતી.
પ્રસ્તુત સંશોધન અભ્યાસમાં ખાસ કરીને નબળા વર્ગોમાં કૌટુંબિક સમસ્યા અને ગ્રામ સ્તરે ઉભી થયેલી સમસ્યાઓને જાણવાનો પ્રયાસ કર્યો હતો. સાથો સાથ તેમની સમસ્યાઓને હલ કરવા માટે કેન્દ્ર સરકાર અને રાજય સરકાર ઘ્વારા અપાયેલ સહાય અને રાહત પેકેજોની નબળા વર્ગના લોકો સુધીની પહોંચ વિશે જાણવાનો પ્રયાસ હતો. જે અંગે નીચે મુજબના તારણો મળ્યા હતા.
અભ્યાસ હેઠળના ઉતરદાતાઓની સામાજિક- આર્થિક પૃષ્ઠભૂમિઃ
ગુજરાતના ગ્રામીણ વિસ્તારના ઉતરદાતાઓમાંથી 70.6 ટકા અનુસૂચિત જનજાતિ(આદિવાસી) સમુદાયના હતા જયારે 5.9 ટકા અનુસૂચિન જાતિ અને ર3.5 ટકા કુટુંબો અન્ય પછાત વર્ગના કુટુંબોના ઉતરદાતા ઘ્વારા માહિતી મેળવી હતી. જેમાં ર0 ટકા મહિલા અને 80 ટકા પુરુષોએ પ્રતિભાવ આપ્યા હતા.
માહિતી આપનાર ઉતરદાતાઓમાંથી 39 ટકા ગરીબી રેખાથી ઉપરના હતા જયારે 55 ટકા ગરીબી રેખાથી નીચેના કુટુંબો હતા. કાર્ડ વિહોણા 4 ટકા અને શ્રમયોગી ર ટકા હતા.
સર્વેમાં જે ઉતરદાતઓએ માહિતી આપી હતી તેઓમાં શિક્ષણનું સ્તર આધારિત જોતાં 70.58 ટકા અનુસ્નાતક, 13.7ર સ્નાતક, માઘ્યમિક અને ઉ. માઘ્યમિક સુધી શિક્ષણ ધરાવતા ઉતરદાતાઓનું પ્રમાણ 15.70 ટકા હતુ.
સર્વેમાં આવરી લીધેલા કુટુંબોને વ્યાવસાયિક રીતે જોતાં મોટા ભાગના(78 ટકા) કુટુંબો ખેતી, પશુપાલનની પ્રવૃતિ સાથે સંકળાયેલા છે જયારે રર ટકા જેટલા કુટુંબો નોકરી અને અન્ય ધંધા રોજગાર સાથે સંકળાયેલા હતા. આથી લોક ડાઉનની પરિસ્થિતિમાં ખાસ કરીને ખેતી, પશુપાલનથી આજીવિકા મેળવનારા છે તેઓ તેમની રોજીંદી પ્રવૃતિમાં વ્યસ્ત હતા જયારે નોકરી કરનારા વર્ક ફ્રોમ હોમ થી કામ કરતા હોવાનું જણાવ્યુ હતુ પરંતુ જે લોકો અન્ય ધંધા રોજગાર સાથે સંકળાયેલા છે તેવા કુટુંબોના વ્યકિતઓ મુખ્યત્વે ટી.વી, મોબાઈલ અને ઘરકામની પ્રવૃતિ કરી સમય ગાળતા હોવાનુ જણાવ્યું હતુ.
અભ્યાસ હેઠળના કુલ 50 ગામોમાંથી 60 ટકા ઉતરદાતઓના મતે પોતાના ગામમાંથી અન્ય સ્થળે ધંધા રોજગારી અર્થે ગયેલા લોકો લોકડાઉનની પરિસ્થિતિમાં અટવાયેલા હોવાનું જણાવ્યુ હતુ. જેમાં 47.6 ટકા ઉતરદાતાઓના મતે ઔદ્યોગિક શ્રમીકો હતા જયારે 9.80 ટકા ઉતરદાતાઓના મતે સામાજિક - ધાર્મિક કારણોસર ગામમાંથી અન્ય સ્થળે ગામના લોકો અટવાઈ ગયેલા જણાવ્યુ હતુ. અભ્યાસના ગામોમાંથી જે વ્યકિતઓ ફસાયેલા હતા તેઓને પડેલી મુશ્કેલીઓમાં (1) આરોગ્યને લગતી મુશ્કેલી (ર) કુટુંબથી વિખૂટા પડવુ (3) ખોરાકની મુશ્કેલી (4) નાણાની મુશ્કેલી અને (5) રહેઠાણની મુશ્કેલી મુખત્વે ગણાવી હતી.
રાજયના અભ્યાસ હેઠળના જિલ્લાઓ અને તાલુકાઓના ગામોમાં વસવાટ કરતા ઉતરદાતાઓએ લોકડાઉનની પરિસ્થિતિમાં નીચે મુજબની આર્થિક અને સામાજિક મુશ્કેલીઓ ગણાવી હતી.
આર્થિક મુશ્કેલીઓમાં મોંઘવારીમાં વધારો, રોજીંદી ચિજવસ્તુઓ નહી મળવી, દૈનિક રોજગારી નહી મળવી, કુટુંબમાં સભ્યોનું ભરણ પોષણની મુશ્કેલી, ખેતી માટે બિયારણ અને ખાતર સમયસર મળવાની મુશ્કેલી, ખેત ઉપજ બજારમાં સમયસર વેચાણ કરી શકાતુ નથી તેમજ પોષણક્ષમ બજારભાવ નહી મળવા જેવી આર્થિક સમસ્યાઓ ગણાવી હતી.
કોરોનો મહામારી અને લોકડાઉનની પરિસ્થિતિમાં દરેક કુટુંબોની સરેરાશ મહિનાની આવકમાં પહેલાની તુલનાએ ઘટાડો નોંધાયો હતો. પરંતુ 15.7 ટકાના મતે તેમના કુટુંબની મહિનાની સરેરાશ આવક શુન્ય થઈ ગઈ હતી.
ગ્રામીણ વિસ્તારના નબળા વર્ગના કુટુંબોની સામાજિક સમસ્યાઓમાં મુખ્યત્વે બાળકોના શિક્ષણ પર અસર, કુટુંબના સભ્યો વચ્ચે ઝગડા વઘ્યા, લોકો વચ્ચે સામાજિક સંપર્કો તૂટયા જેનાથી લગ્ન પ્રસંગો અટવાયા, બિમાર વ્યકિતને મળવામાં મુશ્કેલી સાથે સમયસર સારવાર લેવામાં મુશ્કેલી પડવાથી કુટુંબના અન્યો સભ્યોની માનસિક તાણની સ્થિતિનો ભોગ બન્યા હતા. કુટુંબના સભ્યોનો સ્વભાવ પહેલાની તુલનામાં ચિડચિડયાપણું વઘ્યુ હોવાનું જણાવેલ. નોંધનિય બાબત એ હતી કે, અભ્યાસ હેઠળ 68.6 ટકા ઉતરદાતાઓના મતે કોરોના કોવિડ-19 મહામારી અને લોકડાઉનની પરિસ્થિતિમાં માનસિક તાણનો અનુભવ કરતા હોવાનું માલુમ પડયુ હતું.
ગ્રામ સ્તરે ઉભી થયેલ સમસ્યાઓઃ
કોરોના મહામારી અને લોકડાઉનના પરિણામે ગ્રામ સ્તરે ઉભી થયેલી સમસ્યાઓમાં નીચે મુજબની બાબતો જાણવા મળી હતી.
- ગામમાંથી શહેરોમાં સ્થળાંતર કરી રોજગારી મેળવતા મજુરોની આર્થિક સ્થિતિ કથળી હતી.
- ગામના જાહેર ચોરા પર લોકોનું બેસવાનું બંધ થવાથી સામાજિક અંતર વઘ્યું.
- ગામોમાં સ્થાનિક સામાજિક કાર્યો પર પ્રતિબંધ હોવાથી શુભ તેમજ અશુભ કાર્યમાં હાજરી આપી શકાતી નથી.
- ગ્રામ વિકાસના કામોની પ્રગતિ ધીમી પડી હોવાનું જણાવ્યું હતું.
- વ્યશન કરતાં વ્યકિતઓમાં ચિડચિડિયાપણું વઘ્યુ સાથે કેફી દ્રવ્યોનું વેચાણ પણ ઉચી કિંમતે વેચાણ થતા વ્યશન કરનાર વ્યકિતઓનું આર્થિક રીતે શોષણ થતુ જાણાવેલ હતું. પરીણામે અભ્યાસના ગામોમાં 68.6 ટકા ઉતરદાતાઓના મતે કુટુંબના સભ્યો માનસિક તાણનો અનુભવ કરતા જણાયેલ હતા, સાથે રર ટકા ઉતરદાતાઓના મતે કુટુંબના સભ્યો વચ્ચે ઝગડાઓનું પ્રમાણ પહેલા કરતા વઘ્યા હોવાનું જાણવા મળ્યુ હતુ.
વૈશ્વિક મહામારીના કારણે દેશમાં જે પ્રકારની આર્થિક કટોકટીની પરિસ્થિતિ સર્જાઈ, તેથી દેશના તમામ ક્ષેત્રોને આર્થિક રાહત માટે કેન્દ્ર સરકાર ઘ્વારા આર્થિક સહાય પેકેજો થકી સરાહનિય આર્થિક પગલા પણ લીધા હતા. જેમાં ખાસ કરીને ગ્રામીણ નબળા વર્ગને સ્પર્શતી રાહતોમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ રાહત પેકેજો પૈકી કેટલીક રાહતોથી ગ્રામીણ નબળા વર્ગોને થયેલ લાભો વિશે જાણકારી મેળવતા પ્રસ્તુત અભ્યાસના કેટલાક તારણો નીચે મુજબ છે.
1) પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ પ્રધાન મંત્રી જન ધન યોજના ખાતા ધારકો પૈકી મહિલા ખાતા ધારકના બેંક ખાતામાં રૂા. 500 સુધીની રાહત આપવામાં આવી હતી. સર્વે દરમિયાન 43.3 ટકાના મતે મહિલાઓને લાભ મળી ચૂકયો હતો જયારે 37.ર5 ટકા ઉતરદાતાઓના મતે જે મહીલાઓના બેંક ખાતાઓ સક્રિય નહી હોવુ, કે.વાય.સી. નહી થવાથી, આધાર કાર્ડ લીંક નહી હોવાથી તેમજ અન્ય દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ નહી થવાથી મહિલાઓ સમયસર લાભ મેળવી શકી નહોતી. જયારે 19.60 ટકા ઉતરદાતાઓના મતે જાણકારીના અભાવે રાહતનો લાભ લીધો નહોતો.
ર) પ્રધાન મંત્રી કિશાન સન્માન નિધિ હેઠળ ખાસ કરીને નાના અને સિંમાત ખેડૂતોને રાહત મળી રહે તેના માટે રૂા.ર000 સુધીની રકમ ખેડૂતોના બેંક ખાતામાં જમાં કરવાનો નિર્ણય લઈ ખેડૂતો લાભ આપ્યો હતો. પરંતુ અભ્યાસ હેઠળના ઉતરદાતાઓના મતે સર્વે દરમિયાન 49 ટકાના મતે ખેડૂતોને લાભ મળ્યો હતો જયારે 25.5 ટકા ના મતે દસ્તાવેજી પ્રક્રિયા પુર્ણ નહી થવાથી તેમના બેંક ખાતામાં સન્માન નિધિ સમયસર જમા થઈ નહોતી.
3) પ્રધાન મંત્રી ઉજવલા યોજના હેઠળ રાહત પેકેજ હેઠળ ત્રણ મહિના મફત ગેસ સિલિન્ડર આપી રાહત આપવાનો નિર્ણય કર્યો હતો જેમાં 41 ટકા નબળા વર્ગના કુટુંબોને તત્કાલ લાભ મળ્યો હતો. જયારે 53 ટકા કુટુંબોએ સર્વે દરમિયાન લાભ લીધો નહોતો.
4) મુખ્યમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ હેઠળ રૂા. 1000/- ની સહાય ર3 ટકા કુટુંબોએ મેળવી હતી. ર0 ટકા કુટુંબોની ખબર જ નહોતી જયારે 51 ટકા કુટુંબોને લાભ નહોતો મળ્યો તેમજ 6 ટકા કુટુંબોની દસ્તાવેજોની ચકાસણી અને નોંધણીની પ્રક્રિયા ચાલુ હોવાનું જણાવ્યુ હતુ.
5) લોક ડાઉનની પરિસ્થિતિમાં ગ્રામીણ વિસ્તારના પ્રત્યેક કુટુંબોને જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ ખાદ્ય ચિજ વસ્તુઓ માહે એપ્રિલ-ર0ર0 માં ફૂડ બાસ્કેટ વિનામૂલ્યે લાભ લીધો હોય તેવા 78.43 ટકા ઉતરદાતા કુટુંબોએ લાભ મેળવ્યો હતો જયારે 13.7ર ટકા ઉતરદાતા કુટુંબો દસ્તાવેજી/નોંધણી ચાલુ હોવાથી અને અનાજનો જથ્થો ઉપલબ્ધ નહી હોવાથી સર્વે દરમિયાનની સ્થિતિએ લાભ મેળવ્યો નહતો. જે કટુંબોને લાભ મળ્યો હતો તેઓને સરકાર ઘ્વારા નિયત કરેલ પુરતો જથ્થો મળ્યો હોવાનું જણાવ્યુ હતુ.
6) લોક ડાઉનનીપરિસ્થિતિમાં કેન્દ્ર અને રાજય સરકાર ઉપરાંત કેટલીક સેવાભાવી સંસ્થાઓ પણ લોકોની મદદ માટે આગળ આવી સરાહનિય કામગીરી કરી રહી છે. ત્યારે ગ્રામીણ ક્ષેત્રમાં અને ખાસ કરીને નબળા વર્ગના કુટુંબોને સેવાભાવી સંસ્થાઓ થકી 10 ટકા ઉતરદાતા કુટુંબોને લાભ મળ્યો હતો જેમાં બીએપીએસ ઘ્વારા(પેટલાદ ખાતે) રેશન કાર્ડ વિહોણાઓને રાશન કીટ અને જીવન જયોત સંસ્થા ઘ્વારા(ડોલવણ-પાટી ખાતે) માસ્ક અને સેનિટાઈઝરનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. જયારે આહવા તાલુકાના ગામોમાં(માદલબારી ખાતે) સ્વામી વિવેકાનંદ ટ્રસ્ટ ઘ્વારા જરૂરીયાત મંદોને મદદ પહોંચાડી સેવાકાર્યનું ઉદાહરણ પુરુ પાડયુ હતુ.
7) કોરોના કોવિડ-19 મહામારીનું સંક્રમણને નિયંત્રિત કરવા માટે દરેક નાગરીકો આરોગ્ય વિભાગની ગાઈડ લાઈન મુજબની નવી ટેવોને અપનાવે તેના પર ભાર મૂકયો હતો. તે બાબતે તપાસ કરતા અભ્યાસના ક્ષેત્રોમાં ગ્રામીણ નબળા વર્ગના કુલ ઉતરદાતા કુટુંબોમાંથી 66.66 ટકા કુટુંબના સભ્યો અન્ય વ્યકિતઓ સાથે હાથ મિલાવવા, મોઢા પર કપડું બાંધવુ, શારીરિક અંતર જાળવવું, સાબુથી હાથ ધોવુ, છીંક/ખાંસી કરતી વખતે મોઢા પર કપડુ ઢાંકવુ જેવી ટેવોને અપનાવી હોવાનું જણાવ્યું હતું. જયારે 33.33 ટકા કુટુંબોના પરીવારોમાં હાથ મિલાવવા અને શારિરીક અંતર અને છીંક/ખાંસી કરતી વખતે મોઢા પર કપડુ ઢાંકવું જેવી મુખ્ય ટેવોને અપનાવી હતી.
આમ દેશ અને દુનિયામાં કોરોના મહામારીએ માનવજાતને આકસ્મિક ઉભી થયેલી નવી પરિસ્થિતિની સાથે જીવન જીવવા માટે મજબૂર કર્યુ છે. પરિણામે સામાજિક-આર્થિક વિકાસની ગતિ પણ ખુબજ ધીમી પડી છે.
*****
ડો. દિપક જી. ભોયે, મદદનીશ પ્રાઘ્યાપક, મહાત્મા ગાંધી ગ્રામ અભ્યાસ વિભાગ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત. dgbhoye@vnsgu.ac.in, (Mo.) 9427864391