કોરોના મહામારીના સંદર્ભમાં 'વાઈરલ ઇન્ફેક્શન' કૃતિનો સમીક્ષાત્મક અભ્યાસ
સારાંશ -
સાહિત્ય અને શિક્ષણ ઘણાં લાંબા સમય થી માનવ જીવન સાથે સંકડાયેલા છે. કોરોના મહામારીએ સમગ્ર માનવ જીવનને હચમચાવી નાખ્યું છે ત્યારે આપણે આપણાં સાહિત્ય અને શિક્ષણની સામાજિક નિષ્બતનો અભ્યાસ કરવો જોઈએ. 'વાઇરલ ઇન્ફેક્શન' નિબંધની વાત કરીએ તો ગુણવંત શાહે તેમાં આપણા સમાજની અનેક મર્યાદાઓ તરફ આંગળી ચીંધી છે. તેમણે આપણી જીવનશૈલી પર કટાક્ષ કર્યા છે. કુટેવો અને આરોગ્યને એક સિક્કાની બે બાજુ જણાવે છે. અનેક મહાનુભાવોના સંદર્ભ દ્વારા પોતાની વાતને રજૂકરી છે. તેમણે આ નિબંધમાં માંદગી, ગંદકી, વ્યસન, ખોરાક વિશેની અસમજણ, મનની સ્વસ્થતા, તણાવ, સ્વચ્છતા, કુટુંબ પ્રત્યે સ્નેહની ભાવના વગેરે પર ભાર મૂક્યો છે. આપણે ત્યાં રોગ નિયમ છે અને આરોગ્ય અપવાદ છે. ગાંધીજી માંદગીને લગભગ અપરાધ ગણતા. તેઓ કહે છે કે માણસ પોતાના જ શરીર સાથે નિર્દયતાપૂર્વક વર્તે છે. ભણેલા લોકો જ ખાવાપીવામાં અભણની જેમ વર્તે છે. લેખકે કરેલી વાત કોરોના જેવી મહામારીના સંદર્ભમાં ખૂબ જ પ્રસ્તુત છે.
ચાવીરૂપ શબ્દો : કોરોના મહામારી, વાઇરલ ઇન્ફેક્શન, સમીક્ષાત્મક અભ્યાસ
પ્રસ્તાવના :
આધુનિક નિબંધકારો માં સૌથી વધારે વંચાતા ગુણવંત ભૂષણલાલ શાહ એક નિબંધકાર, ચરિત્રકાર, પ્રખર વક્તા, વિચારક તથા પત્રકાર તરીકે જાણીતા છે. તેમણે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, અમેરિકાની મિશિગન યુનિવર્સિટી અને દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે સેવાઓ આપેલી છે. અધ્યાપનનું ક્ષેત્ર છોડી લેખન અને ચિંતન તરફ વળનાર ગુણવંત શાહે કાડિયોગ્રામ, ' રણ તો લીલાંછમ ', ' વગડાને તરસ ટહુકાની ', ' વિચારોના વૃંદાવનમાં ', ' ઢાઈ અક્ષર પ્રેમ કા' જેવા નોંધપાત્ર નિબંધ સંગ્રહો આપ્યા છે. ' બિલ્લો ટિલ્લો ટચ ', 'જાત ભણીની જાત્રા ' તેમની આત્મકથા છે. 'ગાંધીના ચશ્મા', 'રામાયણ: માનવતાનું મહાકાવ્ય' અને ' મહાભારત: માનવ સ્વભાવનું મહાકાવ્ય' તેમના વ્યક્તિ વિચાર ચિંતન ના ગ્રંથો છે. તેઓએ ગુજરાતી ઉપરાંત અંગ્રેજી મરાઠી અને હિન્દી ભાષામાં પણ પોતાની કલમ ચલાવી છે. ' રણજિતરામ સુવર્ણચંદ્રક' , 'દર્શક એવોર્ડ' ગુજરાતી સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા 'સાહિત્ય રત્ન' ઉપરાંત ભારત સરકાર દ્વારા ' પદ્મશ્રી ' પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે. તેઓ હાલમાં દિવ્યભાસ્કર, દૈનિક , નવનીત સમર્પણમાં પોતાની કલમ અવિરતપણે ચલાવી રહ્યા છે.
વ્યક્તિત્વનું પ્રકટીકરણ:
નિબંધનું મહત્વનું લક્ષણ છે તેમાં હંમેશા સર્જકનું સદા જીવંત રહેતું અખિલ વ્યક્તિત્વનું પ્રકટીકરણ થાય છે. વ્યક્તિત્વની એની અનેક છટાઓ સાથે પ્રગટ કરવાનો જો સૌથી વધુ માં વધુ અવકાશ કોઈ પણ સાહિત્ય સ્વરૂપમાં હોય તો તે નિબંધમાં છે. નિબંધ સર્જકની આગવી મુદ્રાથી અંકિત થતું હોય છે જેનાથી લેખકના વ્યક્તિત્વનું પ્રગટીકરણ થાય છે. નિબંધ આત્મલક્ષી સ્વરૂપ છે. નિબંધમાં સર્વત્ર સર્જકનું વ્યક્તિત્વ છવાયેલું હોય છે. જે.બી પ્રિસ્ટલી જણાવે છે કે, "નિબંધકારનું દરેક વાક્ય એના વ્યક્તિત્વથી મ્હેકતું હોય છે." લેખક આ સ્વરૂપમાં પોતાના મનનાં વિચારોને ચિંતન રૂપે નિખાલસ પ્રમાણે રજૂ કરે છે.
આપણે અનુભવી રહ્યા છે કોરોના વાયરસ જેવી મહામારી થી સમગ્ર વિશ્વ લાચાર બની ગયું છે તે સંદર્ભમાં 'વાઇરલ ઇન્ફેક્શન' નિબંધની વાત કરીએ તો ગુણવંત શાહે તેમાં આપણા સમાજની અનેક મર્યાદાઓ તરફ આંગળી ચીંધી છે. લોકો આરોગ્યની કાળજી બરોબર લેતા નથી જેના કારણે અનેક હઠીલા રોગો શરીરમાં ઘર કરી જાય છે. રામે તાડકા નામની ભયંકર રાક્ષસીનો વધ કરેલો તેમ આપણે પણ આ કોરોના વાયરસ જેવી મહામારીનો નાશ કરવાનો છે જે દેશમાં જાહેર આરોગ્ય આટલું પાંગળું હોય ત્યાં ઢગલાબંધ વસ્તીમાં જથ્થાબંધ મહામારી હોવાની જ. રોગના મૂળમાં સમજણ સાથેના છૂટાછેડા રહેલા છે. જે પોતાના શરીરને ન સમજે તે વળી બીજાને શું સમજે? આવું કહી ગુણવંત શાહ આપણી જીવનશૈલી પર કટાક્ષ કરે છે. 'પહેલું સુખ તે જાતે નર્યા' એ આપણે ત્યાં કહેવત છે પણ જીવનમાં ભાગ્યે જ કોઈ ઉતારે છે. કુટેવો અને આરોગ્ય એક સિક્કાની બે બાજુ છે અહીં લેખક આપણું ધ્યાન દોરે છે કે જો સફાઈ નો મહિમા થશે તો આપોઆપ આરોગ્યમાં પણ સુધારો થશે. અહીં લેખકના વ્યક્તિત્વનું પ્રકટીકરણ છતું રહ્યા વિના રહેતું નથી.
વિષય તો છે ટેકણ લાકડી :
નિબંધમાં વિષય ઉદીપન છે, સાધન છે, સાધ્ય તો એક માત્ર સર્જક અને તેના વ્યક્તિત્વનું પ્રકાશન. નિબંધમાં વિષયવસ્તુ મોટેભાગે આત્મલક્ષી, પરલક્ષી, કાલ્પનિક કે વાસ્તવિક પ્રકારનું હોય છે. નિબંધકાર માટે વિષય તો ટેકણ લાકડી જેવો છે, જેનો આધાર લઇ તે સ્વૈરવિહાર કરે છે. જોશી (1951) જણાવે છે કે, નિબંધ માં વિષય કરતાં સર્જક અનુભૂતિનું મહત્વ વિશેષ છે.
'વાઈરલ ઇન્ફેકશન' માં ગુણવંત શાહે આરોગ્ય વિષય પર ભાર મૂક્યો છે. અનેક મહાનુભાવોના સંદર્ભ દ્વારા પોતાની વાતને રજુ કરી છે. તેમણે આ નિબંધમાં માંદગી, ગંદકી, વ્યસન, ખોરાક વિશેની અસમજણ, મનની સ્વસ્થતા, તણાવ, સ્વચ્છતા,કુટુંબ પ્રત્યે સ્નેહની ભાવના વગેરે પર ભાર મૂક્યો છે. ગુણવંત શાહ કટાક્ષ કરતા જણાવે છે કે વેદ-ઉપનિષદ-ગીતાના વારસા અને વૈભવ અંગે ગૌરવ લેનારી આપણી પ્રજા નો બહુ મોટો વર્ગ અભણ છે. આપણે ત્યાં રોગ નિયમ છે અને આરોગ્ય અપવાદ છે. ગાંધીજી માંદગીને લગભગ અપરાધ ગણતા. તેઓ કહે છે કે માણસ પોતાના જ શરીર સાથે નિર્દયતાપૂર્વક વર્તે છે. ભણેલા લોકો જ ખાવાપીવામાં અભણની જેમ વર્તે છે. ગુણવંત શાહે કરેલી આ નિબંધમા વાત આપણે હાલમાં ચાલી રહેલી કોરોના જેવી મહામારીના સંદર્ભમાં ટાંકી શકીએ. માણસની સ્વની બેદરકારીના કારણે જ અનેક ભયંકર બિમારીઓ જન્મ પામે છે. કોરોના જેવી મહામારી પણ એમનેમ નથી ફેલાઈ તેના માટે એક જ પરિબળ જવાબદાર છે અને તે છે ગેર જિમ્મેદાર મનુષ્ય પોતે.
લાઘવ: અંગભૂત તત્વ :
લાઘવ નિબંધ માં એક અંગભૂત તત્વ તરીકે સ્વીકૃતિ પામ્યું છે. લાઘવનો ગુણ એટલે થોડા માં ઘણી બધી બાબતોનો ખુલાસો કરી દેવાનો વિશિષ્ટ ગુણ. સંક્ષિપ્તતાના કારણે નિબંધમાં સૌષ્ઠવ અને ઘનતા આવે છે. માનવજીવન દિન-પ્રતિદિન સંકુલ અને જટિલ બની રહ્યું છે એવા સમયમાં નિરાંતે બેસીને લાંબુ વાંચવા માટે લોકોને ફુરસદ નથી ત્યારે વર્તમાન સર્જકો ટુંકુ પણ મર્મવેધક સાહિત્યના સર્જનનો અભિગમ રાખે છે. નિબંધની સંક્ષિપ્તતા માટે પણ આવું કારણ કલ્પી શકાય. ' નિબંધ ' એ ગાગરમાં સાગર સમાવવા જેવું કલા સ્વરુપ છે. નિબંધ એ થોડામાં ઝાઝું કહેવાની કલા છે. નિબંધની સંક્ષિપ્તતા વિશે એમ કહેવાય છે કે "નિબંધકાર એક ફકરામાં મહાકાવ્ય સર્જી શકે છે." નિબંધકારે ઉપદેશ આપવાનો નથી પરંતુ તેણે તો મિત્ર ભાવે સૂચન કરવાનું હોય છે.
'વાઇરલ ઇન્ફેક્શન' માં ગુણવંત શાહે જે સૂચનો કર્યા છે તે કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં ખૂબ મહત્વના બની જાય છે. ખાવા-પીવાની બાબતમાં બેદરકાર રહેતા લોકોને શું ખાવું? કેટલું ખાવું? કેવી રીતે ખાવું? ક્યાં ખાવું? તે સમજણ નથી. તેમણે આ નિબંધમાં માનવીની આરોગ્ય પ્રત્યેની બેદરકારી પરત્વે ધ્યાન દોર્યું છે. આવી બેદરકારીના કારણે જ સમગ્ર વિશ્વ આજે કોરોના સામે લડી રહ્યું છે. જેની પાછળ રોગના મૂળમાં સમજણ સાથેના છૂટાછેડા રહેલા છે. ગુણવંત શાહ કહે છે- "ભર્યો ભર્યો પ્રેમાળ પરિવાર તન અને મનના આરોગ્ય માટેની પૂર્વશરત છે. માંદા પડવાનું આપણે માનીએ એટલું સહેલું નથી."
નિરૂપણરીતિ :
નિબંધ સ્વરૂપમાં નિરૂપણરીતિની અપાર મોકળાશ રહેલી છે. આજ સુધી નિબંધનો કલા પ્રકાર ખેડાયો છે તે ઉપરથી નિબંધનું સર્વસામાન્ય લક્ષણ નિરૂપણરીતિની એકતા અને સુસંગતતા છે. નિબંધકાર નું વક્તવ્ય અન્ય સ્વરૂપો ના લેખકોની તુલનાએ અમૂર્ત કોટિનું હોય છે. હવામાંથી શિલ્પ રચવા જેવો એનો ખેલ હોય છે. નિબંધકાર પોતાના કૌશલ થી શુષ્ક અને નીરસ વિષયને પણ ચેતનવંતો બનાવવાની પ્રતિભા- આવડત ધરાવે છે. પહેલા શબ્દથી છેટ છેલ્લા શબ્દ સુધી આખી રચના ને અખંડ સ્વરૂપે પ્રકટ કરી આપે છે. નિબંધકાર ક્યારેક ચિંતન કરે છે, કવિ ની માફક કલ્પનાએ ચઢે છે, ક્યારેક વાર્તાકારની જેમ પ્રસંગો વર્ણવે છે, તો ઉપદેશકની પેઠે દ્રષ્ટાંતો આપે છે, જ્ઞાન અને ડહાપણ ની વાતો કરે છે. લેખકે 'વાઇરલ ઇન્ફેક્શન' નિબંધ માં નિરૂપણરીતિથી અનેક મહાનુભાવો ના દ્રષ્ટાંતો કટાક્ષરૂપે રજૂ કર્યા છે.
ગુણવંત શાહે 'વાઇરલ ઇન્ફેક્શન' નિબંધની શરૂઆતમાં પ્રથમ વાક્ય જ ટાંક્યું છે કે- "એક જમાનામાં ચીનના લોકો ગામમાં કોઈ માંદુ પડે તો દાક્તરને સજા કરતા." તેના સંદર્ભમાં જોઈએ તો ચીનના વુહાન શહેરથી પ્રસરેલા કોરોના વાઇરસે આજે પૂરી દુનિયાને કંગાળ બનાવી નાખ્યું છે. તો સેમ્યુઅલ બટલરે એક એવા આદર્શ સમાજની કલ્પના કરેલી જેમાં માંદા પડનાર માણસ ને કેદની સજા થાય.
જો ખરેખર આજના યુગમાં આ મંતવ્ય પર વિચાર કરવામાં આવે અને અમલીકરણ કરવામાં આવે તો કોરોના કે અન્ય ગંભીર મહામારીનો સામનો ન કરવો પડે. લેખક ખાવાની બાબત વિશે કટાક્ષ કરતા જણાવે છે કે તમાકુના ગુટખા ખાનાર ને સફરજન મોંઘું પડે છે. નાસ્તામાં તળેલી વાનગી જ હોય, ફળ હોઈ જ ન શકે. લોકો બસ ખાધે રાખે, પીધે રાખે છે અને જીવ્યે રાખે છે. માટે જ આવી બેદરકારીના કારણે જ ભયંકર રોગો ઘર કરી જાય છે અને મહામારીનો સામનો સૌને કરવો પડે છે.
નિબંધ લેખનનો ઉદ્દેશ:
નિબંધકારનો પોતાના સર્જનમાં કંઈક ને કંઈક ઉદ્દેશ રહેલો હોય છે. અનોપચારિક રીતે ભાવક સમક્ષ પોતાના સંવેદનો વ્યક્ત કરે છે. નિબંધકાર કશું નવું સર્જન કરવા નથી ઈચ્છતો પરંતુ એને તો સામાન્ય જગતની જે અસામાન્યતાનો પરિચય થયો છે તેને આલેખવામાં રસ છે. નિબંધના સર્જકે ઉપદેશ નથી આપવાનો છતાં તેની વાણીમાં ચિંતન વિચાર સરળતાથી પ્રગટતો હોય છે. નિબંધ લેખકનો ઉદ્દેશ પોતાની આજુબાજુના વીંટળાયેલા જગતમાંથી જીવનના અનુભવોનું ભાથું વાચક સમક્ષ પહોંચાડવાનો હોય છે.
લેખકનો 'વાઇરલ ઇન્ફેક્શન' નિબંધ માં મુખ્ય ઉદ્દેશ જીવન કેમ જીવવું? તે રહેલો છે. તેઓ કહે છે કે ભારતની પ્રજામાં ગંદકી પ્રત્યે જે સૂગ હોવી જોઈએ તે ઝાઝી જોવા નથી મળતી. ગંદકી આપણને ખલેલ પહોંચાડતી નથી એમ કહી તેઓ મહાન વ્યક્તિત્વ ધરાવતા સ્વામી વિવેકાનંદ નું ઉદાહરણ ટાંકે છે અને કહે છે કે ગંદકીથી ભારે ખલેલ પામનારા ભારતના સૌપ્રથમ સાધુ સ્વામી વિવેકાનંદ હતા. લેખક જણાવવા માંગે છે કે વ્યસન, માંદગી અને તણાવ એ ગૌરવ લેવાની નહીં પણ શરમ ની બાબત છે તેની સમજણ લોકો લે એ તેમનો ઉદ્દેશ રહેલો છે., પરંતુ આજની પરિસ્થિતિ પર નજર કરીએ તો જેમ વસતી કૂદકે ને ભૂસકે વધી રહી છે તેમ આ ભયંકર બીમારી કોરોનાના કેસો દિનપ્રતિદિન વધી રહ્યા છે અહીં લેખકે નોંધેલું વાક્ય સાર્થક રહે છે કે ઓ.પી.ડીમાં કીડિયારું ઊભરાય એ તો સભ્ય ગણાતા સમાજની શરમ છે.
લેખક કહે છે કે, ક્યારેક ધુમ્રપાન કરનારા અને શરાબ સેવન કરનારો માણસ લાંબુ જીવી જાય ત્યારે લોકો એક કુતર્ક ચલાવે છે 'જેમ જીવવું હોય તેમ જીવો!' ફલાણા ભાઈને સિગારેટ પીવાથી શુ નુકશાન થયું? પણ એ ઘરડો તર્ક છે. એવી જ રીતે હાલમાં ચાલી રહેલી કોરોના જેવી મહામારીમાં પણ લોકો એ જ વિચારે છે કે કંઈ નહીં થાય અને પોતાના મનનું જ માન્યું કરે છે અને નિયમોનું ઉલ્લંઘન કરે છે જેથી આવી બીમારી લોકોના કુતર્કના કારણે જ વધુ સમાજમાં ફેલાઈ જાય છે. લેખક કહે છે કે હોસ્પિટલની શોભા વધારવા શું થઈ શકે? જો પ્રત્યેક માણસને મા, બહેન, ભાભી,પિતા,મિત્ર કે પત્ની તરફથી ભરપુર સ્નેહ મળી રહે તો કોઈ હોસ્પિટલ કે સાઈકીએટ્રિસ્ટ પાસે જવું ન પડે.
ભાષાશૈલી:
સાહિત્ય ભાષા ની કલા છે સાહિત્યનો સઘળો સંસાર ભાષાને આધારે છે. દંડીએ કહ્યું છે., "જો શબ્દ નામનો પ્રકાશ ના હોય તો ત્રણેય લોકમાં અંધારુ થઈ જાય." નિબંધ એ ગદ્યની કલા છે. હર્બટ રીડ કહે છે કે, "શૈલી ઉપર વિજય મેળવવામાં વિજય રહેલો છે." નિબંધમાં ભાષા એ સાધનની નહીં સાધ્યની ભૂમિકા ભજવે છે. નિબંધ ની શૈલી માંથી જ સર્જક વ્યક્તિત્વનું દર્શન થાય છે. નિબંધ ની ભાષા શૈલી નિબંધકાર ના વ્યક્તિત્વની દ્યોતક બની રહે તો જ નિબંધ ચિરંજીવ બની શકે. વર્જિનિયા વુલ્ફ જણાવે છે,"નિબંધકાર એ ભાવકને પહેલા શબ્દથી જ મંત્ર મુગ્ધ કરે છે. નિબંધ માં આવશ્યકતા અનુસાર દ્રષ્ટાંતો, ટુચકાઓ, હાસ્ય કટાક્ષ, અલંકાર, પ્રતીક, કલ્પન, પુરાકલ્પન, સુક્તિઓ વગેરેનો સમાવેશ કરી શકે." સર્જકનું પ્રતિબિંબ ભાષા શૈલીમાં જિલ્લા તે હોવાથી દરેક વખતે પોતાના મિજાજને અનુરૂપ કથન રીતિમાં પણ તે પરિવર્તન આણે છે. પ્રવીણ દરજી કહે છે, "નિબંધકાર નું વ્યક્તિત્વ ભાષા દ્વારા નહીં ભાષા રૂપે જ પ્રગટ થાય છે." નિબંધકાર એ એના વક્તવ્ય અને વ્યક્તિત્વને ઉપસાવવા ના છે નિબંધ માં અનેક વિષય ની અલગ અલગ હોવા છતાં કોઈ એક વિષય કેન્દ્રસ્થાને હોતો નથી.
'વાઇરલ ઇન્ફેક્શન' નિબંધમાં એક સિદ્ધહસ્ત શિલ્પીના હાથે કંડારાય એમ અહીં વિચારોમાંથી શબ્દ રચનાઓ સાકાર થતી અનુભવાય છે લેખક સાદી હકીકતને માર્મિક શૈલીમાં તો ક્યાંક કટાક્ષ રજૂ કરી છે. લેખક કહે છે કે હૃદય રોગનો હુમલો કંઈ મફતમાં નથી મળતો તે સંદર્ભમાં નોવેલ કોરોના વાઇરસ વિશે વાત કરીએ તો તે મહામારી પણ મફતમાં નથી મળી તેના પાછળ નું કારણ માણસે કરેલી બેદરકારી જ છે. ગુણવંત શાહ વાઇરલ ઇન્ફેક્શન નિબંધમાં માર્મિકતાથી જણાવે છે કે હોસ્પિટલની શોભા વધારવા શું થઈ શકે? ઘણા ખરા ખાટલા ખાલી પડી રહે એ જ તો હોસ્પિટલની ખરી શોભા ગણાય. પણ એ સંદર્ભમાં જોઈએ તો આજની પરિસ્થિતિ ઉલટી છે. આજે સમગ્ર વિશ્વ અને ભારત દેશ જ્યારે કોરોના સામે જંગ લડી રહ્યું છે ત્યારે આ મહામારી ને માત આપવા હોસ્પિટલમાં ખાટલા પણ ખાલી નથી, ખૂટી રહ્યા છે એવી દયનીય હાલત જોવા મળી રહી છે.
લેખક જણાવે છે કે, સંકટ સમયની સાંકળ વારંવાર વપરાય તે યોગ્ય નથી. પરંતુ આપણે જોઈ રહ્યા છીએ આજે ભારત દેશ આ ગંભીર અને ભયંકર બીમારીને માત આપવા તથા જરૂરી લોકોને મદદ કરવા મથી રહ્યુ છે જેના માટે સંકટ સમયની સાંકળ વાપરી રહ્યું છે.
સંદર્ભસૂચિ :
*****
Dr. Dinesh R. Patel, Assistant Professor, S. D. Shethia College of Education, Mundra Mo: 9537405311 Mail: dineshpatelssec@rediffmail.com
&
Sohina M. Jumani, Trainee, S.D.Shethia College of Education, Mundra. Mo: 7874732820 Mail: shohinajumani9@gmail.com