કોરોના ઘરવાસ – પડકાર કે અવસર..!!
જ્યારે સંકટ આવે , ત્યારે તેને પડકાર માની ને સ્વીકાર કરીને એક અવસર માં પરિવર્તિત કરવું એ આપણને આપણી ભારતીય સંસ્કૃતિ શીખવે છે.
ડિસેમ્બર માં પહેલો કેસ ચાઈના માં આવ્યો પણ એ લોકો એ દુનિયા ને અંધારામાં રાખ્યા. ઘણા લોકો વુહાન અને ચાઈના માંથી બહાર નીકળ્યા અને દુનિયા ના અલગ- અલગ દેશોમાં ગયા, અને પોતાની સાથે લઈ ગયા આ ચાઈનીઝ વાઈરસ. જેનું પરિણામ આપણે અત્યારે જોઈ શકીએ છીએ. દુનિયા ના લગભગ બધા જ દેશો આ મહામારી થી સપડાયા છે. અને આ રોગ એક વૈશ્વિક મહામારી બની ને ઊભરી આવ્યો છે. જ્યારે વિશ્વ આ મહામારી ના સંક્રમણ માં આવી રહ્યું હતું ત્યારે જ આપણો દેશ પણ ધીમે ધીમે આ રોગની ઝપેટમાં આવી રહ્યો હતો. થોડું પણ વિલંબ કર્યા વગર આપણી સરકારે મક્કમતા અને હિમ્મતપુર્વક અમુક નિણર્ય લીધા એમાં પ્રથમ હતું “જનતા કરફ્યુ” જેને આખા દેશે આવકાર્યું અને જાતે જ લક્ષ્મણ રેખા બનાવી અને ઘરમાં જ રહ્યા. પછી તરત જ ઘરવાસ નો નિર્ણય આવ્યો “21 દિવસ લોકઙાઉન”, એને પણ આપણે લોકો એ ઈમાનદારી પૂર્વક દેશ માટે એક કોરોના વોરીયર્સ તરીકે નિભાવ્યું. ધીમે ધીમે તે 3 મે અને હવે પછી 17 મે સુધી લંબાવ્યું. આ દરમ્યાન ઘણા પરિવર્તન આવ્યા.
મિત્રો, આપણે આ ઈતિહાસ ના સાક્ષી છીએ, આવું ક્યારેય થયું નથી કે આખી આ દુનિયા જ થંભી જાય. આખા વિશ્વના જાહેર પરિવહન જેવા કે ટ્રેન,બસ તેમજ હવાઈ-જહાજ બધુ જ બંધ છે, બધુજ શાંત છે, રસ્તા ખુલ્લા છે, આ બધું આપણે નરી આંખે જોઈ રહ્યા છીએ. માનસિક, સામાજિક , આર્થિક અને બીજા પણ ઘણા પરિબળ ને અસર કરનારા ઘણા પરિવર્તનો આવ્યા છે અને હજી આવનારા સમય ઘણા પરિવર્તન લઇને આવશે. શ્રી કૃષ્ણ એ ગીતા માં કહ્યું છે એમ પરિવર્તન જ સંસાર નો નિયમ છે, તે આપણે સ્વીકારવો જ રહ્યો. કરોડો નું ઘર બનાવ્યું, પણ એમાં શાંતિ થી રહ્યા નહી અને હવે એમાં રેહવાનો સમય મળ્યો. જે લોકો આખો-આખો દિવસ બહાર રહેતા હતા તે ઘરે રહેતા થયા. માતા-પિતા , બાળકો , પત્ની અને પરિવાર ને સમય આપતા થયા, નવી નવી સ્કીલ શીખ્યા. કેવી સ્કીલ? ખાલી ટેકનીકલ સ્કીલ નહી પણ રસોડામાં જઈને શાકભાજી સમારવાની સ્કીલ , કાચું પાકું તળવાની સ્કીલ, ચા બનાવવાની સ્કીલ , રસોઈ કરવાની સ્કીલ, વાસણ ધોવાની સ્કીલ વગેરે સ્કીલ. આ બધી જ સ્કીલમાં જે આનંદ મળતો થયો છે તે સર્ટીફીકેટ પ્રોવાઇડ કરતી બીજી કોઇ સ્કીલ માં ક્યારેય નહોતો મળ્યો, કારણ કે આ બધી સ્કીલ માં આપણે એકલા ખુશ નહોતા, પણ આપણો આખો પરિવાર ખુશ થતો હતો. કેરમ , પત્તા , અમદાવાદ , કોડી અને બીજી કેટલીય રમતો કે જે આપણે વોટ્સએપ પર ભુલેલી કે જૂની યાદો ના હાસ્યાસ્પદ ફોરવર્ડ મેસેજ ના ફોટા માં જોતા હતાં તે રમવા લાગ્યા. ઘણી એવી વસ્તુ છે આપણે ખરીદી ને લાવ્યા હતા જે ક્યારેય કામમાં ન લીધી હતી તેનો ઉપયોગ કરતાં થયા. કેટલી નવી-જૂની ફિલ્મો અને વેબસીરીઝ , કેટલા પુસ્તકો , રેસીપી શો , સિરિયલો જોવા લાગ્યા. Social distance વધ્યું પણ family distance ખરેખર ઘટી ગયું.
ધૂળ ખાઈ રહેલા પુસ્તકો પાછા ખુલ્યા. રામાયણ અને મહાભારત એટલા લોકો એ જોયું કે ટી.આર.પી. નો રેકોર્ડ તૂટી ગયો. આપણે કરકસર કરતા શીખ્યા . મારા એક મિત્ર નો ફોન આવ્યો હતો, મને કહે કે દર મહિને 30,000 રૂપિયા પણ ઓછા પડતા હતા અને આ મહિનો 7,000 માં જ પતી ગયો. ટૂંકમાં, આપણને સમજ પડવા લાગી કે કેટલી બિન જરૂરી વસ્તુઓનો આપણે ઉપયોગ કરીએ છીએ જેની વગર ચાલી શકે એમ છે. કરકસર કોને કહેવાય એ પણ આપણે સમજી ગયા.
શિક્ષણ નો સ્વર પણ બદલાયો, વિઘાર્થીઓ ઓનલાઇન ભણતા થયા. Covid-19 ક્વીઝ નો એવો તો રાફડો ફાટયો, કે હવે તો બધા સવાલ ના જવાબ આવડતા થઇ ગયા. ઓનલાઇન વેબીનાર , મીટીંગ વધવા લાગ્યા. E-સર્ટીફીકેટ બધા ના status અને story માં દેખાવા લાગ્યા. કેટલાય લોકો ને ખબર પડી કે વોટ્સએપ માં પણ ગ્રુપ કોલ થાય છે અને હાલની પરીસ્થીતી ને જોઇને વોટ્સએપે પણ 4 ના 8 કોલ મેમ્બર કરવા પડ્યા, વાહ...!!
આપણે દર 6 મહિને મોબાઇલ બદલીયે, મોબાઈલ એપ્લીકેશન પણ ઘડી ઘડી અપડેટ થાય, તો સૃષ્ટિ નો શું વાંક. સૃષ્ટિ એ પોતાની જાતને જ અપડેટ કરવાનું નક્કી કર્યું. તમે બધા સમાચાર જોતા જ હશો . ગંગા નદી શુધ્ધ થઇ ગઈ , ઓઝોન નું ગાબડું પુરાવા લાગ્યું , જલંધર માંથી હિમાલય પર્વત દેખાવા લાગ્યો , પક્ષીઓની કિલકારી સંભળાવા લાગી. ઘણા દેશ માં તો પ્રાણીઓ રસ્તા પર લટાર મારતાં નજરે પડ્યા જાણે માણસ પાંજરામાં પુરાયો, અને એ ને જોવા પ્રાણીઓ ઉમટ્યા. ઘરની અગાશી માંથી આકાશ અને ઝાડવા જોજો તમને એવું લાગશે કે કોઈએ ધોયા છે કે સેનેટાઈઝ કર્યા છે.
આ બધું પરિવર્તન સકારાત્મક પરિવર્તન છે. વિચાર આવે કે આગળ શું ? ભવિષ્યમાં શું ? આપણે આ પરિવર્તન સ્વીકારી આપણી લાઈફસ્ટાઈલ બદલવી પડશે. આમ જોવા જઈએ તો ઘણા વાયરસ આપણી આજુ બાજુ ફરતા હોય છે પણ આપણું શરીર એને ગ્રહણ કરતાં શીખી ગયું છે. હવે આપણે કોરોના સાથે જીવતા પણ શીખવું પડશે. હા એની વેક્સીન આવશે જ પણ જો વેક્સીન આવી પણ જાય તો પણ દરેક લોકો સુધી પહોંચતા પહોંચતા પણ ઘણો સમય લાગી જાય એમ છે. તો શું એની રાહ જોઇને બેસી રેહવાનું છે? ના આપણે આપણી લાઈફસ્ટાઇલ બદલવી જ પડશે. વિટામીન સી અને ડી ની માત્રા શરીર માં વધે, શારીરિક શક્તિ વધે એવા પ્રયાસ, એવા આહાર, ફળ, ચ્યવનપ્રાશ, આયુર્વેદિક ઉકાળા,સૂર્ય-નમસ્કાર, પ્રાણાયામ, શાકાહાર આ બધા ને આપણે આપણા જીવન માં સ્થાન આપવું પડશે. ઇમ્યુનીટી વધારવા ફરીથી આયુર્વેદિક અને પુરાતન ઔષધીઓ કે જે આપણી સંસ્કૃતિ નું અણમોલ નજરાણું છે તેની તરફ વળવું પડશે. જે રીતે મેલેરિયા આપણા માટે સામાન્ય છે, એનો ઉપાય આપણે કરી લીધો છે. પેલી મચ્છર ભગાવવાની ગોળ ગોળ અગરબત્તી, ગુડનાઈટ-ઓલઆઉટ, ઓડોમોસ, ઇલેક્ટ્રિક રેકેટ, હવે તો મોબાઈલ એપ પણ આવી છે મચ્છર ભગાવવા... બસ એ જ રીતે આપણે કોરોના ને પણ સામાન્ય બનાવી ને જીવતા શીખવાનું છે. કોરોના ના ઉપાય થોડાં અલગ હશે, હાથ મિલાવવાની જગ્યાએ નમસ્તે કરવાનું છે, social distance નહી પણ physical distance રાખવાનું છે, સ્વદેશી પરંપરા તરફ વળવાનું છે. માનસિક રીતે સ્વસ્થ માણસ જ મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધી શકે છે.
બીજા વિશ્વયુદ્ધ પછી પરિવર્તન એ આવેલું કે ઘણા પુરુષો માર્યા ગયા હોવાથી મહિલાઓ વર્કિંગ-વુમન તરીકે સામે આવવા લાગી. ત્યાં સુધી તો આપણા સમાજ માં મહિલાઓ માટે હાઉસ-વાઈફ નું જ બિરુદ હતું. 9-11 પછી એવિએશન સિક્યુરિટી બદલાઈ. 2002-2004 માં ચાઈના ના જ સાસૅ નામના વાયરસને લીધે E-commerce વેબસાઈટનો દબદબો વધ્યો. લોકો બહાર ખરીદી કરવા જવાને બદલે ઓનલાઇન ખરીદી કરવા લાગ્યા. એ પછી જ અલીબાબા જેવી વેબસાઈટ નું નામ ઊંચુ આવ્યું. હવે શિક્ષણનો ઢબ બદલાશે. ટ્રાન્સપોર્ટેશનની સુવિધા નું સ્તર બદલાશે. લોકો ઉત્સવો ને અલગ રીતે ઉજવતા થશે. હમણાં જ આપણે જોયું કે Zomato વાળા ફુડ ડિલિવરી ની જગ્યાએ ગ્રોસરી ડિલિવરી પણ કરવા લાગ્યા. નવા નવા સેક્ટર ખુલશે અને જે છે એમાં ઘણો બદલાવ આવશે. ગેરજરૂરી કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ની ડિમાન્ડ ઘટશે. લોકો પોતાના વતન અને ઘરની આસપાસ રહીને ધંધો - નોકરી કરવાનું વિચારશે. ગામડાનો વિકાસ વધશે. વિઘાર્થીઓ માં પણ હવે બહાર જઈને ભણવાનો ચીલો ઓછો થશે. અને બધા જ ધીરે-ધીરે આપણી સ્વદેશી સંસ્કૃતિ તરફ વળશે.
*****
શ્રી ચેતન રાઠોડ, પ્રાધ્યાપક, વિવેકાનંદ કોલેજ, સુરત. સંપર્ક : 90999 09209, 90990 90930