‘ધી પ્લેગ’
વર્તમાનમાં સમગ્ર વિશ્વ જે પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યું છે તેનુ ચિત્ર એકદમ બિહામણુ અને ભયાનક છે. જીવન અને જગતના અનુબંધમાં અરાજકતા પ્રવેશી ગઈ છે. દરેક માનવીએ પોતાની જાતને ઘરની ચાર દિવાલોમાં કેદ કરી દીધી છે. કોરોના (Covid 19)ને કારણે આજે વૈશ્વિકરણ તરફ આગળ વધતી માનવજાત પર હાલ પુરતી તો બ્રેક લાગી ગઈ છે. અત્યારે લગભગ તમામ દેશ ભયના ઓથાર હેઠળ શક્તિ-મતિ અનુસાર આ સંકટને પહોંચી વળવા શક્ય એટલા તમામ પ્રયાસો કરી રહી છે.
જગતનો ઇતિહાસ કહે છે કે કોઇપણ મહામારી હોય, કોઇપણ આફત હોય કે પછી ગમે તેવા યુદ્ધો હોય આખરે તો તે પરિસ્થિતિને ઉભી કરવામા જાણે અજાણ્યે માણસ જાતની સંડોવણી રહી જ છે. જ્યારે તે બાબતે માણસ સભાન થાય ત્યારે પરિસ્થિતિ કદાચ નિયંત્રણ બહાર જતી રહી હોય છે અથવા તો તેનું વિનાશક પરિણામ પ્રજા ભોગવતી હોય છે. આવા સમયે હંમેશની જેમ જે અકળ છે એવી અધ્યાત્મિક બાબતો કેંદ્રમાં આવી જતી હોય છે. આસ્થાના માધ્યમો બદલાતાં હોય છે, મુલ્યોમાં પરિવર્તન આવે છે, નવી વિચારધારાઓ અસ્તિત્વમાં આવે છે આ બધુ સહજ છે અને તેનો એક લાંબો ઇતિહાસ પણ આપણી સામે છે.
કોઇપણ ધર્મની મુળ પ્રકૃતિ તો જોડવાની છે. પરંતુ માનવ જાતે ધર્મની મુળ પ્રકૃતિને નજરઅંદાજ કરી પોતાના સ્વાર્થ માટે પોતાની જરૂરિયાત પ્રમાણે વ્યાખ્યાયિત કરી છે. વિનાશક પરિસ્થિતિ ઉભી ન થાય એટલા માટે ધર્મનું શરણ લેતો માનવી પોતાના નીજી સ્વાર્થ માટે એ જ ધર્મની સીમાઓનું ઉલ્લંઘન કરે છે. અને સીમા વળોટ્યા બાદ જે પરિણામ આવે તે માટે સૌંદર્ય, સહકાર, સેવા, સ્નેહ, અહિંસા, આદર્શ, નૈતિકતા જેવા મૂલ્યોની નિરર્થકતા વિશે બેફામ અને ઉન્માદક વિચારો પ્રગટ કરતા રહે છે..
હાલના કોરોના-કાળમાં ગઈ સદીના મહત્ત્વના વિચારક-સાહિત્યકાર એવા આલ્બેર કામૂની ‘ધ પ્લેગ’માંની વિચારપ્રેરક વાતો પર નજર કરવા જેવી છે.
જે શહેરને કેન્દ્રમાં રાખીને કામુએ નવલકથાને નિરુપી છે તે ઓરા શહેરની એક દિશામાં સમુદ્રની ખાડી અને ત્રણ દિશાઓમાં ઊભેલા ચળકતા પહાડોની વચ્ચેના મેદાનમાં વસેલું છે. આ ઓરા શહેરના નગરબંધી જેવા વાતાવરણમા પરસ્પરથી વિચ્છેદ પામેલા માનવીની અવસ્થાનું ચિત્ર ગઈ સદીના વિલક્ષણ વિચારક-સાહિત્યકાર એવા આલ્બેર કામૂ ‘ધ પ્લેગ’ નવલકથામાં કલાત્મક રીતે ઉપસાવ્યું છે. પ્લેગ જેવી મહામારીની વાસ્તવિકતાને સાહિત્યના માધ્યમથી રજૂ કરે છે.
‘ધ પ્લેગ’ કુલ પાંચ ભાગમાં વહેંચાયેલી આ નવલકથાના પ્રથમ ભાગના પ્રારંભે જ લેખક કથાની પૃષ્ઠભુ બાબતે સ્પષ્ટ કહે છે કે ‘ આ અહેવાલમાં જે નવતર બનાવોની વિગતો આવે છે તે બધા બનાવો ઇ.સ. ૧૯૪-માં ઓરાનમાં બન્યા હતા. બનાવોની અસામાન્યતા જોઇને સહુ કોઇ કહે કે આ બનાવો માટે ઓરાન કંઇ યોગ્ય સ્થળ નહોતું. કેમ કે ઓરાન તો અલ્જીરિયાને સીમાડે આવેલું એક સામાન્ય શહેર છે. ત્યાં ફ્રેંચ વિભાગના પ્રિફેક્ટનું હેડક્વાર્ટર છે અને તે મોટું બંદર છે. બસ, એ જ એની વિશેષતા.’૧
પ્રારંભે ઓરાન શહેરમાં ચોતરફ મરેલા ઉંદરોનું વરવુ ચિત્રણ આલેખ્યું છે. એક બાજુ ડો. રિયો (‘પ્લેગ’ નામે ગુજરાતીમાં અનુવાદ કરનાર રાજેન્દ્ર જોશી મુળ Dr.Rieux નામનો અનુવાદ ડૉ. રિયો કરે છે ) ની પત્ની બિમાર છે બીજી બાજુ શહેરમાં મરેલા ઉંદરોનો ત્રાસ છે. વર્ણન છે કે - ‘આ સમયે અમારા શહેરના લોકોમાં ગભરાટ ફેલાવા લાગ્યો. કારણ કે ૧૮ એપ્રિલ પછી ફેક્ટરીઓ અને ગોદામોમાં મરી ગયેલા કે મરવા પડેલા ઢગલાબંધ ઉંદરો મળી આવ્યા હતા. કેટલીય જગાએ તો રિબાવાના ત્રાસથી બચાવવા માટે લોકોએ જાણીજોઇને ઉંદરોને મારી નાખ્યા હતા-શહેરની બહારની વસ્તીઓથી માંડીને શહેરના મધ્યભાગ સુધી તમામ ગલીઓમાં કચરાનાં ટીનના ડબ્બા મરેલા ઉંદરોથી ભરાઇ ગયા હતા. નાળાંઓમાં પણ મરી ગયેલા ઉંદરોની લાઇન લાગી હતી. ૨
આમ, પ્રારંભે મરેલા ઉંદરોથી ભયભિત અને વિસ્મય પ્રેરક ચિત્ર ઉપસાવતું આલેખન છે. ધીમે ધીમે ઉંદરો બાદ આ રોગ લોકોમાં પ્રસરે છે. બેહોશી, અને જોરદાર થાક, બગલમાં અને જાંઘમાં થતી ગાંઠ ભયંકર તરસ લાગવી, શરીર પર કાળા ડાઘ પડવા, દિવસે દિવસે શરીરનું ધોવાણ થવું વગેરે લક્ષણો ધરાવતા લોકોની સંખ્યા વધતી જાય છે. અને અંતે આ લક્ષણો તેમને મૃત્યુ સુધી લઇ જાય છે. લોકોને પણ અણસાર આવતો જાય છે કે પ્લેગ નામની કોઈ મહામારીએ તેમને ઘેરી લીધા છે અને લોકોના મનમાં અકળ એવો ભય પેસી જાય છે. ભયને કારણે શહેરના દરવાજા બંધ કરી દેવામાં આવે છે. અને અંદરની વ્યક્તિ બહાર ન જઈ શકે કે બહારની વ્યક્તિ અંદર ન આવી શકે. લોકો પોતાના સ્વજનોથી, પોતાના વ્યવસાયથી સાવ જ વિખુટા પડી ગયા. લેખક વર્ણવે છે કે – ‘ દરવાજા બંધ થવાનું સૌથી મોટું પરિણામ એ આવ્યું કે લોકો અચાનક એકબીજાથી વિખુટા પડી ગયા. આ આકસ્મિક ઘટના માટે લોકો બિલકુલ તૈયાર નહોતા. થોડા દિવસો માટે વિખૂટાં પડેલા લોકો – માતા અને સંતાનો, પતિ-પત્ની, પ્રેમીયુગલો – એઉં માનીને છુટા પડ્યા હતા કે ફરી નજીકના ભવિષ્યમાં મળીશું. એવું માનીને જ એકબીજાને વહાલ કરી, ચૂમિને વિદાય લીધી હતી કે એકાદ-બે અઠવાડિયામાં ફરી મળાશે.’ ૩ શહેરનો બાહરી સંપર્ક તુટી જવાને કારણે દાણચોરી, ભાવવધારો અને સંઘરાખોરીનું પ્રમાણ બેહદ વધી જાય છે. લોકોમાં અરાજકતા ફેલાઈ જાય છે. જનજીવન અસ્તવ્યત થતું જાય છે.
બીજી બાજુ ડૉ. રિયો પોતાની ફરજને વફાદાર રહી પોતાનું કાર્ય કર્યે જાય છે. ડો. રિયોના વિચારો પણ ..........છે.’ જીન તારો સાથેની એક ચર્ચામાંથી ડૉ.રિયોનું વ્યક્તિત્વ પ્રગટ થાય છે – પ્રવાસી જીન તારો ડૉ. રિયોને દલીલ કરે છે કે ‘ ખેર, તમે પણ ફાધર પૈનેલોની જેમ વિચારો છો કે પ્લેગનું એક સારું પાસું પણ છે. એણે લોકોની આંખો ઉઘાડી નાખી છે અને એમને વિચારવા માટે વિવશ કરી દીધા છે.’ પ્રત્યુત્તરમાં ડૉ. રિયો કહે છે – ‘ તો દરેક રોગ આજ કામ કરે છે. જે વાત દુનિયાની બીજી બૂરાઇઓને લાગુ પડે છે તે પ્લેગને પણ લાગુ પડે છે. એનાથી માણસને પોતાનો વિકાસ કરવાનું બળ મળે છે. સામાન્ય પણે પ્લેગમાંથી જન્મેલી મુસીબતોને જોઇને તો કોઇપણ પાગલ, ડરપોક કે સાવ આંધળો માણસ પણ પ્લેગની આગળ ઘૂંટણ ટેકવી દેવાની સલાહ આપશે’ ૪ તેમ છતાં જીન તારો ડો .રિયોનો પીછો છોડતો નથી અને દલીલ આગળ વધારે છે કે ‘શું-તમારી અને ફાધર પૈનેલોની વચ્ચે આ જ અંતર નથી ?’ ત્યારે પણ ડૉ. રિયોનો પ્રત્યુત્તર નોંધવા જેવો છે કે ‘ મને એમાં શંકા છે. પૈનેલો ભણેલોગણેલો વિદ્વાન પુરુષ છે. તે કદી મૃત્યુના સંપર્કમાં આવ્યો નથી. એટલે તે સચ્ચાઇ ને શ્રદ્ધાથી આ વાત કહી શકે છે, સચ્ચાઇના ‘સ’ પર વજન આપીને પણ દરેક ગામડાનો પાદરી, જે પોતાના વિસ્તરમાં આવતાજતા હોય, અને જેણે કોઇ માણસને મૃત્યુશય્યા પર તરફડતો જોયો હોય તે મારી જેમ જ વિચારતો હોય તે માણસનાં દુ:ખદર્દને સારાં વિના દુર કરવાનો પ્રયત્ન કરશે’ ૫ અને અંતે ત્રીજી એક દલીલમાં જ્યારે જીન તારો ડૉ. રિયોને પુછે છે કે ‘ભગવાનમાં શ્રદ્ધા રાખતા નથી છતાં તમારા કર્તવ્ય પ્રત્યે આટલી નિષ્ઠા કઇ રીતે બતાવી શકો છો ? ત્યારે ડૉ. રિયો ઇશ્વર પ્રત્યેનો પોતાનો ભાવ વ્યક્ત કરતાં કહે છે – ‘જો કોઇ સર્વશક્તિશાળી ઇશ્વરમાં મને શ્રદ્ધા હોત તો હું રોગીઓનો ઇલાજ કરવાનું જ છોડી દેત અને એમને ભગવાનની દયા પર છોડી દેત. પણ દુનિયામાં કોઇ પણ માણસ આ પ્રકારના ઇશ્વરમાં શ્રદ્ધા રાખતો નથી.
પૈનેલો પણ નહીં તે પોતે એવું માને છે કે તેને ભગવાનમાં શ્રદ્ધા છે. એની સાબિતી એ કે ક્યારેય કોઇક માણસે પોતાની જાતને પૂરેપૂરી ભાગ્ય ઉપર છોડી દીધી નથી.’ ખેર, ગમે તે હોય આ બાબતમાં રિયો જાણે છે કે હું સાચે રસ્તે છું સૃષ્ટિને જે સ્થિતિમાં પામું છું એની સાથે સંઘર્ષ કરું છું.’ ૬
તો સામા છેડે ધર્મની ભૂમિકા આવા કપરા સમયે ધર્મની ભૂમિકા કેવી હોવી જોઇએ અને શુ કરે છે તેને દર્શાવતી ભૂતકાળની આવી પરિસ્થિતિઓ આપણી સમક્ષ છે જ. આ નવલથાના કેન્દ્રમાં ફાધર પેનેલોક્સ નામના એક ખ્રિસ્તી ધર્મગુરુનું પાત્ર છે. (અહી અનુવાદક રાજેન્દ્ર જોશીએ પેનેલોકસ Paneloux નહી પણ પૈનેલો નામનો ઉલ્લેખ કર્યો છે) આ ધર્મગુરુ લોકોમાં સન્માનીય છે. ફાધર પેનેલોકસ પોતાનાં ધર્મ પ્રવચનમાં કહે છે કે આ પ્લેગની મહામારી ઓરાનવાસીઓના કારણે આવી છે. તેમણે આચરેલાં પાપની સજાના ભાગ રૂપે ઈશ્વરે અહીં મોકલ્યો છે.
આજેપણ એ જ પરિસ્થિતિ છે. નિઝામુદ્દીન તબલિગી જમાતનાં વડા મૌલાના સાદ દ્વારા તબલિગીઓને કરેલ સંબોધન જેવી ઘણી ઘટનાઓથી પ્રજામાં અરાજકતા ફેલાય છે. અલ્જીરિયાના ઓરા શહેરને કેન્દ્રમાં રાખી ધાર્મિક બાબતો અને પ્રજાને સાંકળતી એવી કેટલીક વાસ્તવિકતાને આલબેર કામુએ સાહિત્યના માધ્યમ દ્વારા સચોટ અને કલાત્મક રીતે ‘પ્લેગ’ માં રજૂ કરી છે.
ઓરાન શહેરના ધર્મગુરુ અને ફાધર પૈનેલો મહામારીના સમયમાં પ્રાર્થના સપ્તાહનું આયોજન કરે છે. જેમાં ફાધર પૈનેલો પોતાના ભાષણની શરુઆત જ એવી રીતે કરે છે કે લોકો સ્તબ્ધ બની જાય છે ‘ મારા ભાઇઓ, તમારા પર એક સંકટ આવ્યું છે. અને તમે લોકો એને લાયક પણ હતાં....’ ભાષણ સાંભળવા આવેલ લોકોમાં સોપો પડી જાય છે. ધર્મગુરુ પૈનેલો આટલેથી અટકતા નથી આગળ ચલાવે છે –‘ આજે તમારી વચ્ચે પ્લેગ એટલા માટે આવ્યો છે કે હવે તમારે વિચારવાની ઘડી આવી ગઇ છે. પ્રામાણિક લોકોએ ડરવાની જરુર નથી. પણ ગુનેગારો કંપવા માંડશે. કારણ કે પ્લેગ એ તો ભગવાનનું મુશળ છે અને દુનિયા એ ખાંડણી. ભગવાન નિર્દયતાથી અનાજને ત્યાં સુધી ખાંડશે જ્યાં સુધી દાણેદાણો ફોતરાંઓથી અલગ ન થઇ જાય, ફોતરાં ઢગલાબંધ હશે. કેટલાય લોકોને બોલાવવામાં આવશે પણ થોડાક જ લોકોને પસંદ કરવામાં આવશે. ભગવાને પણ આ મુશ્કેલીને આમંત્રી નથી. ઘણા દિવસોથી આપણી દુનિયા બૂરાઇને સાથ આપી રહી છે અને ભગવાનની દયા અને માફીમાં શ્રદ્ધા રાખી રહી છે. માણસોએ વિચાર્યું કે ગુના કરીને, પશ્ચાત્તાપ કરી લો એટલે પત્યું, અને એમણે પાપ કરવામાં કોઇ કમી ન રાખી. બધા નિરાંતે ગુના કરતા હતા અને સૌને એમ હતું કે જ્યારી કયામતનો દિવા આવશે ત્યારે ગુના છોડીને માફી માગી લઇશું. એમણે વિચાર્યું જ્યાં સુધી એ દિવસ ન આવે ત્યાં સુધી સૌથી સહેલો રસ્તો એ છે કે ગુનાની તાબે થઈ જવું. બાકીનું કામ ભગવાનની દયા પર છોડી દેવું ઘણા દિવસો સુધી ભગવાને દયાદ્રષ્ટિથી આ શહેરને જોયું. પણ રાહ જોઇ જોઇને ભગવાન થાકી ગયો. આપણે એની શાશ્વત આશાને ઘણા સમયથી ટાળતા રહ્યા અને હવે ભગવાને આપણને લપડાક મારી. ભગવાનનો પ્રકાશ આપણી પાસેથી છીનવાઇ ગયો. આપણે અંધકારમાં જતાં રહ્યાં આ પ્લેગના અંધકારમાં’ ૭
અહી આસ્તિક-નાસ્તિક, શ્રદ્ધા- અશ્રદ્ધા, ધર્મ-વિજ્ઞાન વગેરેના દ્વંદ્વને કામુએ સચોટ રીતે સામ સામાના છેડાએ મુકી માનવીય દ્રષ્ટિકોણને કલાત્મક રીતે આલેખ્યો છે. દાર્શનિક અને નસ્તિક અસ્તિત્ત્વવાદી આલ્બેર કામુ નિરર્થકતાને અને વાહિયાતપણાનો સદંતર વિરોધ કરે છે.
દાર્શનિક અને અસ્તિત્ત્વવાદી કામુ નવલકથામાં લાગણી અને સંવેદનશીલતાને સ્થાન આપે છે. ડૉ. રિયો મહામારીના ડરથી થાક્યા કે કંટાળ્યા વગર પોતાની ફરજ નિભાવ્યે જાય છે. પ્લેગ ગ્રસ્ત લોકોને જોઇને તેને અનુકંપા જાગે છે ચારે બાજુ મૃત્યુનો ડર છે છતાં પોતે પોતાની ફરજ અને નિષ્ઠાથી ચલિત થતાં નથી. તેવી જ રીતે નગરબંધી અને મહામારીને કારણે જીવ ગુમાવવાથી અથવા તો મહામારીને કારણે એકબીજાથી વિચ્છેદ પામેલા લોકોની વેદનાને પણ અહી લેખકે વાચા આપી છે. ક્યાંક ભૌતિક રીતે સુખી અને સંપન્ન એવા લોકોની સવલતો છીનવાયાનું દુ:ખ છે, તો ક્યાંક આપ્તજનોના મૃત્યુની વેદના છે, તો વળી ક્યાંક એકબીજાથી વિખુટા પડ્યાનો વિરહ છે. આ બધા વચ્ચે લેખકે લોકોની બદલાયેલી માનસિક અવસ્થાનું ચિત્રણ પણ ધ્યાનાર્હ છે. લોકો એવું માનવા લાગ્યા છે કે તર્કબદ્ધ અને અર્થસભર એવા જીવનની આસ્થા જ ખોટી અને વાહિયાત વાત છે. માણસના હાથમાં કશું જ નથી. ગમે તેને અને ગમે ત્યારે પ્લેગ ભરડો લઇ શકે છે. એટલે આસ્થા કે ધર્મ, તર્ક,શીસ્ત, મુલ્યો કોઇ પ્લેગથી બચાવી નહી શકે. માટે લોકોને ધર્મના બંન્ધનો ફગાવીને એશો આરામ અને ઐયાશીભરી જીંદગી તરફ વળતો બતાવ્યો છે. જો કે એવા વર્ગનું પણ આલેખન છે કે જે મૃત્યુના ભય વિના નિસ્વાર્થભાવે લોકોની સેવામાં જોડાયેલા છે. જે છે શહેરના સફાઇ કામદારો જે થાકને ભુલીને અવિરત પોતાની ફરજ નિભાવ્યે જાય છે. આ બાબત ડો. રિયો પોતાની ડાયરીમાં નોંધે પણ છે કે ‘માણસની અંદર વખોડવા કરતાં વખાણવા જેવી બાબતો વધુ છે’
નવલકથાના અંત ભાગમાં પ્લેગ જેવી વિનાશક મહામારીનું શમન થવા લાગે છે. પરિસ્થિતિ થાળે પડતી જાય છે, જનજીવન સામાન્ય થતું જાય છે, ઓરાન નગરના દરવાજા પણ ખોલી નાખવામાં આવે છે, વિખુટા પડેલા આપ્તજનો અને પ્રેમી યુગલો ફરી એકબીજાને મળે છે, ચર્ચ જેવા ધાર્મિક સ્થાનો ફરી પાછા ભક્તોથી ઉભરાઇ પડે છે.છે. લોકો ફરી પાછા ધર્મના શરણમાં પૂર્વવત્ત ગોઠવાઇ જાય છે.
ઉપરોક્ત રીતે આલ્બેર કામુ પોતાનામાં પડેલા ભુતકાળના સ્મરણોને ‘ધી પ્લેગ’ દ્વારા આલેખે છે. જો કે પોતે આ મહામારીનો સામનો પ્રત્યક્ષ કર્યો નથી. પરંતુ જર્મનીનું ફ્રાંસ પરના આક્રમણને કારણે કામુ ફ્રાંસમાં અટવાઇ જાય છે પરિણામે જે પ્રકારે અરાજકતા પ્રસરે છે અને તેના કારણે હિંસા, ચોરી લૂંટફાટ, સતાલાલસા, ડર અને ભયથી લદાયેલું જીવન વગેરે તેની નજર સામે તરવરે છે. એટલે જ તેઓ આવી અર્થસભર કૃતિ લખી શક્યા હશે. નવલકથાના અંતે પોતે સ્પષ્ટતા પણ કરે છે કે- ‘આ વૃતાંત હવે પુરું થશે અને ડો. બર્નાર્ડ રિયો માટે કબુલી લેવાનો આ યોગ્ય સમય છે કે આનો વાર્તાકાર તે પોતે છે. ‘ ૮
આખરે તો કામુ દાર્શનિક છે, અસ્તિત્વવાદી છે નવલકથાની મહત્તા અને તેમાં નિરુપિત કથાની સાર્થકતા માટે નોંધે છે – ‘પોતે જે વાર્તા વર્ણવશે તે અંતિમ વાર્તા ન હોઇ શકે. જો માનવજાતને ફરી આતંક અને એના નિષ્ઠુર હુમલાઓની સામે અનંત સંઘર્ષ કરવો પડે તો એણે શું કરવું જોઇએ અને ભૂતકાળમાં શું શું કરવામાં આવ્યું હતું તેના સ્મૃતિચિહ્ન રૂપે આ વાર્તા નોંધપાત્ર દસ્તાવેજ બની શકે.’ ૯
કામુએ બહુ સુચક રીતે જ કૃતિનો અંત આપ્યો છે – ‘ પ્લેગનાં જંતુઓ કદી મરતાં નથી. હંમેશને માટે લુપ્ત પણ થઇ જતાં નથી. તે તો વર્ષો સુધી ફર્નિચર પર અને કપડાં મૂકવાના કબાટમાં છુપાઇને સૂતાં રહે છે. તે શયનગૃહોમાં, ભોયરામાં, પેતીઓમાં અને પુસ્તકોની અલમારીઓમાં છુપાઇને યોગ્ય અવસરની રાહ જોતાં રહે છે અને કદાચ ફરી તેવો દિવસ આવશે જ્યારે માનવજાતનો નાશ કરવા અને એને જ્ઞાન આપવા માટે પ્લેગ ફરી ઉંદરોને ઉશ્કેરીને કોઇ એકાદા સુખી શહેરમાં મોકલી આપશે. ‘ ૧૦
આમ, ૧૯૪૭માં લખાયેલી સુખ્યાત કૃતિ આજે કોરોના જેવી મહાભયાનક મહામારીના સમયમાં એટલી જ પ્રસ્તુત હોવાની અનુભૂતિ કરાવે છે.
સંદર્ભ :
1. ‘પ્લેગ’ , મુ.લે. આલ્બેર કામુ, ગુજરાતી અનુવાદ, રાજેન્દ્ર જોશી,ભાગ–૧,પૃ.3
2. ‘પ્લેગ’ , મુ.લે. આલ્બેર કામુ, ગુજરાતી અનુવાદ, રાજેન્દ્ર જોશી, ભાગ-૧,પૃ.૧૬
3. ‘પ્લેગ’ , મુ.લે. આલ્બેર કામુ, ગુજરાતી અનુવાદ, રાજેન્દ્ર જોશી, ભાગ–૨, પૃ.૭૨
4. ‘પ્લેગ’ , મુ.લે. આલ્બેર કામુ, ગુજરાતી અનુવાદ, રાજેન્દ્ર જોશી, ભાગ–૨, પૃ.૧૩૫
5. ‘પ્લેગ’ , મુ.લે. આલ્બેર કામુ, ગુજરાતી અનુવાદ, રાજેન્દ્ર જોશી, ભાગ–૨, પૃ.૧૩૫
6. ‘પ્લેગ’ , મુ.લે. આલ્બેર કામુ, ગુજરાતી અનુવાદ, રાજેન્દ્ર જોશી, ભાગ–૨,પૃ.૧૩૬
7. ‘પ્લેગ’ , મુ.લે. આલ્બેર કામુ, ગુજરાતી અનુવાદ, રાજેન્દ્ર જોશી, ભાગ–૨,પૃ.૧૦૨
8. ‘પ્લેગ’ , મુ.લે. આલ્બેર કામુ, ગુજરાતી અનુવાદ, રાજેન્દ્ર જોશી, ભાગ–૫,પૃ.૩૧૬
9. ‘પ્લેગ’ , મુ.લે. આલ્બેર કામુ, ગુજરાતી અનુવાદ, રાજેન્દ્ર જોશી, ભાગ–૫,પૃ.૩૨૩
10. ‘પ્લેગ’ , મુ.લે. આલ્બેર કામુ, ગુજરાતી અનુવાદ, રાજેન્દ્ર જોશી, ભાગ–૫,પૃ.૩૨૪
*****
ડૉ. ભાવેશ એમ. જેઠવા, આસિસ્ટંટ પ્રોફેસર, ગુજરાતી વિભાગ, કે.એસ.કે.વી.કચ્છ યુનિવર્સિટી, ભુજ- કચ્છ