કોરોનાગ્રસ્ત જનજીવનનું વિહંગાવલોકન
માનવજીવન સતત પ્રભાવિત થતું રહે છે. ક્યારેક આંતરિક અને ક્યારેક બાહ્ય રીતે. એની આસપાસની પરિસ્થિતિ પણ એના જીવનને પ્રભાવિત કરે છે. આ પરિસ્થિતિથી તે જ્ઞાત હોય તો તેને ઝીલવા માટે તે પૂર્વતૈયારી કરી લે છે પણ આકસ્મિક કે અણધારી હોય તો મોટેભાગે તે અસ્તવ્યસ્ત થઈ જાય છે. ઘણીવાર પૂર્વ અનુભવ પણ તેને ખપમાં લાગતો નથી. તાજેતરમાં સમગ્ર વિશ્વમાં પ્રસરેલા કોરોના નામની મહામારીએ સર્વને ત્રસ્ત કરી દીધા છે.
આ બિમારીએ ભારતની પ્રજાને પણ અસર કરી છે. ચીનના વુહાન શહેરમાં સૌપ્રથમ જોવા મળેલ આ રોગ આજે વિશ્વના અનેક દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. ચીનમાં જ્યારે આ બિમારી ફેલાતી હતી ત્યારે વિશ્વના મોટાભાગના દેશો તેના વિશે માહિતગાર હતા. આ રોગ ચેપી છે, તેની કોઈ દવા નથી, તે જીવલેણ છે – આવી આવી અનેક ચર્ચાઓ ચોતરફ થતી હતી. પરંતુ ભારત સહિત કોઈ દેશની પ્રજા કે નેતાને આ બિમારી પોતાના દેશમા પ્રવેશે એ પહેલાં "દરવાજા" બંધ કરવાનો વિચાર સુધ્ધા ના આવ્યો !!! જ્યારે કોરોના નામની આ મહામારીએ વિશ્વના અનેક દેશોમાં પ્રસરી હાહાકાર મચાવી દીધો પછી સૌએ પોતાના દેશ-દરવાજા બંધ કર્યા. માણસનું નૉલેજ 'પોપટીયું જ્ઞાન' સાબિત થયું. ટેકનોલોજી કે સમૂહ-માધ્યમોનો સમયાનુસાર સત ઉપયોગ ન થઈ શક્યો અને ગંભીર મહામારી સામેનું બેદરકારીભર્યુ માણસોનું વલણ આજે સૌની સામે વિકરાળ સમસ્યા બની ઊભું છે.
૨૨ માર્ચ ૨૦૨૦ના રોજ ભારતમાં સરકાર દ્વારા સૌપ્રથમ લોકડાઉન જાહેર કરી કોરોના સામે સાવચેતીના પગલાં લેવામાં આવ્યા. નોકરી-ધંધા બંધ થતાં જ શહેરમાં વસતાં લોકો પોતાના વતન તરફ ભાગવા લાગ્યાં. સમગ્ર જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. રોજેરોજનું કમાઈને ખાવાવાળા લોકો પ્રત્યે સરકાર અને કેટલાક લોકોએ માનવતાભર્યુ વલણ અપનાવ્યું. આવશ્યક ચીજવસ્તુઓના કીટવિતરણ દ્વારા જરૂરિયાતવાળા લોકોને મદદ કરવામાં અનેક વ્યક્તિઓ અને સંસ્થાઓએ પ્રશંસનીય કામગીરી કરી. કોરોના સામે રોગપ્રતિકારક શક્તિ વધારવા સેવાભાવી લોકોએ મફતમાં ઉકાળાનું વિતરણ કર્યું. અન્નક્ષેત્રો શરૂ કર્યા. રાહતફંડમાં દાનનો પ્રવાહ વહેતો થયો. તો કેટલાક તકસાધુ લોકોએ આફતને 'અવસર'માં પલટાવી લાભ પણ લીધો. મહાનગરોની મોહજાળમાં ફસાયેલા જે લોકો સરકારી બસમાં મુસાફરી કરવામાં નાનપ અનુભવતા હતા અને 'અમને એસ.ટી.માં ના ફાવે' એવી બડાઈ હાંકનારા પણ મહાનગરો છોડી વતન પહોંચવા માટે ટ્રકમાં-ટેમ્પામાં, બાઈક પર બેસીને પણ મુસાફરી કરી શક્યા !!!
આપણે જોઈ શકીએ છીએ કે ૬૦% માનવસમૂહ આજે પણ 'ગાડરીયા પ્રવાહમાં' વહે છે. કોરોના વિશે ઘણા બધા લોકો કશું જાણતા નથી અને જાણવા માગતા પણ નથી. લોકડાઉન દરમિયાન તેઓ બિમારી સામે સાવચેતી દાખવવાને બદલે પોલીસની નજરથી બચીને કેવી રીતે બહાર જઈ આવ્યા એના પરાક્રમો વર્ણવી આનંદ લૂંટતા હતાં. શેરી-મહોલ્લામાં લોકોના ટોળેટોળાં એકઠા થયા હોય. વાતો થતી હોય, વાડીઓમાં પાર્ટીઓ થતી હોય. અને પોલીસ નીકળે ત્યારે દોડીને છૂપાઈ જતા લોકોને જોઈને પ્રશ્ન થાય કે માણસોએ કોરોનાથી છૂપાઈને રહેવાનું છે કે પોલીસથી ? બહાર નીકળતી વખતે ચહેરા પર માસ્ક બાંધવો, વારંવાર હાથ ધોવા, ગરમ પાણી કે ઉકાળાનું સેવન કરવું જેવી સૂચનાઓ પણ પોતાના હિત માટે છે એમ બહુ ઓછા લોકો સ્વીકારે છે અને આવી સૂચનાઓને હાસ્યાસ્પદ ગણે છે. આવું વલણ માત્ર અભણ કે ગ્રામીણ પ્રજામાં જ નથી પરંતુ કહેવાતા શિક્ષિત લોકોનું પણ આ જ પ્રકારનું વર્તન જોવા મળી રહ્યું છે. અનલોકની સ્થિતિને તેઓ કોરોના જતો રહ્યો છે એવું સમજી પૂર્વવત જીવન જીવી રહ્યા છે.
બીજી તરફ કેટલાક લોકો કોરોના અંગે વધારે પડતી ચિંતા અને ડરને કારણે માનસિક રીતે પણ પડી ભાંગ્યા છે. આર્થિક ચિંતા તો હોય જ. સામાન્ય શરદી કે ખાંસીથી પણ તેઓ પોતાને કોરોના થયો હશે એવી શંકા કરવા લાગે છે. આવા લોકોને ધ્યાનમાં રાખી મિડિયા વાળાએ આ બિમારીથી સાવચેતી દ્વારા બચી શકાય છે, બિમારીનો ભોગ બનેલા લોકોમાંથી કેટલા સાજા થઈ શક્યા છે તેની વાત પ્રથમ કરવી જોઈએ. ઘરના અને આજુબાજુના માણસોએ પણ સહાનુભૂતિ દાખવવી જોઈએ. આ બિમારી સંક્રમણથી ફેલાય છે એટલે બિનજરૂરી બહાર જવાનું ટાળવું જોઈએ.
કોરોનાને લીધે બાળકોને સૌથી વધુ મજા પડી ગઈ છે. વહેલા ઊઠવાનું નહીં, સ્કૂલે જવાનું નહીં, લેશન કરવાનું નહીં, ગોખવાનું નહીં, પરીક્ષા આપવાની નહીં એટલે નાપાસ થવાની કે ઓછા માર્ક્સ આવવાની બીક પણ નહીં. સૌથી મોટો લાભ માતાપિતા સાથે વધુ સમય જીવવાનો અમૂલ્ય આનંદ. જો કે માતાપિતા માટે આખો દિવસ બાળકોને ઘરમાં જ સાચવવા અને કોરોનાથી બચાવવા ઘણું કઠીન થઈ પડ્યું છે. બાળકો જેવી જ આનંદમય સ્થિતિ વૃદ્ધ માતાપિતા કે વડીલોની જોવા મળે છે. શહેરમાં વસતા દીકરાઓ પરિવાર સાથે વતનમાં આવતા ઘર ભર્યુંભાદર્યું જોવાનો આનંદ એ વૃદ્ધ આંખોમાં જોવા જેવો હોય છે.
પર્યાવરણની બાબતમાં જોઈએ તો કોરોનાને લીધે લોકડાઉન રાખવામાં આવ્યું. જેને લીધે વાતાવરણ શુદ્ધ થઈ ગયું હતું. દૂર દૂરની ડુંગરમાળાઓના રમણીય દશ્યો લોકો પોતાના ગામ કે ઘરમાંથી જોઈ શકતા હતા. લોકોનું સ્વાસ્થ્ય પણ સુધર્યું હતું. કેમ કે આ દિવસોમાં ગમે કે ન ગમે લોકોએ ફરજિયાત ઘરે રહેવું પડતું હતું. બહાર બધું બંધ હોવાને લીધે ઘરનું જ સાદું અને પૌષ્ટિક ભોજન કરવાને લીધે લોકોમાં ઘણી બધી બિમારીઓની સમસ્યા ઘટી ગઈ હતી. શ્રમ કરવાને લીધે લોકોનું શરીર પણ સ્વસ્થ અને મજબૂત બન્યું છે. કોરોના જેવી ગંભીર પરિસ્થિતિમાં પણ લોકો રમૂજવૃત્તિ જાળવી કે કેળવી શક્યા છે એ આપણે સોશિયલ મિડિયામાં ફરતા દશ્ય-શ્રાવ્ય સંદેશાઓમાં જોઈ શકીએ છીએ. સાથે સાથે લોકોની સર્જનાત્મકતા પણ સક્રીય રહી છે. કેટલાક લોકોએ પોતાના ભૂતકાળના પટારા ખોલી તેના સહારે આ કપરો કાળ પસાર કરવાનું સ્વીકાર્યું. દૂરદર્શન ચેનલે પણ વર્ષો પહેલાં રજૂ થયેલી રામાયણ-મહાભારત વગેરે સિરિયલો ફરીથી દર્શાવી લોકોમાં આજે પણ જોવા મળતી તેની લોકપ્રિયતાને નાણી-પ્રમાણી.
કોરોનાની શરૂઆતમાં લોકો તેનાથી વધારે ડરતા હતા. પરંતુ આ ચેપી રોગ ફેલાય નહીં એ માટે પૂરતી જાગૃતી ન રાખતા આ રોગનું સંક્રમણ વધતુ ગયું. હવે તો લોકોમાં તેનો ડર પણ ઓછો જોવા મળે છે. જેના લીધે માણસ-માણસ વચ્ચેનું અંતર જળવાતું નથી. અને અનેક લોકો આ રોગના ભોગ બને છે. માણસોના સ્વાસ્થ્ય ઉપરાંત આ મહામારીની વિપરિત અસર સામાજિક, આર્થિક, માનસિક, ધાર્મિક એમ જીવનના પ્રત્યેક ક્ષેત્રે પડે છે. લોકો પોતાના ફાયદા માટે પણ પાડોશીનું સારુ વિચારતા થયા છે. ગામનું-શહેરનું સારુ વિચારતા થયા છે. પાડોશમાં કે ગામમાં કોઈ માણસનો રીપોર્ટ કરાવવો પડે તો આજુબાજુના લોકો ઈશ્વરને પ્રાર્થના કરવા લાગે છે કે રીપોર્ટ નોર્મલ કે નેગેટીવ આવે. કેમ કે એક વ્યક્તિની બિમારી આજુબાજુના અનેક લોકોને હોમક્વોરન્ટાઈનમાં ધકેલી દે છે. સાથે સાથે સંક્રમણનો ડર પણ હોય જ. એટલે એ બાબતમાં લોકોમાં જાગૃતી આવી છે. મનુષ્યના આરોગ્ય ઉપરાંત કોરોનાની ગંભીર અને લાંબા સમય સુધી પ્રભાવ પાડનારી અસર આર્થિક ક્ષેત્રે પડશે. અનેક કારખાના ફરજિયાત બંધ રાખવા પડે છે. જેના લીધે કારીગરોની રોજગારી છીનવાઈ ગઈ છે. માલિકોને ઉત્પાદન બંધ થઈ ગયું છે કે ઘટી ગયું છે. ઉત્પાદન ઘટતા ચીજવસ્તુઓના ભાવ વધ્યા છે. આવક કરતા જાવકનું પ્રમાણ વધી જાય છે. સરકાર તરફથી અને લોકો તરફથી પણ જરૂરિયાતમંદ લોકોને સહાય પૂરી પાડવામાં આવી રહી છે. તેમ છતાં લોકો આર્થિક સંકડામણ અનુભવી રહ્યા છે. જેની સીધી અસર ઘણા બધા લોકોને માનસિક સ્તરે જોવા મળે છે. ભવિષ્યનું ધૂંધળું ચિત્ર તેમને હતાશા અને નિરાશાની ઊંડી ગર્તામાં ધકેલી દે છે અને માણસ તનાવગ્રસ્ત બની જાય છે. શિક્ષણનું સ્તર પણ કથળે છે. બાળકો ધીમે ધીમે આળસુ બની જાય. શિક્ષણ પ્રત્યે એમની રુચી ઘટી જાય છે. શિક્ષણનો એક વિકલ્પ ઓનલાઈન શિક્ષણ સ્વીકારાયો છે. જેનાથી વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાના પ્રયત્નો થાય છે. જેમાં ખરેખર કેટલા શિક્ષકો દ્વારા શિક્ષણ અપાઈ રહ્યું છે એનું મોનીટરીંગ થઈ શકે પણ કેટલા વિદ્યાર્થીઓ ખરેખર ભણે છે એ જાણવું મુશ્કેલ છે. વર્ગખંડમાં શિક્ષક બધા વિદ્યાર્થીઓ પર નજર રાખી શકે, ન સમજી શકતા હોય તેવા વિદ્યાર્થીઓના ચહેરા પરના હાવભાવથી શિક્ષક સમજી શકે, વિદ્યાર્થીઓ પરસ્પર એકબીજાનો સહકાર સાધી શકે. જ્યારે ઓનલાઈન શિક્ષણમાં સીધા સંપર્કના અભાવે અસરકારક શિક્ષણની આપ-લે થઈ શકે નહીં. તેમ છતાં વર્તમાન પરિસ્થિતિમાં ઓનલાઈન શિક્ષણ એક માત્ર માર્ગ અપાનવવા જેવો જણાઈ રહ્યો છે.
ટેકનોલોજી અને માહિતીના આ યુગમાં કોરોનાએ માણસોને સમજાવી દીધું કે તબીબી વિજ્ઞાનની બાબતમાં આપણે કેટલા ઊણા ઊતરીએ છીએ. આપણું પ્રાચીન વૈદક શાસ્ત્ર કે અદ્યતન તબીબી શાસ્ત્ર પાસે કોરોના અને એવી ઘણી બધી જીવલેણ બિમારી માટે કોઈ દવા નથી. અસરકારક દવાના અભાવે માણસ દયનીય અને લાચાર બની ઊભો રહે છે. કોરોનાની રસી શોધવાના અને તેના માનવ પરના પરીક્ષણોના સઘન પ્રયાસો અનેક દેશોમાં ચાલુ છે. એમાં સફળતા મળે અને રસી લોકો સુધી પહોંચે ત્યાં સુધીમાં કોરોનાનો ભોગ અનેક લોકો બની ચૂક્યા હશે. આવી પરિસ્થિતિ વચ્ચે કેટલાય સેવાભાવી ડૉક્ટરો, નર્સો અને અન્ય સ્ટાફ કોરોનાગ્રસ્ત લોકોની સારવાર પોતાના આરોગ્યને જોખમમાં મૂકીને પણ કરી રહ્યા છે. સારવાર દરમિયાન કેટલાકે કોરોનાનો ચેપ લાગવાથી પોતાનો જીવ ગુમાવ્યો છે. લોકોને બહાર ફરતા અટકાવવા, માસ્ક પહેરવા, એકબીજા વચ્ચે નિશ્વિત અંતર જાળવવા જેવી અનેક બાબતોનું ચુસ્તપણે પાલન કરાવવા માટે પોલીસો પણ ખડે પગે પોતાની ફરજ બજાવે છે. લોકોએ તેમને પૂરતો સહકાર આપી કોરોનાના સંક્રમણને અટકાવવા માટે સમજદારી અને નૈતિક ધોરણ અપનાવવું ખૂબ જ જરૂરી બની રહે છે. આટલી મોટી સંખ્યામાં લોકો કોરોનાથી સંક્રમિત થયા છે છતાં લોકોમાં જાગૃતીનો અભાવ જોવા મળે છે. સમૂહમાં એકઠા થવા પર પ્રતિબંધ હોવા છતાં લોકો તેનુ પાલન કરતા નથી. એટલે લોકોએ કોરોના સામે ડરીને નહીં પણ સમજદારીપૂર્વક સરકાર અને આરોગ્યવિભાગ દ્વારા અપાતી દરેક સૂચનાનું પાલન કરવું જોઈએ. અને 'સર્વજન હિતાય, સર્વજન સુખાય' માટે વ્યક્તિગત અને સામૂહિક જીવનશૈલીમાં કેટલીક મુશ્કેલીઓ વેઠીને પણ જાગૃત નાગરિક તરીકે જીવનવ્યવહાર ચલાવવો જોઈએ. આપણે સૌ જાણીએ છીએ કે 'પહેલું સુખ તે જાતે નર્યા' સુખ સૌને ગમે. એ મેળવવા આપણે જ જાગૃત બનવું જોઈએ.
*****
ડૉ. બીના ડી. પંડ્યા, એસોસિએટ પ્રોફેસર – ગુજરાતી વિભાગ, સરકારી વિનયન કૉલેજ, તળાજા.