COVID – 19 સામાજિક અને આર્થિક પરિપેક્ષ
સમગ્ર વિશ્વ આજે કોરોના જેવી મહામારીના કારણે ત્રાહિમામ થઈ રહ્યું છે. જેના કારણે બધા જ દેશોમાં સામાજિક-આર્થિક અને રાજકીય કટોકટી પેદા થઈ છે. ૧૮ વર્ષ પહેલા સાર્સ વાયરસના કારણે આવો જ ખતરો વિશ્વમાં ફેલાયો હતો જેના કારણે ૭૦૦થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. ભારત દેશમાં કોરોના જેવી બીમારીની પરિસ્થિની વાત કરીએ તો અન્ય દેશની તુલનાએ આપણાં દેશમાં આ બીમારી વ્યાપક સ્વરૂપ લે તે પહેલા જ ભારત સરકારે ખૂબ જ કડક કાયદા સાથે સીધું ૨૧ દિવસનું લોક ડાઉન સમગ્ર ભારતમાં લાગુ પાડ્યું જેની સીધી અસર આ બીમારી સામે રક્ષણ મેળવવા માટે હતું પરંતુ સમયાંતરે આ બીમારીના રસીની શોધ પ્રાપ્ત ન થતાં દરેક રાજ્યએ પોતાના રાજય માં કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વિભિન્ન છૂટ છાટ સાથે લોક્ડાઉન ને સ્વીકાર્યું જે વર્તમાનમાં ગતિમાન છે. હાલમાં અમરિકામાં કોરોનના કેસ રોજના ૬૦,૦૦૦ થી ૭૦,૦૦૦ સુધી આવે છે જ્યારે ભારતમાં હાલમાં ૯૦,૦૦૦ સુધી કેસ રોજના વધવા લાગ્યા છે જે વિકટ પરિસ્થિતિને આમંત્રણ આપી રહ્યું છે.
ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિની વાત કરીએ તો સમગ્ર દેશમાં ગુજરાત રાજ્ય એ કોરોનાથી સંક્રમિત તેમજ મૃત્યુના આંકડા સાથે આગળની હરોળમાં સ્થાન ધરાવે છે. આવા વિકટ પરિસ્થિતિમાં કોઈ પણ જાતના રાજકીય દાવપેચ વગર સમગ્ર માનવ સમુદાય એક થઈને સામાજિક અને આર્થિક કટોકટી સામે કઈ રીતે પોતાની જાતને આગળ વધારે છે તે સામાજિક અને આર્થિક અસર દ્વારા જોઈ જાણી શકાય છે.
સામાજિક અસર
સમાજ એ દેશનું એક અભિન્ન અંગ છે અને સમાજ એ વિભિન્ન વર્ગથી જોડાયેલો સમુદાય છે જેમાં મજદૂર વર્ગથી લઈ ઉચ્ચ વર્ગ સુધી કામ કરતાં લોકો સતત એક બીજા સાથે જોડાયેલા હોય છે. કોરોનાના કારણે માનવ સમાજથી દૂર થયું પરંતુ પરિવારથી વધુ નજીક જોડાયું. લોકડાઉનના કારણે સોશિયલ મીડિયાનો ૮૭% વપરાશ વધ્યો તેમાં પણ વૉટસએપ અને ફેસબુકનો ૭૫% ઉપયોગ વધી ગયો છે. સરેરાશ લોકો દિવસના ૨૮૦ મિનિટ સોશિયલ મીડિયા પર બીતાવે છે. જે ક્યાંક ને ક્યાંક માનવ શરીર માટે હાનિકારક પણ છે. તો બીજી તરફ કોરોના જેવી મહામારીની અંદર સમાજના ઘણા વધા એવા લોકો અને સમુદાય આપણી સામે આવ્યા જે પોતાના જીવ જોખમે મૂકીને રાત દિવસ એક કરી લોકોના જીવ બચાવવાથી માંડીને તેમના ખોરાક, વાહન વ્યવસ્થા વગેરેની સેવા પૂરી પડી છે જેમાં ડૉક્ટર, પુલીસ કર્મીઓ, મીડિયા, સામાજિક સંસ્થાઓ, હોદ્દેદાર સરકારી કર્મચારીઓ વગેરેનો સમાવેશ થાય છે. ડૉકટર અને નર્સ રાત દિવસ પોતના પરિવાર થી મહિનાઓ સુધી દૂર રહીને કોરોનાગ્રસ્ત લોકો સાથે પોતાની ફરજ બજાવવા સતત જોડાય રહ્યા છે. પોતાની ફરજ બજાવતા ઘણા બધા ડૉકટર અને નર્સ પરિવારને મળ્યા વિના જ મૃત્યુ પામ્યા. ઘણા બધા પોલિસકર્મીઓ પણ રાત દિવસ પોતાની ફરજ બજવતા કોરોનાગ્રસ્ત પરિસ્થિતિ થી સંકળાય રહ્યા છે છતા પણ સમાજના એક હોદ્દેદ્દાર તરીકે સમાજના સાચા સૈનિક તરીકે અડગ રહીને સમાજની સેવા માટે તત્પર છે. સામાજિક સંસ્થાઓ પણ આવા મહામારીના સમયમાં પોતાની ફરજ નિભાવતા શૈક્ષણિક સંસ્થાઓએ ઘર બેઠા જ વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવાનું કામ હાથ ધર્યું. ગુજરાત સરકાર પણ સ્કૂલ- કૉલેજના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને ગુજરાત ગિરનાર ચેનલ દ્વારા શાળાકીય શિક્ષણ પૂરું પાડી રહ્યું છે. પ્રથમ અને દ્વિતીય સત્રમાં અભ્યાસ કરતાં કૉલેજના વિદ્યાર્થીઓને માસ પ્રમોસન આપી રાહત ભર્યું કાર્ય કર્યું છે. આવા બધા જ સામાજિક સેવકોનો ઉત્સાહ વધારવા સમગ્ર દેશવાસીઓ દ્વારા દીવા પ્રગટાવી તેમજ થાળીઓ અને ઘંટીના નાદ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું. કોવિડ ૧૯ સામે ભારતીય રેલ્વેએ ટ્રેનના કોચમાં આઈસોલેશન વોર્ડ તૈયાર કરી ૨૦,૦૦૦ રેલ ડબ્બાને ક્વોરન્ટાઈન આઈસોલેશન ડબ્બાઓમાં ફેરવ્યા. કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉનના સમયમાં દેશ ભરના ૮૦ કરોડ રેશનકાર્ડ ધારકોને ૬ મહિના સુધી ૫ કિલો અનાજ ૧ કિલો દાળ પૂરી પાડી ગરીબ લોકોને સહાયરૂપ થયા છે.
બીજી તરફ સમાજનું એક અલગ વલણ પણ જોવા મળે છે જેમાં દેશના અલગ અલગ રાજ્યના કોરોના સમયમાં ઘટેલા ઘટનાઓને આધારે જાણી શકાય છે. જેમાં મુંબઈની એક ઘટનાની વાત કરીએ તો આ મહામારીના સમયે એક મહિલા ખૂબ જ બીમાર હતી પરંતુ તે મહિલાને કોરોના હશે એ વિચારથી ૬ જેટલા હોસ્પિટલથી તેને તરછોડવામાં આવી હતી અને ૭ નંબરના હૉસ્પિટલ જતાં સુધીમાં તે મહિલા મૃત્યુ પામી ચૂકી હતી. એવી જ બીજી ઘટના પૂર્વી ઉત્તર પ્રદેશમાં પણ એક પરિવાર ના બધા જ સભ્યો કોરોનાના કારણે આઇસોલોશનમાં એડમિટ હતા પરંતુ તે પરિવારના જ એક બાળક સ્વસ્થ હોવા છતાં કુટુંબજનોએ તેને દુષ્કાર્યો જેના કારણે તે ગંગા નદીમાં કૂદીને આત્મહત્યા કરે છે. અત્યારે આખી દુનિયામાં વસેલો માનવ સમાજ એક અનિષ્ઠના ભારણ નીચે જીવે છે. માનવ જગતે કોરોના જેવા મહામારી પહેલા પણ પ્લેગ જેવા મહામારીનો સામનો કર્યો છે પરંતુ કોરોના વાયરસ આતંકના રૂપમાં આવીને લોકોને અતિ પ્રમાણમા જીવ લેવાનું કાર્ય કરી રહ્યું છે. કોરોનના કારણે અત્યારે માનવ વ્યાપક સમાજમાંથી પરિવાર સીમિત થવા પામ્યું છે. શહેરી ઘરોમાં વસતા લોકો હવે પક્ષીઓને કેટલાય સમય સુધી નિરખતા રહે છે. ઔદ્યગિક અને ટેકનૉલોજીની પાછળ ભાગતો મનુષ્ય હવે ‘યોગ’ અને ‘પરિવારવ્યવસ્થા’ ને સમજતો થયો છે. મનુષ્ય યંત્ર માંથી ફરી સંવેદન વિચાર તરફ દોરાય રહ્યો છે.
આમ, આવા સમયે સમાજની માનસિકતામાં સુધારો એ પણ ખૂબ જરૂરી છે. વર્તમાન પરિસ્થિતીમાં સમાજે એક સાથે સંકલ્પિત થઈને કાર્ય કરવું જોઈએ. આ મહામારીમાં સમાજની સાથે જોડાયેલ અન્ય અસરો પણ જોવા મળે છે જેમાં શૈક્ષણિક અસર, રાજકીય અસર, સાંસ્કૃતિક અસર, પ્રાકૃતિક અસર પણ આ સમયમાં કઈ રીતે સારા અને નરસા પરિસ્થિતીમાં ફળીભૂત થઈ છે તે પણ જોઈ શકાય છે.
આર્થિક અસર
આંકડા મંત્રાલય દ્વારા જાણ કરવામાં આવેલ છે તેમાં આ વર્ષ ભારતની વૃદ્ધિ ૩.૧ જેટલી થઈ ગઈ છે. ભારત રોગચાળા ફેલાય તે પેહલા જ આર્થિક મંદીનો સામનો કરી રહ્યો છે અને વર્લ્ડ બેંક જણાવ્યા મુજબ વર્તમાન રોગચાળો એ ભારતના આર્થિક દ્રષ્ટિકોણના પૂર્વ અસ્તિત્વમાં બેરોજગારીનું પ્રમાણ પણ ૧૫ માર્ચ ના રોજ ૬.૭% હતા જે ૧૯ એપ્રિલ સુધી તો ૨૬% થઈ ગઈ હતી. જૂનના મધ્ય સુધીમાં લોક ડાઉનનો સમય આવતા અંદાજિત ૧૪ કરોડ લોકો રોજગાર ગુમાવી ચૂક્યા હતા. કોરોનાના કારણે વિદેશ પ્રવાસ પર પૂર્ણવિરામ મૂકવામાં આવ્યું. રાજ્ય રાજ્ય વચ્ચેના વાહન વ્યવહારને પણ અટકાવવામાં આવ્યા. જ્યારે ૪૫% થી વધારે લોકોના પગારમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. ભારતીય કંપનીઓને બચાવવા સરકારે ભારતની સીધી રોકાણની નીતિમાં પરિવર્તન કર્યું. સંરક્ષણ સ્ટાફના વડા એ જાહેરાત કરી છે કે ભારતે ખર્ચાળ સંરક્ષણ આયાતને ઓછી કરવી જોઈએ. ૧૨મે ના રોજ વડા પ્રધાને ૨૦ લાખ કરોડના કુલ આર્થિક પેકેજની જાહેરાત કરી.ભારતના જીડીપીના ૧૦% આત્મનિર્ભર રાષ્ટ્ર તરીકે ભારત પર ભાર મૂક્યો. અર્થનીતિમાં હજુ ઘણા બધા સુધારાની જરૂર છે પરંતુ આર્થિક ચક્ર તીવ્ર ઝડપે ફરી રહ્યું હોય એવા આધારભૂત પરિવર્તન સરળ નથી. ગુજરાત રાજ્ય દેશ વિદેશમાં વેપાર માટે જાણીતું છે ત્યારે મહામારીના કટોકટીના કારણે ચીન સાથે વેપારમાં જોડાયેલ ગુજરાત રાજ્ય ખૂબ જ આર્થિક રીતે અસરગ્રસ્ત છે. વર્તમાનમાં કોરોના મહામરીને કારણે આ આર્થિક ચક્ર થંભી ગયું છે પરંતુ આ વિકટ પરિસ્થિતિને પણ એક અવસર સમજી ભારત સરકાર પુન આયોજન કરવા માટે સાહસ, દૂરદ્રષ્ટિ અને નિર્ણય ક્ષમતાની સાથે સાથે ધીરજ અને સામૂહિક પ્રયાસથી ફરીથી આર્થિક પાયે ભારતને સ્થિર કરવામાં પોતાનું સતત યોગદાન આપી રહ્યું છે.
આત્મનિર્ભર ભારત
પ્રાચીનકાળથી જ ભારત આત્મનિર્ભરના પરિવેશ ને માનતું આવે છે. સમય સમયે સશક્ત વ્યક્તિઓ દ્વારા આ વાત ને મૂકવામાં આવેલું છે. ૧૮૫૭ નો સ્વાતંત્ર સંગ્રામ નિષ્ફળ થતાં. ભારતીય પ્રજા અંગ્રેજી શાસન હેઠળ રાજકીય રીતે તેમના તાબે થાય છે પરંતુ સ્વામી વિવેકાનંદ, સ્વામી સચ્ચીદાનંદ, અરવિંદ, ગાંધીજી જેવા મહાન વિચરકોએ સ્વદેશી ભાવનાને વિકસાવી આત્મનિર્ભર બનવા માટે હમેશા પ્રયત્ન કર્યા છે. અંગેજી શિક્ષણમાં હમેશા ભારતની ગુલામી વિશેની જ વાત કરવામાં આવતી રહી છે તો આવા અંગ્રેજી શિક્ષણ સામે પડકાર આપી ભારતની વીર ગાથા, ભારતની બહુમૂલ્ય સંસ્કૃતિ, ભારતીય શિક્ષણ ને સાચવવાનું અને પ્રચાર – પ્રસાર કરવાનું કામ કાશી હિન્દુ વિશ્વવિદ્યાલય તેમજ રવીન્દ્રનાથ ટાગોર દ્વારા શાંતિનિકેતનની સ્થાપનાથી સફળ થયેલ છે. પૌરાણિક સમયકાળમાં ગુરુકુળ ની અંદર બાળકને જાતે સક્ષમ થતાં શીખવાડવામાં ભારત શોધ પત્ર લખવામાં ત્રીજુ સ્થાન ધરાવે છે પરંતુ એ શોધ પત્રોનું સમાજ પર કેટલું પ્રભાવ પડે છે એ સમજવું અતિ આવશ્યક છે.ચીન ને ઓચિંતા કરેલા સીમા પરના પ્રહાર ના કારણે તેમજ વારંવાર ચીન દ્વારા કોરોના જેવા મહામારીના સમયે પણ સીમા પર થતાં ઘૂસણખોરી ના કારણે ભારત ચીનથી આયાત થતાં સામગ્રી પર કાપ મૂકીને તેને મુહતોડ જવાબ આપ્યો છે. ચીનની ૫૯ એપ બંધ કરીને ડિજિટલ રીતે પણ ચીનને આર્થિક રીતે પણ માત આપવાનો પ્રયત્ન કર્યો છે. આવા સમયે આપણાં દેશના લોકોના માંગને પૂરું પાડવા માટે સ્વ વિકસિત ડિજિટલ ઉત્પાદનમા વધારો કરવો સાથે સાથે ભૌગલિક, રાજનૈતિક, સામાજિક સંબંધોને પણ ધ્યાન આપવું જરૂરી છે. બેરોજગારીમાં તીવ્ર વધારો, સપ્લાય ચેન પર તાણ, સરકારી આવકમાં ઘટાડો, પર્યટન ઉદ્યોગમાં ઘટાડો, આતિથ્ય ઉદ્યોગ સંકુચિત, ગ્રાહક પ્રવૃત્તિમાં ઘટાડો, બળતણ વપરાશમાં ભૂસકો એલપીજીના વેચાણમાં વધારો એ આર્થિક મંદીના વિવિધ સ્વરૂપ આપણી સમક્ષ પ્રકાશિત થાય છે.
આમ, ભારત અને વિશ્વ હાલ એક નવા જ ભારતનો અનુભવ કરી રહ્યો છે કારણકે ભારતની વિદેશનીતિ, રક્ષાનીતિ અને અર્થ નીતિઓમાં મૂળભૂત પરિવર્તન થયા છે વિદેશ અને રક્ષાનીતિમાં આવેલા પરિવર્તનોના કારણે ભારતીય સેનાના બળ અને મનોબળ બંને વધ્યા છે. વિશ્વમાં ભારતની છબી મજબૂત બની છે. ભારતના સ્વત્વને શક્તિ અને ગૌરવ સાથે પુન:સ્થાપિત કરવાના ઐતિહાસિક સમયમાં ભારતના તમામ લોકો નિસ્વાર્થ ભાવે એકતાનો પરિચય આપી આત્મનિર્ભર ભારતના નિર્માણમાં પોતાની સહભાગિતા નોંધાવી ‘અનેકતામાં એકતા’ ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને ઉજાગર કરવા સતત પ્રયત્નશીલ બની રહ્યા છે.
*****
અમિતાકુમારી પ્રતાપભાઈ શાહુ, ૨૦૨, બોલ્ક ૫, સરકારી ભવન, સેક્ટર ૭,ગાંધીનગર -૩૮૨૦૦૭, ગુજરાત.amitashahu10@gamil.com