ભારતનો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતા રાજ્ય ગુજરાતની સંસ્કૃતિ સાગર, રણ અને વન એ ત્રણેય પ્રાકૃતિક સંપદાઓ દ્વારા શોભામંડિત થઈ છે. દરિયો એ ગુજરાતની વ્યાપારી સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. ગુજરાતની આર્થિક તેમજ સામાજિક સમૃદ્ધિમાં દરિયાનું યોગદાન નોંધપાત્ર છે. આમ જોવા જઈએ તો ગુજરાતમાં વહાણવટાનો ઇતિહાસ સિંધુસંસ્કૃતિથી આંકી શકાય. પરંતુ આધુનિક યુગમાં ઇસવીસનની ચૌદમી સદીથી ગુજરાત અરેબિયા, આફ્રિકા તેમજ અગ્નિ એશિયાના દેશો સાથે સંબંધ ધરાવે છે. આથી અહીં દરિયાકાંઠાની વિશિષ્ટ સંસ્કૃતિ વિકસી છે. આ સંસ્કૃતિના મુખ્ય લક્ષણોમાં ભાઈચારો, રાષ્ટ્રપ્રેમ, કરુણા જેવા ગુણોની સાથે સાથે વ્યભિચાર અને વ્યસન જેવા દુર્ગુણો પણ વિકસ્યા છે. લડાયકતા એ અહીંના લોકોનો સ્વભાવગત લક્ષણ થઈ પડી છે, તો ખુમારી અને પરાક્રમ તેમને ગળથૂથીમાંથી મળે છે. આ વિવિધ લાક્ષણિકતાઓ ધરાવતી દરિયાઈ સંસ્કૃતિ વર્ષોથી લેખકોને પોતાની તરફ આકર્ષે છે.
ગુણવંતરાય આચાર્ય ગુજરાતી સાહિત્યની સાહસિક દરિયાઈ નવલકથાઓના અગ્રહરોળના સર્જક છે તેમની દરિયાઈ નવલકથાઓમાં દરિયાઈ સંસ્કૃતિની લાક્ષણિકતાઓ સાહજિક રીતે વણી લીધેલી જોવા મળે છે. ગુણવંતરાય આચાર્યની સર્જન પ્રવૃત્તિના શરૂઆતના તબક્કામાં લખાયેલ ‘દરિયાલાલ’(૧૯૩૮) અને અંતિમ તબક્કામાં લખાયેલ ‘રત્નાકર મહારાજ’(૧૯૬૪)માં ગુજરાતી વહાણવટાની ઐતિહાસિક સિદ્ધિઓ આલેખાયેલ છે. પ્રસ્તુત બંને નવલકથાનું વિષય વસ્તુ ઐતિહાસિક પૃષ્ઠભૂમિ પર રચાયું છે. ‘દરિયાલાલ’ એ ગુજરાતી લોહાણા, ભાટીયા અને ખોજા કોમ દ્વારા જંગબાર ખાતે સ્થપાયેલ વસાહતના વસાહતીઓના વ્યાપારી પરાક્રમ અને ઉદારતાની ગાથા છે. જ્યારે ‘રત્નાકર મહારાજ’ એ લોહાણા રણમલ શેઠ અને હૈદરાબાદના દિવાન ચંદુલાલ વચ્ચે પાંગરેલી દુશ્મનીની પૃષ્ઠભૂમિમાં ગુજરાતી ખમીર અને અસ્મિતાના વર્ણન કરતી ઐતિહાસિક નવલકથા છે.
‘દરિયાલાલ’માં જંગબાર ખાતેની ગુજરાતી વ્યાપારી પેઢીઓ ગુલામીના જુગુપ્સાપ્રેરક વ્યાપારમાં સક્રિય હતી જે રામજીભા જેવા સાહસિક ભાટિયા નવયુવકને કઠવા લાગી. પોતાની વૈષ્ણવ પરંપરા અને માનવીય સદ્ભાવનાથી પ્રેરાઈને એ નીમ અગિયારસને દિવસે લધુભાની હાજરીમાં ગુજરાતીઓ દ્વારા ગુલામોનો વેપાર બંધ કરાવવાની પ્રતિજ્ઞા કરે છે અને એકલ પંડે હબસીઓ જોડે સંબંધો વધારે છે, તેમને લવિંગની ખેતી માટે સંગઠિત કરે છે. હબસીઓ તેને લાકુના-હિતચિંતક પરદેશીનું બિરુદ આપે છે. આ દરમિયાન રામજીભા અંગ્રેજ પ્રવાસી ડંકર્કને પણ હબસીઓના ચુંગાલમાંથી છોડાવે છે. બીજી બાજુ લધાભા દ્વારા મદદ મળતા છૂટેલ અંગ્રેજ દંપતી લધાભાને અરબી ચાંચિયાઓ પાસે ગુલામ તરીકે રાખેલ હાલારની સ્ત્રી રૂખીની વાત જણાવે છે. તેને રામભા અરબીઓ પાસેથી છોડાવે છે. અને રહેમતુલ્લા અને લધાભા પાસે ગુજરાતી પેઢીઓ દ્વારા ગુલામોનો વ્યાપાર બંધ કરાવે છે. એકાએક જંગબારના સુલતાનનું મૃત્યુ થતાં તેના શહજાદા પૈકીના એક બરગેસ દ્વારા બળવો થતાં હબસીઓની મદદ લઇ રામભા બરગેસને હરાવે છે.
‘રત્નાકર મહારાજ’માં શેઠ રણમલ લાખાના એક નાખુદા ગોકળ દ્વારા હૈદરાબાદ રાજ્યના ભાગેડુ દિવાન ચંદુશેઠના સગડ શોધવાની અને રણમલ લાખાના કંપની પ્રત્યેની પોતાની વફાદારી સાબિત કરવાના પ્રયત્નની કથા આલેખાયેલી છે. આ કથામાં ગોકળ રણમલ લાખાના વહાણનો નાખુદા હોય છે અને અગાઉથી ઘડેલ યોજના મુજબ તે ચંદુલાલનો ભેટો કરવા માટે ચંદુલાલની પાતર રાધાને વિશ્વાસમાં લે છે. ત્યારબાદ ચંદુલાલ પાસે મલાગાસા(મડાગાસ્કર) જઈ તેના સામ્રાજ્યમાં ગાબડું પાડે છે. ચંદુલાલને મલાગાસા છોડવું પડે છે અને રણમલ લાખાનો સામનો કરવો પડે છે. છેવટે ચંદુ શેઠ પકડાઈ જાય છે.
‘દરિયાલાલ’ અને ‘રત્નાકર મહારાજ’માં દરિયાઈ સંસ્કૃતિનું પ્રથમ લક્ષણ એકતા અને ભાઇચારો સમાન રીતે આલેખાયા છે. ‘દરિયાલાલ’ની શરૂઆતમાં ‘નીમ અગિયારશ’ પ્રકરણમાં સુલતાન લધાભાને દેવસ્થાન બનાવવાની મંજૂરી સામે ચાલીને આપે છે ત્યારે તેઓ તેને વિવેકથી નકારી કાઢે છે. દેવમંદિર બનાવવાના આવા સુંદર પ્રસ્તાવને ઠુકરાવવાને લીધે નારાજ મોવડીમંડળને લધાભા સમજાવે છે કે, “આપણે પાંચ ને દેવ પચાસ કોનુ મંદિર બાંધશો? કોઈ મહાદેવ માગશે તો કોઈ હવેલી માગશે તો કોઈને મસીદ જોઈશે.” (પૃ ૩૯) તેઓ ધાર્મિક વિખવાદને વ્યાપારમાં લાવવા માંગતા નથી. ‘રત્નાકર મહારાજ’માં પણ ગોકળ ભાટિયો અને રણમલ લાખા લોહાણા હોવા છતાં રણમલ લાખા ગોકળને અતિ વિશ્વાસનું કામ સોંપે છે. જે દર્શાવે છે કે વિદેશમાં ગુજરાતીઓની સફળતાનું કારણ જાતિવાદ અને ધર્મવાદને ભૂલી જઈ એકતા સાધવાનો પ્રયાસ હતું.
દરિયાઈ સંસ્કૃતિમાં સ્ત્રીઓનું સ્થાન અનન્ય છે. પણ વહાણવટામાં સ્ત્રીઓ જવલ્લે જ જોવા મળે છે. ‘દરિયાલાલ’માં રૂખી અને ‘રત્નાકર મહારાજ’માં રાધા એ બંને એક માત્ર સ્ત્રી પાત્રો છે. આ સિવાય ખારવાઓનો રંગીન સ્વભાવ ‘દરિયાલાલ’માં ગુલામ સ્ત્રીઓ પરના લાલજી ઘંટ જેવા પાત્રના અત્યાચારથી, તો ‘રત્નાકર મહારાજ’માં ગોવાગીરી જેવી સ્ત્રીઓ સાથેના ખારવાઓના સંબંધથી આલેખાયો છે. ‘રત્નાકર મહારાજ’માં હોથીજી માલમ “ખરેખરા ખારવાને જો બંદરે બંદરે નિત્ય નવી નાર ન સાંપડે તો એ ખારવો થાય શું જખ મારવા?” (પૃ. ૧૭) જેવા ઉદગારોથી ખારવા અને સ્ત્રીઓના સંબંધને સમજાવે છે.
સાગરખેડુઓની ‘આખર’ અને ‘મોસમ’ની પરંપરા પણ બંને નવલકથામાં પોતપોતાના વિષયવસ્તુને અનુરૂપ નિરૂપાઈ છે. ‘દરિયાલાલ’માં ‘આખર’ના ત્રણ માસ દરમિયાન ખલાસીઓ, ખારવાઓ, માલમો, સારંગો વગેરે ગુલામોને પકડવા જતા હોવાની વાત છે તો ‘શયતાનીયતની ભીતર’ પ્રકરણમાં ‘મોસમ’ને કારણે જંગબારમાં હિન્દીઓ થોડા હોવાનું જણાવાયું છે. એ જ રીતે ‘રત્નાકર મહારાજ’માં રાધાને ‘આખર’ અને ‘મોસમ’ની જાણકારી આપતી વખતે ‘આખર’ના પવનની અરબી સમુદ્રમાં ખલાસીઓ કેવો ઉપયોગ કરે છે અને તેની અનિશ્ચિતતાઓ કેવી છે તેના ખુલાસા કરે છે.
દરિયાઈ રોગોનું વર્ણન પણ બંને નવલકથામાં સમાન રીતે થયું છે. ‘દરિયાલાલ’ માં જંગબારના સુલતાનને ભીષણ રોગ ‘કાલા આઝાર’ ભરખી જાય છે તો લાલજી ઘંટને ‘કાલા આઝાર’ મટી જાય છે તેવો ઉલ્લેખો આવે છે. ‘રત્નાકર મહારાજ’માં બલિહારી બંદરના ઓખા મહારાજને હાથીપગો હોવાનું વર્ણન છે. હાથીપગો દરિયાકાંઠાના વિશિષ્ટ મચ્છરો દ્વારા થતો રોગ છે. વળી સાગરખેડૂઓને થતો ‘સુકારો’ અને તેના ઇલાજરૂપે કાચા કાંદાનું પણ વર્ણન છે.
ભારતીય સાગરખેડૂઓની સંસ્કૃતિની મહત્વની લાક્ષણિકતા સાલસતા અને સ્વામીભક્તિ બંને નવલકથામાં સમાન રીતે ગુંથેલી છે. લધાભા જેવા કુશળ વહીવટદાર દ્વારા એક બિનકુશળ સુલતાનનું રખાતું ધ્યાન અને સન્માન એ સ્વામીભક્તની પરાકાષ્ઠા છે. લધાભાના હાથ નીચે કામ કરતા રામભા દ્વારા ગુલામીપ્રથાની બંધી કરવાની પ્રતિજ્ઞા છતાં તેને તેમ કરતાં ન રોકવો એ સાલસતા બતાવે છે. દરેક વ્યક્તિનું સ્વાતંત્ર્ય જાળવવાનું અને પોતાના સ્વામી પ્રત્યેની નિષ્ઠા વખતો વખત સાબિત કરવાની ભાવનાનું નિરૂપણ ‘દરિયાલાલ’ની વિશેષતા છે. એ જ રીતે ‘રત્નાકર મહારાજ’માં પણ ગોકળ દ્વારા રણમલ લાખા પ્રત્યેની ઉદાત્ત સ્વામીભક્તિ પ્રગટ થાય છે. પોતાના શેઠ માટે માથું પણ ઉતારી આપવાની વાત અને શેઠ દ્વારા ગોકળને જાનનું જોખમ હોવાથી તેની મરજી હોય તો જ કામ કરવાનો આગ્રહ સાગરખેડૂઓની સ્વભાવગત લાક્ષણિકતા સૂચવે છે.
‘રત્નાકર મહારાજ’માં ખલાસીઓના રંગીન જીવન, તેમની સોના પાછળની ઘેલછા, નશા પ્રત્યેનું વલણ વગેરે ખૂબ બારીકાઈથી આલેખાયા છે. ખલાસીઓની આ કાળી બાજુ ‘દરિયાલાલ’માં જોવા મળતી નથી. ખલાસીઓની ‘અલખો’(આલ્કોહોલ) પ્રત્યેની ઘેલછાને કારણે કલાલ અને સોના પ્રત્યેની ઘેલછાને લીધે સોનીઓનું ચાંચિયાઓમાં મહત્વ જેવી સામાજિક વ્યવસ્થાને લગતી બાબતો ‘રત્નાકર મહારાજ’ના પ્રકારણોમાં જોવા મળે છે જ્યારે ‘દરિયાલાલ’માં વ્યાપારી વ્યવસ્થાનો ઉલ્લેખ વધુ જોવા મળે છે.
દરિયાની અનિશ્ચિતતાઓને કારણે, વારંવાર વિપત્તિઓ આવતી હોવાના કારણે, દરિયાકાંઠાના લોકોમાં પરસ્પર સહકારની ભાવના સાથે બીજાના દુઃખ પોતાના ગણી તેની સામે લડવાની ભાવના પણ જોવા મળે છે. આ ભાવનાનું નિરૂપણ પણ બન્ને નવલકથાઓમાં સમાન રીતે થયેલું જોવા મળે છે. ‘દરિયાલાલ’માં લધાભા દ્વારા અંગ્રેજોની મદદ, રામભા દ્વારા રૂખીને મદદ જેવા પ્રસંગોમાં તો ‘રત્નાકર મહારાજ’માં ગોકળ દ્વારા ચંદુશેઠના ભત્રીજા પરતાપના મૃત શરીરનો અગ્નિસંસ્કાર અને રાધાના બચાવના પ્રસંગોમાં આ પરદુઃખભંજક સ્વભાવનો પરિચય લેખકે કરાવ્યો છે.
સાગરખેડુઓમાં પ્રવર્તતી ‘પાણી મૂકવાની’-પ્રતિજ્ઞા લેવાની પરંપરા પણ બંને નવલકથામાં એકાધિક વખત આવે છે. ‘દરિયાલાલ’માં રામજીભા દ્વારા લેવાતી ગુલામોનો વ્યાપાર બંધ કરવાની પ્રતિજ્ઞા હોય કે ‘રત્નાકર મહારાજ’માં ગોકળ દ્વારા શેઠની વાત ખાનગી રાખવાની અને શેઠને વફાદાર રહેવાની વાત હોય એકવાર પાણી મૂક્યા પછી પોતાની પ્રતિજ્ઞાને વળગી રહેવાની ટેક બંને નવલકથામાં જોવા મળે છે.
દરિયાઈ સંસ્કૃતિની લાક્ષણિકતા સમાન તેની ભાષાના પારિભાષિક શબ્દો જોવામાં આવે તો ‘દરિયાલાલ’માં સમુદ્રયાત્રાનું વર્ણન ઓછું હોવાથી તેમાં દરિયાના નિયમો, વહાણવટાની જાણકારી વગેરે જૂજ માત્રામાં આપી છે. ‘મોરો વંઢાર’, ‘નાખુદા’, ‘ખારવા’ જેવા પારિભાષિક શબ્દોનો ઉપયોગ પણ અછડતો છે. ‘રત્નાકર મહારાજ’માં આવા દરિયાઈ પારિભાષિક શબ્દો પુષ્કળ પ્રમાણમાં વપરાયા છે. વળી, તેમાં જુદા જુદા વહાણોના પ્રકારથી માંડી વહાણોની બાંધણી અને તેના અંગો વિશે સવિસ્તાર માહિતી પણ આપેલી છે.
વિદેશીઓ સાથેની ગુજરાતી પ્રજાની દોસ્તી અને દુશ્મનીના વર્ણનો પણ બંને નવલકથામાં સમાન રીતે થયેલા છે. ‘દરિયાલાલ’માં રામજીભા જેવા સમર્થ માણસ દ્વારા અંગ્રેજ પ્રવાસી ડંકર્કનું બચી જવું અને ડંકર્કની એ કૃતજ્ઞતા લધાભાને બચાવવા માટે કામ લાગવી એ પ્રસંગો વિદેશોઓ સાથે સાગરખેડૂઓની મૈત્રીની શાખ પૂરે છે, તો અરબી ચાંચિયાઓ પાસેથી રૂખીને છોડાવતી વખતે થતી મુઠભેડ અને બરગેસ જેવા વિદ્રોહી સાથેનો સંગ્રામ દુશ્મનાવટની ચાડી પણ ખાય છે. ‘રત્નાકર મહારાજ’માં ફિરંગીઓ અને અંગ્રેજોની દુશ્મનાવટની ઝાંખી છે પરંતુ સ્વાર્થ સધાતો હોય ત્યારે આંગરીયા જેવા દેશી દુશ્મનો સાથે તેઓ સહિયારા કુચ પણ કરે છે. ગોકળનું આંગરિયા સામેના આક્રમણ વખતે કંપનીની તરફદારી કરવાનું વલણ પણ વિદેશીઓ સાથેની મૈત્રી તરફ અંગુલિનિર્દેશ કરે છે. આવા વર્ણનો વખતે લેખક બંને નવલકથામાં આપણી અંગ્રેજો નીચેની ગુલામી માટે આવી મૈત્રી જવાબદાર હોવાનું દુઃખ વ્યક્ત કરતા હોય તેમ લાગે છે.
ગુલામીપ્રથા એ દરિયાઈ સંસ્કૃતિની આડપેદાશ છે. ગુલામીપ્રથાનું જેટલુ વર્ણન ‘દરિયાલાલ’માં જોવા મળે છે તેટલું ‘રત્નાકર મહારાજ’માં નથી. ગુલામીપ્રથા એ ‘દરિયાલાલ’ની પૃષ્ઠભૂમિ પણ કહી શકાય. જ્યારે ‘રત્નાકર મહારાજ’માં વહાણ ઉપર રાખેલ હબસી ગુલામોના વર્ણન સિવાય બીજા કોઈ ગુલામીપ્રથાના વર્ણન જોવા મળતા નથી.
દરિયાઈ સંસ્કૃતિનું વધુ એક અભિન્ન અંગ એટલે હથિયાર. બંદૂકો, પિસ્તોલ, તોપ, તલવાર, જતરડો, કોરડા વગેરે દેશી-વિદેશી હથિયારોનો ઉલ્લેખ બંને નવલકથાઓમાં જોવા મળે છે. ‘દરિયાલાલ’માં રામભા અને આરબ સેનાપતિના બંદૂકબાજીના, લાલિયા ઘંટ, અંગ્રેજ માનવારો દ્વારા ચલાવાતી તોપોના તો ગુલામો પર ઉપયોગ કરવામાં આવતા કોરડાઓના ઉલ્લેખો નોંધપાત્ર છે. તે જ રીતે ‘રત્નાકર મહારાજ’માં પણ ગોકળને વલ્લભ દ્વારા તલવારબાજી, બંદૂકબાજી અને અખાડાબાજી શીખવાડાય છે. રણમલ શેઠ અને ચંદુ શેઠના વહાણો સામસામે તોપબાજી કરે છે તો હોથીજીને કોરડા વડે ફટકારતી રાધા પણ ઉલ્લેખનીય છે.
આમ, દરિયાઇ સાહસ નવલકથાઓ ‘દરિયાલાલ’ અને ‘રત્નાકર મહારાજ’માં દરિયાઇ સંસ્કૃતિના વિવિધ લક્ષણોનો ઉપયોગ કરીને લેખકે પાત્રસૃષ્ટિ, સંવાદો અને પરિવેશને ઉત્કટ રીતે ઉપસાવ્યાં હોવાના કારણે જ પ્રસ્તુત નવલકથાઓના વિષયવસ્તુને યોગ્ય ન્યાય મળેલ જોઇ શકાય છે.
ગ્રંથસૂચિ: