ભારતીય સમાજ વિવિધતામાં એકતા ધરાવનારો આદર્શ ધરાવે છે. ભારતમાં સર્વધર્મ જાતિ સમાન એક ગણવામાં આવે છે, છતાં દલિતો પ્રત્યે હંમેશ માટે અલગતા, ધિક્કારતા, અસ્પૃશ્યતા, અછૂતપણા, અન્યાયો જ થતાં આવ્યા છે. આવા અન્યાયો સામે અવાજ ઉઠાવવા ‘દલિત સાહિત્ય’ની શરૂઆત થઈ. ગરીબી અને દારુણ વ્યથાથી સબડતાં, રિબાતા, પિસાતા, શોષાતા, અત્યાચારનો ભોગ બનેલા સંવેદનશીલ સમાજને વાચા આપતું સાહિત્ય એટલે દલિત સાહિત્ય. ગુજરાતી સાહિત્યમાં છેલ્લા શતકમાં સામાજિકતા અને વિષય વૈવિધ્યના લીધે દલિત સાહિત્યમાં નવલકથા લોકપ્રિય બની. જેમાં દલિતોની સંવેદના અભિવ્યક્ત કરતા દલિત અને બિનદલિત બંને પ્રકારના સર્જકોએ નવલકથાઓ આપી છે.
દલિત સમસ્યા, સંવેદના અને ચેતનાનો આધાર એ જ દલિત નવલકથા છે. અનેક શ્રેષ્ઠ વાર્તાઓ-નવલકથાઓ આપનાર મોહન પરમારનો ગુજરાતી દલિત સાહિત્ય ક્ષેત્રે પ્રવેશ એ એક મોંઘેરી ઘટના ગણી શકાય. આમ તો ‘પ્રિયતમા’ મોહન પરમારની છઠ્ઠી નવલકથા છે. અને દલિત નવલકથા ‘નેળિયુ’ (1992) પછી ‘પ્રિયતમા’ ભાગ-1-2 એ તેમની બીજી દલિત નવલકથા છે. લેખકે નિવેદનમાં નોંધ્યું છે કે ‘આ છઠ્ઠી નવલકથા અગાઉની પાંચ નવલકથાઓ કરતાં અનેક રીતે મને પ્રભાવશાળી અને સંતર્પક લાગી છે.’ બે ભાગમાં 600થી વધુ પાનામાં વિસ્તરેલી ‘પ્રિયતમા’ નવલકથા વણકર સમાજને કેન્દ્રમાં રાખીને, સામાજિક સંબંધોની કથા આપે છે.
‘પ્રિયતમા’માં દલિત સમાજનું કલાત્મક, સચ્ચાઇપૂર્વકનું તટસ્થ અને સાંગોપાંગ દર્શન અભિવ્યક્ત થયું છે. આ કથા છઠ્ઠા અને સાતમા દાયકા વચ્ચેના સમયગાળાને આવરી લે છે. આ ગાળામાં જાતિ સાથે સંકળાયેલા વ્યવસાયો નષ્ટ થઇ રહ્યા હતા. અને દલિતો ગામડું છોડીને શહેરની ચાલીઓમાં મીલની નોકરી માટે, શાંતિથી સ્વમાનભેર રહેવા સ્થાયી થવા લાગ્યાં હતાં. કથામાં આ વાત સૂચક રીતે વ્યક્ત થઇ છે.
ડૉ. રમણલાલ જોશીએ ‘તળપદાં ગ્રામજીવનનું વેદનામય સૌંદર્ય’ પ્રસ્તાવનામાં નોંધ્યું છે કે ‘પ્રિયતમા કોણ ?’ એવો પ્રશ્ર્ન પૂછવો પડે એવી આ કૃતિ છે. એમાં જ એની કલાત્મકતા રહેલી છે. આમ તો સીધો ઉત્તર એ છે કે મનહરની પ્રિયતમા જસુમતીની આ કથા છે. એ તો છે જ, પરંતુ ઉપરાંત બીજુ પણ છે. એ જ તો કલાનો કીમિયો છે.[1] ડૉ. જોશીએ આગળ કથાનાયકની પ્રિયતમા તરીકે સાળને ઉલ્લેખી છે. માત્ર સાળ જ નહીં, પરંતુ પ્રિયતમા સમગ્ર ગ્રામ પરિવેશ છે. ગામડાનું વાતાવરણ, મનુષ્યો, પ્રકૃતિ આ બધું છોડતાં સંવેદનશીલ માણસની વ્યથા આ કથામાં આલેખી છે. નવલકથામાં દલપત ચૌહાણને ત્રીજી પ્રિયતમા દેખાય છે. ‘મને અહીં ત્રીજી પ્રિયતમાના દર્શન થાય છે. જે ખૂબ પ્રચ્છન્ન હોવાં છતાં કથાના કેન્દ્રમાં ક્યારેક આંટો મારી જાય છે. કથાનાયક કથાની શરૂઆતથી જેની ઝંખના કરે છે અને કથાને અંતે એનો મેળાપ થવાનો છે, એ પ્રિયતમા છે નોકરી.’[2] દલપત ચૌહાણે કલ્પેલી ત્રીજી પ્રિયતમા ‘નોકરી’ સ્વિકાર્ય છે. કારણ કે કથાનાયક મનહરની નોકરી માટેની ઝંખના, નોકરીનો મોભો, એ માટેનો એનો પુરુષાર્થ, એની વેદના અને અંતે પ્રાપ્તિની કથા અહીં અભિવ્યક્ત થઇ છે.
નવલકથાનો નાયક મનહર અને નાયિકા જસુમતી છે. પરંતુ નવલકથાનો વિકાસ નાયિકા જસુમતીની આજુબાજુમાં જોવા મળે છે. નવલકથાના ત્રણ પ્રકરણો આણું, ખોળાભરણું અને ઝિયાણુંમાં સમાજના રીતરિવાજો અને વ્યવહારોનું આલેખન થયું છે. મનહરને મેટ્રિકમાં ઓછા ટકા આવવાથી અને કારમી ગરીબ પરિસ્થિતિને કારણે કૉલેજમાં મોકલવામાં આવતો નથી. નોકરી ન મળવાથી સાળમાં વણવાનો એને કંટાળો આવે છે. એનાથી કંટાળેલા એની મા સૂરજડોશી મનહરને સમજાવવા એના મિત્ર ગણપતને કહે છે. ત્યારે મનહર આગળ ભણવાની વાત રજુ કરે છે. માને તે કહે છે : ‘તો આગળ ભણવા તો દેતી નથી. મનઅ નોકરી મળઅ તો પછી આ લપમાંથી તો છૂટું.’ (પૃ.19) મનહરના લગ્ન જેની સાથે થયાં છે તે જસુમતીની ઝંખના કરે છે. વિષાદભરી સ્થિતિમાં મિત્ર ગણપત એનો આશ્ર્વાસક બને છે. જસુમતીનું આંણું કરી ઘેર લાવે છે. તેની ઇચ્છા મનહરને કૉલેજ કરાવવાની છે પણ તરત ગોઠવાતું નથી. ઘરમાં ચાલતાં ક્લેશ-કંકાસથી કંટાળી મનહર નટવરલાલ દ્વારા કસબા જેવા શહેરમાં કારખાને જાય છે, પણ ત્યાં એને ગોઠતું નથી. ઘરનું ખેંચાણ તેને ગામામાં પાછો ખેંચી લાવે છે. ફૂસાડોસાની બિમારીમાં દીકરા કરતાં જસુમતી વધારે સેવા કરે છે. ફૂસાડોસાના મૃત્યુ પછીના સામાજિક કુરિવાજો, બારમું વગેરે સંઘર્ષ સામે જસુમતી આખા ઘરનાને તૈયાર કરે છે. જસુમતીના આણા પછીની કસુવાવડ, ખોળાભરણું, દીકરીનો જન્મ, મૃત્યુ થવું, મંગળની સગાઇ, છોકરી જોવાની વાત, ઘરમાં બે ચૂલા, દીકરીને સાળ આપવાની વાત, મંગળની લગ્નમાં સૂટ પહેરાવવવાની હઠ, રિવાજ મુજબ ધોતી, ઝભ્ભો પહેરવા તૈયાર કરવો, કડાવાવાળો પ્રસંગ, બેબીનું ઝિયાણું, મનહરનું બી.એ. પાસ થવું, ભરૂચમાં વેચાણવેરા અધિકારી તરીકે નોકરી મળવી. આ બધી ઘટનાઓમાં પ્રિયતમાનો કથાપટ વિસ્તરે છે.
કથાનાયક મનહર આદર્શવાદી કે સુધારાવાદી પાત્ર નથી. તેનામાં માનવીય નિર્બળતાઓ પણ છે. અગાઉ તે ખના સાથે તે સજાતીય સંબંધ બાંધી બેસે છે. મંગળની સગાઇ માટે છોકરી જોવાની બાબતમાં તે સુધારાવાદી અભિગમ અભિવ્યક્ત કરે છે. ‘છોડી જોયા વના હગઇ નૈ થાય. તમી ભલે મુરત જોયાં, પણ હું જ સોમાનઅ ના પાડી દીયે !' નોકરી માટે ગામ છોડીને જવા તૈયાર થયા છે પણ જસુમતી કહે છે તેમ મનહરને ‘આ હાળની માયા જ મેલાતી નથી.’ કથાના અંતે મનહર સાળને પ્રિયતમા કે વહુના રૂપે નિહાળે છે : ‘એ મારી વહું તો આ...મારી કુણ ? એના હ્રદયમાં હેલી ચડી. રાચ, ઓધળું, રાશીલો. ખોભો, પાટિયું, કૂછ્ળો, હાથો, કાઠલો- સઘળું એની સાથે આવવા માટે તલપાપડ થતું જણાયું. એ પાટીયા પરથી ઉતરવા જતાં લથડ્યો, એનો એક હાથ બારીના બારણે ટેકાયો અને બીજા હાથે એણે સાળનો ખભો પકડી લીધો.’[3] અહીં કથા પૂરી થાય છે.
સમગ્ર કથામાં દલિત સમાજનું ચિત્રણ સૂક્ષ્મ રીતે થયું છે. આણું, ખોળોભરણું અને ઝિયાણુંનું આલેખન, આઠમના તહેવારમાં કાનૂડો કાઢવાનું વર્ણન કે દિવાળીમાં ફૂલવાળા ગરબાનું નિરૂપણ થયું છે. સામાજિક દૂષણો, દારૂની બદી, જ્ઞાતિપંચો, ઘરમાં થતાં ક્લેશ, રિસામણાં-મનામણાં, અણબનાવોનું લેખકે સાહજિકતાથી નિરૂપણ કર્યું છે. નવલકથાના દરેક પાત્રનું વ્યક્તિત્વ આબેહૂબ ઝિલાયું છે. અનેક પ્રકારના પાત્રો એમની વિશેષતાઓ અને મર્યાદાઓ લઈને આવે છે, જેમની આજુબાજુ કથા આકાર લે છે. મનહર, ગણપત, નટવરલાલ, કરસન, મંગળ, સૂરજબા, સીતા, બબી, કૂબેર, મનોરકાકા, ચંદુ, ખનો વગેરે પાત્રો વિવિધ પરિસ્થિતિમાં તેમના વાણી-વર્તન દ્વારા ઝળકી ઉઠે છે. ગુજરાતી સાહિત્યમાં અપૂર્વ એવું ખનાનું પાત્ર સર્જવાનું લેખકે સાહસ કર્યું છે.
લેખકનું તળપદી ભાષાકૌશલ્ય સુરેખ છે. ઉત્તર ગુજરાતના મહેસાણાની આજુબાજુનાં ગામડામાં બોલાતી વણકર સમાજની લોકબોલીનો સુપેરે ઉપયોગ કર્યો છે. જેમાં તેમની કહેવતો, કટાક્ષ, કાકુ, રૂઢિપ્રયોગો સુંદર રીતે ઝિલાયા છે. હાથસાળ સાથે સંકળાયેલા પારિભાષિક શબ્દોનો ઉપયોગ કથાને જીવંત બનાવે છે. વણકરીના ધંધાની વિસરાતી જતી પરિભાષા, ઓજારોના નામ તળપદી ભાષામાં સૂક્ષ્મ રીતે ઝીલાયા છે.
નવલકથાનું શીર્ષક પણ એકાધિક અર્થ પ્રગટાવનારું બની રહે છે. ‘પ્રિયતમા’ કોણ ? એનો પ્રથમ જવાબ મળે છે – જશુમતી. પરંતુ સમગ્ર કથાનો સંદર્ભ જોતાં અન્ય પણ જવાબ મળી રહે છે. જુઓ, વેચાણવેરા અધિકારી તરીકે ભરૂચ જતાં મનહરની મનોસ્થિતિ :
‘મનહરની દૃષ્ટિ આખા ફળિયામાં ફરી વળી. લીમડો, તુલસી ક્યારો, હંગથરાના ભારા, કુંભીઓ, ટોડલા પર ભરાવેલી છબિઓ..... સઘળું એની આંખમાં સમાયું..... એણે લમણો વાળ્યો, સાળ સામે જોયું ને એનું હૈયું ભરાઈ ગયું. જાણે સાળમાં પોતે બેસી જાય અને નોકરી જતી કરે... છતાં સાળની માયા તો મેલાતી નહોતી. એ સાળ તરફ આગળ વધ્યો... મનઅ મંગળની ભાભી કરતાંય ઓની ચ્યમ માયા મેલાતી નથી ! રાશીલાઠી માંડીને ખોભા સુધી સાળનું કાર્યક્ષેત્ર એની આંખોમાં ભરાતું હતું. સાળ સાવ સૂમસામ દીસતી હતી. જાણે એ નોંધારી થઈને ડૂસકાં ભરતી હોય એમ લાગ્યું. એ પાટીયા પર હાથ ફેરવવા લાગ્યો. એના અંતરમાં ડૂસકું દદડી પડ્યું. એ છલાંગ મારીને પાટિયા પર ચડ્યો... મનહરે એક દૃષ્ટિ જશુમતી સામે નાખી... આ મારી વઉ તો આ... એના હૃદયમાં એની સાથે આવવા માટે તલપાપડ થતું જણાયું. એ પાટીયા પરથી ઉતારવા જતાં લથડ્યો. એનો એક હાથ બારીના બારણે ટેકાયો અને બીજા હાથે એણે સાળનો ખભો પકડી લીધો.’ (પૃ. ૩૦૬-૩૦૭)
પ્રિયતમા જશુમતી તો ખરી જ ઉપરાંત સાળ પણ તેની પ્રિયતમા છે. અને માત્ર સાળ જ નહિ, એની સાથે જોડાયેલો સમગ્ર ગ્રામ પરિવેશ પણ એની પ્રિયતમા બની રહે છે. આમ, આ કથા સમગ્ર ગ્રામ પરિવેશ-વાતાવરણ, જીવન સાથેની પ્રીતને ઉજાગર કરે છે.
‘પ્રિયતમા’ નવલકથા દલિતોના આંતરિક જીવનમાં ડોકિયું કરાવે છે. દલપત ચૌહાણે ‘પ્રિયતમા’ વિશે યથાર્થ નોંધ્યું છે, ‘મોહન પરમાર કલાવાચી રહીને પણ વાસ્તવને કૃતિમાં જુદી રીતે લાવવા મથ્યા છે. જસુમતીના પાત્ર દ્વારા સામાજિક પરિસ્થિતિઓનું ઝીણવટપૂર્વક આલેખન કરી, એક શોષિત-દલિત નારીનું બળકટ હૈયા ઉકલત અહીં નિષ્પન્ન થાય છે. ભારતીય નારીમાં આત્મજાગૃતિના જે પગરણ મંડાયા છે તેને પુરસ્કૃત કરતી આ કૃતિ સાંપ્રત નવલકથાનું એક નોંધપાત્ર ઉમેરણ છે.’[4]
ગુજરાતમાં છાશવારે અનામત અને કોમી હુલ્લડો થયા. હત્યાકાંડ અને દલિત અત્યાચારની ઘટનાઓ ઘટી, નવી ચૂંટણી નજીક આવતા રાજકીય પક્ષો ‘આંબેડકર દિન’ મનાવે છે. કોમી તોફાનોમાં દલિતોને હોળીનું નાળિયેર બનાવાય છે. આમ, દલિત નવલકથામાં વીજળીના કડાકા સંભળાવવા જોઈએ તે તત્કાલીન સમયે અપ્રસ્તુત બની રહે છે. ‘પ્રિયતામા’માં લેખકે મનુષ્યના સદ-અસદ તત્વને તટસ્થતાથી આલેખ્યાં છે. કથા સ્વાભાવિકતાથી વિહરે છે. ક્યાંય પ્રચારાત્મકતાની ગંધ પણ આવવા દીધી નથી. એ લેખકની સર્જકતાનો નોંધ પાત્ર ઉન્મેષ છે. ગ્રામ જીવનના વેદનામય સૌંદર્યને ભાષા દ્વારા સુંદર અભિવ્યક્તિ આપવામાં મોહન પરમાર સફળ રહ્યાં છે.
સંદર્ભનોંધ :