Included in the UGC-CARE list (Group B Sr. No 172)
લોકવાર્તાઓ: સંપ્રસારણ અને મૂલ્યાંકનના પ્રશ્નો

જેમ માણસ પ્રવાસ કરે છે, તેમ તેમની સાથે જ લોકવાર્તાઓ પણ પ્રવાસ કરે છે. જ્યાં માણસ જાય છે, ત્યાં લોકવાર્તાઓ પણ જાય છે. માણસથી તદ્દન વિપરીત, લોકવાર્તાઓ લાંબુ જીવન પણ જીવે છે. માણસને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે સતત સંઘર્ષ કરવો પડતો હોય છે, જયારે લોકવાર્તાનું અસ્તિત્વ દીર્ઘકાલીન છે. લોકવાર્તાને પોતાનું અસ્તિત્વ જાળવી રાખવા માટે સંઘર્ષ કરવાની જરૂર નથી કારણ કે એના અસ્તિત્વની ચિંતા પણ માણસે જ કરવાની હોય છે. માણસ લોકવાર્તાઓ દ્વારા પોતાના અને પોતાની સંસ્કૃતિના અસ્તિત્વની ઝાંખી વિશ્વને કરાવતો હોય છે. આમ, માણસ અને લોકવાર્તા વચ્ચેના સંબંધો દ્વિપક્ષી છે. માણસ લોકવાર્તાના અસ્તિત્વને ટકાવવા મથતો હોય છે અને લોકવાર્તા માણસના અસ્તિત્વના પુરાવાને. લોકવાર્તાઓના સ્થળાંતરનું અવલોકન કરવામાં આવે તો ખબર પડશે કે લોકવાર્તાનાં સ્થળાંતર બે પ્રકારના હોય છે: સ્થાનિક (પ્રાદેશિક કે રાષ્ટ્રીય) અને આંતરરાષ્ટ્રીય. લોકવાર્તાનાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર પાછળનાં કારણો અને પરિસ્થિતિઓ પણ અલગ અલગ હોય છે. લોકવાર્તાઓનાં સ્થળાંતરનો ઇતિહાસ માનવ સંસ્કૃતિના ઇતિહાસ જેટલો જૂનો છે. લોકવાર્તાઓનું અસ્તિત્વ મૌખિક હોવાના કારણે આજે તેમનાં સ્થળાંતરના ઐતિહાસિક માર્ગો શોધી કાઢવા મુશ્કેલ છે. અન્ય ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે લોકવાર્તાઓ માત્ર સ્થળાંતર જ નથી કરતી, તેઓ જ્યાં પણ તેઓ જાય છે ત્યાં તેમનાં અવશેષો મુકીને આવે છે અને આ અવશેષોમાંથી નવી અથવા નવા રંગરૂપવાળી રૂપાંતરિત લોકવાર્તાઓ ઉદભવતી હોય છે. કદાચ આ જ કારણ હોઈ શકે કે – શા માટે વિશ્વના વિવિધ ભાગોમાંથી અમુક સામાન્ય લક્ષણો ધરાવતી લોકવાર્તાઓ મળી આવે છે? વિવિધ દેશોમાં ચોક્કસ લોક માન્યતાઓ અને પૂરાકથાઓ કેટલેક અંશે સરખી કેમ હોય છે ? એવી જ રીતે, એકબીજાથી હજારો માઈલ દુર આવેલા દેશોમાં કેટલીક લોક પરંપરાઓ શા માટે સરખી હોય છે? આવા અનેક પ્રશ્નોના જવાબ એક ઓછી સમર્થનીય હકીકતને ટેકો આપે છે કે બધી જ માનવસભ્યતાઓ કે માનવ સંસ્કૃતિઓ એક જ મૂળમાંથી ઉદભવી હશે અને પછી તે વિશ્વના વિવિધ ભાગોમાં સ્થળાંતરીત થઈ હશે. માનવસભ્યતાના સ્થળાંતર સાથે જ લોકકથાઓનું પણ સ્થળાંતર શરૂ થયું હશે. આ અભ્યાસલેખમાં, લોકવાર્તાનાં આંતરરાષ્ટ્રીય સ્થળાંતરની વાત આફ્રિકા, અમેરિકા અને ભારતની લોકવાર્તાઓને કેન્દ્રમાં રાખીને કરવામાં આવી છે. જ્યારે કોઈ એક લોકવાર્તા એક સંસ્કૃતિમાંથી બીજી સંસ્કૃતિમાં જાય છે ત્યારે તેનું સ્વરૂપ પણ બદલાઈ જતું હોય છે. આના દ્રષ્ટાંતરૂપે જોઈએ તો યુરોપની “સિન્ડ્રેલા” લોકવાર્તામાં પાત્રગત પોષાકાદિની સામગ્રીમાં ગુલાબી વસ્ત્રો, મોજડી વગેરે હોય જયારે આ લોકવાર્તાના ઈજીપ્તનાં રૂપાંતરમાં તે જ કથા અને તે જ પાત્રની ‘પ્રોપર્ટી’માં ચમત્કારી દંડ કે એવો કોઈ પદાર્થ હોય. કારણ એ છે કે ઈજીપ્તની પ્રજાની દ્રષ્ટીએ જાદૂઈ-તિલસ્માની શક્તિ અને તે પ્રકારનું અતિભૌતિક તથ્ય પણ ધર્મસંલગ્ન એવી આધ્યાત્મિક શક્તિ છે. એમના દેવીદેવીઓ અને દંતકથા રૂપ કથાપાત્રો આવી શક્તિ ધરાવતા હોય છે.

આવું બીજું દ્રષ્ટાંત પણ, સામાજિક પરિવેશ પદ્ધતિનું તપાસીશું તો જણાશે કે “જેવો દેશ એવો વેશ”નું સૂત્ર કથાને પણ લાગુ પડે છે. નંદબત્રીશી કથાના યુરોપીય રૂપાંતરણમાં હસુ યાજ્ઞીકે દર્શાવ્યું છે કે પ્રધાનપત્નીના રૂપથી મોહ પામેલો રાજા પ્રધાનને ઘોડા ખરીદવાના બહાને કચ્છમાં મોકલે છે અને પ્રધાનપત્નીને ભોગવવા હેતુએ પ્રધાનનાં નિવાસે જાય છે. ત્યારે પ્રધાનપત્ની રાજાને માત્ર દુધની જ ચાર-પાંચ વાનગીઓ બનાવીને પીરસે છે. અને રાજા એ વિશે પૃચ્છા કરતાં પૂછે છે – મૂળ તો દૂધ જ છે તો પછી એની આટલી બધી વાનગી કેમ? ત્યારે પ્રધાનપત્ની કહે છે કે દૂધ તો એક જ છે પણ તે કાળી, ધોળી, રાતી, કાબરી વગેરે જુદા જુદા રંગની ગાયોનું છે. રાજા ગુસ્સે થઈને કહે છે કે આ કારણ વાહિયાત છે. ત્યારે ચતુરપત્ની રાજાને કહે છે કે જેમ ગાય જુદી જુદી છતાં તેમનું દૂધ તો એક જ છે તેમ સ્ત્રી પણ એ ભલે રાણી હોય કે પ્રધાનપત્ની સ્ત્રી તરીકે તો તે એક જ છે. રાજાની આંખ ખૂલે છે અને તે પાછો ફરે છે. આ જ ભારતીય કથા જયારે યુરોપમાં સંપ્રસારિત થઇ ત્યારે દૂધનું સ્થાન મરઘીના માંસે લીધું કારણ કે અહીં ખોરાકમાં દૂધ અનિવાર્ય નથી જેટલું માંસ છે.[1]

આ પ્રકારના સંજોગોમાં જયારે લોકવાર્તાઓનો અભ્યાસ કરવામાં આવે ત્યારે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તેની પણ વાત કરવામાં આવી છે. વધુમાં, આ લેખ ‘લોકવાર્તા’ અને ‘સાહિત્યિક વાર્તા’ વચ્ચેના તફાવતને તપાસી આ બંને એકબીજાથી કેવી રીતે અલગ પડે છે અને શા માટે આ બંનેના મૂલ્યાંકન માટે જુદા જુદા માપદંડ હોવા જોઈએ તે દર્શાવવાનો પ્રયાસ કરે છે. વધુમાં અહીં એક સાહિત્યિક વિવેચક કેવી રીતે એક લોકવાર્તાનું વિવેચન કરી શકે અને લોકવાર્તાનું વિવેચન કરવા માટે તેણે કેવા પ્રકારની પદ્ધતિ અનુસરવી જોઈએ તેની પણ વાત અહી રજુ કરવાના આવી છે.

આ લેખ ત્રણ ભાગમાં વિભાજિત થયેલ છે. પ્રથમ ભાગ ‘લોકવાર્તા’ અને ‘સાહિત્યિક વાર્તા’ના તફાવતને સમજાવે છે. બીજો ભાગ “આઉટ-ઓફ-આફ્રિકા” સિધ્ધાંતની વાત કરી આફ્રિકા, અમેરિકા અને ભારતની લોકવાર્તાનાં દ્વિપક્ષી સ્થળાંતરની વાત કરે છે. અને આ લેખનો ત્રીજો ભાગ લોકવાર્તાઓનાં મૂલ્યાંકન વખતે ઉદભવતા કેટલાક પ્રશ્નોની ભારતના સંદર્ભમાં વાત કરે છે.

‘લોકવાર્તા’ અને ‘સાહિત્યિક વાર્તા’: એક સામાન્ય સમજ

‘લોકવાર્તા' (folktale) અને ‘સાહિત્યિક વાર્તા’ (literary tale) બંને અલગ છે. સરળતા માટે એમ કહી શકાય કે આ બંને ‘ટૂંકી વાર્તા’ તરીકે ઓળખાતી એક શૈલીના જ પ્રકારો છે. આમ, આ બંનેનું ઉદભવ સ્થાન એક જ હોવાથી તેમનાં ઘણાં લક્ષણો એકબીજા સાથે મળતા આવે છે. વાર્તાઓ મુખ્યત્વે બે પ્રકારની હોય છે: લિખિત અને મૌખિક. લિખિત વાર્તાઓ વિવિધ લેખકો દ્વારા લખાયેલી હોય છે અને તેના પર જે તે લેખકનો લેખકત્વ અંગેનો દાવો હોય છે, જયારે મૌખિક વાર્તાઓનું કોઈ લેખક હોતું નથી . મૌખિક વાર્તાઓ માનવસભ્યતા જેટલી જ જૂની છે. તેઓ વર્તમાન માનવ સમુદાય પાસે તેમનાં દુરના પૂર્વજો પાસેથી મૌખિક આપ-લે દ્વારા આવેલી છે. ધ ફોકટેલ (૧૯૪૬) નામના પુસ્તકમાં લોકવાર્તાને વ્યાખ્યાયિત કરતા, સ્ટિથ થોમ્પસન નામના એક અમેરિકન વિદ્વાન જણાવે છે કે લોકવાર્તાએ એક “પરંપરાગત ગદ્ય વાર્તા છે. આ વાર્તા એક પેઢી દ્વારા પોતાની બીજી પેઢીને આપવામાં આવે છે. આ વાર્તાઓ હાલમાં લિખિત કે મૌખિક સ્વરૂપે પણ હોઈ શકે” (થોમ્પસન ૪). એવું માનવામાં આવે છે કે લોકવાર્તાઓમાં ભૂતકાળના સાંસ્કૃતિક જીવનના અવશેષો રહેલા હોય છે. આ વાર્તાઓ માનવસંસ્કૃતિની નૈસર્ગિક રીતે રીતે સચવાયેલી ભૂતકાળની યાદોને જાળવી રાખી માનવસભ્યતાને ઓળખ આપવાનું કામ પણ કરે છે. લોકવાર્તાઓ ચોકકસ સમુદાયોમાં મૌખિક રીતે અસ્તિત્વ ધરાવતી જોવા મળે છે અને ચોક્કસ પ્રકારના લોકોને જ તેમનાં જતન, વહન, પાઠ, અને વર્ણનની જવાબદારી સોંપવામાં આવે છે. લોકવાર્તાઓ માનવ સંસ્કૃતિની ઓળખ માટેની સ્વયંસ્ફુરિત અભિવ્યક્તિ છે.

થોમ્પસન દલીલ કરતા જણાવે છે કે અંગ્રેજી શબ્દ ‘ફૉકટેલ’ (લોકવાર્તા)નો ઉપયોગ ભલે “સિન્ડ્રેલા” કે “સ્નો વ્હાઈટ” જેવી ‘ઘરગથ્થુ વાર્તાઓ’ (household tales) અથવા ‘પરીકથાઓ’ (fairy tale) (કે જેને જર્મન ભાષામાં માર્ખેં (Märchen) તરીકે પણ ઓળખવામાં આવે છે) માટે કરવામાં આવતો હોય, પણ તેના ઉપયોગ “કાયદેસર અને ખુબ વ્યાપક રીતે વર્ષોથી અદાન-પ્રદાન દ્વારા માનવ સમુદાય પાસે લિખિત કે મૌખિક સ્વરૂપે આવેલી ગદ્યકથાઓને આવરી લેવા માટે કરવામાં આવે છે” (એજન ૪). લોકવાર્તામાં ઉપયોગમાં લેવાયેલી પરંપરાગત સાંસ્કૃતિક સામગ્રી તેને સાહિત્યિક વાર્તાથી અલગ બનાવી દેતી હોય છે. સાહિત્યિક વાર્તાઓ, તે પોતે જે સમયગાળામાં લખવામાં આવી છે, તે સમય અને સંસ્કૃતિનું પ્રતિબિંબ છે. આ પ્રકારની વાર્તાઓની રચના સાર્વત્રિક વિષયો (universal themes) પર કરવામાં આવેલી હોય છે જેના કારણે આ વાર્તાઓ પોતાની પ્રધાનતાનો દાવો કરતી હોય છે. આ વાર્તાઓ એકવાર પ્રકાશિત થઇ જાય પછી તેને પુનઃ લખવી સામાન્ય રીતે શક્ય હોતું નથી. બીજી તરફ જોઈએ તો લોકવાર્તાએ ભૂતકાળની અસ્મિતાનું પ્રતીક છે. લોકવાર્તાઓ સમય અને હેતુ અનુસાર સતત બદલાતી રહેતી હોય છે. એક જ લોકવાર્તાનાં અસંખ્ય સંસ્કરણો હોઈ શકે છે. સાહિત્યિક વાર્તાઓના લેખકને હંમેશા કથાનક (plot) અને કથાનક પદ્ધતિઓની મૌલિકતાને લગતાં પ્રશ્નોનો સામનો કરવો પડતો હોય છે, જ્યારે લોકવાર્તાકાર “પોતાને મળેલા વારસાને યોગ્ય રીતે રજૂ કરવાની પોતાની આ ક્ષમતા માટે હંમેશા ગૌરવ અનુભવતો હોય છે” (એજન ૪).

થોમ્પસન પોતાના પુસ્તકમાં લોકવાર્તાનાં વિવિધ સ્વરૂપો જેવા કે ‘ઘરગથ્થું વાર્તા’ (household tale), ‘પરીકથા’ (fairy tale), માર્ખેં (Märchen), ‘ચમત્કાર કથા’ (chimerat, ચાઈમરેટ),’ ‘કોન્ટે પોપ્યુલેર’ (conte populaire), ‘નોવેલા’ (novella), ‘નોવેલેમાર્ખેં’ (Novellenmärchen), ‘નાયક કથા’ (hero tale), ‘સેઈજ’ (Sage), ‘સેઇજન’ (Sagen), ‘સમજૂતી વાર્તા’ (explanatory tale), ‘પુરાકથા’ (myth) ‘પ્રાણીવાર્તા’ (animal tale), ‘ફૅબલ’ (fable), ‘નાના ટુચકા’ (short anecdotes) તેમજ ‘સાગા’ (saga)ની પણ વાત કરે છે. લોકવાર્તાનાં પર્યાય તરીકે વપરાતી આ વિવિધ અભિવ્યક્તિઓમાં લોકવાર્તાનાં ખ્યાલને રજુ કરવાની કેટલી ક્ષમતા છે તેનો અભ્યાસ પણ થોમ્પસન પોતાના લેખમાં કરે છે. થોમ્પસનને લાગે છે કે જર્મન ભાષાનો શબ્દ ‘માર્ખેં’ (Märchen) જે રીતે લોકવાર્તાનો ભાવ રજુ કરે છે એજ રીતે તેના અંગ્રેજી પર્યાય ‘ઘરગથ્થું વાર્તા’ (household tale) અને ‘પરીકથા’ (fairy tale) એ ભાવને રજુ કરતા નથી. ‘ઘરગથ્થુ વાર્તા’ અને તેના ફ્રેંચ સમકક્ષ ‘કોન્ટે પોપ્યુલેર’ “એટલા સામાન્ય લક્ષણો ધરાવે છે કે તે લગભગ કોઈપણ પ્રકારની વાર્તામાં જોઈ શકાય" (એજન 8). બીજી તરફ, માર્ખેં એક "સામાન્ય લંબાઈની સાથે-સાથે ઘટકો (motifs) અને ઘટના (episodes) ધરાવતી વાર્તા છે. તે અવાસ્તવિક વિશ્વ કે જેનું કોઈ ચોક્કસ સ્થળ નથી કે જેમાં કોઈ ચોક્કસ પાત્રો નથી ત્યાં અદભૂત રીતે વિચરતી હોય છે” (એજન ૮). માર્ખેં ચમત્કારી વિશ્વ સાથે સંકળાયેલ હોવાથી તેને ‘ચમત્કાર કથા’ પણ કહે છે તેમજ તેના માટે આંતરરાષ્ટ્રીય સ્તરે ‘ચાઈમરેટ’ શબ્દ પણ સૂચિત કરવામાં આવેલ છે. થૉમ્પસન માને છે કે ‘નોવેલા’ શબ્દ ‘માર્ખેં’થી ખુબ નજીક છે. પણ માર્ખેંથી વિરુદ્ધ 'નોવેલા'માં કથાનક “વાસ્તવિક દુનિયામાં, ચોક્કસ સમય અને સ્થળ સાથે અદભૂત રીતે સંકળાયેલ હોય છે” (એજન ૮). અરેબિયન નાઇટ્સ અથવા બોકાસિઓની વાર્તાઓ સાહિત્યિક ‘નોવેલા’ના શ્રેષ્ઠ ઉદાહરણ છે. કેટલાંક લોકો ‘નોવેલા’ અને ‘માર્ખેં’ વચ્ચેના ભેદને અવગણીને ‘નોવેલા’ માટે ‘નોવેલેમાર્ખેં’ જેવા પરસ્પર વ્યાપ્ત શબ્દને સૂચિત કરે છે. થોમ્પસનના મતે ‘નાયક વાર્તા’ શબ્દ “’માર્ખેં’ અથવા ‘નોવેલા’ કરતાં વધુ સમાવિષ્ટ શબ્દ છે” કારણ કે તેમાં “માર્ખેંની અદભૂત દુનિયા અને નોવેલાની કુત્રિમ-વાસ્તવિક દુનિયા"નો સમાવેશ થઇ જાય છે (એજન ૮). હર્ક્યુલસ જેવા નાયકના સાહસ સાથે જોડાયેલી વાર્તાઓ ‘નાયક કથા’ના ઉદાહરણ છે. માર્ખેં અથવા નોવેલામાં પણ નાયક હોઈ શકે છે પરંતુ 'નાયક કથા' તેમનાં થી અલગ છે કારણ કે તેમાં "એક જ નાયકના શ્રેણીબદ્ધ સાહસોની" વાત કરવામાં આવેલી હોય છે (એજન ૮).

થૉમ્પસનના મતાનુસાર, જર્મન શબ્દ ‘સેઈજ’ વાર્તા – કે જે અંગ્રેજી અને ફ્રેન્ચ ભાષામાં સ્થાનિક પરંપરા (local tradition), સ્થાનિક દંતકથા (local legend), સ્થળાંતરીય દંતકથા (migratory legend) અને પરંપરાગત પોપ્યુલેર (tradition populaire) જેવા ખ્યાલને વ્યક્ત કરે છે – “અસાધારણ ઘટનાઓ કે જે વાસ્તવમાં બની હશે તે માનવા માટે મજબુર કરતી હોય તે પ્રકારની વાર્તા છે. તે કોઈક વસ્તુની દંતકથાનું વર્ણન કરી પ્રાચીન સમયમાં આવું બન્યું જ હશે તે રીતે કથાનક રજુ કરે છે” (એજન ૮). 'સેઈજન' એક નાના પ્રકારની ‘સેઇજ’ વાર્તા કે દંતકથાને સંદર્ભિત કરે છે. 'સેઈજન’ને એક “સરળ માળખું” હોય છે અને તે “સામાન્ય રીતે એક જ કથાકીય રૂપક (narrative motif)ને પ્રકટ કરે છે” (એજન ૯). ‘સમજૂતી વાર્તા’ કે જે ઉદભવ કથા કે વ્યુત્પત્તિ કથા (etiological tale), નેચરસેઈજ (Natursage) કે કારણકથા (pourquoi story) તરીકે પણ ઓળખાય છે તે એક સ્થાનિક દંતકથા છે કે જે “મોટા ભાગે કોઈ ટેકરી કે ભેખડ શા માટે અસ્તિત્વ ધરાવે છે અથવા નદીઓ શા માટે જમીન પર વાંકીચૂકી વહે છે” તે સમજાવે છે (એજન ૯). સમજૂતીત્મક વાર્તા “વિવિધ પ્રાણીઓ અને છોડ, તારાઓ, અને માનવજાત અને માનવરચિત વિવિધ સંસ્થાઓની ઉત્પત્તિ અને લાક્ષણિકતાઓ”ને પણ રજુ કરે છે (એજન ૯).

થોમ્પસનના દ્રષ્ટિકોણ પ્રમાણે ‘પુરાકથા’ એ ધાર્મિક માન્યતાઓ સાથે જોડાયેલી ગદ્ય પ્રકારની સૌથી વધુ ગૂંચવણભરી વાર્તા શૈલી છે. થોમ્પસન માટે પુરાકથાની "રચના અત્યારના સમય કરતાં પહેલાના સમયના વિશ્વમાં થયેલી છે. તે અતિમાનુ વ્યક્તિઓ અને અર્ધ-દૈવી નાયકો તેમજ બધી જ વસ્તુઓની ઉત્પત્તિ અંગેની વાત પવિત્ર માણસના માધ્યમ દ્વારા કરે છે” (એજન ૧૦). ‘પશુવાર્તા’ એક એવા પ્રકારની વાર્તા છે કે જેમાં માનવ જેવા ગુણોવાળા પ્રાણી પાત્રોને દર્શાવવામાં આવ્યા હોય. નૈતિક હેતુ સાથે કહેવામાં આવતી 'પશુવાર્તા' એક 'ફેબલ' બની જાય છે. નાના ટુચકા કે જેના માટે અંગ્રેજીમાં jets (જેટ્સ), humorous anecdote (હ્યુમરસ એનેકડોટ ), merry tale (મૅરી ટેલ) કે જર્મન ભાષામાં Schwank (શ્વેન્ક) જેવા શબ્દો વપરાય છે તે “મીઠી મશ્કરી કરી ચોક્કસ પ્રકારના વર્તુળો રચવાની લાક્ષણિકતા ધરાવે છે. તે રમૂજી સાહસોને કેટલાક પાત્રો સાથે જોડી જાણે કે એક વર્તુળ રચે છે અને આ વર્તુળની મર્યાદામાં રહી યોગ્ય કે અનુચિત મીઠી મશ્કરી કરે છે” (એજન ૧૦) ‘સાગા’ એ “બહાદુરીથી ભર્યા યુગની એક સાહિત્યિક વાર્તા છે કે જે ખાસ કરીને સ્કેન્ડિનેવિયા અને આયર્લૅન્ડમાં જોવા મળે છે”, પણ તે “અનુભવ” કે "વાર્તા" જેવા અર્થને સંદર્ભિત નથી કરતી (એજન ૧૦).

આમ, લોકકથા એ સાહિત્યિક વાર્તાથી તદ્દન અલગ છે. આ ઉપરાંત, અહિયાં એ બાબતનું ધ્યાન પણ રાખવું જરૂરી છે કે લોકવાર્તાનાં અસંખ્ય સ્વરૂપો છે. તેથી આ સ્વરૂપોનો ‘લોકવાર્તા’ તરીકે અર્થ કરતા પહેલા આપણે સાવચેત રહેવું જોઈએ (આમ છતાં, સરળતા ખાતર આ લેખમાં લોકવાર્તાનાં વિવિધ સ્વરૂપોને ‘લોકવાર્તા’ તરીકે જ સંબોધીને તેમનો અભ્યાસ કરવામાં આવેલ છે). ‘લોકવાર્તા,’ ‘સાહિત્યિક વાર્તા’ કરતા થોડી વધારે ખાસ એ માટે છે કે લોકવાર્તાને સીધો સંબંધ માનવ સભ્યતા કે માનવ સંસ્કૃતિ સાથે છે. સાહિત્યિક વાર્તા માણસની લાગણીઓને ઉદ્દેશી મનોરંજન કરાવે છે, જયારે લોકવાર્તા મનોરંજન તો આપે જ છે પણ સાથે સાથે માનવ સંસ્કૃતિ અંગેનું શિક્ષણ પણ આપે છે.

“આઉટ-ઓફ-આફ્રિકા” સિધ્ધાંત અને લોકવાર્તાઓનું દ્વિપક્ષીય સ્થળાંતર:

જો ‘લોકવાર્તાઓ માનવ સભ્યતા જેટલી જ જૂની છે’ આ પ્રકારના વિધાન સાથે આપણે સહમત થતા હોય, તો આપણે એ વાત સાથે પણ સહમત થવું પડે કે લોકકથાઓનું સ્થળાંતર પણ એ સ્થળેથી જ ચાલુ થયું હોવું જોઈએ કે જે સ્થળે સૌ પ્રથમ માનવ સભ્યતાની શરૂઆત થઇ હોય. નૃવંશશાસ્ત્રીઓ અને પુરાતત્વવિદોએ પ્રથમ માનવ સભ્યતા વિશે શિલ્પકૃતિઓ અને અવશેષોના ડી.એન.એ. (D.N.A – Deoxyribonucleic Acid) પરિક્ષણ દ્વારા જાણવા પ્રયન્ત કર્યો છે. અને આ પ્રયત્નો દ્વારા જ ‘હોમિનીડ’ (hominid) અને ‘હોમો સેપિઅન્સ ‘ (Homo sapiens)ના અસ્તિત્વની તવારીખ જાણવી શક્ય બની છે. હોમિનીડ માણસની જેમ સીધું ચાલતું એક પ્રાણી હતું. ડોનાલ્ડ જોહાન્સન નામના એક અમેરિકન વૈજ્ઞાનિકે ‘ઓસ્ટ્રાલોપીથીકસ’ (Australopithecus) અથવા ‘દક્ષિણી વાનર’ (southern ape) નામથી ઓળખાતા એક હોમિનીડની શોધ કરી હતી. જોહાન્સનના કહેવા પ્રમાણે સૌથી પ્રાચીન હોમિનીડ આફ્રિકામાં ચાળીસ લાખ (ચાર મિલિયન) વર્ષ પૂર્વે વસતા હતા.[2] લ્યુઇસ લેકી અને મેરી લેકી દ્વારા કરવામાં આવેલા સંશોધન દ્વારા આ દાવો વધુ મજબૂત બન્યો. લેકી દંપતી દ્વારા ઈ.સં. ૧૯૫૯માં પૂર્વ આફ્રિકામાં ઓલ્ડુવાઈ ગોર્જ ખાતે કરવામાં આવેલી હોમિનીડના હાડપિંજરની નાટકીય શોધે એ સાબિત કરી દીધું કે હોમિનીડ આફ્રિકામાં રહેતા હતા.[3] પચ્ચીસ લાખથી સોળ લાખ વર્ષ પૂર્વે હોમિનીડ, મગજના વિકાસ થવાના કારણે, વધુ અદ્યતન બન્યા કે જેને ‘હોમો હેબીલીસ’ તરીકે પણ ઓળખવામાં આવ્યા. આ હોમો હેબીલીસે સૌ પ્રથમ પથ્થરના બનાવેલા સાધનોનો ઉપયોગ કર્યો હતો. પંદર લાખ વર્ષ પૂર્વે અન્ય પ્રકારના હોમીનીડ્સ ઉદભવ્યા હતા જેને ‘હોમો ઇરેક્ટસ’ કે ‘સીધા માણસ’ તરીકે ઓળખવામાં આવ્યા. આ હોમો ઇરેક્ટસ પાસે આધુનિક માનવના સપ્રમાણમાં હાથ અને પગ હતા. હોમો ઇરેક્ટસના અવશેષો એશિયામાં જોવા મળે છે તે સ્પષ્ટ સંકેત આપે છે કે હોમો ઇરેક્ટસ એ આફ્રિકા છોડનાર પ્રથમ હોમીનીડ્સ હતા.

હોમો સેપિઅન્સ કે ‘ડાહ્યા માનવ’ આશરે ૨,૫૦,૦૦૦ વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યા. હોમો સેપિઅન્સે મગજની ઝડપી વૃદ્ધિ દર્શાવી હતી અને આગને વાપરતાં પણ શીખ્યા હતા. ૨,૦૦,૦૦૦થી ૧૫૦૦૦૦ વર્ષ પહેલા પ્રથમ સ્વનિર્ણયી આધુનિક માનવ, “હોમો સેપિઅન્સ સેપિઅન્સ” કે ‘પૂર્ણ ડાહ્યો માનવ’ અસ્તિત્વમાં આવ્યો. હોમો સેપિઅન્સ સેપિઅન્સ આશરે ૧,૦૦,૦૦૦ વર્ષ પહેલાં આફ્રિકામાંથી દુનિયાના વિવિધ ભાગોમાં ફેલાયા. તેમણે યુરોપ અને એશિયામાં જોવા મળતા પ્રારંભિક હોમિનીડની વસ્તીનો નાશ કરી દીધો. ઈ.સં. પૂર્વે ૨,૦૦,૦૦૦ થી ૩૦,૦૦૦ની વચ્ચે , હોમિનિડ્સના એક જૂથ પૈકીનું એક જૂથ “નિએન્ડરથલ્સ” (Neanderthals) પણ અસ્તિત્વમાં હતું. નિએન્ડરથલ્સના અવશેષો યુરોપ અને તુર્કીમાં મળી આવ્યા છે. ઈ.સં. પૂર્વે ૩૦,૦૦૦ વર્ષ પહેલા નિએન્ડરથલ્સનું સ્થાન હોમો સેપિઅન્સ સેપિઅન્સ લઇ લીધું. કદાચ નિએન્ડરથલ્સ અને હોમો સેપિઅન્સ સેપિઅન્સ વચ્ચેના સંઘર્ષના પરિણામે નિએન્ડરથલ્સ નામશેષ પણ થઇ ગયા. હજારો વર્ષ પહેલા ખોરાકની શોધમાં ‘હોમો સેપિઅન્સ સેપિઅન્સ’ દુનિયાના વિવિધ વિસ્તારોમાં પહોંચી ગયા. એવું માનવામાં આવે છે કે ‘હોમો સેપિઅન્સ’ના સમયગાળામાં માનવે ભાષા શીખી લીધી હતી અને ‘હોમો સેપિઅન્સ સેપિઅન્સ’ના સમયગાળા સુધીમાં તો માનવે ભાષાનો વાતચીત અને મનોરંજન જેવા હેતુઓ માટે ઉપયોગ શીખી લીધો હતો. કદાચ આ તબક્કે જ કંઠ પરંપરા અસ્તિત્વમાં આવી હોય.

આ “આઉટ ઓફ આફ્રિકા” સિધ્ધાંતની ટૂંકમાં ચર્ચા કરવાનો મુખ્ય હેતુ એ હકીકત સામે લાવવાનો છે કે આફ્રિકાને માનવ સભ્યતાનું ઉદભવ બિંદુ માનવું આવશ્યક છે. બધી જ માનવ સભ્યતાનું ઉદગમ સ્થાન આફ્રિકા છે. હોમો સેપિઅન્સ સેપિઅન્સનો જે વિશ્વના જુદા જુદા ભાગોમાં ફેલાવો થયો તેની સાથે જ આફ્રિકન સંસ્કૃતિ અને કંઠ પરંપરા પણ વિશ્વના વિવિધ દેશોમાં ગઈ. આજ કારણ છે કે શા માટે વિશ્વના બીજા સાંસ્કૃતિક સંપ્રદાયોમાં આપણને આફ્રિકન લક્ષણો મળી આવે છે. તાજેતરમાં થયેલા એક સંશોધનમાં વૈજ્ઞાનિકોએ વિશ્વની ઇંગ્લીશથી મેન્ડરિન જેવી છ હજાર આધુનિક ભાષાઓનો અભ્યાસ કરીને એ શોધી કાઢ્યું કે ૫૦,૦૦૦થી ૭૦,૦૦૦ વર્ષ પહેલા એક વંશીય આફ્રિકન ‘માતૃભાષા’ જ બોલાતી હતી. આ સંશોધન એ બાબતને પણ પ્રસ્થાપિત કરે છે કે “આ એકમાત્ર પ્રાચીન ભાષા માનવ સભ્યતા – એક ડાયસ્પોરા- ના ઉદભવ માટે કારણભૂત છે તેમજ કળા અને શિકાર સાધનની તકનીકમાં પ્રગતિ કરી આ ભાષાએ વૈશ્વિક સંસ્કૃતિ માટે પાયાનું કામ કર્યું છે”.[4] ચેખ અંતા ડિઓપ પોતાના પુસ્તક ધ આફ્રિકન ઓરિજિન ઓફ સિવિલાઈઝેશન: મીથ ઓર રિયાલિટીમાં પણ આ વિચારને સમર્થન આપે છે. આ પુસ્તકની “અનુવાદકની પ્રસ્તાવના”માં મર્સર કૂક કે જે આ પુસ્તકના સંપાદક-ભાષાંતરકાર છે તે ડિઓપના માનવ સમુદાયોના વિભાજનના સિદ્ધાંતને રજુ કરતાં કહે છે કે –

ડાયોપનો એક સિદ્ધાંત છે કે વિશ્વના લોકોનું મુખ્યત્વે બે પ્રકારે વિભાજન થયેલ છે: દક્ષિણીય લોકો (અથવા નિગ્રો-આફ્રિકન) અને આર્ય ( સેમિટ્સ [Semites], મોંગોલોઈડ્સ [Mongoloids] અને અમેરિકન ભારતીયો સહિતના તમામ કાકેશિયન્સ [Caucasians]ને આવરી લેતું એક જૂથ) . દરેક જૂથને એક અલગ સાંસ્કૃતિક દેખાવ છે જે આબોહવા આધારિત છે. દક્ષિણીય લોકો અને આર્ય પ્રજાતિ વચ્ચેનો તફાવતનું કારણ પણ આર્ય પ્રજાતિની ખૂબ જ કઠોર લગતી આબોહવા છે.

આર્ય પ્રજાતિએ પિતૃપ્રધાન સમાજ રચના વિકસાવી છે જે સ્ત્રીઓ પરના દમન અને યુદ્ધ માટેના વલણના કારણે જાણીતી છે. આ પ્રકારની સમાજ રચના સાથે ભૌતિકવાદી ધર્મ, પાપ અને દોષભાવ, વિદેશીવિદ્રોહીપણુ, કરુણાંતિકા, શહેરવાદ-રાજ્યવાદ, વ્યક્તિત્વવાદ અને નિરાશાવાદ જેવા ખ્યાલો પણ સંકળાયેલા હોય છે. બીજી તરફ દક્ષિણીય લોકો માતૃપ્રધાન સમાજ રચના ધરાવે છે. અહિયાં મહિલાઓ મુક્ત છે અને લોકો શાંતિપૂર્ણ છે; તેઓ જીવન પ્રત્યે એક ડાયોનિસિયન ( a Dionysian) વલણ ધરાવે છે; ધાર્મિક આદર્શવાદ છે અને પાપનો કોઈ જ ખ્યાલ નથી. માતૃપ્રધાન સમાજ હોવાના કારણે અહિયાંના લોકો વિદેશીપ્રેમી છે, સાહિત્યિક સ્વરૂપ તરીકે વાર્તા વિકસી છે, પ્રદેશ આધારિત રાજ્યવ્યવસ્થા છે, સામાજિક એકવાદતા અને આશાવાદ છે.

ડાયોપના સિદ્ધાંત મુજબ, પ્રાચીન ઇજિપ્તવાસીઓ નિગ્રો હતા અને તેઓ જ દક્ષિણીય લોકોના પૂર્વજો છે. આ સાહસિક ધારણા – કે જે કોઈ આધારરહિત તો નથી જ – પશ્ચિમી સાંસ્કૃતિક માન્યતાઓની શોધ પર રસપ્રદ અસર ધરાવે છે. ડિયોપ દલીલ કરે છે કે જો પ્રાચીન ઇજિપ્તવાસીઓ નિગ્રો હતા તો યુરોપિયન સંસ્કૃતિ એ આફ્રિકન સિદ્ધિનું વ્યુત્પત્તિ છે ... (ડાયોપ x)

ડિયોપના આ સિદ્ધાંતથી સ્પષ્ટ થાય છે કે માનવ સમુદાય બે ભાગમાં વહેંચાયેલો છે: આર્ય પ્રજાતિ અને દક્ષિણીય પ્રજાતિ. આ બંને જૂથોને અલગ અલગ વલણ, માન્યતાઓ અને લાક્ષણિકતાઓ છે. તેમ છતાં તે સ્પષ્ટ નથી થતું કે કઈ સંસ્કૃતિ પ્રથમ માનવ સભ્યતા છે - આર્ય કે દક્ષિણીય. હા, એ વાત ચોક્કસ છે કે ઇજિપ્તની સંસ્કૃતિ આફ્રિકામાંથી ઉદભવી છે. ડિયોપના આર્ય પ્રજાતિ માટેના કેટલાંક વિચારો ભલે ભૂલ ભરેલા લાગતાં હોય પણ તેના દક્ષિણીય લોકોની સંસ્કૃતિના વિચારો ધ્યાને રાખવા જેવા છે. ડાયોપ એ પ્રારંભિક વિદ્વાનો પૈકીના એક એવા વિદ્વાન હતા જેમણે કેવી રીતે પશ્ચિમી સંસ્કૃતિનો વિકાસ આફ્રિકન સંસ્કૃતિમાંથી થયો છે તે જણાવવા પ્રયત્ન કર્યો. તેઓ માનતા હતા કે આફ્રિકન સંસ્કૃતિએ માનવ સંસ્કૃતિના ઇતિહાસની પ્રથમ પાયાની ઈંટ છે. તેઓ જણાવે છે કે “આફ્રિકાના ઈતિહાસને એક દેવાળિયો તરીકે જોવાના બદલે આ અશ્વેત વિશ્વએ કઈ રીતે “પશ્ચિમી” સંસ્કૃતિને આપણી નજર સામે મૂકી છે તે પ્રથમ જોવાની જરુર છે” ( એજન xiv). તેઓ દ્રઢપણે માને છે કે “પ્રાચીન ઇજિપ્ત એક નિગ્રો સભ્યતા હતી” (એજન xiv). ડીયોપ આફ્રીકન સંસ્કૃતિના લક્ષણો બતાવવા પ્રયત્ન કરે છે. પણ તે કાર્ય ખુબ જ મુશ્કેલ છે. આ મુશ્કેલી પાછળનું મુખ્ય કારણ એ હકીકત છે કે આફિકા ખંડ અલગ અલગ ભાષા, જીવનશૈલી, અને માન્યતાઓ ધરાવતા ઘણા લોક સમુદાયોનો બનેલો દેશ છે.

ઉપર મુજબની ચર્ચા પરથી એ કહી શકાય કે આફ્રિકન લોકો, તેમની સંસ્કૃતિ, તેમની પરંપરાઓ-કંઠ પરંપરાઓ દુનિયાના વિવિધ પ્રદેશો તરફ અને ખાસ કરીને યુરોપિયન દેશો તરફ સ્થળાંતર કરીને ગયા છે. કદાચ આ જ કારણે આફ્રિકન લોકવાર્તાઓ અને યુરોપિયન દેશોની લોકવાર્તામાં કેટલાંક સમાન લક્ષણો જોવા મળે છે. ઘણી આફ્રિકન લોકવાર્તાઓ અમેરિકાથી ભારતમાં આવી છે. આફ્રિકન લોકવાર્તાઓ અમેરિકામાં હોવાના મુખ્ય બે કારણ છે, એક તો અમેરિકામાં પેહલેથી જ મૂળ નિવાસી અમેરિકન પ્રજાતિ હતી જે “આઉટ ઓફ આફ્રિકા” સિધ્ધાંત પ્રમાણે નિગ્રો હતા અને બીજું કારણ ગુલામ વેપાર દ્વારા આફ્રિકાથી અમેરિકામાં કરવામાં આવતી ગુલામોની આયાત. આફ્રિકન લોકવાર્તાઓ ભારતમાં સ્થળાંતરિત થવાનું કારણ ઈ. સં. ૭૧૨માં ભારત પર થયેલા ઇસ્લામિક હુમલા હોઈ શકે. આ હુમલાઓ મોહમ્મદ બિન કાસીમ ની ‘ઝંઝીસ’ તરીકે ઓળખાતી અરબી સેના સાથે ઘણા આફ્રિકન સૈનિકો આવ્યા હતા જે પછી ભારતમાં જ રોકાઈ ગયા.

આફ્રિકન લોકવાર્તાની જેમ ભારતીય લોકવાર્તાઓ પણ વિશ્વના વિવિધ ભાગોમાં યુરોપ દ્વારા ગઈ છે. થીઓડોર બેનફે (૧૮૦૯-૧૮૮૧) નામના એક જર્મન ભાષાવિદ અને ઓરીએન્ટાલીસ્ટ કે જેમણે પંચતંત્રની વાર્તાઓનો જર્મન ભાષામાં અનુવાદ કર્યો છે તે માનતા હતા કે પ્રાચીન ભારતમાં લોકવાર્તાનો ઉદભવ થયો હતો અને ભારતમાંથી લોકવાર્તાઓ યુરોપ અમે વિશ્વના વિવિધ સ્થળાંતરિત થઇ. બેનફેની આ ધારણા સાચી પણ લાગે છે. ભારતીય લોકવાર્તાઓ સ્થળાંતર કરીને વિશ્વના વિવિધ ભાગોમાં ગઈ છે અને ત્યાંની કંઠ પરંપરાનો ભાગ બની ગઈ છે. ભારતમાંથી લોકવાર્તાઓને યુરોપ અને વિશ્વના વિવિધ પ્રદેશોમાં લઇ જવામાં “રોમાની” અથવા “જીપ્સી” તરીકે ઓળખાતી ઇન્ડો-આર્યન પ્રજાતિનો ફાળો પણ ખુબ નોંધપાત્ર છે. જીપ્સી લોકો હાલના ભારતના રાજ્યો જેવા કે રાજસ્થાન, હરીયાણા, અને પંજાબના મૂળ નિવાસીઓ છે જે હાલમાં યુરોપ અને અમેરિકાના વિવિધ પ્રાંતમાં મળી આવે છે. આ જીપ્સી લોકો ૧,૫૦૦ વર્ષ પહેલા ભારત છોડીને પશ્ચિમના દેશોમાં ગયા અને પોતાની સાથે ભારતીય કંઠ પરંપરા પણ પશ્ચિમમાં લેતા ગયા. ચાલો આફ્રિકન લોકવાર્તાઓ કેવી રીતે અમેરિકા અને ભારતમાં આવી તેમજ ભારતમાંથી કેવી રીતે અમેરિકા અને આફ્રિકા ગઈ તે સમજીએ. અહિયાં એક વાત ધ્યાનમાં રાખવી પણ જરૂરી છે કે દુનિયાના વિવિધ પ્રાંતના વિવિધ સંસ્કૃતિ ધરાવતા લોકોમાંથી આફ્રિકન સંસ્કૃતિ ધરાવતા લોકોને તેમનાં બાહ્ય દેખાવ પરથી ઓળખી કાઢવા જેટલુ સહેલું કાર્ય છે તેટલું જ અઘરું છે કે આફ્રિકન લોકવાર્તામાંથી તેમાં ગોળાઈ ગયેલ આફ્રિકન સંસ્કૃતિને અલગ કરવી. આ પાછળનું મુખ્ય કારણ એ છે કે કોઈપણ લોકવાર્તાની ઓળખ કરવા માટે તે લોકવાર્તાને તેમાં રહેલી ‘સાંસ્કૃતિક સામગ્રી’ના આધારે કોઈ ચોક્કસ સાંસ્કૃતિક પરંપરા સાથે જોડવી પડે. આ ‘સાંસ્કૃતિક સામગ્રી’ હકીકતમાં લોકોનું જીવન અને પરંપરાને રજુ કરી એક દર્પણ જેવું કામ કરે છે. આ સાંસ્કૃતિક સામગ્રી’ના પૃથ્થકરણ દ્વારા જ આપણે તેને યોગ્ય સાંસ્કૃતિક પરંપરા સાથે જોડી લોકવાર્તાની ઓળખ કરી શકીએ.

આફ્રિકન લોકવાર્તાઓનાં સ્થળાંતરની શૈલી સ્પષ્ટ રીતે સૂચવે છે કે આફ્રિકન લોકવાર્તાઓ આરબ અને એટલાન્ટીક ગુલામ વેપારના કારણે પશ્ચિમ એશિયા, ઉત્તર આફ્રિકા, પૂર્વ આફ્રિકા, યુરોપ અને અમેરિકાના વિવિધ દેશો પ્રથમ ગઈ હશે. વિવિધ મોટીફ ઇન્ડેક્ષ (motif index) પરથી આપણને ખ્યાલ આવી જશે કે શા માટે આરબ-યુરોપિયન લોકવાર્તાઓ અને આફ્રિકન લોકવાર્તાઓમાં આટલી સમાનતા જોવા મળે છે. ગુલામ વેપારના કારણે આફ્રિકાના વિવિધ આરબ અને યુરોપિયન દેશો સાથે પહેલે થી જ સ્થાપિત સંબધો રહ્યા છે અને આ સંબંધોને કારણે જ આફ્રિકન લોકવાર્તા સમગ્ર વિશ્વ સુધી પહોંચી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આફ્રિકન લોકવાર્તા ભારતમાં પણ યુરોપ દ્વારા જ આવી હોવી જોઈએ. જો કે ઈ. સં. પૂર્વે પહેલી સદીમાં ભારતીય સ્થાપત્યની આફ્રિકન સ્થાપત્ય પરની અસર અંગેના પુરાવા આપણને હાલમાં મળી આવ્યા છે. આ સિવાય ભારત અને આફ્રિકા વચ્ચે મધ્યકાળ પહેલા કોઈ સીધો સંબંધ હતો કે નહિ તે અંગેના કોઈ જ પ્રમાણિત પુરાવો આપણી પાસે નથી. મધ્યકાળ પહેલા ભારતે આરબ અને યુરોપિયન દેશો સાથે વ્યાપારી સંબધો બનાવી દીધા હતા. આનો અર્થ એ થયો કે ભારતીય લોકવાર્તા આરબ અને યુરોપિયન દેશોમાં પ્રથમ ગઈ હોવી જોઈએ અને પછી આફ્રિકન લોકવાર્તા યુરોપ દ્વારા ભારતમાં આવી હોવી જોઈએ. આફ્રિકન લોકવાર્તાનાં તત્વોને ભારતીય લોકવાર્તામાંથી શોધી કાઢવા ત્રણ કારણોસર મુશ્કેલ છે: (i) સદીઓથી ચાલતા આવતા સાંસ્કૃતિક બદલાવના કારણે આફ્રિકન લોકવાર્તાઓએ ભારતીય સ્વરૂપ ધારણ કરી લીધું છે, (ii) આફ્રિકન લોકવાર્તાઓ તેમનાં મૂળ સ્વરૂપે ભારતમાં નહતી આવી આરબ અને યુરોપના દેશોમાં તેમનું સ્વરૂપ પહેલેથી જ બદલાયેલું હતું, અને (iii) રચનાત્મક લેખન માટે જરૂરી એવી ‘સાંસ્કૃતિક સામગ્રી’ અથવા માનવ અનુભવો-લાગણીઓ બધે સરખી હોવાને કારણે કેટલીકવાર અમુક બાબતો રાષ્ટ્રીય કે જાતીય ઓળખની પરે છે જે લોકવાર્તાને ચોક્કસ રીતે ઓળખવી મુશ્કેલ બનાવે છે.

ટી. એફ. ક્રેન, રોબર્ટ લી જે. વેન્સ, એ.બી. એલીસ, એ.ગેઅર્બર, ડેનિયલ જે. ક્રોવલી, એલન દંડીઝ, વિલિયમ ડી. પિયર્સન, વિલિયમ બાસકોમ, રિચર્ડ એમ. ડોર્સન અને અન્ય કેટલાક વિદ્વાનોએ આફ્રિકાથી અમેરિકા અને અન્ય દેશોમાં લોકવાર્તાએ કેવી રીતે સ્થળાંતર કર્યું છે તેનો અભ્યાસ કર્યો છે. આ બધા વિદ્વાનોએ લોકવાર્તાનાં સ્થળાંતરને બતાવવા માટે વાર્તા-પ્રકાર ઇન્ડેક્ષ (tale-type index) કે મોટીફ ઇન્ડેક્ષ (motif index) પર આધાર રાખ્યો છે. આ વિદ્વાનોના અભિગમ વૈજ્ઞાનિક તો છે જ પણ તેના સાથે સાથે વધારે યાંત્રિક પણ છે. ઉદાહરણ તરીકે, એલન દંડીઝ પોતાના એક લેખ “આફ્રિકન અને આફ્રો-અમેરિકન ટેલ્સ” (૧૯૭૬)માં એક આફ્રિકન લોકવાર્તાની વાત કરે છે જે “મોટીફ H ૧૧૫૪.૬ કામગીરી: ખિસકોલીને પકડવી અને સાપનો અવાજ”ને પ્રયોજે છે (દંડીઝ ૧૮૩-૪). દંડીઝ જણાવે છે કે “આ પ્રકારની વાર્તા યુરોપમાં જોવા મળી નથી એટલે આ યુરોપિયન વાર્તા હોઈ શકે નહિ” (એજન ૧૮૪). દંડીઝ મને છે કે આ પ્રકારની વાત દક્ષિણીપૂર્વીય અમેરિકન ભારતીય જાતિઓમાં જોવા મળે છે અને તેથી જ તે માની લે છે કે આ લોકવાર્તા “આફ્રિકન/આફ્રો-અમેરિકન વાર્તા પ્રકાર” હોઈ શકે (એજન ૧૮૪). દંડીઝની દલીલ સૈધાંતિક રીતે યોગ્ય લાગે પણ તેમાં ચોક્કસપણે અપૂર્ણતા જોવા મળે છે જેના કારણે તેની દલીલ બધી જ પરિસ્થિતિમાં સાચી ના પણ હોઈ શકે. ભારતમાં પણ આ પ્રકારના મોટીફ વાળી લોકવાર્તા જોવા મળે છે તેનો મતલબ એ નથી કે આ વાર્તા ભારતીય લોકવાર્તા બની જાય. દંડીઝ અને અન્ય વિદ્વાનોએ કે જેમણે મોટીફ ઇન્ડેક્ષ (motif index) ને ધ્યાને રાખીને દલીલ કરી છે તેમણે લોકવાર્તાનાં સામાજિક-સાંસ્કૃતિક મહત્વને અણદેખીતું કર્યું છે. સાહિત્ય ચોક્કસ તત્વોનું બનેલું હોય છે. આ તત્વોને ત્રણ ભાગમાં વહેંચી શકાય: (૧) જીવન દ્વારા પુરા પાડવામાં આવતા તત્વો, (૨) ભૂમિ દ્વારા પુરા પાડવામાં આવતા તત્વો, (૩) લેખક દ્વારા પુરા પાડવામાં આવતા તત્વો. સાહિત્ય જીવનમાંથી ઉદભવ્યું હોવાને કારણે સાહિત્ય માટે જરૂરી એવી કાચી માલસામગ્રી હંમેશા જીવન દ્વારા પૂરી પાડવામાં આવે છે. જે ભૂમિમાંથી સાહિત્ય ઉદભવે છે તે ભૂમિ પણ સાહિત્યને અમુક તત્વોની ભેટ આપે છે. આ તત્વો એ પ્રકારના તત્વો હોય છે કે જે સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય, આર્થિક, ભુગોળીય અને વાતાવરણીય અસરો ધરાવતા હોય છે. એ જ રીતે લેખક (મૌખિક સાહિત્યના સંદર્ભમાં ભુલાઈ ગયેલ લેખક કે વાર્તાકાર) પણ સાહિત્યને બૌદ્ધિક, કાલ્પનિક અને તકનીકી તત્વો ભેટ ધરે છે. આ બધા તત્વો સાથે મળીને સાહિત્યની રચના કરતા હોવાને કારણે એ બાબત સ્વાભાવિક છે કે અમુક ચોક્કસ મોટીફ બધે સરખા રહેતા હોય છે. દા.ત. ઈંગ્લીશ સાહિત્યમાં જે રોમેન્ટીક યુગનું સાહિત્ય આવ્યું તેમાં ઘણાં એક જેવા મોટીફ જોવા મળે છે તેનું મુખ્ય કારણ એ જ છે સાહિત્ય આ રીતે ચોક્કસ તત્વો દ્વારા અસર પામતું હોય છે. આ વાત કરવાનો મુખ્ય હેતુ એ છે કે કથાબિંબ અથવા વાર્તા-પ્રકાર ઇન્ડેક્ષ (tale-type index) કે મોટીફ ઇન્ડેક્ષ (motif index) ઘણા સારા મોટીફના સંગ્રહકર્તા છે પણ જે તત્વો લોક સાહિત્યની રચના કરતા હોય છે તે બધે મોટાભાગે સરખા હોવાના કારણે એક મોટીફ બીજા કોઈ સાસ્કૃતિક સમૂહનો પણ હોઈ શકે.

ચાલો હવે કેટલીક આફ્રિકન, આફ્રો-અમેરિકન અને ભારતીય લોકકથાઓ લઈને તેઓ એક સ્થળેથી બીજા સ્થળે કેવી રીતે સ્થળાંતર કરે છે તે સમજીએ. સૌપ્રથમ આપણે આફ્રિકન મૌખિક પરંપરા અને લોકવાર્તાઓ વિશે વાત કરીએ. જે રીતે ઐતિહાસિક અને વૈજ્ઞાનિક પુરાવાઓ સૂચવે છે એ પ્રમાણે આફ્રિકામાં સૌથી પ્રાચીન સંસ્કૃતિ અને પ્રાચીન ભાષાના અવશેષો જોવા મળે છે. આ જોતા એમ કહી શકાય કે મૌખિક પરંપરા પણ આફ્રિકામાં ઉદભવી અને આફ્રિકન પ્રજાતિનું સ્થળાંતર થતાં લોકવાર્તાઓનું પણ દુનિયાના વિવિધ પ્રાંતમાં સ્થળાંતર થવા લાગ્યું. ઉપર જણાવ્યા મુજબ આફ્રિકન લોકવાર્તાઓ પહેલા આરબ દેશોમાં ગઈ અને પછી અમેરિકા જેવા અન્ય પશ્ચિમી દેશોમાં. આ વાત ને જોએલ ચેન્ડલર હેરીસના આફ્રો-અમેરિકન લોકવાર્તાનાં સંગ્રહ નાઈટ્સ વિથ અંકલ રીમસ: મિથ્સ એન્ડ લીજેન્ડ્સ ઓફ ધ ઓલ્ડ પ્લાન્ટેશન (૧૮૮૯) ખુબ સારી રીતે આપણે સમજી શકીએ. આ સંગ્રહની બધી લોકવાર્તાઓ અમેરિકાના વિવિધ પ્રાંતમાંથી મેળવવામાં આવી છે પણ આ લોકવાર્તાઓનો અભ્યાસ કરતા ખબર પડશે કે આ લોકવાર્તાઓનો ઉદભવ આફ્રિકન લોક પરંપરામાં થયો છે. આફ્રિકન લોકવાર્તાઓનાં સ્થળાંતર વિશે પુરતા વિદ્વવત્તીય અભ્યાસો ન થવાનું કારણ પણ આફ્રિકાનું પ્રાચીન આદિજાતિઓની ભૂમિ હોવું હોઈ શકે. હકીકતમાં, લોકવાર્તાઓ ઘણી આફ્રિકન પ્રજાતિઓમાં મહત્વનું સ્થાન ધરાવે છે. આ વાર્તાઓ તેમનાં માટે અલગ અલગ હેતુઓને સંબોધે છે. દા.ત. લોકવાર્તાઓ દ્વારા તેઓ સૃષ્ટિ અંગેની તેમની માન્યતાઓને રજુ કરે છે. આ વાર્તાઓ દ્વારા તેઓ નૈસર્ગિક અને ભૌતિક પ્રશ્નો રજુ કરી તેમનો હલ બતાવે છે. આ વાર્તાઓ થકી તેઓ નૈતિક મૂલ્યો શીખવે છે. આ વાર્તાઓથી તેઓ કેવી રીતે સંઘર્ષ કરી જીવનમાં તરી શકાય તે દર્શાવે છે. આ વાર્તાઓ થકી તેઓ પોતાના સાંસ્કૃતિક મૂલ્યોનું વર્ધન કરે છે અને આ જ વાર્તાઓ ધ્વારા ઈશ્વરને કેવી રીતે પામી શકાય તેની પણ વાત કરે છે. હેરોલ્ડ કોરલેન્ડર, પોતાના પુસ્તક એ ટ્રેઝરી ઓફ આફ્રિકન ફોકલોર (૧૯૯૬)માં નોંધ લેતા જણાવે છે કે “આફ્રિકન લોકોના પરંપરાગત લોક સાહિત્યિક સ્વરૂપો તેમનાં મહત્વના માનવ અનુભવોથી વણાયેલ હોય છે જેવા કે ભૂમિ અને તેના તત્વો સાથે સંઘર્ષ, ચળવળો અને સ્થળાંતર, રાજ્યો વચ્ચેના યુદ્ધો, ગોચર અને જળસ્ત્રોતો માટેનો સંઘર્ષ, અસ્તિત્વના રહસ્યો સાથેની મથામણ, અને જીવન અથવા મૃત્યુ” (કોરલેન્ડર ૧).

ભૂતકાળની જેમ આજે પણ વાર્તાકથન આફ્રિકામાં વિશેષ આકર્ષણ ધરાવે છે. આફ્રિકન લોકો તેમનાં ઇતિહાસ, પરંપરા, સંસ્કૃતિ અને વિધિઓને સાચવવા માટે સૌથી શક્તિશાળી સ્વરૂપ તરીકે લોકવાર્તાનો ઉપયોગ કરે છે. એવું માનવામાં આવે છે કે વાર્તાકથનની પરંપરા વિશ્વની સૌથી જૂની પરંપરાઓમ માંની એક છે. ન્ગુગી વા થીઓન્ગોના શબ્દોનો ઉપયોગ કરીને કુડક્વાશ તૂવે નામના એક વિદ્વાન નોંધે છે કે આફ્રિકન લોકવાર્તાઓ “ભાષા, લય અને હાવભાવના પુનરાવર્તન” માટે જાણીતી છે અને આફ્રિકન લોકવાર્તાએ “એક મહત્વન સામુદાયિક સહભાગીતાનો અનુભવ અને ઘટના” છે (ટુવે ૩) . તે એક સહભાગી સામુદાયિક ઘટના છે જ્યાં લોકો ભેગા મળીને ભૂતકાળના કાર્યો, માન્યતાઓ, જ્ઞાન, સલાહસુચન, નૈતિકતા, નિષિદ્ધતા અને પુરકથાઓ વિશે સંભાળે છે તેના કથનમાં નૃત્ય કે ભજવણી દ્વારા ભાગ લે છે. મોટાભાગના કિસ્સાઓમાં, લોકવાર્તાઓનું વર્ણન એવા સ્થળે કરવામાં આવે છે કે જ્યાં કથાકાર અને શ્રોતા એકબીજા સાથે વાર્તાલાપ કરી શકે. કુડક્વાશ ટુવે, અન્ય વિદ્વાનના અવતરણનો ઉપયોગ કરી જણાવે છે કે -

આફ્રિકન દ્રશ્ય રજુ કરતી મોટા ભાગની વાર્તાઓ ત્રણ ભાગોમાં વહેંચાયેલી છે જેમ કે: પરિચય, મુખ્ય ભાગ, અને અંત... પ્રેક્ષકોને કથાનકમાં ભાગ લેતા કરી, વાર્તાકાર દ્રશ્યને રજુ કરે છે અને એક પછી એક પાત્રને ઓળખાવીને તેમનાં સંઘષ વિશે અવનવી પદ્ધતિઓ અને હાવભાવનો ઉપયોગ કરી જણાવે છે. દા.ત. ઝિમ્બાબ્વેમાં પ્રેક્ષકો વાર્તાકાર સાથે ગીત ગાઈને, નૃત્ય કરીને, અને લયબદ્ધ રીતે રાડારાડ કરીને વાસ્તવિક વાર્તાકથનમાં ભાગ લે છે... વાર્તાકાર એવી ભાષાનો ઉપયોગ કરે છે જે ગતિશીલ અને છબીઓ-પ્રતીકોથી ભરપૂર હોય. વાર્તાકાર વાર્તામાં ઘણા પાત્રોનું અનુકરણ પણ કરે છે. અંત તરફ, નૈતિક અથવા અંતિમ નિવેદન દ્વારા વાર્તાના પરિચય અને મુખ્ય ભાગમાં કરવામાં આવેલા નિવેદનો પર ભાર મુકીને વાર્તા પૂર્ણ થાય છે... (એજન ૪)

આમ, અહી એ નોંધવું જોઇએ કે વાર્તાકથનની પ્રક્રિયા આફ્રિકન લોક પરંપરામાં નોંધપાત્ર સ્થાન ધરાવે છે. જ્યાં પણ આફ્રિકન પ્રજાતિ ગઈ, ત્યાં તેઓની સાથે લોકવાર્તાઓ પણ ગઈ છે. આમ, લોકકથાઓનું સ્થળાંતર ચોક્કસ રીતે શોધવું ખુબ કપરું છે પણ તેનું મૂળ આફ્રિકન પ્રજાતિના સ્થળાંતરમાં શોધી શકાય.

આ જ પ્રકારે ઘણી ભારતીય લોકવાર્તાઓ પણ આફ્રિકામાં ગઈ છે અને નવા સ્વરૂપે પ્રગટી છે. લોકવાર્તાનાં અન્ય પ્રકારો કરતા પ્રાણીવાર્તાઓનું સ્થળાંતર સૌથી વધારે થયું હોય એમ લાગે છે. વિશ્વભરમાં ચોક્કસ સામાન્ય મોટીફને આધારે રચના થયેલ ઘણી લોકવાર્તાઓ મળી આવે છે. આવો જ એક મોટીફ છે “વાંદરાનું કાળજું” અથવા “આર્ને-થૉમ્પસન-ઉથર ટાઇપ ૯૧” મોટીફ. આ જ પ્રકારના મોટીફનો ઉપયોગ કરીને લખાયેલ સાત લોકવાર્તાઓ જોવા મળે છે: બે ભારતીય, એક ચીની, બે જાપાનીઝ, એક આફ્રિકના અને એક આફ્રો-અમેરિકન. આ વાર્તાનો ઉદભવ ભારતની જાતક કથાઓમાં પ્રથમ જોવા મળ્યો. આજ પ્રકારની વાર્તા શુકસપ્તતી અથવા સેવેન્ટી ટેલ્સ ઓફ થે પેરટમાં જોવા મળે છે . શુકસપ્તતી મૂળમાં સંસ્કૃતમાં લખાયેલી વાર્તાઓનો સંગ્રહ છે . આ વાર્તાઓનું વર્ણન એક પાળતું પોપટ દ્વારા તેની માલકણ સામે કરવામાં આવે છે. જ્યારે માલકણનો પતિ દૂર હોય છે ત્યારે તેણીને તેના પ્રેમીને મળવા જતા રોકવા માટે પોપટ રોજ એક વાર્તા કહે છે. આ વાતોઓની સંગ્રહ એટલે શુકસપ્તતી . અહી એ નોંધવું ઉલ્લેખનીય છે કે તૂતીનામા (ચૌદમી સદીના બાવન પર્સિયન વાર્તાઓનો સંગ્રહ) અને હીકાયત બયન બૂદીમાન (મલય લોકવાર્તાઓનો સંગ્રહ) શુકસપ્તતી પર આધારિત છે. જો કોઈ શુકસપ્તતી અને અરેબિયન નાઇટ્સ ને એકસાથે વાંચે તો તે ચોક્કસપણે નિરીક્ષણ કરશે કે સ્કેહરઝાદે પણ શુકસપ્તતી ના પોપટ દ્વારા ઉપયોગમાં લેવાતી વાર્તાકથનની સમાન પ્રકારની યોજનાનો ઉપયોગ કરે છે . "ધ મંકીઝ હાર્ટ" ના બે ભારતીય સંસ્કરણો તેમની સંરચનામાં લગભગ સરખા છે.[5] આ લોકવાર્તાઓ પ્રમાણે એક મગરાણી વાંદરાનું કાળજું ખાવા માંગે છે, મગર વાંદરા જોડે મિત્રતા બાંધે છે, મગર વાંદરાને નદીની બીજી ધારે ઉગેલા વ્રુક્ષો પરના નવા પ્રકારના ફળો ખાવા માટે લલચાવે છે, વાંદરો સંમત થાય છે અને મગરની પીઠ પર સવારી કરે છે, મગર રસ્તામાં તેનો વાસ્તવિક હેતુ વાંદરાને કહે છે, વાંદરો છૂટવા માટે યુક્તિનો પ્રયોગ કરે છે અને કહે છે કે તેણે તેનું કાળજું વૃક્ષ પર રાખ્યું છે, વાંદરો મગરને સમજાવે છે કે તેણે તેનું કાળજું લેવા માટે નદી કિનારાના વ્રુક્ષ પર જવું પડશે, મગર વાંદરાને નદી કિનારે લઇ જાય છે, વાંદરો કુદકો મારીને વ્રુક્ષ પર ચડી જાય છે અને તે જણાવે છે કે પોતાનો જીવ બચાવવા માટે તેણે મગરને કઈ રીતે મૂર્ખ બનાવ્યો. આફ્રિકામાં આ વાર્તા સ્વાહિલી ભાષામાં જોવા મળી જેના શીર્ષકનો ઈંગ્લીશ અનુવાદ “ધ હાર્ટ ઓફ એ મંકી” થાય છે.[6] સ્વાહિલી વાર્તામાં વાર્તાનું દ્રશ્ય અને પાત્રની ગોઠવણી બદલાઈ જાય છે: નદીની કાંઠેથી દ્રશ્ય બદલાઈને દરિયાઇ કિનારે ચાલ્યું જાય છે અને મગરના સ્થાને શાર્ક માછલીને રજૂ કરવામાં આવે છે. આ વાંદરાના કાળજાની વાત ચીન અને જાપાનથી સ્થળાંતરિત થઈને આફ્રિકામાં આવી હોવાનું જણાય છે. ચીની વાર્તામાં મગર ને બદલે એક ડ્રેગનને રજુ કરવામાં આવ્યું છે.[7] જ્યારે આ વાર્તાના જાપાની સંસ્કરણમાં મગરના સ્થાને કાચબા રજૂ કરવામાં આવે છે, વાંદરાના કાળજાની જગ્યાએ તેના યકૃત (liver)ની માંગ કરવામાં આવે છે, અને વધુમાં જેલીફિશનો પણ પરિચય આપવામાં આવે છે જે કાચબાની સંપૂર્ણ યોજના પર પાણી ફેરવી નાખે છે.[8] જાપાની સંસ્કરણમાં વાંદરાના યકૃતની જરૂર રાણીના એક અસાધ્ય રોગની સારવાર કરવા માટે છે. આ જ વાર્તાના આફ્રિકન સંસ્કરણમાં વાંદરાનું કાળજું સુલતાનના રોગના ઉપચાર કરવા માટે જરૂરી છે. આ ઉપરાંત, આફ્રીકન વાર્તામાં 'સ્ટોરી-વીધીન-સ્ટોરી' (વાર્તામાં વાર્તા) ટેકનીકનો પણ ઉપયોગ થયો છે. આફ્રીકન વાર્તામાં જ્યારે વાંદરાને જીવનું જોખમ જણાઈ જાય છે ત્યારે તે ડોળ કરે છે કે તેને પોતાનું કાળજું આપી દેવામાં કોઈ જ વાંધો નથી પણ તેણે પોતાનું કાળજું દરિયાકિનારા પર વૃક્ષ પર મુક્યું છે જેથી કુદકા મારતી વખતે પડી ના જાય. તેને પોતાનું કાળજુ લેવામાં માટે પાછા દરિયાકિનારે જવું પડશે. શાર્ક તેને સમુદ્રના દરિયાકિનારે લઈ જાય છે અને ત્યાંથી વાંદરો કુદકો મારીને વૃક્ષ પર ચડી જાય છે. શાર્ક હજુ પણ તે સમજી શકતી નથી કે વાંદરાએ તેને મુર્ખ બનાવી છે. જયારે શાર્ક વાંદરાને પરત આવવા કહે છે કે ત્યારે વાંદરો કહે છે કે તે થોડો ‘ધોબીનો ગધેડો’ છે તો પરત આવે? શાર્કને ‘ધોબીનો ગધેડો’નો સંદર્ભ ખબર હોતી નથી એટલે વાંદરો તેને ધોબીના ગધેડાની વાત કરે છે અને અંતે શાર્કને ખબર પડે છે કે તે વાંદરાના હાથે મુર્ખ બની છે. નાઇટ્સમાં અંકલ રીમસ: માયથ્સ એન્ડ ધ લેજેન્ડ્સ ઓફ ધ ઓલ્ડ પ્લાન્ટેશન (1888)ની એક વાર્તા “બ્રધર રેબિટ એન્ડ ધ ગિઝાર્ડ-ઈટર”માં પણ આ વાર્તા જેવી જ સમાન રૂપરેખા રજૂ કરવામાં આવી છે. આ વાર્તામાં બ્રેર રેબિટ નામના એક સસલાને વાંદરાના સ્થાને રજુ કરવામાં આવે છે. બ્રેર એલીગેટર નામનો એક મગર બ્રેર રેબિટ સાથે પોતાનો બદલો તેની હોજરી ખાઈને લેવા માંગે છે. બ્રેર રેબિટ બ્રેર એલીગેટરને મુર્ખ બનાવે છે અને પોતાનો જીવ બચાવી ભાગી જાય છે.[9] ‘વાંદરાના કાળજા’ના મોટીફને રજુ કરતી આ વાર્તાઓ સ્પષ્ટ રીતે સૂચવે છે કે ભારતીય લોકવાર્તાઓ ભારતથી આફ્રિકા અને અમેરિકા તરફ સ્થળાંતર કર્યું છે. પ્રાણીવાર્તાઓ સૌપ્રથમ ભારતમાં ઉદભવી અને ભારતમાંથી વિશ્વના પશ્ચિમી ભાગમાં સ્થળાંતર કરીને ગઈ છે. વાંદરાના કાળજાના મોટીફને રજુ કરતી વાર્તાની જેમ આર્ને-થૉમ્પસન-ઉથર ટાઇપ ૨૦ C (“વિશ્વનો અંત”) , 92 (“જળમાં સિંહ”) , 122 F ( "હું જાડો થાઉં ત્યારે મને ખાજે" ) , 155 ( "કૃતઘ્નતા એ વિશ્વનો પુરસ્કાર છે" ) , અને 2031 C ( "એક ઉંદર જે સૂર્ય સાથે લગ્ન કરવાનો છે" ) જેવી વાર્તાઓ સૂચવે છે કે જાતક કથાઓ અને પંચતંત્રમાંની ભારતીય લોકવાર્તા ભારતમાંથી સ્થળાંતરિત થઈને આફ્રિકા અને અમેરિકા ગઈ છે. આ ઉપરાંત, આર્ને-થૉમ્પસન-ઉથર ટાઇપ ઇન્ડેક્સમાં એવી ઘણી વાર્તાઓ છે જેણે ભારતથી વિશ્વના વિવિધ પ્રાંતોમાં ગઈ છે. આ વાર્તાઓ આ પ્રકારે છે: 105 ("શિયાળ અને બિલાડી") , 160 ("કૃતજ્ઞ પ્રાણીઓ અને અકૃતજ્ઞ માણસ") , 178 A ("લેવેલિન અને તેનો કુતરો ગેલર્ટ") , 214 A ("ગીત ગાતા ચોર") , 243 A (" બુરું સંભળાવું નહિ, બુરું જોવું નહિ, અને બુરું બોલવું નહિ”), 433 C (" સાપ અને સાપ પતિઓ) , 613 ("બે મુસાફરો: સત્ય અને અસત્ય") , 670 (" પ્રાણીઓની ભાષા ") , 750A ("બહાદુર છોકરો") , 763 ("ખજાનો શોધનારા અને એકબીજાનું મોત”) , 980 (" ઘરડા દાદા અને તેમનાં પૌત્રો”) , 982 ( ઘરડા લોકો અને અને તેમનાં અકૃતજ્ઞ વારસદારો”) , 1175 ("વાંકા વાળને સીધો બનાવવો") , 1430 ("હવામાં કિલ્લા") , 1586 ("મૂર્ખ મિત્ર") , અને 1592 ("લોખંડ ખાતો ઉંદર ") .

ઉપરોક્ત ચર્ચા આ નિવેદનો વધુ સ્પષ્ટ કરે છે: (i) લોકવાર્તાઓ પ્રાચીન સમયથી સ્થળાંતર કરી રહી છે, (ii) આફ્રિકામાંથી શરુ થયેલ માનવ સ્થળાંતરોએ લોકવાર્તાનાં વૈશ્વિક સ્થળાંતરને મદદરૂપ બન્યા છે, (iii) આફ્રિકન લોકવાર્તાઓ ભારતમાં આવી તે પહેલા પશ્ચિમ એશિયા, ઉત્તર આફ્રિકા, પૂર્વ આફ્રિકા, યુરોપ અને અમેરિકામાં સ્થળાંતરીત થઈ હતી, (iv) આફ્રિકન લોકવાર્તાઓ પહેલા ભારતીય લોકવાર્તાઓ વિશ્વમાં પ્રચલિત બની હતી, (v) આરબ અને યુરોપિયન દેશો થકી આફ્રિકન અને ભારતીય લોકવાર્તાઓ એકબીજાના સંપર્કમાં આવી છે.

લોકવાર્તાઓ અને તેમનાં મૂલ્યાંકનના પ્રશ્નો:

સાહિત્યિક ક્ષેત્રે, લોકવાર્તાનાં યોગ્ય મૂલ્યાંકન માટે અલગ પરિમાણોની જરૂર છે. આ પરિમાણો સાહિત્યિક કૃતિને મૂલ્યાંકિત કરવાના માપદંડ કરતા જુદા હોવા જોઈએ. 'મૌખિક' અને 'સાહિત્ય' બંને એકદમ અલગ ક્ષેત્રો છે અને તેના કારણે જ તેમનાં મૂલ્યાંકન માટેનું સૌંદર્યશાસ્ત્ર પણ તેમની અલગ પ્રકૃતિની પુષ્ટિ કરે તેવું હોય એ આવશ્યક છે. 'લોક' અને 'સાહિત્ય' એકબીજાથી કેવી રીતે અલગ છે તે સમજતા પહેલા 'લોક' અને 'સાહિત્ય' શું છે તે સમજીએ. ‘સાહિત્ય’ને સામાન્ય રીતે લેખનની એક એવી કળા ગણવામાં આવે છે જે સૌંદર્યલક્ષી આનંદ આપે છે. સાહિત્યને વ્યાખ્યાયિત કરનાર ત્રણ મૂળ તત્વો છે: સર્વસામાન્ય માનવીય રસ, સ્વરૂપ ઘટક, અને સૌંદર્યલક્ષી આનંદ. જયારે આ ત્રણ મૂળતત્વો લખાણમાં જોવા મળે ત્યારે તે લખાણ સાહિત્યિક લખાણ કહી શકાય. આ ત્રણ તત્વોમાંથી કોઈ એક પણ તત્વ ગેરહાજર હોય તો તેને સાહિત્ય કહેવાય નહી. દા.ત. સમાચારપત્ર એક લખાણ છે પણ તેને સાહિત્ય કહી શકાય નહિ કારણ કે તેમાં સર્વસામાન્ય માનવીય રસ નથી. તે નાના કે મોટા વાંચકોને એકસરખી રીતે અરજ નથી કરતુ. વળી, તેમાં સાહિત્ય જે સ્વરૂપમાં મળી આવે છે તે સ્વરૂપનું ઘટક પણ નથી. તે ગદ્ય શૈલીનો ઉપયોગ હરે છે પણ તેનું સ્વરૂપ સાહિત્યિક નથી. તેમજ, સમાચારમાંથી કોઈને સૌંદર્યલક્ષી આનંદ પણ સામાન્ય રીતે મળતો નથી. આમ, સાહિત્યની વાત આવે ત્યારે આપડે તેના મૂળ તત્વોને ધ્યાને રાખીને વિચારવું પડે.

બીજી તરફ 'લોક સાહિત્ય'માં રહેલો 'લોક' શબ્દ સાહિત્યના આ સામાન્ય ખ્યાલને વિશેષ અર્થઘટન આપે છે. અત્રે ઉલ્લેખનીય છે કે જર્મન શબ્દ, 'વોંક', તેના અંગ્રેજી સમાનર્થી ‘ફોક’ (‘લોક’) કરતાં વધુ ગતિશીલ અર્થ ધરાવે છે. 'વોંક' શબ્દનો ઉદભવ ઓગણીસમી સદીના અંતમાં થયો. વીસમી સદીના પ્રારંભમાં જર્મન શબ્દ 'વૉલ્કસ્કુંદે' અસ્તિત્વમાં આવ્યો જે સામૂહિક જર્મન ઇતિહાસના શૈક્ષણિક અભ્યાસને સંદર્ભિત કરે છે. હૅન્ક લેવિન માને છે કે શૈક્ષણિક શબ્દ 'વોંકસ્કુંદે' ધીમે ધીમે "રાષ્ટ્રવાદી પ્રચારનો ઉત્પ્રેરક બની ગયો જેમાં અસ્પષ્ટ અને ભ્રષ્ટ રાજકીય એજન્ડા છુપાયેલા હતા છે” (લેવિન ૧). વધુમાં તેઓ ઉમેરે છે કે જેમ ઓગણીસમી સદીની પ્રગતિ થઈ હતી તેમ "જર્મનોએ ‘વોંક’ને એક ઉદગાર બનાવી દીધો કે જેના થકી તેઓ પોતાને બીજાથી અલગ એક ઉચ્ચ વંશીય જાતિ તરીકે જુએ છે” (એજન ૧). યહૂદી લોકોએ 'વોંકસ્કુંદે'ના આ વિચારને ‘વોંક’ના મૂલ્યોના વિરોધાભાસ તરીકે જોયા. જર્મન લોકોને યહૂદીઓ જૈવિક અથવા સામાજિક 'અન્ય' તરીકે જોવા લાગ્યા. આમ, જર્મન શબ્દ 'વોંક' થી પ્રભાવિત થયેલ અંગ્રેજી શબ્દ 'લોક' - 'સ્વ' અને 'અન્ય' વચ્ચેનો વિરોધાભાસ બતાવે છે. દંડીઝ કહે છે તે પ્રમાણે ‘લોક’નો સૌ પ્રથમ વિચાર ઓગણીસમી સદીમાં “લોકોનો એક સમૂહ કે જે નિમ્ન સ્તરે છે કે જેને vulgus in populo કહે છે – આ વર્ગને ઉચ્ચ કે ભદ્રની વિરુદ્ધનો માનવામાં આવે છે” એવો અર્થ પ્રદાન કરવા ઉદભવ્યો (દંડીઝ [૩] ૨). આમ છતાં, લોકને સમાજમાં અસભ્ય કે આદિમથી ઉચ્ચ માનવામાં આવતો. ઉત્ક્રાંતિની નિસરણી પર લોક એટલે લોકોનું એવો સમુદાય કે જે વધુ પડતો સભ્ય પણ નથી કે અસભ્ય કે આદિમ પણ નથી. સમયાંતરે “કૃષક” કે “શિક્ષિત સમાજમાં નિરક્ષર” જેવા ખ્યાલોની રચના લોકને સભ્ય અને અસભ્યથી અલગ પાડવા માટે કરવામાં આવી. લોકને સભ્ય સમાજના સંદર્ભમાં વ્યાખ્યાયિત કરવાનો હોવાથી બિન-શિક્ષિત, નિરક્ષર, અને શિક્ષિત જેવા વિચારોને મદદરૂપ સમજવામાં આવ્યા. અસભ્ય-આદિમ સમુહને બિન-શિક્ષિત અથવા પૂર્વ-શિક્ષિત માનવામાં આવતો; લોકને નિરક્ષર, ગ્રામીણ, અને નિમ્ન સ્તરીય માનવામાં આવતો; અને સભ્ય-ભદ્રને શિક્ષિત, શહેરી, અને ઉચ્ચ સ્તરીય માનવામાં આવતો. દરેક સંસ્કૃતિને સાંસ્કૃતિક ઉત્ક્રાંતિકીય અનુક્રમ અસભ્યતા (savagery), અર્ધ-અસભ્યતા (barbarism) અને સભ્યતામાંથી પસાર થવું પડતું હોય છે. આ અનુક્રમમાં લોકને અર્ધ-અસભ્ય ગણવામાં આવે છે. આધુનિક લોકવિદ્યાકારો પણ આ ઓગણીસમી સદીના લોકની સંકલ્પનાને સ્વીકારે છે. 'લોક' શબ્દની આ સમજ આપણને લોક સાહિત્યને વ્યાખ્યાયિત કરવામાં મદદરૂપ થઇ શકે.

આમ છતાં, ઓગણીસમી સદીની ‘લોક’ની આ સંકલ્પનાની કેટલીક સમસ્યાઓ પણ છે. આધુનિક ટેકનોલોજી એવા સાંસ્કૃતિક સમુદાયો કે જેમને એક સમયે અસભ્ય કે અર્ધ-અસભ્ય ગણવામાં આવતા હતા તેમની જીંદગી બદલી રહી છે. ઉત્ક્રાંતિ એક નૈસર્ગિક પ્રક્રિયા હોવાથી જે સમુદાયો અસભ્ય માનવામાં આવે છે તે અર્ધ-સભ્ય બનશે અને કદાચ ભવિષ્યમાં સભ્ય પણ બની જશે. તેથી કહી શકાય કે લોકની સંકલ્પનામાં સમયાંતરે ઉદય અને પતન જોવા મળે છે. આ સમસ્યાના સમાધાનરૂપે એલન દંડીઝ લોકની એક સરળ વ્યાખ્યા આપે છે તે વધુ સાર્વત્રીક લાગે છે. દંડીઝ કહે છે કે –

‘લોક’ શબ્દ કોઈપણ પ્રકારના લોકોના કોઈપણ સમુદાય કે જેમનામાં ઓછામાં ઓછુ એક સામાન્ય પરિબળ જોવા મળે તેમને સૂચવે છે. આ સામાન્ય પરિબળ કયું છે તે મહત્વનું નથી – તે સમાન વ્યવસાય, ભાષા, અથવા ધર્મ હોઈ શકે – પણ મહત્વનું એ છે કે કોઈપણ કારણોસર રચવામાં આવેલ આ સમુદાયને પોતાની કહી શકાય તેવી થોડી પરંપરાઓ હોવી જોઈએ. સિદ્ધાંતિક રીતે, આવા સમુદાય બે વ્યક્તિઓ હોવા જ જોઈએ પણ બધા જ સમુદાયોમાં ઘણાં વ્યક્તિઓ જોવા મળે છે. આ સમુદાયનો સભ્ય બીજા કદાચ ના પણ ઓળખે, પણ તેને એ સમુદાયની હાર્દસમી પરંપરાની જાણકારી હોવી જોઈએ કે જે સમુદાયને એક સામુદાયિક ઓળખની સમજ આપે છે. (દંડીઝ [૩] ૬)

દંડીઝની લોક માટેની આ સરળ લાગતી વ્યાખ્યા સૂચવે છે કે લોકનું ક્ષેત્ર એક રાષ્ટ્ર જેટલુ વિશાળ કે એક કુટુંબ જેટલો નાનું પણ હોઈ શકે. આ પ્રકારની પરિભાષા લોકસમુદાયના સભ્યોની ઓળખમાં ખુબ મહત્વની સાબિત થઇ શકે – લોક એટલે એવા લોકોનો સમુદાય કે જેઓને સમાન વ્યવસાય, ભાષા, અને ધર્મ હોય છે. આ પ્રકારની લોકની સમજ પરંપરા પર ખુબ ભાર મુકે છે. આમ, આપણી પાસે ‘લોક’ માટેની બે અલગ-અલગ વ્યાખ્યાઓ છે પણ તે ‘લોક સાહિત્ય’ની સંકલ્પનાની યોગ્ય સમુજતી માટે મદદરૂપ થતી નથી. જો આપણે ઓગણીસમી સદીની પરિભાષાને ધ્યાનમાં રાખીએ તો તે લોક સાહિત્યની પરિભાષાને અસ્પષ્ટ બનાવે છે કારણ કે આ અભિગમ પ્રમાણે આદિમ જાતિઓને આપણે ધ્યાને ના લઇ શકીએ. અને જો આપણે દંડીઝની લોકની વ્યાખ્યાને જોઈએ તો તે પણ સમસ્યા ઉભી કરે છે કારણ કે તેની વ્યાખ્યા પ્રમાણે દરેકે-દરેક સમૂહ એક લોક સમૂહ છે.

આ તબક્કે લોક સાહિત્યની એક વ્યવહારુ વ્યાખ્યાના સર્જન માટે દાન બેન-એમોસના લેખ “ધ આઈડિયા ઓફ ફોકલોર: એન એસે” (૧૯૮૩) પર આધાર રાખવો પડે. બેન-એમોસનો નિબંધ લોકવિદ્યાના અમુક ઘટકોને સ્પષ્ટપણે વ્યાખ્યાયિત કરે છે જે આપણને લોક સાહિત્યને પરિભાષિત કરવામાં મદદરૂપ થઇ શકે. બેન-એમોસના મત પ્રમાણે “પરંપરાગતતા, અતાર્કિકતા, અને ગ્રામીણતા; અનામીતા, સામુદાયીકતા, અને સર્વવ્યાપકતા; શ્રેષ્ઠતા અને મૌખિક પ્રસારીતતા જેવા લક્ષણોએ લોકવિદ્યાના વિચારને મજબુત કર્યો છે” (બેન-એમોસ ૬૧). લોકવિદ્યાની આ લક્ષણીકતાઓ લોક સાહિત્યની વ્યાખ્યા માટે જોઈતા ઘટકો પૂરા પાડે છે. લોક સાહિત્ય પરંપરાગત સામગ્રી સાથે સકળાયેલુ છે. તે પરંપરાઓ અને જીવન જીવવાની પરંપરાગત રીત સાથે જોડાયેલ છે. તે પ્રાચીન રીવાજો, જુના-ભુલાઈ ગયેલા ગીતો, વાર્તાગીતો, ચિરકાલીન વાર્તાઓ, પ્રાચીન સમયના નાયકોની શક્તિ અને બહાદુરી, વગેરે સાથે સંકળાયેલ છે. લોક સાહિત્ય ભૂત, રાક્ષશ, પરીઓ, જાદુ, અંધશ્રદ્ધા, અતાર્કિક માન્યતાઓમાં રસ દાખવે છે. આ પ્રકારના કથનોમાં અતાર્કિકતા અવિરત પ્રવાહ વહ્યા કરતો હોય છે. લોક સાહિત્ય પરંપરાઓ સાથે સંબંધિત હોવાના કારણે ગ્રામીણતા પણ તેની ચિહ્ન બની ગઈ છે. જાણે કે સમગ્ર લોક કથાનક ગામડાંના રંગપટ પર દર્શાવાય છે. આમ, ગ્રામીણતા પણ લોક સાહિત્યને વ્યખ્યાયિત કરતુ પરિબળ છે. લોક કથાનકોના જનક અજ્ઞાત હોય છે. તે મૌખિક ભ્રમણ દ્વારા આપણા સુધી આવતા હોય છે. લોક સાહિત્યનો કોઈ વ્યક્તિગત જનક હોતો નથી આમ છતાં આપણે તેના પિતૃત્વને નકારી ન શકીએ કારણ કે જે સાંસ્કૃતિક સમુદાયમાં તે મૌખિક રૂપે અસ્તિવમાં છે તે સમુદાય તેનો જનક બની જાય છે. જે સમુદાય તેની પછીની પેઢીને લોક કથાનકો મૌખિક સ્વરૂપે વારસામાં આપીને જાય છે તેવો સમુદાય સામાન્ય રીતે તેનો જનક બની જાય છે. લોક સાહિત્યમાં ચોક્કસ સાંસ્કૃતિક સમુદાયોની પરંપરાગતતાનું ચિત્રણ અને સામુદાયિક પિતૃત્વની ઓળખ હોવા છતાં તે પોતાની સર્વગ્રાહી તરીકેની છબીને નુકશાન નથી પહોચાડતું. જો લોક સાહિત્યમાં સાહિત્ય તરીકેના બધા લક્ષણો હોય પણ તેનામાં વૈશ્વિકતા ના હોય તો તેને કદી સાહિત્ય ન ગણી શકાય. આ ઉપરાંત, તેનામાં સાર્વત્રિક જન અભિરુચિ અને સૌન્દર્યલક્ષી આનંદ હોવો પણ જરૂરી છે. આમ, લોક સાહિત્યને વ્યાખ્યાયિત કરતાં કહી શકાય કે લોક સાહિત્ય એટલે કોઈ ચોક્કસ સંસ્કૃતિક સમુદાયનું પરંપરાગત, અતાર્કિક, સીમાંત, અને ગ્રામીણ સાહિત્ય કે જે અસ્મરણીય સમયની વાત કરતુ હોય તથા આપણા સુધી મૌખિક પ્રસારણોથી પહોચ્યું હોય અને હાલમાં મૌખિક કે મુદ્રિત સ્વરૂપે ઉપલબ્ધ હોય.

આમ, લિખિત સાહિત્ય લોક સાહિત્યથી જેટલું અલગ છે તેટલી સાહિત્યિક વાર્તા લોકવાર્તાથી અલગ છે. આથી જ સાહિત્યિક વાર્તાના મુલ્યાંકનમાં ઉપયોગી લેવામાં આવતા પરિમાણો લોકવાર્તાનાં મુલ્યાંકન માટે ઉપયોગમાં લઇ ના શકાય. કાર્લ લિન્ડાહલ, તેમનાં એક આર્ટીકલ, "ઓન ધ બોર્ડર્સ ઑફ ઓરલ એન્ડ રીટન આર્ટ" (૧૯૭૮) માં જણાવે છે કે "લોક" અને "લિખિત" સાહિત્ય વચ્ચે આઠ આવશ્યક તફાવતો છે. આ આઠ તફાવતો આ પ્રમાણે છે: (i) માધ્યમ દ્વારા વ્યાખ્યા: અવાજ વિરુદ્ધ પ્રિન્ટ, (ii) સ્થિરતા વિરુદ્ધ પ્રવાહીતા, (iii) જટિલતા, (iv) શૈલી અને માળખું, (v) પરંપરા વિરુદ્ધ સર્જનાત્મકતા, (vi) લેખકત્વ, (vii) રચનાત્મક તકનીકો, અને (viii) પ્રેક્ષકો (લિન્ડાહલ ૯૭-૧૧૭). લિખિત સાહિત્યનું માધ્યમ લેખન અથવા પ્રિન્ટ સ્વરૂપ છે, જયારે લોક સાહિત્યનુ માધ્યમ ‘અવાજ’ કે ‘મૌખિકતા’ છે (જો કે હાલમાં લોક સાહિત્યને પણ લિખિત સ્વરૂપે સાચવવામાં આવે છે). લિખિત સાહિત્ય તેના પ્રકાશન બાદ સ્થિર બની જાય છે, જયારે લોક સાહિત્ય પોતાની પ્રવાહિતતા જાળવી રાખે છે. તેના કથાકાર દ્વારા તેમાં સંસ્કૃતિ અને સમયને અનુરૂપ બદલાવ લાવવાનો અવકાશ રહેલો છે. લિખિત સાહિત્ય સરળ છે, જયારે લોક સાહિત્ય જટિલ છે. લિખિત સાહિત્યને તેના પ્રકાશનનું વર્ષ કે લેખકના જીવનના વર્ષો અને તેમાં બનેલી ઘટનાઓનો અભ્યાસ કરીને સરળતાથી સમજી શકાય છે પણ લોક સાહિત્યને આટલી સરળતાથી સમજવું અઘરું છે. અન્ય નોંધપાત્ર બાબત એ છે કે લોક સાહિત્યનો મુખ્ય હેતુ આનંદ અને શિક્ષણનો હોવાને કારણે તેનો સંદેશ સમજવો સહેલો હોય છે, જયારે લિખિત સાહિત્યનો લેખક પોતાનું અસ્તિત્વ પુરવાર કરવા માટે લેખનને જાણી જોઈને જટિલ બનાવે છે. લિખિત સાહિત્યની શૈલી અને માળખું લગભગ એક સરખી હોય છે, જયારે લોક સાહિત્યની શૈલી અને માળખું કથાકાર સાથે બદલાતી હોય છે. લિખિત સાહિત્યને શૈલી અને માળખું માટેના નિયમોને અનુસરવા જરૂરી છે, આ પ્રકારની જબરજસ્તી લોક સાહિત્યમાં હોતી નથી. તી. એસ. એલિયટ કહે છે તે પ્રમાણે લિખિત સાહિત્યમાં પરંપરા અને રચનાત્મકતા યોગ્ય સુમેળ હોય છે, જયારે લોક સાહિત્યમાં રચનાત્મકતા ઓછી અને પરંપરાગતતા પર વધારે ભાર મુકવામાં આવે છે. લિખિત સાહિત્ય પર કોઈ વ્યક્તિગત માલિકી ધારવે છે, જયારે લોક સાહિત્ય પર કોઈ ઈજારો ધરાવતું હોતું નથી. લિખિત સાહિત્ય માટે રચનાત્મક તકનીકોને વધારે અનુસરવી પડતી હોય છે, જયારે લોક સાહિત્ય તૈયાર સ્વરૂપે જ મળતું હોવાથી તેના કથાકારે કોઈ ચોક્કસ રચનાત્મક તકનીકોનો સહારો લેવો પડતો નથી. લિખિત સાહિત્યના પ્રેક્ષકો છે માત્ર વાંચી શકતા લોકો, જયારે લોક સાહિત્યમાં વાંચવાની આવડત હોવી જરૂરી નથી. તેથી લોક સાહિત્યના પ્રેક્ષકોમાં વાંચી શકનાર અને વાંચી ના શકનારનો પણ સમાવેશ થાય છે. આમ, લિખિત સાહિત્ય અને લોક સાહિત્ય એકબીજાથી ઘણી રીતે અલગ છે અને તેથી જ તેમનાં મૂલ્યાંકન માટે પણ અલગ પરિમાણોને ધ્યાનમાં લેવા જરૂરી છે.

એલન દંડીઝે પોતાના બે આર્ટીકલ “ધ સ્ટડી ઓફ ફોકલોર ઇન લીટેરેચર એન્ડ કલ્ચર: આઈડેન્ટીફીકેશન એન્ડ ઇન્ટરપ્રિટેશન” (૧૯૬૫) અને “મેટાફોકલોર એન્ડ ઓરલ લીટેરરી ક્રીટીસીઝમ” (૧૯૬૬)માં લોક સાહિત્યિક વિવેચન અને સાહિત્યિક વિવેચન એક બીજા થી કેવી રીતે અલગ પડે છે તેની વાત કરેલી છે. “ધ સ્ટડી ઓફ ફોકલોર ઇન લીટેરેચર એન્ડ કલ્ચર”માં દંડીઝ દર્શાવે છે કે સાહિત્ય અને સંસ્કૃતિના ક્ષેત્રે લોકવિદ્યાના અભ્યાસ માટેની પદ્ધતિ એક સરખી જ છે (દંડીઝ [૧] ૧૩૬). તે જણાવે કે

સાહિત્ય અને સંસ્કૃતિના ક્ષેત્રે લોકવિદ્યા અભ્યાસના મૂળભૂત બે પગલાં છે. પ્રથમ પગલું તટસ્થ અને પ્રયોગમૂલક છે; બીજું પગલું ચલિત અને અર્થઘટન આધારિત છે. પ્રથમને “ઓળખ” કહી શકાય અને બીજાને “અર્થઘટન”. ઓળખમાં મહત્વની સમાનતાઓની શોધ કરવામાં કરવામાં આવે છે, જયારે અર્થઘટન તફાવતોનું ચિત્રણ રજુ કરે છે. કોઈ વસ્તુનો અભ્યાસ કરી તે બીજી વસ્તુથી કેવી રીતે સરખી છે તે બતાવવાનું કામ પ્રથમ પગલાંનું છે, અને આ જ વસ્તુ પહેલાની વસ્તુ કરતા કેવી રીતે અલગ છે અને શા માટે અલગ છે તે બતાવવાનું કામ બીજા પાગલનું છે. (એજન ૧૩૬)

સાહિત્યિક વિવેચકો અને સાંસ્કૃતિક નૃવંશશાસ્ત્રીઓ બેન્નેય પ્રથમ પગલાંની દ્રષ્ટીએ કાચા છે તેમ જણાવી વ્યવસાયિક લોકવિદ્યાકારો તેમની ટીકા કરે છે. વ્યવસાયિક લોકવિદ્યાકારો મને છે કે સાહિત્યિક વિવેચકો અને સાંસ્કૃતિક નૃવંશશાસ્ત્રીઓ લોકવિદ્યાકીય સામગ્રીને યોગ્ય રીતે ઓળખી શકતા નથી અને યોગ્ય ઓળખ કર્યા વગર તેના પર ટીપ્પણી કરે છે. જેથી તેમની ટીપ્પણીઓ પણ ભૂલભરેલી હોઈ શકે. બીજી તરફ લોકવિદ્યાકારો લોકવિદ્યાકીય સામગ્રીની ઓળખ જ કરે વધુ કશું કરી શકતા નથી તેમ કહીને તેમની પણ આલોચના કરવામાં આવે છે. સાહિત્યિક વિવેચકો અને સાંસ્કૃતિક નૃવંશશાસ્ત્રીઓના કહેવા પ્રમાણે લોકવિદ્યાકારો માત્ર ‘ટેક્ષ્ટ’ પર જ ધ્યાન આપે છે નહિ કે ‘કોન્ટેક્ષ્ટ’ પર. દંડીઝ સાહિત્યિક વિવેચકોનો મત રજુ કરતા જણાવે છે કે લોકવિદ્યાકરો ફિલ્ડમાં જઈ ‘ટેક્ષ્ટ’ શોધીને ‘કોન્ટેક્ષ્ટ’ શોધ્યા વગર પરત આવી જાય છે. લોકવિદ્યાકરો સાહિત્યિક સંદર્ભોનો ઉપયોગ કરીને મોટીફ અને કહેવતોની શુષ્ક યાદી બનાવીને બેસી રહે છે. આ જ કારણે ઘણાં લોકવિદ્યાકારો માટે આ પ્રકારની ઓળખ જ તેમનાં અભ્યાસનું અંતિમ ધ્યેય છે જે ખરેખર તેના અર્થઘટન સુધી પહોચતું જ નથી. અર્થઘટનથી જ લોકવિદ્યાકીય સામગ્રીનું યોગ્ય રીતે મૂલ્યાંકન થઇ શકે જે લોકવિદ્યાકારો થતું નથી. તેવી જ રીતે સાહિત્યિક વિવેચકો લોકવિદ્યાનું યોગ્ય જ્ઞાન ન હોવાના કારણે લોકવિદ્યાકીય સામગ્રીની યોગ્ય ઓળખ કરી શકતા નથી અને અર્થઘટનમાં ભૂલ કરી બેસતા હોય છે. અહી ઉલ્લેખનીય બાબત એ છે કે જયારે સાહિત્યિક વિવેચક લોકવાર્તા પર ટીપ્પણી કરે તે પહેલા તેણે લોકવિદ્યાકીય સામગ્રીની યોગ્ય ઓળખ કરવી પડે અને પછી જ તેનું અર્થઘટન કરી શકે. લોકવિદ્યાકીય સામગ્રીની યોગ્ય ઓળખ કરવી એ કોઈ સહેલી વાત નથી એ માટે તેને વિવિધ મોટીફ ઇન્ડેક્ષનું જ્ઞાન અને લોકવિદ્યા અભ્યાસની પદ્ધતિનો ખ્યાલ હોવો જોઈએ. જો સાહિત્યિક વિવેચકને મોટીફ ઇન્ડેક્ષનું યોગ્ય જ્ઞાન હશે તો લોકવાર્તામાં પ્રયોજાયેલા મોટીફથી જાણી શકશે કે આ જ પ્રકારની બીજી કેટલી વાર્તાઓ છે અને તેનું સાંસ્કૃતિક દ્રષ્ટીએ શું મહત્વ છે.

એલન દંડીઝે આ મર્યાદા ધ્યાનમાં રાખીને પોતાના બીજા આર્ટીકલ “મેટાફોકલોર એન્ડ ઓરલ લીટેરરી ક્રીટીસીઝમ” (૧૯૬૬) લોકવિદ્યાકાર પોતાની આ મર્યાદામાંથી કેવી રીતે બહાર આવી શકે તેની વાત કરી છે. અંગ્રેજી શબ્દ ‘મેટા’નો ગુજરાતી અનુવાદ થાય છે “ – થી આગળ”. દંડીઝ જણાવે છે કે લોકવિદ્યાકરે લોકવિદ્યાથી આગળ વધીને અર્થઘટન સુધી પહોચાવાનું છે. દંડીઝના કહેવા પ્રમાણે લોકવિદ્યાકારે લોકવિદ્યાકીય સામગ્રીના “પ્રતીકાત્મક અર્થઘટનો” રજુ કરવાના છે જે લોક પરંપરાને ધારણ કરીને ફરનારા લોક સમુદાયોને પણ ખબર ના હોય. “પ્રતીકાત્મક અર્થઘટનો” કે “ગુઢાર્થ”ને લોકવિદ્યાકીય સામગ્રીમાંથી શોધી કાઢવા માટે દંડીઝ બે મહત્વના રસ્તાઓ સૂચવે છે જે આ પ્રમાણે છે: (૧) “વિષય-વસ્તુ અસ્પષ્ટતા પરિક્ષણ” (Thematic Apperception Test). લોકવિદ્યાકીય સામગ્રીના ગુઢાર્થને જાણવા માટે લોકવિદ્યાકીય સામગ્રીનું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ કરવું અનિવાર્ય છે (દંડીઝ [૨] ૭૮). (૨) લોક સમુદાયો તેમની લોકવિદ્યાકીય સામગ્રીનો કેવી રીતે સંચાર (કમ્યુનિકેશન)ના માધ્યમ તરીકે ઉપયોગ કરે છે તે જાણવું. આ બંનેય સૂચનો લોકવાર્તાનાં સાંસ્કૃતિક મહત્વને સમજવા માટે ખુબ જરૂરી છે (એજન ૭૮). આમ છતાં, એક વિવેચક તરીકે આપણે એ બાબતની જાણ હોવી જરૂરી છે કે કોઈપણ લોકવાર્તાનું મૂલ્યાંકન એ વિવેચકે કરેલું મુલ્યાંકન છે નહિ કે લોકવાર્તા જે સમુદાયમાંથી આવી છે તે સમુદાયે કરેલ મૂલ્યાંકન. તેથી, કોઈપણ મુલ્યાંકન સમુદાયે જાતે કરેલ અર્થઘટનોની નજીકનું મૂલ્યાંકન હોઈ શકે નહિ કે તેનું મૂળ અર્થઘટન. આમ, દંડીઝના મંતવ્યોને ધ્યાને રાખીને કહી શકાય કે સાહિત્યિક વિવેચક જયારે કોઈ લોકવાર્તા કે લોક સાહિત્યનુ મૂલ્યાંકન કરે તે સમયે આ પગલાં ધ્યાને રાખવી જોઈએ.

  1. સૌપ્રથમ તો “ટેક્ષ્ટ’’માં ઉપયોગમાં લેવાયેલ લોકવિદ્યાકીય સામગ્રીને યોગ્ય રીતે ઓળખવી અને તેને સાહિત્યિક સામગ્રીથી અલગ કરવી.
  2. આ લોકવિદ્યાકીય સામગ્રીનું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ કરી તેના સાંસ્કૃતિક ગુઢાર્થ સમજાવો.
  3. વિવિધ લોક સમુદાયો તેમની લોકવિદ્યાકીય સામગ્રીનો કેવી રીતે સંચાર ના માધ્યમ તરીકે ઉપયોગ કરે છે તે જાણવું.
  4. “ટેક્ષ્ટ’’માંથી અલગ તારવેલી લોકવિદ્યાકીય સામગ્રી આ પ્રકારની બીજી સામગ્રીથી કેવી રીતે સમાન છે તે જાણવું,
  5. “ટેક્ષ્ટ’’માંથી અલગ તારવેલી લોકવિદ્યાકીય સામગ્રીના (૨) અને (૩) માં જણાવેલા અભ્યાસ પછી આ પ્રકારની બીજી સામગ્રીથી કેવી રીતે અલગ છે તે જાણવું,
  6. (૧) થી (૫)ના નિષ્કર્ષને ધ્યાનમાં રાખીને વિવિધ અંતિમ અર્થઘટનો કરી પોતાનો મત રજુ કરવો.

ચાલો આ વાત “વાંદરાનું કાળજું” મોટીફ ધરાવતી ભારતીય લોકવાર્તાનાં સંદર્ભથી સમજીએ. જયારે એક સાહિત્યિક વિવેચક તેના પર ટીપ્પણી કરે છે ત્યારે એક લિખિત સાહિત્યના અભ્યાસુ તરીકે તે વાર્તાની શૈલી, પાત્રો, વિષયવસ્તુ, દ્રશ્ય-સ્થળ, પ્રતીકો-કલ્પનો, અને ભાષાને ધ્યાને રાખી પોતાનો અભિપ્રાય રજુ કરશે કે આ વાત સાહિત્યિક રીતે કેવી છે તે જણાવશે. વધુમાં, સાહિત્યિક વિવેચક વિવિધ સાહિત્યિક અભ્યાસની પદ્ધતિઓને ધ્યાને રાખીને આ વાર્તાને તે રીતે મુલવશે. દા.ત. વાંચક પ્રતિભાવ પદ્ધતિ (reader’s response theory) પ્રમાણે આ વાર્તા વાંચકમાં કેવા ભાવ જગાડે છે અને વાંચકનો આ વાર્તા વાંચ્યા પછી કેવો પ્રતિભાવ છે તે ધ્યાને રાખીને મુલવી શકાય. એવી જ રીતે, કોઈ સ્ત્રીવાદની પદ્ધતિનો ઉપયોગ કરીને વાંદરા વિશેની વાતો સંભાળીને મગરાણીના મનોભાવ આલેખી આ વાત કેવી રીતે સ્ત્રીવાદને રજુ કરે છે તે વાત પણ દર્શાવી શકે. પણ લોકવાર્તાનું આ રીતે સાહિત્યિક વિવેચન કરવામાં આવે તે લોકવાર્તા માટે અન્યાય રૂપ છે. જો આ વાર્તાનું યોગ્ય મૂલ્યાંકન તેની લોકવિદ્યાકીય સામગ્રીને નુકશાન કર્યા વગર કરવું હોય તો ઉપર જણાવ્યા મુજબના પગલાં ધ્યાને રાખી આ રીતે કરી શકાય.

  1. સૌપ્રથમ “વાંદરાનું કાળજું” મોટીફ ધરાવતી આ ભારતીય લોકવાર્તામાં ઉપયોગમાં લેવાયેલી લોકવિદ્યાકીય સામગ્રીને યોગ્ય રીતે ઓળખતા આપણને ખ્યાલ આવશે કે આ વાર્તા એક વાંદરો (વનપ્રિય – શુકસપ્તતી પ્રમાણેનું નામ), એક મગર અને એક મગરાણી એમ ત્રણ પાત્રો રજુ કરે છે. આ વાર્તામાં રજુ કરાયેલ સ્થળ-દ્રશ્ય પણ પ્રતીકાત્મક છે. આમ, આ પાત્રો અને સ્થળ લોક માનસને કેવી રીતે રજુ કરે છે તે સમજવું. આ ઉપરાંત, આ વાર્તામાં કોઈ કહેવત, ગીત, જાદુ, જ્ઞાનપૂર્ણ વાત, રૂપકો, અલંકારો, કલ્પનો વગેરે જેવી સામગ્રીને ઓળખીને અલગ તારવવી.
  2. એક પછી એક પાત્રને તપાસીને તેનું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ કરીને શા માટે આ પાત્રો આવું વર્તન કરે છે તે જાણવું. એવી જ રીતે વિવિધ લોક સામગ્રી પણ કેવી રીતે આ પાત્રોના મનોભાવ પર અસર કરે છે તે તપાસવું. શા માટે વાંદરો મગરની પીઠ પર બેસીને નદીની સામે કાંઠે જવા રાજી થાય છે? મગરને વાંદરાને ફસાવ્યાનો આનંદ કેવો હશે? શું પ્રાણીઓ પણ માણસોની જેમ પોતાની પત્નીના શબ્દો પાળવા માટે મજબુર બની જાય છે? વાંદરાને પોતાનું મોત આંખ સામે જોઈ કેવો અનુભવ થયો હશે? મગર પોતે મુર્ખ છે તે જાણીને શું વિચારતો હશે? – આ પ્રશ્નોના જવાબ મનોવૈજ્ઞાનિક વિશ્લેષણમાં મદદરૂપ બની શકે.
  3. શુકસપ્તતી માં રજુ થયેલી આ વાત ઘણી કહેવતો રજુ કરે છે જેમ કે “લંકા તો સોનાની છે,” “ગુપ્ત પવિત્ર સ્નાનાઘર ક્યારેક ક્યારેક નફાકારક છે પણ સારા માણસની દ્રષ્ટિ હંમેશા શુદ્ધિકરણનો સ્ત્રોત છે,” “જ્ઞાની લોકોના મતે મિત્રતા સારો સમાજ છે,” “મારું હૃદય હંમેશાં અંજીરના વૃક્ષમાં રહે છે,” અને “જમીન પર રહેનારા પ્રાણીઓ અને જળમાં રહેનારા પ્રાણીઓ વચ્ચે ક્યારેય મિત્રતા હોતી નથી” (વોર્થમ ૧૧૭-૧૨૦). આ કહેવતો તેમજ આ સિવાયની સામગ્રી કેવી રીતે ચોક્કસ લોક સમુદાયમાં સંચાર ના માધ્યમ તરીકે ઉપયોગી છે તે જાણવું.
  4. આ વાર્તા મોટીફ ઇન્ડેક્ષ પ્રમાણે બીજી વાર્તાઓથી કેવી રીતે સમાન છે તે જાણવું. ઉપર કરેલ ચર્ચા પ્રમાણે આ વાર્તાના સાત અલગ–અલગ સંસ્કારનો છે તે એકબીજાથી કેવી રીતે સમાન છે તેની વાત અહિયાં કરી શકાય .
  5. આ વાર્તા મોટીફ ઇન્ડેક્ષ પ્રમાણે બીજી વાર્તાઓથી કેવી રીતે અલગ છે તે દર્શાવી તે શા માટે અલગ છે તેના કારણો તપાસવા. વિવિધ સંસ્કૃતિમાં વિવિધ પ્રાણીઓને અલગ અલગ રીતે જોવામાં આવે છે તે માટે વાર્તા કઈ સંસ્કૃતિની છે તે જાણીને આ વાત સાથે જોડાયેલા લોક પ્રતિકોને પણ ઓળખવા પડે. દા.ત. રોમન સંસ્કૃતિમાં પ્રાણીઓને ઘાતકી માનવામાં આવતા તેથી તેમની લોકવાર્તામાં પ્રાણીઓ નકારાત્મકતા, ઘાતકીપણું, અને અન્યાયના પ્રતીક હતા જેના પર માનવ વિજય મેળવતા કે તેમની હત્યા કરી દેતા. ગ્રીકની સંસ્કૃતિમાં પ્રાણીઓને શક્તિના પ્રતીક તરીકે જોવામાં આવતા. પણ ભારતીય પ્રમાણે પ્રાણીઓને પ્રાણીઓ તરીકે જ જોવામાં આવે છે. ભારતમાં તેઓને મૈત્રીતા, વફાદારી અને સુંદરતાના પ્રતીક પણ માનવામાં આવે છે. ભારતમાં વાંદરાને રમતિયાળપણું, ઉપદ્રવ અને રમુજના પ્રતીક તરીકે જોવામાં આવે છે (જૈનોમાં વાંદરાને જૈન ધર્મના ચોથા તીર્થંકરના – અભિનંદનનાથના–પ્રતીક તરીકે જુએ છે). આવી અનેક બાબતો તપાસી શકાય.
  6. ઉપર મુજબના પાંચેય પગલાને ધ્યાનમાં રાખી વિવિધ અંતિમ અર્થઘટનો કરી પોતાનો મત રજુ કરી શકાય.

આ પ્રમાણે એક લોકવાર્તા કે લોકસાહિત્યનો અભ્યાસ સાહિત્યિક વિવેચક કરી શકે. ઉપર જણાવેલ પધ્ધતિ કોઈ પ્રમાણિત પધ્ધતિ નથી પણ લોકવિદ્યાકીય સામગ્રીના યોગ્ય મુલ્યાંકન માટે ખુબ જરૂરી છે.

ભારતીય લોક સાહિત્યના સંદર્ભમાં અન્ય એક મહત્વનું પાસું પણ ધ્યાનમાં લેવું જોઈએ એ છે ભારતીય લોક સાહિત્યમાં જોવા મળતી સમાંતર લોક પરંપરાઓ. ભારતમાં લોક સાહિત્યના ક્ષેત્રે ત્રણ અલગ પરંપરાઓ એકસાથે જોવા મળે છે. આ ત્રણ પરંપરાઓ છે: વિશેષાધીકૃત, આદિવાસી અને વિચરતી. પશ્ચિમી સંસ્કૃતિમાં, દંડીઝ જણાવે છે તેમ, ‘લોક’નો અર્થ ‘’નિમ્ન’ કે ‘નીચ’ તેવા સંદર્ભે થાય છે, પણ પ્રાચીન ભારતની અર્થવ્યવસ્થા જોતા લાગે કે ‘લોક’ની પશ્ચિમી સંકલ્પના ભારત જેવી સંસ્કૃતિ માટે યોગ્ય નથી. ભારતમાં ‘લોક’ એટલે કે જે સર્વેનું છે તે. લોકની ભારતીય સંકલ્પના વધારે હકારાત્મક અને સર્વસમાવિષ્ટ છે. ભારતમાં લોક સાહિત્ય ઉચ્ચ વર્ગના લોકોના શિક્ષણ માટેનું સાધન હતું. ‘લોક’ ની પશ્ચિમી વ્યાખ્યા પ્રચલિત બની તે પહેલા ‘લોક’ એટલે જે ‘શ્રુતિ’ પરંપરા સાથે સંકળાયેલ છે તે એમ માનવામાં આવતું હતું – ‘લોક’ એટલે જે ‘મૌખિક’ છે તે. આમ, માનવા પાછળનું મુખ્ય કારણ એ હતું કે તે વખતે સર્વ પ્રકારનું જ્ઞાન મૌખિક રીતે સંચારિત કરવામાં આવતું હતું. આ પ્રકારના મૌખિક પઠનો જાતી આધારિત ભારતીય સમાજ રચના પહેલા સર્વ માટે ખુલ્લા હતા. પરંતુ જાતિ આધારિત સમાજની રચના પછી બ્રાહ્મણોએ મૌખિક અને લિખિત પરંપરાઓ પર કાબુ મેળવ્યો. તેઓએ મૌખિક પરંપરાની સાથે પવિત્રતાનો વિચાર સાંકળીને નિમ્ન જ્ઞાતિઓને તેનાથી દુર કરી દીધી. કહેવાનો મતલબ એ છે કે ભારતમાં શરૂઆતથી ‘લોક’ ઉચ્ચ વર્ણ સાથે જોડાયેલ છે નહિ કે પશ્ચિમી ખ્યાલ પ્રમાણે ‘નિમ્ન’ સાથે. પંચતંત્ર, શુકસપ્તતી , હિતોપદેશ, કથાસરિતસાગર જેવી લોકવાર્તા સાથે સંકળાયેલી કૃતિઓ ઉચ્ચ વર્ણના લોકોને શિક્ષણ અને મનોરંજન પૂરું પાડવા માટે રચાયેલ હતી. આ પ્રકારની ઘણી કૃતિઓ લેખકત્વ ધરાવે છે પણ અત્રે એ નોંધવું ઉલ્લેખનીય છે કે આ કૃતિઓના રચનાકારો એ લોક પરંપરાનો ભરપૂર ઉપયોગ કરી પોતાની કૃતિઓ વાંચક સમક્ષ મૂકી છે. સમય જતા મૌખિક પરંપરાએ સામાન્ય માનવ સમુદાયોને પણ પોતાની સાથે ભેળવ્યા (દલિત અને વિચરતી જાતિઓ સિવાય ના સમુદાયો). મધ્યકાલીન ભારતમાં મૌખિકતા સામાન્ય લોકોને ભણાવવાનું-જાગૃત કરવાનું માધ્યમ બની ગઈ. મધ્યકાળમાં શરુ થયેલી ભક્તિ પરંપરાના સંત કવિઓએ મૌખિક પરંપરાને સામાન્ય માનવી સુધી પહોંચાડી દીધી. આમ, અંગ્રેજી વસાહતી શાસન પહેલા લોક સાહિત્યનો અર્થ એક સમૃદ્ધ લોક પરંપરાને સંદર્ભિત કરવા થતો હતો. એ વખતે લોકનો અર્થ અસભ્યતા (savagery) કે અર્ધ-અસભ્યતા (barbarism) સાથે નહતો જોડાયેલો. ભારતમાં શરૂઆતથી જ લોક સાહિત્યને એક સમૃદ્ધ સંસ્કૃતિની દેન માનવામાં આવે છે અને તેની સાથે પવિત્રતાના ખ્યાલને જોડવામાં આવે છે. ઉપર જણાવેલી કૃતિઓ અથવા તો ગુજરાતમાં જોવા મળતી વિવિધ લોકપરંપરાઓ કે ઝવેરચંદ મેઘાણીએ સંપાદિત કરેલ લોક સાહિત્ય એ વિશેષાધીકૃત લોક સાહિત્યનો એક ભાગ છે. આ લોક સાહિત્ય વિશેષાધીકૃત છે કારણ કે તેની રચના કે સંપાદન ઉચ્ચ વર્ગીય સમાજના મનોરંજન માટે થયેલ હતું. આ પ્રકારના સાહિત્યની મજા લૂંટનારા સામાન્ય નાગરિક નહિ પરંતુ ઉચ્ચ સ્થાને બિરાજેલા વિશિષ્ટ માન-મોભો ધરાવનાર લોકો હતા. ‘લોક’ અંગેના પશ્ચિમી ખ્યાલના ભારતમાં આગમન બાદ ‘લોક’ને આદિવાસી સમુદાયો સાથે જોડીને આદિવાસી જીવન જીવતા લોકોના મૌખિક સાહિત્યને લોક સાહિત્ય તરીકે ઓળખવામાં આવ્યું. પશ્ચિમી દેશોમાં આજે પણ પછાત સંસ્કૃતિ ધરાવતા લોક સમુદાયોના સાહિત્યને લોક સાહિત્ય તરીકે જોવામાં આવે છે. ભારતીય લોક સાહિત્ય ક્ષેત્રે જેના તરફ હજુ ધ્યાન નથી ગયું એ છે વિચરતી જાતીઓનું મૌખિક સાહિત્ય. આ સાહિત્ય પણ લોક સાહિત્યનો જ ભાગ છે પણ વિચરતી જાતિઓના લોક સાહિત્ય ક્ષેત્રે હજુ પણ કોઈ કામ થયું નથી. વિચરતી જાતિઓના સમુદાયોની વસ્તીનો કુલ મતમાં ફાળો નહીવત હોવાથી આ પ્રકારની જાતીઓનું કોઈ રાજકીય મૂલ્ય નથી. ગુજરાતમાં હજુ પણ ઘણા પરંપરાગત સમુદાયો ભટકતું જીવન જીવે છે. આવા સમુદાયોમાં ગાડલિયા લુહાર, વાદી, ભવૈયા, ચામઠા, વણઝારા, માલધારી, તુરી, કોઠાદ વગેરે જેવી જાતિઓ હજુ પણ ભટકતું જીવન વિતાવે છે. આ સમુદાયો સુધી આધુનિક શિક્ષણ પણ સંપૂર્ણરીતે પહોચ્યું નથી. તેઓ પરંપરાગત જીવનશૈલી ધરાવે છે અને દેશી ભાષાઓ બોલે છે. પરંતુ આ તમામ સમુદાયોમાં પાસે સમૃદ્ધ મૌખિક પરંપરા છે જે હજુ સુધી તેને સંપાદિત કરવામાં આવી નથી. તેઓ વિવિધ મૌખિક સ્વરૂપો જેમ કે વાર્તાઓ, ગીતો, નાટક, નૃત્ય-ગીતો, કોયડા વગેરેથી સમૃદ્ધ છે. પણ તેઓ જાણતા નથી કે તેઓ મૂલ્યવાન મૌખિક પરંપરાનો વારસો ધરાવે છે. તેથી તેઓ તેમની મૌખિક સંસ્કૃતિને સાચવવા અથવા સાચવવા માટે કોઈ પ્રયાસ કરતા નથી. લોક સાહિત્યની આ ધારા ભલે અત્યારે સામાન્ય લાગે પણ એ દિવસો દુર નથી કે તે મુખ્ય ધારામાં સમાવિષ્ટ થઇ જાય.

આમ, ભારતીય લોક સાહિત્ય ક્ષેત્રેનિ આ ત્રણેય ધારોઓને જોતા જોતા એક પ્રશ્ન ચોક્કસ થાય કે જયારે આપણે ‘લોક સાહિત્ય’ બોલીએ છીએ ત્યારે આપણે ચોક્કસ પણે ક્યાં લોક સાહિત્યની વાત કરીએ છીએ – વિશેષાધીકૃત કે આદિવાસી કે વિચરતી જાતિઓના લોક સાહિત્યની? શું આપણે ભારતીય પરંપરા પ્રમાણેના લોક સાહિત્યની વાત કરીએ છીએ કે પશ્ચિમી વિદ્વાનો જે ને ‘લોક’ મને છે તે પ્રકારના લોક સાહિત્યની? શું આપણે ઉચ્ચ કહી શકાય તેવી સંસ્કૃતિવાળા લોક સાહિત્યની વાત કરીએ છીએ કે નિમ્ન કહી શકાય તેવી સંસ્કૃતિવાળા? શું આ તમામ પ્રકારના લોક સાહિત્યને એક જ પ્રકારના શું એક જ પ્રકારના પરિમાણો દ્વારા માપી શકાય? લોક સાહિત્યની આ ભિન્ન પરંપરાઓને એક જ પરિમાણથી મૂલ્યાંકન કરવું કેટલું યોગ્ય છે? – આ પ્રશ્નોના જવાબો કદાચ આપણને લોક સાહિત્યના યોગ્ય મૂલ્યાંકન કરવામાં મદદરૂપ બની શકે. તેથી જ આ પ્રશ્નોની ગહન ચર્ચા અનિવાર્ય છે.

નોંધ:

  1. આ વાત હસુ યાજ્ઞિક, એક જાણીતા લોકવિદ્યાકર અને વિવેચક, સાથેની રૂબરૂ વાતચીતના આધારે નોંધી છે. તેમના પુસ્તક નંદબત્રીશી (પાર્શ્વ પ્રકાશન)માં આ વાતનો ઉલ્લેખ થયેલ છે.
  2. ડોનાલ્ડ કાર્લ જોહાન્સન એક અમેરિકન પુરાતત્વીય નૃવંશશાસ્ત્રી જેમેણે “લ્યુસી” તરીકે ઓળખાતી એક સ્ત્રી હોમોનીડની શોધ કરી હતી ઈ. સં. ૧૯૭૪માં કરી હતી. આ વિશેની વધુ માહિતી માટે જેમી સ્ટ્રોક સંપાદિત એનસાયકલોપેડિયા ઓફ ધ પીપલ્સ ઓફ આફ્રિકા એન્ડ ધ મિડલ ઇસ્ટ (૨૦૦૯), પૃ. ૭૭૧, જોઈ શકાય.
  3. લ્યુઇસ લેકી અને મેરી લેકી પરણિત દંપતી હતા. તેઓ પણ ડોનાલ્ડ કાર્લ જોહાન્સનની જેમ પુરાતત્વીય નૃવંશશાસ્ત્રી હતા.
  4. તાજેતરમાં પ્રકાશિત થયેલ ઓનલાઈન સમાચારને આધારે આ ટીપ્પણી કરવામાં આવેલ છે. વધુ માહિતી માટે આ લીંક પર જવું: https://olivernwokedi.wordpress.com/2015/03/15/worlds-languages-traced-back-to-single-african-mother-tongue-scientists/
  5. આ બે સંસ્કરણોમાનું પ્રથમ સંસ્કરણ જાતક કથાઓ જોવા મળે છે કે જેને ઈ.બી. કોવેલ નામના સંપાદકે ધ જાતકા; ઓર, સ્ટોરીઝ ઓફ ધ બુદ્ધાસ ફોર્મર બર્થ્સ (ભાગ ૨, કેમ્બ્રિજ યુનિ. પ્રેસ, ૧૮૯૫, પૃ. ૨૦૮) શીર્ષક સાથે રજુ કરી છે. બીજી સંસ્કરણ શુકસપ્તતી ની વાર્તાઓમાં જોવા મળે છે કે જેને બી. હેલ વોર્થમ નામના ભાષાંતરકારે ધ એનચાન્ટેડ પેરટ: બીઈંગ એ સિલેકશન ફ્રોમ ધ “શુકસપ્તતી ” ઓર ધ સેવેન્ટી ટેલ્સ ઓફ થે પેરટ શીર્ષક સાથેના પુસ્તકમાં રજુ કરી છે (લુઝાક એન્ડ કંપની, ૧૯૧૨, વાર્તા નં. ૬૭, પૃ. ૧૧૭-૧૨૦).
  6. આ વાર્તા એન્ડ્રુ લેંગના પુસ્તક ધ લીલક ફેઅરી બુક (લોન્ગ્મેન્સ, ગ્રીન એન્ડ કંપની, ૧૯૧૦, પૃ. ૪૨-૫૩)માં જોવા મળે છે.
  7. આ વાર્તાનું ચીની સંસ્કરણ ઈ.ટી.સી. વેરનરના પુસ્તક મિથ્સ અને લીજેન્ડ્સ ઓફ ચાઈના (જી. હરાપ એન્ડ કંપની, ૧૯૨૨, પૃ. ૨૧૧-૨૧૨)માં પ્રકાશિત થયેલ છે.
  8. જાપાનમાં આ વાર્તાના બે સંસ્કરણ જોવા મળે છે. એક, “ધ મંકી એન્ડ ધ જેલીફીશ” નામે એન્ડ્રુ લેંગના પુસ્તક ધ વાયોલેટ ફેઅરી બુક (લોન્ગ્મેન્સ, ગ્રીન એન્ડ કંપની, ૧૯૦૧, પૃ. ૨૭૫-૨૮૦)માં. અને બીજું, “ધ જેલીફીશ એન્ડ ધ મંકી” નામે યેઇ થીઓડર ઓઝાકીના પુસ્તક ધ જાપાનીઝ ફેઅરી ટેલ્સ (આર્ચીબાલ્ડ કોન્સ્ટાબલ એન્ડ કંપની, ૧૯૦૩, પૃ. ૧૮૯-૨૦૨)માં.
  9. જોએલ ચેન્ડલર હેરીસના લોકવાર્તા સંગ્રહ ટોલ્ડ બાય અંકલ રીમસ: ન્યુ સ્ટોરીઝ ઓફ ધ ઓલ્ડ પ્લાન્ટેશનમાં (ગ્રોસેટ ડનલેપ, ૧૯૦૫, વાર્તા નં. ૧૪, પૃ. ૨૪૩-૨૬૫) આ વાર્તા “બ્રધર રેબિટ એન્ડ ધ ગિઝાર્ડ-ઈટર” શીર્ષક સાથે આવે છે. આ જ પ્રકારની બીજી વાર્તા “વ્હાય ધ એલીગેટરર્સ બેક ઇસ રફ?” હેરીસના પહેલાના પુસ્તક નાઈટ્સ વિથ અંકલ રીમસ: મિથ્સ એન્ડ લીજેન્ડ્સ ઓફ ધ ઓલ્ડ પ્લાન્ટેશન (મીફ્લીન એન્ડ કંપની, ૧૮૮૯, વાર્તા નં. ૨૬, પૃ. ૧૪૩-૧૪૯) પણ જોવા મળે છે.

સંદર્ભ સૂચી:
  1. કોરલેન્ડર, હેરોલ્ડ. એ ટ્રેઝરી ઓફ આફ્રિકન ફોકલોર: ધ ઓરલ લીટેરેચર, ટ્રેડીશન, મીથ્સ, લીજેન્ડ્સ, એપીક્સ, વીઝડમ, સેયીન્ગ્સ એન્ડ હ્યુમર ઓફ આફ્રિકા. મારલૉ એન્ડ કંપની, ૧૯૯૬.
  2. ટુવે, કુડક્વાશ. “ધ આફ્રિકન ઓરલ ટ્રેડીશન પેરાડાઈમ ઓફ સ્ટોરીટેલીંગ એઝ એ મેથોડોલોજીકલ ફ્રેમવર્ક: ...”. આફ્રિકન સ્ટડીઝ એસોસીએશન ઓફ ઓસ્ટ્રેલીયન એન્ડ પેસિફિક, ફેબ્રુઆરી ૨૦૧૬.
  3. ડિઓપ, ચેખ અંતા. ધ આફ્રિકન ઓરિજિન ઓફ સિવિલાઈઝેશન: મીથ ઓર રિયાલિટી, લોરેન્સ હિલ એન્ડ કંપની, ૧૯૭૪.
  4. થોમ્પસન, સ્ટિથ. ધ ફોકટેલ. ધ ડ્રાયડન પ્રેસ, ૧૯૪૬.
  5. દંડીઝ, એલન. “આફ્રિકન એન્ડ આફ્રો-અમેરિકન ટેલ્સ”. રીસર્ચ ઇન આફ્રિકન લીટેરેચર્સ, વોલ્યુમ ૭, અંક ૨, ઇન્ડીયાના યુનિ. પ્રેસ, ૧૯૮૦.
  6. દંડીઝ, એલન. “ધ સ્ટડી ઓફ ફોકલોર ઇન લીટેરેચર એન્ડ કલ્ચર: આઈડેન્ટીફીકેશન એન્ડ ઇન્ટરપ્રિટેશન” (૧૯૬૫)[૧].
  7. દંડીઝ, એલન. “મેટાફોકલોર એન્ડ ઓરલ લીટેરરી ક્રીટીસીઝમ” (૧૯૬૬) [૨].
  8. દંડીઝ, એલન. ઇન્ટરપ્રીટીંગ ફોકલોર. ઇન્ડીયાના યુનિ. પ્રેસ, ૧૯૮૦ [૩].
  9. બેન-અમોસ, દાન. “ધ આઈડિયા ઓફ ફોકલોર: એન એસે.” ફિલ્ડ્સ ઓફ ઓફરિંગ્સ: સ્ટડીઝ ઇન ઓનર ઓફ રફેલ પિતાઈ. હેર્ઝ્લ પ્રેસ પબ્લીકેશન, ૧૯૮૩.
  10. લિન્ડાહલ, કાર્લ. "ઓન ધ બોર્ડર્સ ઑફ ઓરલ એન્ડ રીટન આર્ટ." કોકલોર ફોરમ. વોલ્યુમ ૧૧, અંક ૨, ૧૯૭૮.
  11. લેવિન, હૅન્ક. “એન્ટી-સીમીટીઝ્મ ઇન જર્મન ‘વોંક’ કલ્ચર: પ્રોપાગાંડા થ્રુ ધ પેન એન્ડ સ્ક્રીન.” પ્રકાશન વર્ષ અજાણ. https://earlham.edu/media/1683301/anti-semitism-in-german-volk-culture.pdf
  12. વોર્થમ, બી. હેલ. ધ એનચાન્ટેડ પેરટ: બીઈંગ એ સિલેકશન ફ્રોમ ધ “શુકસપ્તતી ” ઓર ધ સેવેન્ટી ટેલ્સ ઓફ થે પેરટ. લુઝાક એન્ડ કંપની, ૧૯૧૨.


સહદેવસિંહ રતનસિંહ લુહાર, મદદનીશ પ્રાધ્યાપક (ઈંગ્લીશ), કૃષિ મહાવિદ્યાલય, આણંદ કૃષિ યુનિવર્સીટી, વસો – ૩૮૭૩૮૦