શબદ શબદના ફેર રે મનવા
શબદ શબદના ફેર
સાચ્ચો શબદ જડે જો સાધો
જીવતર લીલાલ્હેર રે મનવા
શબદ શબદના ફેર...
માંહ્યલો રીઝે જે શબદથી એ
શબદ તો સોનામહોર જેવો;
સાધુને વારસામાં બસ
શબદ લેવો, શબદ દેવો
સાધુ ભૂખ્યો છે શબદનો
સાચો શબદ ન લાધે,
છે આયખું આખ્ખું ઝેર રે મનવા
શબદ શબદના ફેર...
શબદના આવ્યા છે દૂર દૂરના કહેણ રે;
શબદના સંગાથે તણાયા, જાય દૂર વહેણ રે
તર્ક-વિતર્ક મનનાં મૂકીને
સાધો ચાલ્યા શબદના ઘેર રે મનવા
શબદ શબદના ફેર...