‘સુલતાના’ નવલકથામાં હિંદુસ્તાનની પ્રથમ સ્ત્રી રાજ્યકર્તા રઝિયા સુલતાનાની ઐતિહાસિક ઘટનાને ચરિતાર્થ કરી છે. આ ઐતિહાસિક બનાવને સર્જકે આગવા દ્રષ્ટિકોણથી નિરૂપિત કર્યા છે. કથાવસ્તુની વાત કરીએ તો પૂરી નવલકથામાં રઝિયાના જીવનની કથા આલેખાયેલી છે. ઈલ્તુત્મિશ વૃદ્ધ અને અશક્ત થતાં પોતાના પછી રાજસત્તા કોને સોંપવી તેની વિમાસણ અનુભવતો દર્શાવ્યો છે. અંતે તે મનોમન નક્કી જ કરી લે છે કે મારા પછી મારા કામ અને નામ ને જાળવી અને વિસ્તારી શકે એવો સમર્થ સત્તાધારી મારે આપવો છે જે અવામની ચિંતા કરે. તેના પુત્રો તો મદીરાના નશામાં મસ્ત રહે છે તેનાથી તેઓ સારી રીતે પરિચીત છે. તેથીજ બાલ્ય અવસ્થામાં રઝિયાનો ઉછેર પુરુષની જેમ જ કર્યો તેને યુધ્ધવિધા પણ શિખવી તે ઘોડે સવારી, તલવારબાજી, તીરંદાબાજીમાં પણ પુરૂષોને હરાવે તેવી કાબેલિયતદાર બનાવી હતી. તેમને તેમના વસિયતમાં રઝિયાનું નામ લખ્યું. તેમના મૃત્યું પછી ભરી સભામાં વસિયત વાંચવામાં આવે છે તેમાં રઝિયાનું નામ સાંભળતા રૂઢિચુસ્ત વિચારસરણી ધરાવતા અમીરો, હોદ્દેદારો વગેરે વિરોધ નોંધાવે છે અને રુકુદ્દીન દિલ્હીની ગાદી પર બેસે છે. ત્યારબાદ રઝિયાને મારવાની ચાલમાં શાહ તુર્કાન પોતે ફસાય છે અને તેની ચાલ આવામ સામે ખુલ્લી પડી જાય છે અને ત્યારબાદ રઝિયા એક સ્ત્રી શાસક સૌપ્રથમ દિલ્હીની ગાદી પર બિરાજે છે તેની સાથે જ તેના વિરોધીઓ વધી જાય છે. તેના ભાઈઓ, શાહ તુર્કાન અને બલ્બન રઝિયાની સત્તાને સાંખી શકતા નથી અને તેને સત્તા ઉપરથી કેવી રીતે પદભ્રષ્ટ કરવી તેના માટે હવાતિયાં અને કાવા-દાવા કરે છે પણ રઝિયા પણ એક કાબેલેદાર શાસક બની રહે છે અને એક સ્ત્રી હોવાછતાં પુરુષ શાશક કરતાં પણ ચઢિયાતી પુરવાર થાય છે. ત્યારબાદ તેના વિરોધીઓની સંખ્યા વધતી જાય છે. જેમાં રઝિયાનો પક્ષ લેતા અલ્તુનિયા અને હબસી યાકૂત દર્શાવ્યા છે..
સુલતાના બન્યા પછી રઝિયા માટે આકરા ચઢાણ આવે છે. અમીરોનો પહેલેથી જ વિરોધ અને એક સ્ત્રી જે બૂર્ખામાં શોભે તેવી સામાજિક સમજ ધરાવતા સમાજમાં તે સુલતાના બનતા અને તેની હકૂમત નિચે પુરુષવર્ગને કામ કરવાનું થતાં મોટાભાગનાને પોતાનો અહમ ઘવાતો હોય તેવું લાગી રહ્યું હતું અને રાજકીય કાવા-દાવા ધ્વારા ગમેતે રીતે રઝિયા જોડેથી સલ્તનતની સત્તા છીનવવા માટેના પ્રયાસો થવા માંડ્યા જેમાં બલ્બન, વજીર જુનૈદી, શાહ તુર્કાન છે. રઝિયાના સાચા સાથીદાર એવા અલ્તુનિયા અને યાકૂત સાથેની નિકટતા લોકોમાં જુદી જ અફવા ફેલાવે છે તેનો લાભ લઈ બલ્બન અલ્તુનિયાના મનમાં રઝિયા અને યકૃત વિશે શંકાશીલ બને તેવો ખત અલ્તુનિયાને પોંહચાડે છે. ત્યારબાદ યાકૂતને અલ્તુનિયા મોતને ઘાટ ઉતારી બહેરમખાનને રાજગાદી પર બેસાડે છે. પૂરી નવલકથા નાટ્યાત્મક ગતીવિધિઓ સાથે આગળ વધતી જણાય છે.
વસ્તુસંકલનાની દ્રસ્ટ્રીએ પહેલાં નવલકથા પ્રકરણમાં થતી ૧૯૬૦ પછીના નવલકથાકારોની વસ્તુગૂંથણી ધ્યાનપત્ર બને છે. કલ્પેશ પટેલે પરંપરા પચાવી છે જેથી કરી નવી-નવી યુક્તિ-પ્રયુક્તિઓથી નવલકથાની વસ્તુગૂંથણી કરે છે તેનો અણસાર આ નવલકથામાં થાય છે. અહીં નવલકથાના બધાંજ મુખ્યપાત્રોને સાંકળી તેમની સ્વગતયુક્તિ, સંવેદનો કે ભાવા વેગને પાત્રના મુખે જ વહેતાં કર્યા છે. જેથી પાત્ર સાથે ભાવકની સંડોવણી જાણે કે તે પ્રત્યક્ષ ઘટનાનો સાક્ષી થતો હોય તે રીતે નિરૂપાય છે. આ પ્રકારની વસ્તુસંકલનાને કારણે ઐતિહાસિક પ્રસંગો અને પાત્રોનું સરસ નિરૂપણ સાંપડે છે. અહીં પ્રકરણ ૧,૨... ને બદલે ‘જેમાં ઈલ્તુત્મિશ બોલે છે.’, ‘જેમાં શાહ તુર્કાન બોલે છે.’, ‘જેમાં અલ્તુનિયા બોલે છે.’, ‘જેમાં બલ્બન બોલે છે.’, ‘જેમાં રઝિયા બોલે છે.’ આ પ્રકારે ઐતિહાસિક કથાવસ્તુના પાત્રો અને પ્રસંગો ભાવક સમક્ષ ઊઘડતા જાય છે અને તે કશુંક નવું જ પામ્યો હોય તેવી અનુભૂતિ થાય છે.
આ ઐતિહાસિક બનાવને સર્જકે વાર્તાતત્વથી સભર બનાવી મૂક્યો છે. નવલકથાની વસ્તુગૂંથણીમાં સર્જક બહું જ ચીવટતા રાખી છે. ક્રમબદ્ધ પાત્રો સ્વગત વિચારતા, બોલતા બતાવી કથાવસ્તુ વિકસ્તું જાય છે. રસભંગ થવા દીધા વગર આગળ વધે છે. કથાવસ્તુ વિકસાવવા માટે પ્રમાણસભર વર્ણનો, મૂક્યા છે. એક બનાવમાંથી બીજા બનાવમાં વાંચકને સહેલાઈથી પ્રવેશાવી દે છે.
રસનિરૂપણમાં પણ સર્જકની હથોટી ઊડીને આંખે વળગે તેવી છે. તેમણે કરુણરસથી માંડી વીરરસ, શૃંગારરસનું નિરૂપણ નવલકથામાં કર્યું છે. અલ્તુતુનિયા પોતાને મળવા આવે છે ત્યારે પોતાની જાતને કેવી રીતે સંભાળી તે દર્શાવતા તે વિચારે છે કે : “ઈશ્ક માટે કોઈપણ હદ સુધી જવાની એની તૈયારી હતી સાચે જ મને સારું લાગતું હતું મારા થનગની રહેલા મનને મે માંડ માંડ કાબૂમાં રાખ્યું હતું. અમે શરીરથી ઘણાં જ નજીક હતા. પણ હું થોડીક પાછી હટી ગઈ."[૧] જેવાં પ્રસંગ વર્ણનો ધ્વારા શૃંગારરસ પ્રગટ કર્યો છે. રઝિયાના અલ્તુનિયા સાથેના સંવાદોમાં પણ શૃંગારરસ જોવા મળે છે. સાથો સાથ યાકૂત, બલ્બન જેવા પાત્રો વીર રસથી સભર બતાવ્યા છે. યાકૂતતો હબસી ગુલામ હોવા છતાં તે રઝિયાને માટે ઘણાં જોખમો લેતો બતાવ્યો છે તેને વીરરસ અને ક્યારેક શૃંગારરસમાં ભળી જતો દર્શાવ્યો છે. રઝિયા પણ એક પૂર્ણ સુલતાના કે સ્ત્રી બની શકતી નથી અને તેના મનોજગતમાં અનાયસે વિવિધ રસો પ્રગટતા દર્શાવી સર્જક નવલકથામાં રસનિરૂપણ દર્શાવવામાં સફળ થયા છે.
પાત્રચિત્રણની દ્રષ્ટીએ પણ આ નવલકથાને તપાસતા ખ્યાલ આવે છે કે સર્જકે ઐતિહાસિક ઘટનાને સંપૂર્ણ પ્રતિબધ્ધ રહી નવલકથા વિકસાવી છે. કોઈ પાત્રને તેની ગરિમા ગુમાવતાં નથી બતાવ્યા. પત્રોને જીવંત બનાવવા ભાષાનો પણ યોગ્ય ઉપાયોગ થયો છે. શરૂઆતમાં જ ઈલ્તુત્મિશ વૃદ્ધ, અશક્ત બતાવવા આ રીતે વર્ણન કર્યું છે. : “છાતીમાં મૂંઝારો થાય છે. છેલ્લી લડાઈ જરા ભારે પડી ! ....શરીરમાંથી અશક્તિ જતી જ નથી. બદ હાજમી પણ સતાવે છે. હકીમની દવા પણ હવે તો અસર કરતી નથી.” [૨] આમ સર્જકે પાત્રના સ્વમુખે જ પણ સીધું સીધું નહીં પણ વિશિષ્ટ ભાષાપ્રયોગ નો ઉપયોગ કર્યો છે.
ઐતિહાસિક બનાવને સર્જકે પોતાની સંવેદના અને કલ્પનાએ વર્ણવી છે. પાત્રોનું નિરૂપણ સર્જકે યથાયોગ્ય કરી જાણ્યું છે. નવલકથાની શરૂઆતમાં ઈલ્તુત્મિશનું પ્રવેશવું અને તરતજ મુખ્યપાત્ર તરીકે 'રઝિયાને' ઉપાસવી છે. રઝિયાને સ્ત્રીસહજ ભાવો અનુભવતી પોતેપણ બીજી સ્ત્રીઓની જેમ ઘર સંભાળી બેસી રહે તેવું વિચારતી દર્શાવી છે. રઝિયાને એક શસક્ત સ્ત્રી રાજ્યકર્તા છે. પરંતુ પુરુષપ્રધાન સમાજ તેની સત્તા સહન કરી શકતો નથી. રઝિયાના પાત્રને સૌંદર્યશીલ,વિચારશીલ,અને વિરયોધ્ધા તરીકે સર્જકે ઉપસાવી છે. સર્જકે આ નાવલકથામાં મુખ્ય પાત્ર રઝિયા અને તેના જીવનમાં ત્રણ પુરુષોનું સ્થાન અદકેરું દર્શાવ્યું છે. એમાં એક તેના પિતા ઈલ્તુત્મિશ બીજો તેનો રક્ષક યાકૂત અને ત્રીજો તેનો પ્રેમી અમીર અલ્તુનિયા સર્જક નવલકથામાં રઝિયાની આસપાસ ફરતા બે ગુલાબ એટલે કે અલ્તુનિયા અને હબસી યાકૂતનો પ્રણયભાવ રજૂ કર્યો છે. સર્જકે રઝિયાને આ બંનેની વચ્ચે પ્રણય ચાલ રમતી નાજુક કળી તરીકે ઉપસાવી છે. સર્જકે આ બે પુરુષ પાત્રોની વચ્ચે અટવાયેલી રઝિયા અને તેની સંવેદના આ નવલકથામાં ઊભી કરી છે. જેમકે : "મારી ઉદાસીને દૂર કરવા જ હું ઉઠી. થયું કે એકાદ ગુલાબ લઈને સુંઘું. છોડની પાસે પોહચી એક ગુલાબને ચૂંટવા જાઉં છુ તો બીજું ઝૂમી ઉઠ્યું." [૩]
સર્જકે રઝિયાના પાત્રને ઉપસાવવા અલ્તુનિયા, યાકૃત નો ઉપયોગ કર્યો છે રઝિયા માટે નવલકથાના ફ્લેપમાં નવલકથાકાર કેશુભાઈ કહે છે કે: “રઝિયા એ પણ કાવ્યની નાયિકા બની રહે છે, જે એકી સાથે આશિક અને અવામને ન્યાયોચિત પ્રેમ પીરસતી રહે છે અને અંતે સત્ય ખાતર ઝઝૂમતાં વીરગતિ પામે છે.” [૪] સુલતાના રઝિયાનું પાત્ર ઉપસાવવામાં સર્જક સફળ પણ થયા છે. રઝિયા સાહસિક, પ્રજાવત્સલ્ય, સર્વધર્મમાં માનનારી બતાવી છે તેથી જ તે કહે છે કે : “રિયાસતાનો કોઈ ઓધ્ધેદાર પણ જો હિન્દુઓ પર જુલમ કરતો માલૂમ પડશે તો એ ચલાવી લેવામાં આવશે નહિ!” [૫] આમ રઝિયાનું પાત્ર ઉદાર, સાહસિક, પ્રજા વાત્સલ્ય દર્શાવ્યું છે.
સાથોસાથ યાકૂત હબસી ગુલામ હોવા છતાં સુલતાના પ્રત્યેની વફાદારી નિભાવતો બતાવ્યો છે. અમીર અલ્તુનિયા પણ રઝિયાના ચાહક અને છેલ્લે તેની સાથે લગ્નગ્રંથિથી જોડાતા બતાવ્યા છે. બીજા પુરુષોની જેમ તે પણ રઝિયા ઉપર શંકાશીલ બને છે અને તે શંકાથી જ અલ્તુનિયા વિદ્ધ્રોહ ઉપર ઉતરી આવી યાકૂતને મોતને ઘાટ ઉતારે છે. આ શિવાય બલ્બન, શાહ તુર્કાન વગેરે પાત્રોને પણ યથાયોગ્યરીતે સર્જકે ઉપસાવ્યા છે. પાત્રોની માવજાતમાં સર્જકની હથોટી અનુભવાય છે. પાત્રો સ્વગત આત્મમંથન કરતાં બતાવ્યા છે. નવલકથાની ફ્લેપ લખનાર કેશુભાઈ દેસાઈ કહે છે કે :"પાત્રોની સ્વગત આત્મપર્યેષણા સ્વરૂપે અભિવ્યક્તિ થઈ છે." [૬]
નવલકથાની સંવાદકલા રસાળ અને ઓજસયુક્ત છે. સંવાદમાં રોચકતા પ્રભાવકતા ઉપસાવવા કહેવતો પણ સર્જકે યથાયોગ્ય મૂકી છે. જેમકે આકડે મધ, જંગ પહેલાં હથિયાર હેઠાં મૂકી દેવાં, આંખોમાં દરિયો હિલોળાતો જોવો, બાજી હાથમાં ચાલી જવી, મોં સુધી પોંહચેલ જામ એકાએક છિનવાઈ જવો, હાથ ઘસતા રહી જવું, સાંઠે બુદ્ધિ નાઠી, ઊતર્યો અમલદાર કોડીનો, એક મ્યાનમાં બે તલવાર ઓછી રહી શકે, ખાડો ખોદે તે પડે, બે નાવના મુસાફર હોવું વગેરે કહેવતો પણ મૂકી છે.
ભાષાકર્મની દ્રષ્ટિએ પણ આ નવલકથા વિશિષ્ટ્ર રહી છે. સર્જક ઐતિહાસિક બનાવને તાદ્રશ કરવા તે સમયનું વાતાવરણ ઊભું કરવા અરબી, ફારસી શબ્દોનો સંવાદમાં વિનિયોગ કર્યો છે જેમકે. હરમ, બંદા, મુઝારો, ખાદિમ, મજહબ, વજૂદ, કયાનત, (સૃસ્ટિ), રિયાન, બેસબ્રી, ખિદમત, નૂર, ખ્વાહિસ, તસલ્લી, તકાજા, આવામ, ચહલગાન, તર્જુબો, તમીજ, માશુકા, ગુલતાન, એતબાર, ગુલતાન, રુતબો, દરાર (તિરાડ), જહન્નમ, તદાદ, આગોશ (આલિંગન), શુકુન (શાંતિ), અફસાના (ગીત), ફિતરત (પ્રકૃતિ), તૌહીન (અપમાન), અંજુમન (સભા), રૂહ, નાદાનિયત વગેરે જેવા શબ્દોનો ઉપયોગ કર્યો છે. સર્જક ઐતિહાસિક વાતાવરણ તાદ્રશ કર્યું છે. નવલકથા નાટ્યાત્મક રીતે આગળ વધે છે. સમકાલીન વાતાવરણ ઊભું કરવામાં સર્જકે ખાસી એવી જહેમત ઉઠાવી છે જેમાં પાત્રો ના મુખે અરબી, ફારસી શબ્દોનો ઉચ્ચાર અને સ્થળ વર્ણન ધ્વારા તે સમયનું વાતાવરણ ઉપસાવવાનો પ્રયત્ન કર્યો છે એમાં સર્જકને ધારી સફળતા પણ સાંપડી છે. ભાષા શૈલી પણ રસાળ અને ઓજસયુક્ત રહી છે.
નવલકથાનો અંત પણ સર્જકે રસિકતાપૂર્વક દર્શાવ્યો છે. નાટ્યાત્મક ગતિવિધીના ભાગરૂપે નવકથામાં ઉતાર ચઢાવ આવ્યા કરે છે. અંતમાં બલ્બનની ચાલથી એક પત્ર ધ્વારા ખોટું વહેમ ઊંભું કરાવે છે. અલ્તુનિયાને ભઠીંડા મોકલી રઝિયા હબસી યકૃત સાથે રંગરેલીયા મનાવે છે તેવી શંકા તેના મનમાં ઊભી થાય છે. તેથી તે બળવો ખારવા યકૃત સૈનિકો લઈ ભઠીંડા જવા રવાના થાય છે. રમજાન મહિનો હોવાથી તેના સૈનિકો પાણી અને ખોરાક વગર પણ હિમંતભેર અલ્તુનિયાનો સામનો કરે છે પણ અંતે યકૃત રઝિયા માટે પોતાની કુરબાની આપે છે. છેલ્લા શ્વાસ સુધી તે રઝિયા માટે લડે છે તેમાં રઝિયા પ્રત્યેની તેની વફાદારીની ઝલક છતી થાય છે. રઝિયા ત્યાં પોંહચી અલ્તુનિયાને સાચી વાતથી વાકેફ કરે છે. પાછા બે પ્રેમી ભેગા થાય છે. પરંતુ હવે બધું જ હાથમાંથી સરી ગયું છે તે બંને સમજી જાય છે અને તરત જ બંને લગ્નગ્રંથીથી જોડાય છે પણ બહેરામની ચાલ કામ કરી જાય છે અને અવામ સમક્ષ જાહેરાત કરાવે છે કે રાજ્યદ્ધ્રોહી અલ્તુનિયા સાથે લગ્ન કરવાથી રઝિયા પણ .પોતાનું સુલતાના પદ ગુમાવે છે અને બહેરામને દિલ્હીની ગાદી પર બેસાડે છે. રઝિયા અને અલ્તુનિયાને મોતને ઘાટ ઉતારે છે.
સર્જક ઐતિહાસિક બનાવને વિકસાવવા ક્યાંય કાલ્પનિકતાનો ઉપયોગ કર્યો નથી તે ઈતિહાસને વફાદાર રહી એક ઉચ્ચકોટીની ઐતિહાસિક નવલકથા આપી છે. સર્જકે અંતમાં ઉપસાયેલું શાયરનું પાત્રનિરૂપણ અને છેલ્લે મહિલાઓનું ઝૂંડ એકત્રીત થઈ બલ્બન ધ્વારા ખોટીરીતે રઝિયાની હત્યા થઈ છે તેવો વિરોધ દર્શાવવામાં આવ્યો છે તે સર્જકનું કાલ્પનિક ચિત્રણ છે. તેમાં પણ સર્જકનો નૂતન દ્રષ્ટિકોણ પ્રગટ થાય છે
સાંપ્રત સમયમાં પણ સ્ત્રીની સત્તા પુરુષો સહી શકતા નથી આટલા વર્ષો પછી પણ પુરુષ વર્ગનું માનસ બદલાયું નથી. અત્યારે પણ સ્ત્રી સત્તા ઉપર તો આવે છે પરંતુ તેના નામે વહીવટ તો તે સ્ત્રીનો પતિ કરતો જોવા મળે છે. સ્ત્રી પહેલાં હતી આજે પણ બદલાઈ નથી. રઝિયા પણ સુલતાના નહી સુલતાન બનવા માગે છે. રઝિયા જ્યારે સ્ત્રી હોવાથી સુલતાન ના બની શકી ત્યારે તે કહે છે કે : “ અલ્લાહને પણ હું દરખાસ્ત કરીશ કે આવતા જન્મે મને ઓરત તરીકે પેદા કરતાં પહેલાં જરા વિચાર કરે !” [૭] રઝિયાનું બીજું મન તો દાંપત્ય સુખ મેળવવા ઝંખતું બતાવ્યુ છે. રઝિયાની જેમ હાલ પણ સ્ત્રીઓ સત્તા ઉપરતો આવે છે પણ ઘર અને તેમને મળેલી સત્તા વચ્ચે સંતુલન રાખી શકતા નથી.
આમ સમગ્રરીતે નવલકથાની સમીક્ષાને અંતે એટલું તો ચોક્કસ કહી શકાય કે મુનશી પછીની આ ઐતિહાસિક નવલકથા સૌથી વધુ રસપ્રદ બની રહી છે. અહીં લેખકે ઐતિહાસિક વિષયવસ્તુનું આલેખન કર્યું છે પણ ઈતિહાસને ક્યાંય ખંડીત થવા દીધો નથી. વસ્તુપ્રવાહ પણ ક્રમશ: આલેખ્યો છે. અંતમાં એટલું ચોક્કસ ફલિત થાય છે કે ગુણવત્તાની દ્રષ્ટ્રીએ આસ્વાદ્ય નવલકથા છે.
સંદર્ભગ્રંથો:-