Included in the UGC-CARE list (Group B Sr. No 172)
લઘુકથા
સુગંધ

ઘણાયે વખત પછી ઇલિયાસને આ રીતે માર્કેટમાં આવવાનું બન્યું. એમાંય કેરી લેવા તો વરસો પછી જ નીકળ્યો. સીઝન શરૂ થાય એટલે મમ્મી માર્કેટમાં જઇ કેરી લાવતી. લગ્ન પછી એ કામ એની બીવીએ લઇ લીધેલું.

એણે આમથી તેમ ડફોરિયા માર્યા. ખાટી ન હોય એવી અને ખીસાને ખાટી ન પડે એવી કેરી શોધવી એને મન અઘરું કામ થઇ પડ્યું. આખરે એક દુકાનમાં વેપારીને એણે કેરીનો ભાવ પૂછ્યો. એક નંગ હાથમાં લઇ સૂંઘ્યું. સુગંધ નાકને બદલે હૃદયમાં ક્યાંક અટવાઇ પડી.

નાનો હતો ત્યારે અબ્બુ સાથે સિઝનમાં રોજ કેરી લેવા જતો. એના નાનકડા ગામડામાં કેરી આખો દિવસ ન મળતી. વહેલી સવારના પાંચ વાગ્યામાં છકડો આવતો ને ત્યારે જ કેરી લેવા જવું પડતું. રોજ એ વહેલો ન ઊઠતો; પણ અબ્બુ સાથે કેરી લેવા જવાની મજા કંઇ ઓર, એટલે અબ્બુના એક સાદે ઊઠી જઇ, એ ફટાફટ તૈયાર થઇ જતો. રસ્તામાં અબ્બુ એને ગમે તેવી ઘણીય વાતો કરતા. થોડા અંધારાનો લાભ લઇ બાપ – દિકરો પકડા પકડીય રમી લે; ને એમાંય કોઇ વખત અબ્બુ કાંધા પર બેસાડી મોટા લાંઘા ભરતા ચાલે એટલે જન્નત મળી જતી.

મજૂરી કરી પેટ ભરતા અબ્બુને રોજ આવો સમય ન મળતો. ઇલિયાસને ઘણીયે વખત થતું : ‘સાલુ, આ કેરી બારેમાસ આવતી હોય તો કેવી મજા પડી જાયે ! અબ્બુ સાથે રમવા ને વાતો કરવા તો મળે.’

“ઓ ભાઇ ! કેરી જોખું કે ?”

“હેં ? હા.” કહી એણે ફરીથી એક કેરી હાથમાં લઇ સુંઘી જોઇ; પણ અબ્બુની સુગંધ...

નસીમ મહુવાકર, “અમે”, 3/A, 1929, નંદાલય હવેલી પાસે,સરદાર નગર, ભાવનગર – 364002 મો. : 9426223522 ઇ મેઇલ : harishmahuvakar@gmail.com