Included in the UGC-CARE list (Group B Sr. No 172)
‘કાર્મેલિન’માં વ્યક્ત થતી ભારતીયતા

‘ભારતીય’ એવી સંજ્ઞાને જો સામાન્ય રીતે એટલે કે અભિધાની દ્રષ્ટિએ ચોક્કસ લક્ષણો સાથે જોઇએ તો ‘ભારતનું’ કે ‘ભારતને લગતું”’ કે ‘ભારતીયતાનો સાદર ઉલ્લેખ કોઇક ઉચ્ચ કોટિની સાહિત્યકૃતિમાં સંતર્પક રીતે વર્ણવાયો હોય કે આલેખાયો હોય’ એવો અર્થ ગણી શકાય. વળી, ‘ભારત’ સંજ્ઞા એક સર્વ વ્યાપક અથવા સમ્યક્ વ્યાપક રીતે ભારતીયતાનું અર્થઘટન એક કરતાં વધુ અર્થ સુચવે છે. લક્ષણાની દ્રષ્ટિએ કે એને અતિક્રમીને વ્યંજના સુધી કોઇ વિશેષ સંકેત એટલે માત્ર ભુમિભાગ જ નહિ, પરંતુ ભુમિભાગ કરતાં કંઇક વિશેષ સુચવે છે કે જેમાં એ ભુમિભાગની એ સંસ્કૃતિનું ગાન છે. જેમાં ભારતીય સંસ્કૃતિના આધારસ્થંભો કે જેનો પાયો ત્યાગ અને સમર્પણથી રસાયેલો કસાયેલો છે.

આઝાદીની ચિનગારી એક મશાલ બનીને ભારતભરના જનગણમનમાં ફરી વળી જ્યારે ઇ.સ. ૧૮૫૭ ની આસપાસ ‘વંદે માતરમ’ રાષ્ટ્રગીતે રોમ-રોમમાંથી રાષ્ટ્રભક્તિની જ્વાળાઓ પ્રગટાવી. જેના દ્વારા રાષ્ટ્રનું ભાવાત્મક સ્વરૂપ પ્રગટ થયું. ‘સુજલામ્ સુફલામ્’ દ્વારા ભારતીયતાનું ગૌરવગાન થયું, જે આપણી વૈવિધ્યસભર સંસ્કૃતિ અને ભવ્ય વારસાને જોડી આપે છે તે ‘ભારતીયતા’. એવાં ભારતનું સાહિત્ય એટલે ભારતીય સાહિત્ય કે જે ભારતીય પ્રજાની સહિષ્ણુતા અને સંવેદનાની સમસ્યાઓનું વાહક હોય, એવી સંવેદનાઓ તથા સમસ્યાઓને લાક્ષણિકપણે સ્પર્શતું હોય એ હદે જેમાં કલાતત્વની એ કક્ષાની માવજત હોય કે દ્રશ્યાંકનો અને ભાવાંકનોનો ઉદ્રેક ભારતીય પ્રજા અનુભવતી હોય, જેનો અનુભવ માત્ર ભારતવાસી જ નહિ, સમગ્ર જનસમુદાય કરતો હોય, તેવી ભારતીય લોકોની સંવેદના એટલે ભારતીયતા.

‘ભારતીયતા’ એટલે પ્રેમ, ભક્તિ, ત્યાગ, સમર્પણ, અહિંસા, સત્ય અને આસ્થા કે જેનો અનુબંધ ભારતની સંસ્કૃતિમાં છે, એક એવી સંસ્કૃતિ કે જે મનુષ્યને સાચા અર્થમાં મનુષ્ય બનવાની ક્ષમતા ધરાવે છે. એમ વ્યાપક અર્થમાં ભારત સાથે જોડાયેલા રીતરિવાજો, રહેણીકરણી, ઉત્સવો, જાતિય નીતિમત્તાનાં મૂલ્યો વગેરે... ભારતીય સાહિત્યનો સર્વપ્રથમ પ્રયોગ જર્મન સ્લેગલએ ઇ.સ. ૧૮૨૩માં કર્યો. જેને દુનિયાના બધા જ દેશો ભારતીયતાના વિશિષ્ટ સંદર્ભમાં જુએ છે, તપાસે છે તેમજ સ્વીકારે છે.

ભારત યુગોથી વિવિધ પ્રજાઓ જેમ કે યવનો, કુશાણો, અનાર્યો, ડચ, વલંદા, ફ્રેંચો, અંગ્રેજો વગેરે આક્ર્મણકારીઓના આક્ર્મણનો ભોગ બનતો રહ્યો અને જુદી જુદી પ્રજાઓની સંસ્કૃતિઓ પણ આવી અને એની કેટલીક કાયમી અસરો પણ પ્રજાજીવન પર પડે તે સ્વાભાવીક છે પણ ભારતીય સંસ્કૃતિની વ્યાપક અને ચિરંજીવી અસર સામે તેઓની સત્તા ટકી રહી. જો કે સત્તાએ પણ ક્યાંક હારીને, શરણાગતી સ્વીકારીને પીછેહઠ કરવી પડી, હિંસાની સામે અહિંસાનો વિજય થયો પણ સંસ્કૃતિ ન ચાલી. આજે ભારત પાસે પોતાની વૈદિક આગવી સંસ્કૃતિ છે. હા, એ ખરું કે એમાં વિદેશી પ્રજાઓની સંસ્કૃતિની અલપ ઝલપ અસર છે પરંતુ ‘ભારતીયતા’ને સંસ્કૃતિના સંદર્ભમાં કશી ઊની આંચ આવી નથી.

વિશ્વબંધુત્વની ભારતીયતાની વિભાવના સામાન્ય રીતે ભાષા અને ધર્મ સાથે સંકળાયેલી છે. એનું કારણ કદાચ એ હોઇ શકે કે આપણે ત્યાં સમગ્ર વિશ્વની જેમ સંસ્કૃતિ અને સાહિત્ય પર ધર્મનો પ્રબળ પ્રભાવ રહ્યો છે. આપણી પાસે દર્શનશાસ્ત્રો (ન્યાય, વૈશેષિક, સાંખ્ય, મીમાંસા, યોગ વગેરે) વૈદિક વાઙમય અને કાવ્યશાસ્ત્ર છે, ચિંતન અને નિરુક્ત- વ્યાકરણની સમૃદ્ધિ છે. એટલે જ વિશ્વચિંતકો – વિચારકોએ ભારતીય વૈદિક તેમજ અનુવૈદિક સાહિત્ય પર પુષ્કળ પ્રમાણમાં ભાષ્યો, ટીકાઓ, વિવેચનો લખ્યાં છે. બૃહદ્ ભારતીય લેખકોનાં પુસ્તકો આજે પણ માનપુર્વક વંચાય છે એટલું જ નહિ એમની વ્યાખ્યાઓનું વિદ્વાનોમાં માનાર્હ સ્થાન છે.

નામાંકિત ગદ્યકાર સમર્થ સમર્થ સર્જક પદ્મશ્રી ડૉ. પ્રવીણ દરજીના મતે “ભારતીયતા એ એક રીતિ છે. એટલું જ નહિ, માનવ જીંદગીને નજીકથી સ્પર્શક્ષમ રીતે નિહાળવાની વિશેષ દ્રષ્ટિ છે. કેટલીક નિશ્ચિત વિચારધારાઓ છે. કેટલીક આપણી જ સંવેદનાઓ છે. ભારતીયતા આપણી સાથે જડાયેલી છે. આપણા વિચારોના અસ્તિત્વનો એક એક તંતુ ભારતીયતાની વિચારધારા સાથે વણાયેલો છે. જે ભારતીયતાને નુતન અને સતત વિકસતાં રૂપે ઝીલે છે; ઝીલવા તૈયાર છે. છતાં મૂળને તો એવું ને એવું ટકાવી રાખે છે. દરેક ભારતીય એનું મૂળ છોડવા તૈયાર નથી એ જ એની ઓળખ છે.”

આપણે ભારતીય વિભાવનાની સંવેદનાત્મક સાહિત્યિક વ્યાખ્યા કરી. એમાં સમાવિષ્ટ મૂલ્યો, રીતિઓ, નીતિઓની આસપાસ ગૂંથાતી કથાઓ – ગાથાઓ વિશે વિશ્વસાહિત્યની સમકક્ષ ઉભી શકે એવી પ્રચુર રાશિ આપણી પાસે છે. સેંકડો જ નહિ, હજારો પુસ્તકો છે. આ દરેક પુસ્તકોના પાને પાને જ નહિ પણ શબ્દે શબ્દે આજના ‘વિશ્વગુરુ ભારત’ ની સ્તુતિ છે જેમાં કૃતિના અર્કરૂપે માત્ર ને માત્ર ભારતીયતા નિષ્કર્ષ કે પરિપાકરૂપે ફલિત થાય છે. આવી જ એક કૃતિ છે : ‘કાર્મેલિન’. ગોવાના વરિષ્ઠ વાર્તાકાર અને નવલકથાકાર દામોદર માઉઝોની આ યશોદાયી નવલ છે. જેનો અનુવાદ ગુજરાતી સાહિત્યનાં પ્રબુદ્ધ લેખિકા, સંપાદિકા અને ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના વડા ડૉ. દર્શના ધોળકિયાએ કર્યો છે. નારીસંવેદનાની મૂળ કોંકણી નવલકથા ‘કાર્મેલિન’ ને આપણી પોતીકી ભાષાનો જ અનુવાદ માનવા પ્રેરાઇએ એવો આ અનુવાદ છે. અનુવાદકની શબ્દ અને સંવેદનની નિસ્બતના પરિપાકરૂપે આપણે આ અનુવાદને મૌલિક કૃતિ માનવા પ્રેરાઇએ એવો આ અનુવાદ છે એમ કહેવામાં કશી અતિશયોક્તિ નથી કેમ કે અનુવાદના ભાવવિશ્વમાં મૂળ કૃતિની સંવેદના આબેહૂબ કલાતત્વને પોષતી પ્રેરતી આલેખાયી છે. આ નવલકથામાં શોષણ સામે મશાલ ઉઠાવતી સ્ત્રી કાર્મેલિન મુખ્ય પાત્ર છે. પરંતુ કથા સમગ્ર સ્ત્રીસમાજની છે. સ્ત્રીઓના ઉત્કર્ષ માટે – રક્ષણ માટે ઘણું બધું થતું રહ્યું છે, છતાં પણ સામાજીક માળખાંને કારણે સ્ત્રીઓનાં શોષણનો – સંઘર્ષનો પૂરો અંત આવ્યો નથી. કાર્મેલિન આવી જ એક નારીની વ્યથાકથા છે.

કાર્મેલિનનાં માતાપિતા અને ભાઇનું ટાઇફૉઇડમાં મૃત્યુ થાય છે. કથાનાયિકાને જીવનનો પહેલો આઘાત સહન કરવાનો સમય આવે છે, ત્યારે કાર્મેલિનના ફોઇ – ફુઆ તેની વહારે આવે છે. પરિસ્થિતિઓ દ્વારા તુટતાં – ફુટતાં જીવન કે ઘરની કપરી ક્ષણોમાં પરિવારજનો બાકીની જીંદગી માટે ભોગ આપવા તૈયાર થાય તે ભારતીયતા છે. માત્ર સરનામાનું જ સગપણ નહિ, પણ સંવેદનાનું સગપણ અહીં કારગત નીવડે છે.

આગ્નેલ નામનો વ્યક્તિ કાર્મેલિનના જીવનમાં પ્રેમી તરીકે આવે છે. જે તેની ફોઇને માન્ય નથી, પણ પ્રેમાળ ફુઆ તેની વેદના સમજી શકે છે. જૂજે નામના મુફલિસ વ્યક્તિ સાથે કાર્મેલિન લગ્નજીવન માંડે છે. દારૂડિયા જૂજે સાથે કાર્મેલિન ઝૂઝે છે. સાસુ – નણંદ પારંપરિક પાત્રો તરીકે રજૂ થાય છે. કાર્મેલિનને હવે ક્યાં જવું? પોતાના સંઘર્ષમાં કેદ કાર્મેલિન, જૂજેના હવસખોર મિત્ર રુઝારની ભૂખનો ભોગ બને છે. દીકરી બેલિંદાનો જન્મ થાય છે. કાર્મેલિન ભારતીય સ્ત્રી છે માટે તે સહન કર્યા કરે છે. બધા સવાલો એની સામે આવે છે. કુવૈતમાં એક આરબ પરિવારમાં નોકરાણી તરીકે રહે છે, ત્યાં ઘર માલિક નિસાર તેનું શારીરિક શોષણ કરે છે. પરંતુ જૂજેની પત્ની તરીકે અને ભારતીય પત્ની બની તે કમાતી રહે છે. રૂપ અને લોહીની કમાણી દારૂડિયા પતિને આપી દે છે. ઉંમરલાયક બેલિંદા માટે વર શોધવા પ્રવૃત્ત થાય છે. અહીં ભારતીય માતા સાબિત થાય છે. એ શું પામી એનો એની પાસે કોઇ જવાબ નથી, છતાં પત્ની – માતા તરીકે ક્યાંયે ચુકતી નથી. ફરજ નામે ફનાગીરી વહોરી લે છે.

બેલિંદા જવાબદાર પુત્રી બનીને માતાને કહે છે કે - હું પાસપોર્ટ બનાવીશ, તારી જેમ કુવૈત જઇશ, ખુબ કમાઇશ, ત્યારે તેના ગાલ પર તમાચો પડે છે. એ તમાચો મા અને દીકરી વચ્ચે પડઘાઇ રહે છે. કાર્મેલિન કુવૈતમાં કેમ કરતાંયે શા માટે ‘કમાઇ’ રહી હતી એ કેમ સમજાવી શકે !!!

જૂજેના મૃત્યુ સમયે પણ કાર્મેલિન પરંપરાઓથી મુક્ત થઇ શકતી નથી. જે પતિએ તેને તલભાર સુખ ન આપ્યું, એવા પતિની અંત્યેષ્ટિ ક્રિયાઓ પણ તે કરે છે જેથી પોતાને નરકમય જીવન દેનાર પતિનો મોક્ષ થાય. અહીં ભારતીય પત્નીના જીવનમુલ્યોનું મૂલ્યાંકન છે.

આ નવલકથામાં પાત્રો વચ્ચેના સંબંધોમાં સ્ત્રીની પ્રકૃતિગત લાગણી છે, પુરૂષ (પતિ) ની બેફિકરાઇ છે. તેમ છતાં ભારતીય લોકો આ સંબંધોને પરસ્પરની લાગણીથી કે મોટાભાગે લિંગભેદના અધિકારથી યથેચ્છ પ્રાધાન્ય આપે છે. સુખ અને દુ:ખ માનવજીવનમાં એક સિક્કાની બે બાજુ જેવાં છે. ભારતીયતા રાષ્ટ્રભાવનાને, દેશપ્રીતિને અને વતનપ્રીતિને મહત્વ આપે છે. ભારતીયતાની ઓળખ એ જ છે. માનવપ્રીતિ, રાષ્ટ્ર્પ્રીતિ, વતનપ્રીતિ અને એ પૈકી આ અનુસંધાને નિષ્ઠા. આ નવલકથામાં લેખકે વિવિધ સંબંધોના સંદર્ભે ભારતીય ભાવનાને બરાબર સ્પષ્ટ કરી આપી છે.

જૂજે, રુઝાર, નિસાર મુફલિસ મવાલીઓ છે. પતિ તરીકે તેઓ ક્યારેય પણ યોગ્ય નથી; કેમ કે તેમણે કાર્મેલિનને એક સ્ત્રી તરીકે જોઇ છે. જ્યારે તેના ફુઆ પ્રેમાળ છે. સંબંધોના સમીકરણો સાથે માનવતાનાં મૂલ્યો બદલાય અને એનો ખાસ લાભ પુરુષને જ શા માટે મળે ? સ્ત્રીને કેમ નહીં ? એટલે છિન્નવિચ્છિન્ન થવા છતાં કાર્મેલિન અખંડ તરીકે ઉભરી આવે છે .

તહસ નહસ થવા છતાં અસ્તિત્વ માટે ઝઝુમતી, અથડાતી, કુટાતી, પીટાતી કાર્મેલિન પીંખાતી – વીંખાતી – વલોવાતી – ફંગોળાતી માત્ર એક સ્ત્રી હોવાના નાતે પીડાઓ વેંઢારે છે, જાણે પીડાઓ અને પ્રશ્નો જ એની મમતાનું દર્શન ન હોય ! આંખમાં આંસુ, હોઠ પર ફરિયાદ, મૂંગી ચીસ, હતપ્રભ હ્રદય અને એમાં દર્દને જ દોલત સમજતી એકલી અટૂલી છતાં અડીખમ કાર્મેલિન એક સ્ત્રી તરીકે તિતિક્ષા, પરીક્ષા, નિરીક્ષા અને જીવન જીવન જીવવાની જિજીવિષા વચ્ચે પણ પોતાની ફરજ ચૂકતી નથી અને એને તુટી જવાનો, ભાંગી જવાનો પણ એક આનંદ છે. એવી ભારતીયતાનું આવું દર્શન કૃતિઓમાં હોય એવી કૃતિઓ આપણા ગુજરાતી સાહિત્યમાં મબલખ છે જે આપણું સદ્ભાગ્ય છે અને આવી કૃતિઓ ગ્રંથસ્થ તો છે જ પણ અશ્રુસ્થ કે હ્રદયસ્થ પણ છે અને રહેશે. જ્યાં સુધી કાર્મેલિન જેવી સ્ત્રીઓની આંખમાં અતાગ આંસુનાં જળ અને હ્રદયમાં અતાગ મમતાનાં જળ છે…..

સંદર્ભ :-

  1. કાર્મેલિન, લે.દામોદર માઉઝો, અનુવાદિકા- ડૉ. દર્શના ધોળકિયા, સાહિત્ય અકાદમી, પ્રથમ – ૨૦૦૮.


ડૉ. કેકા રમેશચંદ્ર ભટ્ટ – નખત્રાણા (કચ્છ), Email : kekabhatt19@gmail.com Mo. 7600220944