Included in the UGC-CARE list (Group B Sr. No 172)
અર્વાચીન કવિતાનું પુષ્પ : નર્મદની કવિતા

અર્વાચીન યુગમાં ‘ગદ્ય-પદ્યનો પ્રણેતા’ અને ‘અર્વાચીનોમાં આદ્ય’ એવા નામથી જેમને નવાજવામાં આવ્યાં છે તે કવિ નર્મદ સુધારક યુગના પ્રમુખ સર્જક છે. તેઓ આપણી ભાષાના પ્રથમ નિબંધકાર, કવિ, આત્મકથાકાર, કોશકાર, વ્યાકરણકાર, સમીક્ષક અને પ્રેમાનંદ જેવા જ ગુજરાતી ભાષાના સંવર્ધક છે. પરંતુ આ સર્વમાં તેઓ પ્રથમ કવિ છે. કવિતાએ જ એમને જોતાની ઓળખ અપાવી. અને માન, મોભો અને પ્રતિષ્ઠા પણ મળી. તો આવો, નર્મદની કવિતા અંગે વાત કરીએ.

કવિ નર્મદ પાસેથી કવિતા વિશેના વિચારોને રજૂ કરતો કોઈ સ્વતંત્ર ગ્રંથ મળતો નથી. પણ એ અંગેના છૂટાછવાયા લેખો-નિબંધો મળે છે. એમાં એમનો કવિતા વિચાર ગ્રંથસ્થ થયો છે.

નર્મદની કવિતા પર પૂર્વ અને પશ્ચિમના સંસ્કારો જીલાયાં છે. નર્મદ શરૂઆતમાં દયારામ અને ધીરા ભગતના પદોથી અંજાઈને કવિતા લેખન શરૂ કરે છે. પણ ત્યાર પછીની એમની કવિતા પર વર્ડઝવર્થ, ફાલ્કનેર અને હેઝલિટનો પ્રભાવ વર્તાય છે. નર્મદ કવિતાની વ્યાખ્યા આપતાં હેઝલિટની વ્યાખ્યાને જ અનુસરે છે. એનું જ વર્ણન એમની વિભાવનામાં છે.-
"કોઈપણ પદાર્થની અને બનાવની તેના તેજી પણાએ કરીને આપણાં મનમાં જે સ્વભાવિક છાપ પડે તે અને જેથી (વગર વિચારે આપો આપ અથવા ઇચ્છાએ) તર્ક અને જોસ્સા ઝપ જાગી ઉઠી કામ વળગે છે. અને પછી સાત્ત્વિક ભાવે સામાના સુખદુઃખ આપણને લાગે છે. અને એથી પણ અવાજ, અથવા શબ્દનું નીમસર નીકળવું થાય છે તે છાપનું નામ કવિતા." - (કવિ અને કવિતા)

નર્મદ કવિતામાં ‘ઇમ્પ્રેશન’ અને ‘પેશન’ના હિમાયતી છે. તેઓ ‘ઇમ્પ્રેશન’ માટે ‘તર્ક’ અને ‘પેશન’ માટે ‘જોસ્સો’ શબ્દ પ્રયોજે છે. જે શબ્દ કવિની આગવી ઓળખ બને છે. આ લેખમાં તેઓ કવિતા માટે રસની અનિવાર્યતા પણ જણાવે છે. આ ઉપરાંત નર્મદ પ્રેમાનંદની કવિતા સાથે પોતાની કવિતાની તુલના કરતા કરતા કવિતાનું મુખ્ય કાર્ય આનંદ આપવાનું છે. એમ કહીને તેઓ ભારતીય કાવ્યશાસ્ત્રનો મહિમા કરે છે. આમ, નર્મદના કવિતા અંગેના વિચારો પૂર્વ અને પશ્ચિમના વિચારોથી બંધાયેલાં છે.

નર્મદ પાસેથી ‘નર્મકવિતા’ અંક ૧,૨,૩ એમ કુલ ૧૦ અંકો અનુક્રમે પ્રગટ થયા છે. આ ઉપરાંત સાત વર્ષની, નવ વર્ષની અને અગિયાર વર્ષની એમ ‘નર્મકવિતા’ની સંવર્ધિત આવૃત્તિઓ પણ પ્રાપ્ત થાય છે. દલપતરામ કરતાં ઉંમરમાં નાના અને કવિતા લેખનમાં પણ તેમના કરતા દસકા પછી શરૂ કરનાર નર્મદ કવિતા રચનામાં,  વિષયમાં, નિરૂપણમાં, એમના કરતા આગળ નીકળી જાય છે. જે કવિની વિશેષતા છે. નર્મદ પાસેથી ઊર્મિકાવ્યો પ્રાપ્ત થાય છે. એમના કાવ્યોને વિષયની દ્રષ્ટિએ જોઈએ તો સ્વદેશભિમાન, શૌર્યભાવ, ભવરણ, પ્રકૃતિ, પ્રણય, અધ્યાત્મ અને ઉપરતિ વગેરે આલેખયાં છે.

નર્મદની કવિતા અને નિબંધમાં સ્વતંત્રતાની ભાવના પ્રબળ છે. સ્વતંત્રતા અને સ્વદેશાભિમાન આ બંને શબ્દો ગુજરાતી ભાષાને નર્મદનું અર્પણ છે. કવિના સમયમાં રાજકીય સ્થિતિ અંગ્રેજોના હાથમાં હતી. ગુજરાતી પ્રજા અંગ્રેજી સાશનની રાજકીય સ્થિરતા જોઈ આનંદિત થાય છે. આ સમયના પ્રમુખ કવિઓ નર્મદ-દલપત એમના ગુણગાન ગાય છે. એની સાથે સાથે આ કવિઓએ ગુજરાતી પ્રજામાં દેશનું ગૌરવ વધે, એમનામાં દેશદાઝની ભાવના પ્રબળ બને એવી કવિતાઓનું ગાન પણ કર્યું છે. નર્મદ પાસેથી ‘સ્વતંત્રતા’, ‘સુરત’, ‘જય જય ગરવી ગુજરાત’, ‘કોની કોની છે ગુજરાત?’, ‘આપણે ગુજરાતી’ જેવા કાવ્યોમાં સ્વદેશાભિમાન તાર સ્વરે રજૂ થયું છે.

‘સુરત’ કાવ્યમાં કવિએ સુરતનો ભવ્ય ઇતિહાસ અને વર્તમાનને આલેખ્યો છે. સુરત શહેર એની ભવ્યતા ને જાહોજલાલી, એની પ્રજાનું ખમીર ને એના બંદરો વગેરેના કારણે સોનાની લંકા હોય એવો અહેસાસ થતો હતો પરંતુ કવિના સમયમાં સુરતની દયનિય સ્થિતિ જોઈને એમનું ર્હદય ઉકળી ઊઠે છે. કવિને ચિંતા થાય છે કે જેમ ગ્રીસ, રોમ, હસ્તિનાપુર અને દિલ્હી વગેરે જેવા શહેરો ફરી પાછા ઊભાં થઈ શક્યા નથી. તો સુરત થશે કે કેમ,-
"નથી કોઈનૂં ચલણ, વલણ બહુજનો કરે રે;
સમયે ચ્હડતૂં કોઈ, સમયથી ઢળી પડે રે.
હતી જેવિ ઓ સુરત, તેવિ શું ફરી થવાની ?
નથી લાગતૂં હાય, હવે તૂં મરી જવાની." (નર્મદની કવિતા- રમેશ શુક્લ, પૃ. - ૧૨૦)

કવિની શંકા આખા કાવ્યમાં વ્યક્ત થઈ છે. ‘હિંદુઓની પડતી’ અને ‘સ્વતંત્રતા’ નામના કાવ્યોમાં પણ કવિએ વ્યક્તિ સ્વાતંત્ર્યની વાત કરી છે. ‘હિંદુઓની પડતી’ કાવ્યમાં હક્ક ને સ્વતંત્રતાનું મહત્ત્વ દર્શાવતા કહે છે,-
"સ્વતંત્રતા ને હક્ક ના જ ખોવા હુંપણથી;
એ માણસનો ધર્મ, લો સાચું ર્દઢ મનથી." (પૃ.- ૧૦૨) 

સ્વતંત્રતા માટે હાકલ કરતો કવિ ગુજરાતી પ્રજાને પોતાનું ખમીર સાચવવાનું કહે છે. ગુજરાતી પ્રજા વેપારની સાથે સાથે ગુજરાતી હોવાનું અભિમાન પણ જાળવે. કવિની આવી ભાવના ‘આપણે ગુજરાતી’, ‘કોની કોની છે ગુજરાત ?’ અને ‘જય જય ગરવી ગુજરાત’ કાવ્યમાં પ્રગટી છે. ‘આપણે ગુજરાતી’ કાવ્યમાં કવિ ગુજરાતી પ્રજાને આગળ વધવા માટેનો ધ્યેય મંત્ર આપતા કહે છે,-
"હાં હાં રૂડાં રણશૌર્ય દાખીશૂં
હાં હાં ભૂંડા શત્રુ આટી નાંખશૂં
જય જય થતાં લગી જરી ન ઝંપીશૂં
કનક કુટુંબ પ્રાણ સંધુ અર્પીશૂં -
આપણે ગુજરાતી આપણે ગુજરાતી" (પૃ.-૧૨૫)

તો વળી ‘કોની કોની છે ગુજરાત ?’ કાવ્યમાં કવિ પ્રશ્ન કરે છે કે ગુજરાતનું જેમણે ગૌરવ વધાર્યું એવા ઉગ્રસેન, બલરામ, કૃષ્ણ જેવા મહાન વ્યક્તિઓ કે પછી બ્રાહ્મણો, રાજપૂતો વગેરે જ્ઞાતિના લોકોની જ ગુજરાત છે ? કવિ માત્ર આ લોકોની જ ગુજરાત ગણાવતા નથી. તેઓ તો કહે છે,-
"પૂર્વજ જેના જે વળી આજે જન્મથકી ગુજરાતી વદ્યા,
કોઈ રીતની તોપણ ને વળી આર્યધર્મને રાખી રયા,
તેની તેની છે ગુજરાત, 
પછી હોય ગમે તે જાત,
તેની તેની છે ગુજરાત.
વળી પરદેશી બીજા જેને ભૂમિએ પાળી મોટા કર્યા
પરધર્મી પણ હિત ઇચ્છનારા માતતણું તે ભાઈ ઠર્યા,
તેની તેની છે ગુજરાત, 
પછી હોય ગમે તે જાત,
તેની તેની છે ગુજરાત." (પૃ.- ૧૨૪-૧૨૫)

કોઈપણ રૂપે જે ગુજરાતી બોલતા હોય એ સર્વની ગુજરાત છે. એવો ધ્યેય મંત્ર કાવ્યાંતે આપે છે. ગુજરાતની સંસ્કૃતિ અને સંસ્કારને રજૂ કરતું ગીત તે ‘જય જય ગરવી ગુજરાત’. આ કાવ્ય ગુજરાતીના કે ગુજરાત સરકારના મોટાભાગના કાર્યક્રમમાં ગવાય છે. એવી સુંદર રચના છે. આ કાવ્ય કવિએ ‘નર્મકોશ’ ગુજરાતને અર્પણ કરતા રચેલું છે. એમાં ગુજરાતની સંસ્કૃતિને વર્ણવી છે. જુઓ,-
ઉત્તરમાં અંબે માત,
પૂરવમાં કાળી માત,
છે દક્ષિણ દિશમાં કરન્ત રક્ષા, કુંતેશ્વર મહાદેવ,
ને સોમનાથ ને દ્વારકેશ એ, પશ્ચિમ કેરા દેવ-
છે સહાયમાં સાક્ષાત,
જય જય ગરવી ગુજરાત." (પૃ.-૧૨૩)

આ ઉપરાંત બીજા અનેક કાવ્યો દ્વારા કવિએ સ્વદેશાભિમાન અને સ્વતંત્રતાના ભાવને નિરૂપ્યો છે. કવિ નર્મદની ગુજરાત પ્રત્યેની આવી પ્રબળ  ભાવના જોઈ કેટલાક વિવેચકોએ એમની રાષ્ટ્રભાવના વિશે શંકા પણ કરી છે. પરંતુ આ શંકા અસ્થાને છે. ખેર, નર્મદે એમની કવિતામાં આ ભાવને મન મુકીને ગાયો છે.

નર્મદની કવિતામાં બીજો મહત્વનો વિષય શૌર્યભાવ છે. ગુજરાતી સાહિત્યમાં શૌર્યભાવને પ્રગટાવતી રચનાઓ સૌપ્રથમ નર્મદ પાસેથી મળે છે. નર્મદના સમયમાં કુરિવાજો, અંધશ્રધ્ધા, વહેમો વગેરે દુષણો હતા. કવિ નર્મદ યુવાનોનો મસીહા હતો. કવિએ યુવાનોને સમાજ માટે કામ કરવાની હાકલ કરી હતી. સમાજના આ દુષણો સામે યુવાનોમાં શૌર્ય ભાવના જાગે ને અન્યાય સામે આ અવાજ ઉઠાવી શકે એવી  ભાવના એમના અનેક કાવ્યોમાં પ્રગટી છે. આ કાવ્યોમાં ‘ફરી જોબનિયું આપે’, ‘ડગલું ભર્યું કે ના હઠવું’, ‘રણ તો ધીરનું’, ‘સહુ ચલો જીતવા જંગ’, ઝટ ઝટ ચાલોજી’, ‘દેખી દારૂણ દેશીના દૂખ’, ‘ઝટ ડોળી નાખો રે’, ‘ધિ:ક ધિ:ક દાસપણૂં’નો સમાવેશ થાય છે. નર્મદ યુવાનોને હાકલ કરતા કહે છે કે, એકવાર કોઈ કાર્ય કરવા નિર્ધાર કર્યા પછી એમાં પાછી પાની કરવી એ મુર્ખતા ભર્યું છે,-
"ડગલું ભર્યું કે ના હઠવૂં ના હઠવૂં;
વેણ કહાડ્યું કે ના લટવૂં ના લટવૂં." (પૃ.- ૧૪૦)

સમજી વિચારીને ભરેલું પગલું જીવનમાં સફળતા અપાવે જ છે માટે તેઓ આગળ કહે છે કે,- 
"ફતેહ કરીને આગળ વધશૂં, અથવા અહિંયાં મરશૂં;
પણ લીધેલૂં તે પાળીશૂં, રે વજ્જરનું કરશૂં." (પૃ.- ૧૪૦)

કોઈ કાર્યમાંથી પાછા પગલાં ભરવા એ યોગ્ય નથી. અને એવું કરવાથી લોકો હાંસી પાત્ર બને છે. અને એમને ‘બાયલા’ અને ‘નામર્દ’ જેવા વધારાના નામ પણ મળે છે. આથી કોઈપણ કામમાં ઉતાવળ ન કરવાનું અને ધીરવીર બનવાનું કહે છે.-
"રણ તો ધીરાનૂં, નહિ ઉતાવળા કાયરનૂં.
ધીર વીર જે હોય તે જ ખુબ, સંકટ સાંમો થાયે;" (પૃ.- ૧૪૦)

અને વળી-
"જાણિ જોઈ ના સંકટ હોરો, સંકટમાં ના બ્હીઓ;
કહે નર્મદ સહુ ધીરવીર થઈ, જસ લઈ જુગ જુગ જીવો." (પૃ.- ૧૪૦-૧૪૧)

ધીરવીર હોય એ જીવનને સફળતા પૂર્વક જીવી જાણે છે. અને એટલે જ આવા લોકોને કવિ કોઈપણ કામ માટે હાકલ કરે છે.-
"સહુ ચલો જીતવા જંગ, બ્યૂગલો વાગે,
યા હોમ કરીને પડો, ફતેહ છે આગે." (પૃ.- ૧૪૧)

કવિની આ ખ્યાતનામ પંક્તિ છે. કવિ પોતે અને આ કાવ્ય પંક્તિ એકબીજાના પર્યાય બની ચુક્યાં છે. કવિએ પરદેશી પ્રજાઓના ઇતિહાસ વાંચ્યા ને એમનું સ્વાતંત્ર્ય જાણ્યું અને અંગ્રેજોને નિહાળ્યા ત્યારે પરદેશી પ્રજાના સુખ સામે દેશી પ્રજાના દુઃખ જોઈ કવિનું હર્દય કંપી ઉઠે છે,-
"દેખી દારૂણ દેશીનાં દૂખ, નર્મદ દીલ દાઝે છે;
પેખી પરદેશીનાં ઊંચ સૂખ, નર્મદ દીલ દાઝે છે." (પૃ. -૧૪૮)

કવિ આ કાવ્યો દ્વારા પોતાને સુધારાનો સેનાની કહેડાવે છે. અને એટલે જ એમણે પોતાના માટે 'કડખેદ' જેવો શબ્દ પણ પ્રયોજ્યો છે. કવિના શૌર્યભાવના કાવ્યોમાં એમનો 'જોસ્સો' પ્રબળ રૂપે વર્તાય છે.

નર્મદની કવિતામાં સ્વતંત્રતા, સ્વદેશભિમાન, શૌર્યભાવનાની સાથે સાથે ધ્યાન ખેંચતો વિષય જીવન પ્રત્યેનો સંધર્ષ છે. કવિ પોતાને સુધારાનો સેનાની કહે છે. કવિએ આમેય વાસ્તવિક જીવનમાં અનેક સમસ્યાઓનો સામનો કર્યો છે. આથી કહી શકાય કે કવિનું જીવન એટલે સંધર્ષની ગાથા. જીવનમાં અનેક મુશ્કેલીઓ વેઠીને સતત પોતાનો વિકાસ કરતા રહ્યા છે. એમણે નક્કી કર્યું હતું કે ‘પ્રતિષ્ઠાપૂર્વક જીવવું, દ્રવ્યના દાસ ન થવું અને સત્યની સાથે જીવવું.’ જીવનના આ ઊંચા ધ્યેયના કારણે સતત સંધર્ષ વેઠવાનો આવ્યો છે. દરેક વ્યક્તિએ જીવનમાં આવતી તડકીછાંયડીઓ અનુભવવાની હોય છે. ‘તડકાના રંગો કેવા રે’ કાવ્યમાં કવિ જીવનના આકાર સંઘર્ષ સામે ટકી રહેવા જણાવે છે.-
"શીળાને સહુ જન ચ્હાએ, તડકાથી આધા ધાએ;
શૂરો તડકામાં જાએ રે.
દુનિયામાં બહુ બહુ જંગો, એમાં વિધ વિધ છે રંગો;
હારે પણ કરતો ડંકો રે." (પૃ.- ૧૫૨)

આ સંસારનો પંથ તડકાછાંયડાવાળો છે. એમાં અનેક સંકટો આવે. એનાથી કંટાળી ન જઈ કવિ પુરુષાર્થ કરવા વિનવે છે. સંસારમાં સુખની વ્યાખ્યા વ્યક્તિએ વ્યક્તિએ જુદી છે. નર્મદ પોતાના સુખની વ્યાખ્યા 'સુખિયો નર્મદ પૂરો અહીં' કાવ્યમાં આપતા કહે છે,-
"સુખિયો નર્મદ પૂરો અહીં, ઉદ્યમ ઘટતો કરતો સહી;
જરૂરનો પૈસો તે રળે, સંતોષે દહાડા નિર્ગમે.
કુદરત વાડી સારી ધણી, તન ગાડી બે ઘોડાતણી;
કવિતા લાડી નર્મદ રાજ, ખરી મોજ કરતો તે આજ.
કોઈ હોયે હાલે મસ્ત, કોઈ હોયે માલે મસ્ત;
કોઈ હોયે ઇશ્કે મસ્ત, સુખિયો નર્મદ ખ્યાલે મસ્ત." (પૃ.- ૧૫૪)

વિચારોથી પોતાને સુખી માનનારો નર્મદ આ જીવનના તાપથી બચવા મા સરસ્વતીનું નિત્ય શરણ મળે અને એમની લીલાનું નિત્ય ગાન કરતો રહે એવું વરદાન પ્રભુ પાસે માંગે છે,-
"રહું ગાતો પ્રણવ લીલા, તવ પ્રસાદે શારદા;
તું હિ ગુરુ મધ્યસ્થ વરદા, પ્રણવ તવ હારદ સદા.
તું હિ બ્રહ્મા તું હિ વિષ્ણુ, તું હિ શિવ નારાયણ;
ધ્યાનભક્તિ યોગ જ્ઞાને, વિવિધ રૂપે દર્શન." (પૃ.-૧૫૫)

જીવનના સંઘર્ષની સામે નર્મદ ઝૂકતો નથી પણ એમાંય પ્રભુ લીલાનું વર્ણન કરતો રહે અને જીવન પસાર કરતો રહે એવો સંતોષ એમના કાવ્યમાંથી પ્રગટે છે.

કવિએ પ્રકૃતિના તત્ત્વોનું ગાન કાવ્યોમાં મનભરીને ગાયું છે. મધ્યકાલીન કવિતામાં મોટેભાગે ભક્તિ- ધર્મ જ કેન્દ્ર સ્થાને વિષય હતા. પણ નર્મદની કવિતામાં આ ઉપરાંત નવા વિષયોમાં પણ કવિતા રચાઈ છે જે સુધારક યુગની અને કવિ નર્મદની વિશેષતા છે.

નગરમાં વસનાર કવિને સૌથી વધુ આકર્ષણ પ્રકૃતિનું, એના તત્વોનું હતું. એમનું જીવન સુરત - મુંબઈ વચ્ચે પસાર થયું છે. છતાં પ્રકૃતિએ કવિને સાંત્વના પાઠવી છે. જીવનના સંઘર્ષો - તાપની સામે પ્રકૃતિના તત્ત્વોએ એમને ટકાવી રાખ્યા છે. એમના ‘કબીરવડ’, ‘મોગરો’, ‘નર્મદાની શોભા’, ‘સાંજની શોભા’, ‘પ્રભાતિયું’, ‘નર્મટેકરી’, ‘વનવર્ણન’, ‘ચોપાટીની ટેકરી પરથી જોયેલો દેખાવ’ વગેરે પ્રકૃતિકાવ્યોમાં એના તત્વોનું વર્ણન સોળે કળાએ ખિલી ઉઠ્યું છે.

કવિએ પ્રકૃતિની સાથે મૈત્રી કેળવી છે. પ્રકૃતિ જ કવિની પ્રેમિકા છે. અને એ જ કવિને જીવનના દુઃખોમાંથી સાંત્વનાં પાઠવે છે. 'નર્મટેકરી' કાવ્યમાં કવિ કહે છે,-
"મૈત્રી મારે કુદરતતણી, લેણાદેણી મારે ધણી;
કુદરત મારી છે માશૂક, એથી પૂરૂં પામૂં સુખ.
બહુ ગભરાઊં દુનિયાંથકી, એકાંતે જઈ બેસૂં નકી;
કુદરતકેરા કરૂં વિચાર, વિસરી જાઊં દુખને યાર." (પૃ. ૧૫૮)

કવિને 'નર્મદાની શોભા' કાવ્યમાં નદીની સાંજની શોભા રળિયામણી લાગે છે. પવન પણ જાણે વાદળી પાણી થઈને વહી રહ્યો હોય એવું અનુભવાય છે. કવિ નદીના પ્હોળા પટ્ટની પ્રૌઢ નાર સાથે સરખામણી કરે છે,-
"હાંરે પાણી જોરમાં ઉછાળા નોતૂં મારતૂં;
હાંરે પ્હોળા પટ્ટથી દેખાતી પ્રૌઢ નાર તૂં." (પૃ.- ૧૬૫)

તો વળી 'સાંજની શોભા' નામક કાવ્યમાં સાંજના સૂર્યાસ્ત પછીના ગામના નયનરમ્ય વાતાવરણની કલ્પના મનહર છે,-
"હાંરે બાવળ ઝાડિમાંથી સૂર્ય-અસ્ત જોઈને;
હાંરે સિંદુર રંગથી ન કેમ રહું મોહિને-હોજીરે." (પૃ.૧૬૮)

આ કાવ્યમાં કવિએ સાંજની શોભાનું આબેહૂબ ચિત્ર ખડું કર્યું છે. પ્રકૃતિ કાવ્યમાં કવિની આ વિશેષતા છે. નર્મદનું જ નહીં પણ ગુજરાતી સાહિત્યનું જે અનન્ય પ્રકૃતિકાવ્ય છે તે 'કબીરવડ'માં કવિએ અલંકારો દ્વારા કબીરવડની શોભાને વર્ણવી છે. વર્ષોથી તે નદીની પડખે અડગ ઊભો છે,-
"ભુરો ભાસ્યો ઝાંખો, દુરથિ ધુમસે પ્હાડસરખો,
નદી વચ્ચે ઊભો, નિરભયપણે એકસરખો;
દિસ્યો હાર્યો જોધ્ધો, હરિતણું હૃદે ધ્યાન ધરતો, 
સવારે એકાંતે, કબિરવડ એ શોક હરતો." (પૃ.- ૧૬૫)

કવિએ પ્રકૃતિકાવ્યોમાં અલંકારો અને રૂપકોનો ભરપૂર વિનિયોગ કર્યો છે. એના દ્વારા એમની કલ્પના શક્તિનો પણ પરિચય મળી રહે છે.

'પ્રેમશૌર્ય' જેમનું ઉપનામ છે એવા નર્મદે પ્રકૃતિની સાથે પ્રણયની સંવેદનાઓને પણ વ્યક્ત કરી છે. આથી એમણે પોતાના ઉપનામમાં પણ 'પ્રેમ' શબ્દ પ્રયોજ્યો છે. મધ્યકાલીન સાહિત્યમાં પ્રેમની કવિતા મળે છે પરંતુ એમાં ઈશ્વરીય પ્રેમ વ્યક્ત થયો છે. જ્યારે કવિની રચનાઓમાં શુદ્ધ પ્રેમના કાવ્યો સાંપડે છે. કવિનો પ્રેમ અજોડ છે. કવિએ વ્યક્તિ સાથે નહીં પણ કવિતા સાથે પ્રીતિ બાંધી છે. -
"મિઠી કવિતા મેં તૂજસૂં, પૂરણ બાંધી પ્રીત;
સુખ આપ દુખ આપ વા, હું ત્હારે વશ નીત." (પૃ.-૧૭૨)

કવિતાએ નર્મદને ખૂબ પ્રેમ-આનંદ આપ્યો છે. 'સખી રૂઠયો છે આજ રસિક સામળો જો' કાવ્યમાં પ્રિયતમ રિસાયો છે. અને એનું દુઃખ પ્રિયતમાને છે. આથી તો રોજ ઠંડક આપતો ચંદ્રમા પણ પ્રિયતમાને દાહ આપે છે. કવિનો આ રમણીય કટાક્ષ તો જુઓ,-
"સખી ચંદ્ર મને આજ બાળે છે બહૂ જો;
સજન સાથ સહિયર મ્હાલતી હશે સહૂ જો." (પૃ.- ૧૭૩)

કવિને પ્રિયતમાંથી જુદાં પડવું ગમતું નથી પણ સમયના કારણે એવી પરિસ્થિતિ આવે છે. ત્યારે ફરી મળવાના સંજોગ આવે કે ન આવે. એટલે પ્રિયતમા કવિ પાસે સંભારણા રૂપે છબી માંગે છે. વિરહની આ ઉત્કટ પળ 'નર્મદ આખરે જુદાઈ જ' કાવ્યમાં વ્યક્ત થઈ છે,-
"નર્મદ આખરે જૂદાઈ જ, મળો સુખ યા નહીં;
તારે કરવો શો ત્હારે શોક, જાવૂં એક દી સહી." (પૃ.-૧૭૬)

અને આ પ્રિયતમાથી જુદા પડવું એ કવિ માટે ભૂંડું દુઃખ છે.-
"જુદાઈ દર્દ એવું ભૂંડૂં રે,
મારવાથી છુટૂં કેમ આ સહૂ. - છે જુદાઈ દર્દ એવું." (પૃ.- ૧૭૭)

અને છેલ્લે કવિ પ્રભુને વિનવણી કરે છે કે હવે તું રૂડા દિવસો દેખાડ,-
"પ્રભુ રુડા દિવસ દેખાડ, માનું હૂં પાડ, નાડ ફરી ચાલે;
ધમ ધમ ધમ લોહી વેહ, ઇશકડો મ્હાલે" (પૃ.- ૧૭૭)

કવિના જીવનમાં ફરી પાછો પ્રેમ પ્રગટે એવી ભાવના અહીં વ્યક્ત થઈ છે. આમ, કવિના પ્રણયકાવ્યોમાં પ્રણયની મસ્તીને એની નજાકત સાથે નિરૂપાઈ છે. 

કવિએ અધ્યાત્મનો ભાવ એમની અનેક કવિતામાં નિરૂપ્યો છે. જીવન સંઘર્ષમય છે. અને આ સંઘર્ષમાંથી નાશીપાસ થવાનો સમય આવે ત્યારે જીવનમાં ફરી નવો ઉત્સાહ પુરવાનું કામ અધ્યાત્મ કરે છે. કવિએ કવિતા લેખનની શરૂઆત ધીરા ભગતના પદોના પ્રભાવમાં આવીને કેટલાક પદ રચ્યા હતા. પરંતુ ત્યારે પછીની એમની કવિતામાં એક જુદો જ અધ્યાત્મ ભાવ નિરૂપાયો છે. 'બ્રહ્મ સત્ય જગત મિથ્યા' આ ભારતીય દાર્શનિક વિચાર એમની કવિતામાં છે.-
"એક બ્રહ્મને મૂકી દઈને ભ્રમ કાં ભજીયે બેના;
બ્રહ્મ ધામના રંગ જ ન્યારા પાપ અરણ્યે શેના." (પૃ.- ૧૮૧)

જીવ એ જ શિવ છે. પરબ્રહ્મ છે. પરંતુ એ શિવ કેમ થતો નથી. એની વાત કરતા કવિ કહે છે.-
"જીવ શિવ કેમ થાએ કેમ થાએ, 
તુજ અંતરમળ ન ધુવાય,
તુંથિ બાહ્ય ભેખ ન તજાય," (પૃ.- ૧૮૧)

ભક્તિ તો માણસને મુક્તિ આપે, આનંદ આપે છે. જે દુઃખ આપે છે તે ભક્તિ કદાપિ ન હોઈ શકે,-
"ખરી ભક્તિ તો સાયુજ્ય મુક્તિ આપે. 
બિજાં જે સાધન બહુએ,
વિરસ તે દે દુખ સહુએ,
(પણ) કરિ રસમય મનડું એ,
સંકટ સર્વ કાપે કાપે - મુક્તિ આપે." (પૃ.- ૧૮૩)

આમ, કવિ પાસેથી જીવ, શિવ, પરબ્રહ્મ, મોહ-માયા, ભક્તિ જેવા ભાવો કાવ્યમાં નિરૂપાયા છે.

કવિને જીવનમાં અનેક કડવા અનુભવો સ્વજનો- મિત્રો પાસેથી થયા હતા. એમનું મિત્ર મંડળ ખૂબ મોટું હતું. એમના સહારે તેઓ સમાજમાં સુધારાનું કાર્ય કરતાં. પણ જેમને નજીકના મિત્રો માન્ય હોય અને એ લોકો જ અંત સમયે દગો કરે એવા અનેક બનાવો ( જદુનાથ સાથે વૈષ્ણવ ધર્મની ચર્ચા કરવાનો પ્રસંગ હોય કે દલપતરામ સાથે કવિતા પઠનનો પ્રસંગ હોય.) કવિના જીવનમાં બન્યા હતા. એટલે એમને દુનિયાદારી પર વિશ્વાસ રહ્યો નોહતો. આ સંવેદનામાંથી ‘દુનિયાં જૂઠાંની જૂઠાંની’, ‘નર્મદ આખરે ધૂળેધૂળ’, ‘શો જુલમ આવડો’, ‘નવ કરશો કોઈ શોક’ જેવા કાવ્યો રચાયા છે. 

સત્યની પડખે રહેનાર નર્મદે જીવનમાં અનેક ઉતારચઢાવ જોયા હતા. અસત્ય અને પાખંડી લોકોને લાભ પામતા અને માન-મોભો પામતા જોયા હતા એટલે એનો અંતરાત્મા પોકારી ઉઠે છે.-
"દુનિયાં જૂઠાંની જૂઠાંની એ અનુભવ વાત પ્રમાણી, 
સ્વારથિયાને પાસે રાખે, પરમાર્થીને કહાડે;
ખરા સ્નેહીને નિત રડાવે, કપટીને તો હસાડે.
જેને ખોળે માથું હો એ, તે તેને ઝટ કાપે;
જેને વચને છાતી સોંપી, તે નિજ વચન ઉથાપે." (પૃ.- ૧૮૮)

જીવનના આ વિપરીત અનુભવમાં  પણ પોતાને સ્વસ્થ રહેવાનું કહે છે. આ જીવનમાં સત્યનું નહીં અસત્યનું મહત્વ છે,-
"નર્મદ આખરે ધૂળેધૂળ, શાને થાયે આકળો?
સાચૂં નિત્યનૂં અહિંયા ન કાંઈ, અંતે સંઘે છે સળો" (પૃ.- ૧૮૯)

સત્યની સાથે રહેવાથી કવિને અનેક જુલમો સાહેવાનો વારો આવ્યો છે તેનો એકરાર 'શો જુલમ આવડો' કાવ્યમાં કવિ કરે છે.-
"શો જુલમ આવડો, થાય છે મુજપર, સત્યથી ચાલતાં રોજ રોજ;
નીતિનો ટેક હૂં, રાખી રોજે રહૂં, તોય વેઠૂં બહૂ દુઃખબોજ" (પૃ.- ૧૮૯)

જીવનની આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા અને એમના સાચા મિત્રો માટે સંદેશ કાવ્ય 'નવ કરશો કોઈ શોક' રચ્યું છે,-
"નવ કરશો કોઈ શોક-રસિકડાં, નવ કરશો કોઈ શોક.
યથાશક્તિ રસપાન કરાવ્યું, સેવા કીધી બનતી.
પ્રેમિ અંશને રુદન આવશે, શઠ હરખાશે મનથી.
...   ...   ...
હરિકૃપાથિ મમ લેખચિત્રથી, જીવતો છઊં હુ દમથી.
વીર સત્ય ને રસિક ટેકિપણું, અરિપણ ગાશે દિલથી.
...     ...      ....
જગતનીમ છે જનમ મરણનો, ર્દઢ રહેજો હિંમતથી.
મને વિસારી રામ સમરજો, સુખિ થાશો તે લતથી." (પૃ.૧૯૦)

આમ, નર્મદની કવિતા અવનવા વિષયો, એની નિરૂપણ રીતિને કારણે દલપતરામ અને મધ્યકાલીન સાહિત્ય કરતા નોખી પડે છે. એમની કવિતાએ જે પગરણ માંડ્યા તે પછીના સર્જકો માટે પણ અનુકરણીય છે. આ સંદર્ભમાં રમેશ મ. શુક્લનું આ વિધાન - "કવિતા વિશેની સમજણ નર્મદની નરવી, ગરવી અને ભવિષ્યની કવિતા માટે અનુસરણીય તે પણ નરસિંહરાવ આદિથી વિકસતી રહેલી કવિતાએ પ્રતીત કરાવ્યું છે." (પૃ.- ૧૧) સત્ય છે. આ અર્થમાં નર્મદની કવિતા અર્વાચીન કવિતાનું પુષ્પ છે.

સંદર્ભગ્રંથો :

  1. નર્મદની કવિતા- રમેશ મ. શુક્લ, પાશ્વ પબ્લિકેશન અમદાવાદ.
  2. અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ- રમેશ ત્રિવેદી, આદર્શ પ્રકાશન અમદાવાદ.
  3. ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ- ગુજરાતી સાહિત્ય પરિષદ અમદાવાદ.
  4. નર્મદઃ એક સમાલોચના- રમેશ મ. શુક્લ, પાશ્વ પબ્લિકેશન અમદાવાદ.


ડૉ. જિજ્ઞેશકુમાર એમ. ઠક્કર, અઘ્યક્ષ, ગુજરાતી વિભાગ, એમ. એન. કૉલેજ વિસનગર. મો. 9824299594 ઇમેલ- jigthak88@gmail.com