‘બાબાસાહેબ આંબેડકર અને દલિત સાહિત્ય’- આ વિષય પસંદગીનું મુખ્ય કારણ એ જ કે, દલિત વિષયક ગુજરાતી સાહિત્યમાંથી પસાર થવાને બદલે ક્યાંય સુધી બસ ત્યાં જ અટકી જવાયું. માનવીની નિષ્ઠુરતા હદપાર પહોંચી ગઈ છે એનો ખ્યાલ તો સમાચારપત્રોમાંથી મળી જ આવે છે પણ તે સરહદપાર પણ પહોંચી ગઈ છે, તેનો ખ્યાલ દલિત સાહિત્યમાંથી મળે છે. પછી તે, બંગાળી, હિન્દી, ગુજરાતી, મરાઠી, તેલુગુ, મલયાલમ કે કોઈ પણ ભાષાનું દલિત સાહિત્ય કેમ ન હોય! આજની માનવજાતને અતિસફળ કે પૃથ્વી પરની સૌથી સફળ જાતિ અવશ્ય કહી શકાય પણ જ્યાં સુધી તે માનવતાને મહેકાવી ના દે ત્યાં સુધી તે ‘મહાન’ તો ન જ કહેવાય. અને મહાન બનવા માટે ‘Out of the box’ કાર્ય કરવું જરૂરી નથી. બીજા લોકોને ‘માનવી’ તરીકે અપનાવી લઈએ તો પણ પૂરતું છે.
મહારાષ્ટ્રમાં જ્યોતિબા ફૂલે, દક્ષિણમાં રામાસ્વામી પેરિયાર, ઉત્તરપ્રદેશમાં ઝંડુદાસ અને ગુજરાતમાં ગાંધીજી જેવા પુરુષોએ દલિત ચેતનામાં ફાળો આપ્યો. રઘુવીર ચૌધરીના મતે, ‘દલિત સાહિત્ય એટલે સાચું કહેનાર સાહિત્ય.’ દલિત સમાજને પોતાની આગવી જીવનશૈલી, સંસ્કૃતિ અને જીવનમૂલ્યો છે. તેમણે અધૂરપો નહીં પણ મધુરપોને સાહિત્યમાં ધબકતી રાખી છે. સમાજમાં આવતા પરિવર્તનોની અસર સાહિત્ય ઉપર પડે જ પડે! ગુજરાતી દલિત સાહિત્યના પ્રેરક બળોમાં બાબાસાહેબના વિચારો, મરાઠી દલિત સાહિત્યનો સંપર્ક, બ્લેક લિટરેચર અને ૧૯૮૧ના અનામત વિરોધી હુલ્લડો મુખ્ય છે. દલિત સાહિત્યને ન માત્ર સાહિત્યમાં પરંતુ જાહેર ચર્ચા, સામયિકો અને સેમિનારમાં પણ સ્થાન મળ્યું છે. આજે દલિત સાહિત્ય મુખ્ય ધારા બની રહ્યું છે.
દલિત સાહિત્ય એ ચોક્કસ વિચારધારાને વરેલું સાહિત્ય છે અને તે વિચારધારા એટલે ડૉ. બાબાસાહેબ આંબેડકરની વિચારધારા. આંબેડકર સંસ્કૃતિ માનવને ઈશ્વર તરફ નહિ પણ માનવ ને માનવ તરફ લઇ જનારી સંસ્કૃતિ છે. આ સંસ્કૃતિ વર્ણવિહીન, જાતિવિહીન અને પેટાજાતિ વિનાની સંસ્કૃતિ છે. દલિત સાહિત્યમાં જનમનરંજન અર્થે કશું હોતું નથી. એમાં નક્કર વિચારસરણી હોય છે. આંબેડકર માત્ર ભારતીય સંવિધાનના નિર્માતા નથી, એક મહાન વિચારક પણ છે. તેમના વિચારો માત્ર તેમના વિશાળ વાચનને આધીન નથી પરંતુ અનુભવ આધારિત પણ છે.
દલિતોના મસીહા એ ૧૯૫૬માં આકસ્મિક વિદાય લીધી ત્યારે ઊંડા શોકમાં ગરકાવ થયેલ દલિત પ્રજા શોકાંજલિ રચી અને તે પણ શબ્દોરૂપી શોકાંજલિ. એક વાત એ પણ નોંધવી જ રહી કે, અમુક કામદાર અને અશિક્ષિત એવા દલિતજનોની અભિવ્યક્તિમાં કવિતાની છાંટ ભલે ઓછી હોય પણ આરપાર ભીંજવી દેતી લાગણી અને સચ્ચાઈનો રણકો અવશ્ય હતો. અનુઆધુનિકતા વાદ મુખ્યત્વે ત્રણ વાદને આવરી લે છે- દેશીવાદ, દલિતવાદ અને નારીવાદ.
દલિત સાહિત્યમાં યશકલગી સમાન દલિત કાવ્યરચના ‘આંતર વેદના’ થી શરૂઆત કરીએ જે આપણને શ્રી મનોર જીવરામ ગાંગેરા પાસેથી મળે છે.
“આ દેહ માનવનો મળ્યો તેથી અતિ હરખાઉં છું,
આભડછેટના ઘબરાટમાં હું અંતરે અકળાઉં છું”
અનેક દલિત કવિઓએ દલિત જીવનને રૂંધતી અને અવરોધતી અવદશા સામે અવાજ બુલંદ કર્યો છે. હરીશ મંગલમ ‘Replace થશે’ રચનામાં વેધક પ્રશ્ન પૂછે છે- ‘…પણ આપણું લોહી ક્યારે Replace થશે?’ કવિને ધસમસતું લોહી મંજૂર છે, જેમાં તેમને પરિવર્તનનો અણસાર જણાય છે. જો કે, આ વેદના માત્ર તેમની જ નથી. આઝાદી પૂર્વેથી દલિત ચળવળ સાથે સંકળાયેલા બબલદાસ ચાવડા પોતાની કવિતા ‘ઢ ને કંઈ નહિ ઢ’માં ‘ઢ’ની આકારગત સરખામણી ઝેરી નાગ સાથે કરે છે. તેમજ, એ દ્વારા દલિતોને તાકાતમાં ઓછા ન આંકવા કહે છે.
“વાંકોચૂકો ‘ઢ’
કાળોતરા નાગની ફેણ જેવો!
અને જોતાં જ ચમકારો થાય!
વીજળીનો કરંટ લાગે!”
આ સિવાય, કવિ બ્રહ્મ ચમાર ‘માંડી વાળ્યું’ રચનામાં આત્યંતિક રીતે પોતાની વાતને મૂકી આપે છે. અસ્પૃશ્યતાની વિકૃતિથી ભગવાનનો ભાવ પણ બદલાય જાય તો વળી ઉજળિયાત પ્રજાનું તો પૂછવું જ શું? તેમની કવિતા જોઈએ-
“મને
કાલે
ભગવાન પ્રસન્ન થયેલા!
નામ પૂછ્યું
મેં કહ્યું, ‘બ્રહ્મ’
મારી સામે એકીટશે જોઈ રહ્યા
અને પૂછ્યું ‘કેવા છો?’
મેં ખુમારીથી કહ્યું ‘ચમાર’
ભગવાન ગાયબ થઈ ગયા!
ત્યારથી
મેં
મંદિરમાં જવાનું
માંડી વાળ્યું!”
દલિત સાહિત્યની વાત નીરવ પટેલના ઉલ્લેખ વિના અધુરી અધુરી જ લાગે. નીરવ પટેલનું મૂળ નામ સોમો હીરો ચમાર હતું. પોતીકા માણસો વચ્ચે અનુભવાતું એકાકીપણું તેમની કવિતાનો આશ્ચર્યકારક અંશ છે. બહિષ્કૃત ફૂલોમાંનું જ એક ફૂલ તે આ કવિ. તેઓ અંગ્રેજી સાહિત્ય સાથે અનુસ્નાતક થયા છે અને ગુજરાતીમાં પણ ઘણા ઉત્તમ અછાંદસ કાવ્યસંગ્રહો આપ્યા છે. એમાંનો એક ઉત્તમ સંગ્રહ તે- ‘બહિષ્કૃત ફૂલો.’ આ કૃતિમાં કુલ ૬૨ રચનાઓ છે. કવિ કહે છે કે, શિક્ષણે જ જ્ઞાન આપ્યું કે, ‘હું અસ્પૃશ્ય છું.’ આ પુસ્તકનું મુખપૃષ્ઠ કાળા રંગ વચ્ચે એક સફેદ ફૂલને આવરી લે છે. એ પરથી અનુમાન બાંધી શકાય કે, કવિને આશા છે કે, દલિતોના જીવનમાં વ્યાપેલો અંધકાર દૂર થશે અને તેઓ પણ સમાજની મુખ્ય ધારામાં સ્વમાનભેર આવી શકશે.
સમાનતાનો સંદેશ આપવા માંગતા નીરવ પટેલે તેમના એક અંગ્રેજી કાવ્યસંગ્રહમાં કેપિટલ આઈને પણ બધે સ્મોલ જ રાખ્યો છે. દલિત કવિઓનો લાડકો આ કવિ પોતાની એક રચના ‘દાદા આંબેડકરના સંતાન’માં કહે છે-
“ગુરુદક્ષિણાની તારી કુટિલ દાનત જાણી ચૂકેલા
મારા મનુને ઓક્સફર્ડ,
અને મારા કૌટિલ્યને કેમ્બ્રિજમાં જવા દે
પછી તને રચી આપશે ન્યાયી સ્મૃતિઓ
ને નવલાં શાસ્ત્રો’
આ કવિ પાસે વાસ્તવબોધની મૂડી છે. ભુખ અને દુ:ખની વ્યથામાં જન્મેલા કવિ ‘અભણ હોત તો સારું’માં કહે છે-
‘વિજ્ઞાન ભણતા ભણતા
ન્યૂટનનું સફરજન પડતું જોઈને
મને પહેલો વિચાર
એને ખાવાનો આવ્યો હતો’
આપણે જાણીએ છે કે, મધ્યયુગમાં અંધશ્રદ્ધા, ભૂત-પ્રેત, ટીલાં ટપકાં, જાદુઈ કરામતો જેવા પાખંડને લીધે સાહિત્ય પર બ્રાહ્મણોનો ઈજારો હતો અને એટલે જ મધ્યકાળ ‘અંધકાર યુગ’ પણ કહેવાય છે
એક દલિત યુવતી આઈ.એ.એસ થયા પછી જિલ્લા કલેકટર જેવું ઉચ્ચ પદ મેળવે છે. પરંતુ પ્રમાણિકતાથી કામ કરવા બદલ તેને જ્ઞાતિગત ઘણું સહન કરવું પડે છે. તે સરકાર અને સમાજ એમ બેવડી હેરાનગતિનો ભોગ બને છે. તે બધાની સામે ઝઝૂમે છે. આ વાતને વિઠ્ઠલરાય શ્રીમાળી ‘શૈલબાળા- આઈ.એ.એસ’ માં આવરી લે છે. દલપત ચૌહાણ ‘ભેદભાવનો ભૂંસનાર’ નામક નાટકમાં બાબાસાહેબ આંબેડકરના જીવનના પ્રસંગો, મહાડ તળાવ સત્યાગ્રહ, પુનાકરાર અને બંધારણનો સ્વીકાર વગેરે બાબતોને આવરી લીધી છે.
વાત જયારે દલિત સાહિત્યની હોય તો ‘પૂર્ણસત્ય’ને કેમ ભૂલી શકાય? બી. કેશરશિવમની આત્મકથા-કમ-સંવેદનકથા કેનેડાના ટોરેન્ટોની યોર્ક યુનિ.ના અભ્યાસક્રમમાં છે. અને બે ભાગમાં વહેંચાયેલી આ કૃતિનો અંગ્રેજી અનુવાદ ગીતા ચૌધરીએ કર્યો છે. આત્મકથાકારનું નામ મૂળે ભીખા શિવા જાદવ છે પણ તેઓ પોતાને બી. કેશરશિવમ તરીકે ઓળખાવે છે- બી એટલે બી. આર. આંબેડકર, કેશર એ તેમના માતાનું નામ છે અને શિવમ્ એ તેમના પિતાનું નામ છે. તેઓ આ કૃતિમાં વિદ્રોહી સૂર પ્રગટ કરી શક્યા હોત પણ તેમણે એકમાત્ર દલિત હોવાના કારણે ઘણું વેઠયું છે છતાં તેમની વાણી સંયમી છે. આ કથામાનું વર્ણન વાંચીને આપણને ખબર પડે છે કે, ગુજરાત બહાર કે ગુજરાતમાં પણ ભાગ્યે જ જોવા મળતા સિંહોની જેમ આજે સહાનુભૂતિ પણ ખતરામાં આવી ગઈ છે. કૃતિના પ્રથમ ભાગમાં સર્જકે બાળપણ અને અભ્યાસકાળના પ્રસંગોને આવરી લીધા છે તો બીજા ભાગમાં તેમના વ્યવસાય કાળની વાતને આલેખી છે. બીજો ભાગ નીરસ બનતો લાગે એ બનવાજોગ છે પરંતુ ક્યાંય તેમનો ચિત્કાર મંદ પડ્યો નથી. સર્જક નોંધે છે કે, એક પરંપરાગત અછૂતપણાના શાપ સિવાય એમનો પરિવાર બધી રીતે સંપન્ન હતો. હૃદય સોંસરવી ઉતરી જતી આ કૃતિ સવર્ણોની ચેતનાને ઢંઢોળે તો ઘણું. સર્જકના પિતાને દારૂ-માંસના સેવનની બૂરી આદત હતી જેથી સર્જકને નાનપણથી બે પૈંસા કમાવવા મજ્રૂરી કરવી પડે છે અને માતા પણ કાળી મજૂરી કરતા. દીકરાને આવું કામ કરતો જોઇને પિતાને જીવ તો બળતો પરંતુ તેઓ તેમની લતને છોડી ન શક્યા.
જ્યાં પોલ સાર્ત્રએ એમની છ વર્ષની ઉંમરના તત્કાલીન સમાજનું નિરૂપણ કર્યું છે તેમ અહીં પણ સર્જક તેમની છ વર્ષની ઉંમર વખતના સમાજને ચીતરે છે. તેઓ કહે છે, અમને ભણવાની બંધી, કથા સાંભળવાની બંધી, સારા કપડાં પહેરવાની બંધી, જૂતાં પહેરવાની બંધી… ક્યાંક તો હવાડા કે તળાવમાંથી પાણી લેવાની પણ બંધી, કદાચ ઢોર અભડાઈ જાય! અરે રે! આપણે ક્યાં જઈ રહ્યાં છે? યુવાનીની સાર્થકતા રફતારના રોમાંચમાં કે બળના બિનજરૂરી પ્રદર્શનમાં નથી. આપણા દેશને મહાસત્તા બનવું હશે તો સૌપ્રથમ જાતિગત દુષણોમાંથી બહાર આવવું પડશે. આપણે આ દિશામાં કામ કરવાનું છે. આ કૃતિના મુખપૃષ્ઠ પરનું ચિત્ર પણ ઘણું સૂચક છે. ઝેરી નાગ અને આંખોમાંથી આંસું પાણી નહિ, પણ લોહીરૂપે વહે છે. અસ્પૃશ્યતારૂપી ઝેર ફેલાઈને દલિતોની આંખમાંથી લોહી વહેવડાવે છે. લેખક કહે છે કે, ‘નાગને તો મોઢામાં ઝેર હોય છે જયારે માણસને તો રૂંવાડે-રૂંવાડે ઝેર હોય છે.’
બી. કેશરશિવમને મામલતદારનું લેબલ મળે છે પણ દલિતપણાનું લેબલ પીછો છોડતું નથી. તેઓ કોઈ પણ રીતે દલિતને સહાય કરવા સદાય તત્પર રહે છે. ડૉ. આંબેડકરે આવકનો ૨૦મો ભાગ સમાજ માટે વાપરવાની સલાહ આપી હતી, તેનો પણ લેખક દિલથી અમલ કરે છે. હવે, આ આત્મકથામાં ઉલ્લેખિત અમુક વિધાનો જોઈએ અને એ વાંચીને પણ જો આપણને ફેર ના પડે તો આપણે કેટલી હદે સંવેદનહીન છે, એ સાબિત કરવા કોઈ મેડિકલ ટેસ્ટની જરૂર નથી.
પ્રશ્ન એક જ થાય છે કે, We got freedom at midnight but the point of consideration is, did we enjoy dawn till now?
આ ઉપરાંત, જોસેફ મેકવાન,પ્રવીણ ગઢવી, મોહન પરમાર, પી.કે વાલેરા, દશરથ પરમાર, પથિક પરમાર, દિનુ ભદ્રેસરિયા, અરવિંદ વેગડા, રાઘવજી માધડ, અમૃત મકવાણા, મધુકાન્ત કલ્પિત, યશવંત વાઘેલા, વિઠ્ઠલભાઈ શ્રીમાળી, બબલદાસ ચાવડા, મહેન્દ્ર દેસાઈ… જેવા અનેક સર્જકોએ અનેક સ્વરૂપો થકી દલિત સાહિત્યને સમૃદ્ધ કર્યું છે. ‘શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો… તમારા સાહિત્યસર્જન દ્વારા ઉદાત્ત જીવન મુલ્યોને સાંસ્કૃતિક મૂલ્યોનો વિકાસ કરો.’- આ આંબેડકરીય વિચારધારાને ન્યાય આપીને તેઓ સર્જન કરી રહ્યાં છે.
બાબાસાહેબ આંબેડકરે ‘બહિષ્કૃત હિતકારિણી સભા’ તેમજ ‘બહિષ્કૃત ભારત’ નામક સામયિક શરૂ કર્યું હતું. તેઓ અસમાનતા ઉપરાંત નાયકપૂજાના પણ સ્પષ્ટ વિરોધી હતા. તેઓ માનતા કે, નાયકપૂજા સરમુખત્યારશાહીને જન્મ આપે છે. ઇતિહાસકાર રામચંદ્ર ગુહાએ એક જગ્યાએ લખ્યું છે- આંબેડકરે એ સમયે ગાંધી, નહેરુ, અને સરદાર માટે અંધશ્રદ્ધા જોઈ હતી. જાતિ વ્યવસ્થા માત્ર કામનું નહીં પણ કામ કરનારનું પણ વિભાજન કરે છે. તેમણે રજૂ કરેલા હિંદુ કોડ બીલમાં પ્રથમવાર મહિલા સશક્તિકરણની વ્યાખ્યા કરવામાં આવી. માત્ર દલિતોદ્ધાર માટે જ નહિ પણ રૂઢીવાદી સમાજમાંથી બહાર નીકળીને મહિલાઓ આજે જે સ્વંતત્રતા ભોગવી શકે છે, તેમાં પણ તેમનું યોગદાન સ્મરણીય છે. દલિત કૃતિઓના વાચન-લેખન કે સેમિનાર યોજવા માત્રથી કંઈ ફેર પાડવાનો નથી. એકાદ ટ્વીટ, લાઇક કે કોમેન્ટથી દેશ બદલાતો નથી. બાબાસાહેબ આંબેડકરે કહ્યું હતું કે, બંધારણ ગમે તેટલું મહાન કેમ ન હોય તેનો આધાર તેનું પાલન કરનારા લોકોની નિયત પર છે. એ ન્યાયે, પહેલા આપણે વિચાર કરવાની અને સજાગ બનવાની જરૂર છે.
આઝાદીના આટલા વર્ષો બાદ પણ આપણા દેશના નાગરિક સાથે આવો ભેદભાવ કે આવો અમાનવીય વ્યવહાર કેમ? આપણે કોઈ સત્સંગમાં જઈએને પાણીનું પાઉચ કે પાસ ત્યાં જ ફેંકી આવીએ એમ ઉપદેશ પણ ત્યાં જ ફેંકી આવીએ છીએ. બાકી, આટલા આદર્શોની વાત કરતા ભારત દેશમાં આવું કેમ? વિશ્વના દેશ માટે કે દેશની પ્રજા માટે જેટલું કરી શકાય એનાથી ય વધુ કરી જનાર મહાપુરુષોમાંના એક તે, બાબાસાહેબ આંબેડકર. તો શું તેમને ‘રાષ્ટ્રપુત્ર’નું બિરુદ ન આપી શકાય? જો કે, રાષ્ટ્રને ઘડનારા યુગપુરુષો દ્વારા પણ પોતાનો રોટલો શેકતા રાજકારણમાં આ વાત ઉખેડવા જેવી નથી.
દલિતકોમની વેદના, વ્યથા કે વલવલાટને આપણે વાંચી તો શકીશું પણ જયારે અનુભવી શકીશું ત્યારે ખરું કહેવાય! દલિત સાહિત્યના ગહન અભ્યાસ થકી જ ખબર પડે કે, શા માટે સાહિત્યની એક ધારા દલિત સાહિત્ય પણ છે? શ્રી ભરત વિંઝુડા કહે છે તે અહીં પણ લાગુ પડે છે-
“હજી તો સંભળાવી છે ફક્ત પ્રસ્તાવના તમને,
હજી પણ ક્યાં કહી છે અહીં કોઈ કથા તમને?”
સંદર્ભસૂચિ: