Included in the UGC-CARE list (Group B Sr. No 172)
લઘુકથા
ભગવાનને સારું થઇ જશે

નરભેરામ સવારના પૂજામાં બેસી જતા કે બાજુમાં તેમની પૌત્રી છવી પણ સાથે જ ગોઠવાઇ જતી. પૂજારત દાદાજીને તાકી રહેતી. શ્રીનાથજી સંમુખ પ્રથમ દીવો પ્રગટતો, અગરબત્તી સળગાવાતી, ચંદનનો ચાંદલો પ્રથમ શ્રીનાથજી ભગવાનને પછી સ્વયંને થાતો. પુષ્પ ને ફળ ધરાવવામાં આવતા.

અગરબત્તી સુગંધ ફેલાતી રહે. ટકોરી વાગતી રહે ને દાદાજી મંત્રો ને શ્લોકો ને એવું એવું બોલતા રહે. છવીને આ જોવામાં રસ પડતો. એ તલ્લીન થઇ જતી. ક્યારેક ખુશીથી ટકોરી પણ વગાડી લેતી. અલબત્ત, મજા બહુ લાંબી ન ચાલે. એનું મન તો પ્રસાદમાં જ રહેતું. પૂજા પૂરી થયે એની જ રાહ હોય. પણ એમ થતા તો વાર લાગતી. પ્રાર્થના જલ્દીથી પૂરી થાય નહિ એથી એ વારંવાર બહાર જતી – આવતી રહેતી.

દાદાજી બહાર નીકળીને સાકર – શીંગદાણાની પ્રસાદી ધરતા. ગળ્યું દૂધ એના મનમાં આવતું પણ એને મળતું નહિ. દાદાજીન હોય ત્યારે એ પૂજાના ખંડમાં જોઇ લેતી. વાટકો તો મોટે ભાગે ખાલી જ પડ્યો હોય. એક વાર એણે દાદાજીને પૂછેલુંય ખરું. દાદાજીએ કહેલું, ‘ એ તો શ્રીનાથજી ભગવાન પી જાય.’ નરભેરામ પૂજાપાઠ કરતા અને ભગવાનને ધરાવેલું દૂધ પૂજા પૂરી થયે પોતે જ પી જતા. દૂધ કાચું જ ધરાતું ને એ છવીને આપવાની એની મમ્મીની મનાઇ હતી. વરસોની આદત પડી ગયેલી ને એમાં કોઇ અંતરાય આવ્યો નહિ.

છવીના આશ્ચર્ય વચ્ચે દૂધનો વાટકો આજે ભરેલો જ પડ્યો હતો – જયારે એ પૂજાના ખંડમાં પ્રવેશી ત્યારે. એણે તરતજ દોટ મૂકી દાદાજી પાસે. ‘ દાદાજી, કહો તો આજે શ્રીનાથજી ભગવાને દૂધ કેમ પીધું નથી ?’

નરભેરામને અપચા જેવું હતું એથી એમણે દૂધ પીધેલું નહિ. એમણે છવીની સામે ડોકું હલાવતાંક તરત જ કહી દીધું, ‘ છે ને બેટા, આજે શ્રીનાથજી ભગવાનને પેટમાં દૂ:ખે છે ને એટલે.’

‘બસ, આટલી જ વાત છે દાદાજી ?’ કહેતાંક એણે એમને આંગળી પકડીને ખેંચ્યા. એમને પ્રાર્થનારૂમમાં લઇ ગઇ. ‘ દાદાજી, અહીંયા ઊભા રહો. હું હમણાં આવું છું.’

એ રસોડામાં ગઇ ને તરત જ એક શીશી લઇ પછી ફરી. તરત જ શીશી ખોલીને એમાંનું પ્રવાહી શ્રીનાથજી ભગવાન પર રેડી દીધું. દાદાજીને કશું સમજાયું નહિ. એ તો તાકી જ રહેલા. પછી એમણે પૂછ્યું: અરે બેટા, તેં આ શું કર્યું ?’

‘કેમ દાદાજી, ભગવાનને પેટમાં નથી દુ:ખતું ? મેં એમને જીવનમિક્ષ્ચર પાઇ દીધું. હમણાં સારું થઇ જશે. જોજોને પછી તો દૂધ પી લેશે ને ?’

નરભેરામ ગળગળા થઇ ગયા. એમણે છવીને ઊંચકી લીધી. એ બોલી ઉઠ્યા, ‘ હા બેટા ચોક્કસ, ભગવાનને સારું થઇ જશે, ને દૂધ પણ પી લેશે હોં.’

હરીશ મહુવાકર, “અમે”, 3/A, 1929, નંદાલય હવેલી પાસે, સરદારનગર, ભાવનગર – 364002 મો. :9426223522 ઇમેઇલ : harishmahuvakar@gmail.com