Included in the UGC-CARE list (Group B Sr. No 172)
સાંપ્રત હિન્દી ફિલ્મોમાં ભારતીય સમાજનું નિરૂપણ

કળાની દુનિયામાં છેક પ્લેટો અને એરિસ્ટોટલથી 'કળા ખાતર કળા' અને 'જીવન ખાતર કળા' એવી ચર્ચા સતત ચાલતી રહી છે. સાહિત્ય કળા માટે એક મત એવો પણ પ્રવર્તે છે, કે " સાહિત્ય માત્ર એસ્થેટિક સ્વરૂપની રચના બની રહે એમાં વાંગ્મય તરીકે તેની અપાર શક્તિનો પૂરો પરિચય મળતો નથી; સંગીત, ચિત્ર, શિલ્પ જેવી લલિત કળાઓને મુકાબલે સાહિત્ય અને સમાજ અને સંસ્કૃતિના પુનઃનિર્માણનું વધુ સમર્થ 'સાધન' બની શકે છે-એવી સમાજ પણ અનેક લેખકોએ દર્શાવી છે.” (પટેલ ઓગષ્ટ ૨૦૦૦) નાટક અને સિનેમાને પણ સાહિત્યના વ્યાપક પ્રકાર તરીકે જોઈએ તો આ વાત એ બંને પ્રકાર માટે પણ લાગુ પડી શકે. નાટક જોવા આવનાર પ્રેક્ષક માટે 'સામાજિક' શબ્દપ્રયોગ પણ થાય છે જે નાટકની સામાજિક જવાબદારીનું સૂચન કરે છે.

ગત સદીના અંતિમ દાયકા સુધીહિન્દી ફિલ્મોની ઓળખ મસાલા ફિલ્મો તરીકે હતી. ખાસ કરીને સિત્તેરથી નેવુંના દાયકા સુધી સસ્તું મનોરંજન આપવાનો જ સિનેમાનો હેતુ દેખાતો હતો. સમાંતર સિનેમાના ક્ષેત્રે એ સમયે પણ નોંધપાત્ર કામ થયું હતું એની ના પાડી શકાય એમ નથી. શ્યામ બેનેગલ, ગોવિંદ નિહલાની, ગુલઝાર, મણિરત્નમ, કેતન મહેતા વગેરેની ફિલ્મો સમાજના કોઈ ચોક્કસ પ્રશ્નને લઈને રજૂ થતી હતી. આ ફિલ્મો વધુ લોકો સુધી પહોચી શકતી નહોતી. કારણકે એમાં કહેવાતા મનોરંજનનો અભાવ હતો. મનમોહન દેસાઈ કે રમેશ સિપ્પીની ફિલ્મોમાં જોવા મળતું મનોરંજન એમાં નહોતું. ‘શોલે' ફિલ્મ પાંચ વર્ષ સુધી એક જ સિનેમાગૃહમાં ચાલી હતી. આવો કોઈ રેકોર્ડ સમાંતર ફિલ્મો સંદર્ભે જોવા મળતો નથી. ચોક્કસ પ્રકારની પ્રણયકથા કે બદલાની ભાવનાનાં કથાઘટકો આ ફિલ્મોમાં જોવા મળતા હતા. સમાજના પ્રશ્નો સાથે એને ભાગ્યે જ નિસ્બત હતી. એને કારણે ફિલ્મનો કલાપક્ષ પણ એટલો જ નબળો જોવા મળતો હતો. વર્ષો પહેલા પ્રેમચંદે હિન્દી ફિલ્મો વિષે જે મૂલ્યાંકન કર્યું હતું એ આજે પણ એટલું જ સાચું છે- “જનતા પ્રેમ ઔર ત્યાગ અથવા મિત્રતા ઔર કરુણા સે ભરી હુઈ તસવીરો કો ઔર ભી રુચિ સે દેખના ચાહતી હૈ; મગર હમારે સિનેમાવાલોં ને પુલિસવાલોં કી મનોવૃત્તિ સે કામ લેકર યહ સમજ લિયા હૈ કિ કેવળ ભદ્દે, મસખરેપન ઔર ભદૈતી ઔર બળાત્કાર ઔર સૌ ફીટ કી ઉંચાઈ સે કૂદને, ઝૂઠમૂઠ ટીન કી તલવાર ચલાને મેં હી જનતા કો આનંદ આતા હૈ ઔર કુછ થોડા-સા આલિંગન ઔર ચુંબન તો માનો સિનેમા કે લીએ ઉતના હી જરૂરી હૈ જિતના દેહ કે લિએ આંખે . બેશક જનતા વીરતા દેખના ચાહતી હૈ. પ્રેમ કે દૃશ્યો મેં ભી જનતા કી રુચિ હૈ, લીકીન યહ ખ્યાલ કિ આલિંગન ઔર ચુંબન કે બીના પ્રેમ કા પ્રદર્શન હો હી નહીં સકતા, ઔર કેવળ નકલી તલવાર ચલાના હી જવામર્દી હૈ, ઔર બિના જરૂરત ગીતો કા લાના સુરુચિ હૈ, ઔર મન ઔર કર્મ કી હિંસા મેં હી જનતા કો આનંદ આતા હૈ, મનોવિજ્ઞાન કા બિલકુલ ગલત અનુમાન હૈ.” (પ્રેમચંદ ૧૯૯૭) આપણી સરેરાશ મસાલા ફિલ્મોને આ વાત આજે પણ લાગુ પડે એમ છે.

નવી સદીના પ્રારંભથી જ અચાનક ચમત્કાર થયો હોય એમ હિન્દી સિનેમાએ વળું બદલ્યું અને માત્ર સસ્તાં મનોરંજન માટે બનતી ફિલ્મો સાર્થક સિનેમાની દિશામાં ગતિ કરવા લાગી. સમાજના પ્રશ્નો સિનેમાનાં ધોરણો સાથે ફિલ્મોમાં પ્રતિબિંબિત થવા લાગ્યા. નીરજ પાંડે, અનુરાગ કશ્યપ, અનુરાગ બાસુ, સંજય લીલા ભણશાલી, ઝોયા અખ્તર, મેઘના ગુલઝાર વગેરે દિગ્દર્શકો નવી સમજ સાથે સિનેમા જગતમાં પ્રવેશ કરે છે. હવે ઝાડ પાછળ ગીતો ગાવાં કે બે ફૂલો દ્વારા ચુંબન દર્શાવાની વાત અદૃશ્ય થઇ. સેક્સ કે બળાત્કારની વાત હોય તો એ પણ વાસ્તવિક રીતે રજૂ થવા લાગી. એને કારણે સિનેમાની ભાષા બદલાઈ, પ્રસ્તુતિકરણની નવી રીતો અમલમાં આવી. ટેકનીકલી ફિલ્મો વધારે અસરકારક બનવા લાગી તો ક્યાંક ટેકનિક હાવી પણ થવા લાગી. આ બધાની સાથે જે મહત્ત્વનો ફેરફાર થયો તે એ કે સિનેમાએ પોતાની સામાજિક જવાબદારી વધારે ગંભીરતાથી સ્વીકારી. એક સમય હતો કે શ્યામ બેનેગલની ફિલ્મો ક્લાસ સુધી જ સીમિત રહેતી હતી. એમની 'મંડી', 'મંથન' કે 'વેલકમ ટુ સજ્જનપુર' સુધીની ફિલ્મો કોઈ ને કોઈ રીતે સામાજિક નિસ્બત દાખવતી હોવા છતાં એ અમુક વર્ગને જ આકર્ષી શકતી હતી. પણ આજે નીરજ પાંડે 'વેનસડે' બનાવે, ઝોયા અખ્તર 'ગલ્લી બોય' બનાવે કે મેઘના ગુલઝાર 'રાઝી' કે 'છપાક' બનાવે એ ક્લાસ અને માસ બંનેને આકર્ષે છે. આ ફિલ્મોને આપણે મસાલા ફિલ્મો કહીને બાજુ પર મૂકી શકીએ એમ નથી. અહીં મસાલા ફિલ્મોનાં બધા જ તત્ત્વો હાજર હોવા છતાં આ ફિલ્મોમાં જે વાત રજૂ થાય છે એ એટલી મજબૂત અને ધારદાર હોય છે કે સામાન્ય પ્રેક્ષક પણ એની સાથે પોતાનું અનુસંધાન કરી શકે છે અને એ રીતે નવી સદીમાં હિન્દી સિનેમા ક્ષેત્રે ચમત્કાર થયો છે એની ના પાડી શકાય એમ નથી.

આમ પણ ગત ત્રણ દાયકાના ભારતીય સમાજ પર નજર નાખીએ તો એ ઘટનાસભર જ રહ્યો છે. બાબરી મસ્જિદ ધ્વંસની ઘટનાથી લઈને આજ સુધી અનેક સમસ્યાઓ સમાજમાં જોવા મળે છે. શિક્ષણનું સ્તર પણ એક મુદ્દો છે. સ્ત્રીઓના મુદ્દે વધુ સંકીર્ણ બનતો જતો સમાજ- આ બધી ઘટનાઓને સિનેમા કઈ રીતે જુએ છે એ મારા શોધપત્રનો મુખ્ય મુદ્દો છે.

ઓમ પુરીની વાતને પકડીને કહીએ તો કેટલીક સાંપ્રત હિન્દી ફિલ્મોમાં સમાજની સમસ્યા વેધક રીતે બતાવવામાં આવી છે તો કેટલીક ફિલ્મોમાં હળવી રીતે એની રજૂઆત થઇ છે. પ્રસ્તુતિકરણની આ વિવિધતા પણ ફિલ્મોને જુદી બનાવે છે. આ ફિલ્મો સાંપ્રત સમાજનું પ્રતિબિંબ ઝીલી શકી છે. મારા શોધપત્રમાં 'હિન્દી મીડીયમ' (શિક્ષણની સમસ્યા), ‘માતૃભૂમિ' (સ્ત્રી ભ્રૂણહત્યા), પિંક (સ્ત્રી- જાતીય શોષણ), 'મુંબઈ મેરી જાન' (કોમી રમખાણ) અને 'મુંબઈ' (કોમી રમખાણ) ‘મદારી’ (ભ્રષ્ટાચાર) વગેરે ફિલ્મોને કેન્દ્રમાં રાખીને ચર્ચા કરવાનો મારો ઉપક્રમ છે.

આજે મોટાભાગના વાલીઓની માનસિકતા એવી છે કે બાળકનો વિકાસ અંગ્રેજી મીડિયમની સ્કૂલમાં જ છે. મોટા ભાગની અંગ્રેજી મીડિયમની સ્કૂલો ફાઈવ સ્ટાર હોટલ જેવો મોભો ધરાવે છે. અલબત્ત, આ મોભો વાલીઓના ખિસ્સા ખંખેરીને વધ્યો હોય છે. વાલીઓ પણ હસતા મોઢે ખિસ્સા ખંખેરવા તૈયાર હોય છે. પણ આ પ્રકારની સ્કૂલોમાં પ્રવેશ મેળવવા માટે પણ વાલીઓએ ખાસ્સી કસરત કરવી પડતી હોય છે. તોતિંગ ફી ઉપરાંત તગડું ડોનેશન આપો તો પણ પત્તો ન ખાય એવી જડબેસલાક વ્યવસ્થા આવી સ્કૂલોની હોય છે. કોઈ અભેદ્ય કિલ્લા જેવી એમની પ્રવેશ પ્રક્રિયામાં છીંડું પાડવું અઘરું હોય છે. છતાં આવી સ્કૂલોમાં પ્રવેશ મેળવવા માટે વાલીઓ જે હવાતિયાં મારે છે એની કટાક્ષમય રજૂઆત 'હિન્દી મીડીયમ' ફિલ્મમાં જોવા મળે છે. બિલકુલ આપણા સમાજનું જ પ્રતિબિંબ એમાં આબેહૂબ રજૂ થયું છે. ઈરફાન ખાનના સટીક અભિનયને કારણે અને હળવી રીતે થયેલી રજૂઆતને કારણે આ ફિલ્મ દર્શકોને પણ આકર્ષી શકી હતી.

૧૯૪૭માં ભારતના ભાગલા થયા ત્યારથી હિંદુ અને મુસલમાન વચ્ચેનો સંઘર્ષ વધતો ગયો. બાબરી ધ્વંસની ઘટના પછી બે કોમો વચ્ચેની તિરાડ પહોળી થઇ અને ગોધરા કાંડ પછી હવે સંઘર્ષ ચરમસીમાએ પહોચ્યો છે. પૂર્વે 'ગર્મ હવા' જેવી ઉત્કૃષ્ઠ ફિલ્મ રજૂ થઇ હતી પણ એને સમાંતર સિનેમા પ્રકારની ફિલ્મ ગણીને બહુ લોકો સુધી એ પહોચી નહોતી. મણિરત્નમની ફિલ્મ 'મુંબઈ' બાબરી ધ્વંસની ઘટના અને એ ઘટના પછીનું કોમી આગમાં સળગતું મુંબઈ અહીં કાવ્યાત્મક રીતે રજૂ થયું છે. બે અલગ ધર્મના પતિ-પત્નીની પ્રણયકથા અને એમની પર આ રમખાણની થતી અસર, એ અસરમાંથી મુક્ત થતું એ દંપતી પણ આ ફિલ્મનો વિષય છે. નયનરમ્ય છબીકલા અને ઉત્તમ ગીતો એ મણિરત્નમની ફિલ્મને લોકપ્રિય પણ બનાવે છે અને સમાજના પ્રશ્નોને પણ રજૂ કરે છે. આ સંદર્ભે મણિરત્નમની 'રોઝા' (કાશ્મીરનો આતંકવાદ) અને 'દિલ સે' (પૂર્વાંચલનો નક્સલવાદ) ને પણ યાદ કરી શકાય. મનોરંજનનાં બધા જ તત્ત્વોને હાજર રાખીને ક્લાસ અને માસ બંનેને સ્પર્શે એવી ફિલ્મો મણિરત્નમ પાસેથી મળે છે અને એ સાંપ્રત હિન્દી ફિલ્મોની ઉપલબ્ધિ છે.

'મુંબઈ મેરી જાન' માં મુંબઈમાં ટ્રેનમાં થયેલા બોમ્બધડાકાનો વિષય છે. નિશિકાંત કામતની આ ફિલ્મમાં ટ્રેનમાં થયેલા બોમ્બધડાકાને કારણે ફિલ્મનાં પાત્રો પર જે માનસિક અસર થાય છે એની અસરકારક રજૂઆત છે. એક બોમ્બધડાકાને કારણે એક પાત્રનું બીજાં પાત્ર પ્રત્યે બદલાતું વલણ, ટ્રેનમાં રોજ મુસાફરી સાથે કરતા ઉભા થયેલા વિશ્વાસનું હનન- આ બધા જ મુદ્દાને આ ફિલ્મ સ્પર્શે છે અને એની વેધક રજૂઆત કરે છે. 'મુંબઈ' કે 'મુંબઈ મેરી જાન' જેવી ફિલ્મો સમાજમાં વધતી વિસંવાદિતા તરફ આપણું ધ્યાન ખેંચે છે પણ એમનું લક્ષ્ય તો સંવાદિતાનું જ રહેલું હોય છે.

આપણી આસપાસ રોજબરોજ બનતી ઘટનાઓ પર નજર નાખીશું તો ખ્યાલ આવશે કે એ ઘટનાઓમાં ભ્રષ્ટાચારને લગતી ઘટનાઓ સૌથી વધારે જોવા મળશે. સવાલ એ પૂછવાનું મન થાય કે ભ્રષ્ટાચાર કયા ક્ષેત્રમાં નથી ? રાજકારણ એમાં ભળે છે પછી એ ભ્રષ્ટાચારનું વરવું પરિણામ આપણી સામે આવે છે. એ પરિણામ એવું હોય છે કે સંવેદનશીલ વ્યક્તિ હચમચી જતો હોય છે. પૂર્વે ભ્રષ્ટાચાર અને રાજકારણની રમતને કેન્દ્રમાં રાખીને કુંદન શાહે ક્લાસિક ફિલ્મ 'જાને ભી દો યારોં' બનાવી હતી. રોજ થતા બોમ્બધડાકા અને રોજ થતા ભ્રષ્ટાચારથી હચમચી ગયેલો સંવેદનશીલ વ્યક્તિ કાયદો હાથમાં લઈને પોતાનો રસ્તો અજમાવે ત્યારે નીરજ પાંડેની ફિલ્મ 'વેનસડે' અને નિશિકાંત કામતની ફિલ્મ 'મદારી' જોવા મળે છે. ભ્રષ્ટાચારને કારણે આખા દેશની હાલત મદારીના ખેલ જેવી થઇ ગઈ છે. એમાં સામાન્ય માણસ વધુ પીસાતો જાય છે. એ સામાન્ય માણસે કાયદો પછી હાથમાં લેવો પડે છે. ‘મદારી' ફિલ્મ પણ એવા જ સામાન્ય માણસની પીડા સંવેદના રજૂ કરે છે.

‘નારી તું નારાયણી' ની વાત કરનાર આ દેશમાં નિર્ભયાનો કિસ્સો કે કઠુઆમાં બનેલી શરમજનક દુર્ઘટના હવે રોજેરોજ બનવા લાગી છે. કાયદાનો કોઈ ડર ન હોવાને કારણે કે પછી ન્યાયપ્રક્રિયામાં પણ ભ્રષ્ટાચારનો સડો પેસી જવાને કારણે આ પ્રકારની ઘટનામાં સંડોવાયેલા ગુનેગારોનું રૂંવાડુંય ફરકતું નથી. સ્ત્રીનો જન્મ પોતે જ એક સમસ્યા છે, એવું માનનારા સમાજો હજી આજે પણ મોજૂદ છે. મનીષ ઝાની ફિલ્મ 'માતૃભૂમિ : અ નેશન વિધાઉટ વુમન' ફિલ્મ સ્ત્રીઓ સંદર્ભે દર્દનાક સત્યને રજૂ કરે છે. બાળકીને દૂધપીતી કરવાને કારણે એક ગામમાં અને આજુબાજુના વિસ્તારમાં લગ્નલાયક કોઈ કન્યા જ નથી રહી. એક કુટુંબનાં ચાર ભાઈઓ એને કારણે કુંવારા છે. આ ચાર ભાઈઓ અને એમના પિતા જાતીય તૃપ્તિ માટે જુદા જુદા રસ્તા અજમાવે છે, જે ભયાનક છે. ક્યાંકથી એક કન્યા સાથે નાનાભાઈ નું લગ્ન થાય છે. હવે વારાફરતી પિતા સહિત ચારે ભાઈઓ પોતાની વાસના એક કન્યા દ્વારા સંતોષે છે. મનીષ ઝાની આ ફિલ્મ એક ભયાનક સત્ય આપણી સામે રજૂ કરે છે. જે સમાજમાં હજી પણ સ્ત્રીનો સ્વીકાર નથી એ સમાજ સામે આ ફિલ્મ લાલબત્તી સમાન છે. ફિલ્મનું આ પણ એક કામ છે કે ભવિષ્યનું દર્શન એ આપણને સામ્પ્રતમાં કરાવે છે. જો કે આ ફિલ્મ પાછળથી વર્ગ સંઘર્ષના મુદ્દ્દામાં અટવાઈ ગઈ હતી.

અનિરુદ્ધરોય ચૌધરીની ફિલ્મ 'પિંક' સ્ત્રી વિષયક એક જુદા મુદ્દાને સ્પર્શે છે. મહાનગરમાં સ્ત્રીની સ્થિતિ કેવી છે, મૈત્રી સંબંધોની આડમાં થતું સ્ત્રીનું શોષણ ઘણા પ્રશ્નો ઉભા કરે છે. સ્ત્રીના શરીર પર સ્ત્રીનો કેટલો અધિકાર? સ્ત્રી મૈત્રીપૂર્ણ વ્યવહાર કરે એટલે એના શરીર પર પોતાનો અધિકાર છે એવી માનસિકતા ધરાવતા પુરુષવર્ગ માટે આ ફિલ્મ એક સણસણતા તમાચા બરાબર છે. પોતાના શરીર સંદર્ભે સ્ત્રીની મરજી બહુ જ અગત્યની છે. દામ્પત્યજીવનમાં પણ આ લાગુ પડે છે. લગ્ન થયા એટલે સ્ત્રીના શરીર પર એકાધિકારનો પરવાનો મળી જાય છે એવું માનતા પુરુષવર્ગ સામે પણ આ ફિલ્મ સંયમિત રીતે સ્ત્રીનો પક્ષ રજૂ કરે છે. પોતાના શરીર સંદર્ભે સ્ત્રીની 'ના' નો અર્થ સ્પષ્ટ રીતે 'ના' જ થાય છે એ વાત આ ફિલ્મ ભારપૂર્વક રજૂ કરે છે. સ્ત્રી પ્રત્યેના દૃષ્ટિકોણમાં આમૂલ પરિવર્તન જરૂરી છે, એ પણ આ ફિલ્મ સૂચવે છે.

સિનેમાની સામાજિક જવાબદારીના સંદર્ભમાં જાણીતા સશક્ત અભિનેતા ઓમ પુરી કહે છે, કે "સિનેમા કો અપને સમાજ કા, અપને સમય કા પ્રતિબિંબ હોના ચાહિએ. જૈસે આપ અપને કો આઈને મેં દેખતે હૈ, વૈસે હી ફિલ્મ કે માધ્યમ સે સમાજ કો ઉસમેં દેખ સકેં.” (પુરી ૧૯૯૭) ઓમ પુરીની આ વાત પકડીને એટલું કહી શકીએ કે સાંપ્રત હિન્દી ફિલ્મોમાં સમાજનું પ્રતિબિંબ ઠીકઠીક ઝીલાયું છે ને આ ફિલ્મોએ સમાજમાં એક અસર પણ ઉભી કરી છે.

સંદર્ભ

  1. પટેલ, પ્રમોદકુમાર. ઓગષ્ટ ૨૦૦૦. કળા, સાહિત્ય અને વિવેચન. અમદાવાદ:ગુજરાતી સાહિત્ય પરિષદ. પા.૦૬
  2. પુરી, ઓમ. ૧૯૯૭. ‘સિનેમા કા દેસી ફાર્મ.’ હિન્દી સિનેમા કા સચ. સં. મૃત્યુંજય. નયી દિલ્હી:વાણી પ્રકાશન. પા. ૬૩.
  3. પ્રેમચંદ. ઓગષ્ટ ૨૦૦૦. 'સિનેમા ઔર જીવન.’ હિન્દી સિનેમા કા સચ. સં. મૃત્યુંજય. નયી દિલ્હી:વાણી પ્રકાશન. પા. ૧૪


ડૉ. ધ્વનિલ પારેખ, મદદનીશ અધ્યાપક, મ.દે. ગ્રામસેવા સંકુલ, ગૂજરાત વિદ્યાપીઠ, સાદરા. parekhdhwanil@gmail.com Mob. -9426286261