ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર વિભૂષિત 'સંસ્કાર' નવલકથા કન્નડ સાહિત્યની એક શ્રેષ્ઠ કૃતિ છે. કન્નડ સાહિત્યકાર યૂ. આર. અનંતમૂર્તિની પ્રથમ નવલકથા 'સંસ્કાર' ૧૯૬૫માં પ્રકાશિત થયેલી. સાહિત્યસ્વરૂપ તરીકે આ કૃતિ લઘુનવલ ગણાય. તેમાં એક મનુષ્યના જીવનનો અંત જે પ્રશ્નો ઊભા કરે છે એની મદદથી એક આખા યુગના અંતનું નિરૂપણ થઈ શક્યું છે. આધુનિક ભારતીય સમાજે અનુભવેલું આ યુગાન્તર તાત્વિક રીતે વૈશ્વિક સંદર્ભ ધરાવે છે. એક વ્યક્તિના અગ્નિસંસ્કારની ક્ષણે ધાર્મિક સંસ્કારમાં ઢંકાયેલ અન્ય વ્યક્તિનું આંતર અસ્તિત્વ પ્રગટ થાય છે. આ પ્રક્રિયાના નિરૂપણમાં સાહિત્યિક સૂક્ષ્મતા છે, ભારતીય સમાજ વિશેની જાણકારી છે, અનુભવેલા સત્યને વ્યકત કરવાની નિર્ભયતા છે.
વીસ વર્ષથી બીમાર પત્નીની સેવા કરતા અને અન્ય વ્યક્તિઓને શાસ્ત્રજ્ઞાન આપતા કૃતિના નાયક પ્રાણેશાચાર્ય નિ:સંતાન છે. લેખક એમને એ રીતે વાચક સમક્ષ રજૂ કરે છે કે જ્ઞાનસિદ્ધ સ્વસ્થતાને કારણે એમના જીવનમાં કશો અભાવ ન હોય, અતૃપ્તિ ન હોય, એની કુંઠા ન હોય. પણ જે દેખાતું નથી તે નથી જ ? કે છે તો શું છે એ પ્રશ્નમાં લેખક અહીં ઊંડા ઊતરે છે.
ઘટના એવી છે કે કૃતિ તુરત આગળ વધે છે, દશ્યરૂપે આગળ વધે છે.
નારણપ્પાનુ અવસાન થયું છે. તે શિવામોગે ગામથી તાવ લઈ આવ્યો. તેને ચાર દિવસ તાવ રહ્યો અને પછી તે મરી ગયો. તે બ્રાહ્મણ હતો. એના અગ્નિસંસ્કાર માટેની વિનંતી લઈને એની પત્ની અથવા કહો કે રખાત પ્રાણેશાચાર્યને આંગણે આવે છે. જ્યાં જવાની એની હિંમત ચાલવી જોઈતી નહોતી ત્યાં જ આવે છે. કેમ કે નારણપ્પા દારૂ પીતો હતો, માંસ ખાતો હતો. એણે બ્રાહ્મણત્વના બધા સંસ્કાર છોડ્યા હતા. પણ બ્રાહ્મણત્વે એને છોડ્યો નહોતો. નારણપ્પાએ વાસના બધા બ્રાહ્મણોને ધમકી આપી હતી : 'ન્યાત બહાર કરશો તો હું મુસલમાન થઈ જઈશ' ( પૃ. - ૬૨ ) અને આ બ્રાહ્મણવાડામાંથી નીકળી જવું પડશે તમારે... વર્ણાશ્રમ વ્યવસ્થાની ઉચ્ચાવચતામાં નિહિત સ્વાર્થો વિશેની લેખકની જાણકારી પ્રગલ્ભ રીતે વ્યક્ત થઈ છે. બધા બ્રાહ્મણો નારણપ્પાની ટીકા કરતા રહ્યા અને એ એની રીતે જીવતો રહ્યો. માત્ર પ્રાણેશાચાર્યથી તે શરમાતો. છતાં નશામાં હોય ત્યારે ક્યારેક માર્મિક બબડાટ કરી બેસતો. એમાં તરતા પ્રશ્નોને પ્રાણેશાચાર્ય મહત્વ ન જ આપે, કેમકે એ જેવા તેવા જાણકાર નથી, છેક કાશી જઈને ભણી આવેલા છે. આ વિસ્તારમાં એમની કક્ષાના પંડિતો નથી. કથાવાર્તા કહેવામાં તે નિષ્ણાંત છે. શાસ્ત્રો વાંચીને અન્ય બ્રાહ્મણોને પણ સલાહ આપે છે. એમનું અંગત જીવન આદર્શ છે, બીમાર પત્ની જ્યારે પણ એમને બીજું લગ્ન કરી લેવાની સલાહ આપે છે ત્યારે ચાળીશ વર્ષના પ્રાણેશાચાર્ય પોતાને ઘરડો ગણાવીને આ વાત હસી કાઢે છે. આવા અક્ષુણ્ણ બ્રાહ્મણ સંસ્કારના સંરક્ષક સંવર્ધક માટે મરનાર નારણપ્પા એક પડકાર હતો., એની પ્રતીતિ હવે એના મૃત્યુ પછી થાય છે. આ લઘુનવલમાં આ બે પુરુષો સામસામે મુકાયેલાં બે પરીબળ લાગે, પણ આ બંને દેખાય છે એટલા પરસ્પર વિરોધી છે ખરા ? એ પણ વિચારવા જેવું છે. લેખક પ્રગટપણે કહેતા નથી પણ જાણે છે કે મજ્જાગત રીતે આ બંને પુરુષો એક જ છે. નારણપ્પાના મૃત્યુ પછી ગણતરીની ક્ષણોમાં જ પ્રાણેશાચાર્યની અંદર એના જેવો જ એક પુરુષ ઊભો થાય છે.
આ પ્રક્રિયાની સમાન્તર એક શાસ્ત્રીય પ્રશ્નનો ઉકેલ શોધવાનો છે. નારણપ્પાનો અગ્નિસંસ્કાર કરે તો કોણ કરે ? ચંદ્રી પોતાનાં ઘરેણાં લઈ આવીને આચાર્યના આંગણે મૂકે છે, ત્યાં જ બેસી રહે છે. પેલાં ઘરેણાં જોયાં પછી કેટલાક બ્રાહ્મણો નારણપ્પા સાથેનો પોતાનો સંબંધ તાજો કરે છે. ઊભો કરે છે. અને પ્રાણેશાચાર્ય જો એમને આજ્ઞા કરે તો અગ્નિસંસ્કારની ફરજ અદા કરવા મનોમન તૈયાર છે, બલ્કે અધીરા થયા છે. સ્વાર્થ એકાદ વ્યક્તિનો હોય તો ઉકેલ વહેલો આવી જાત. બહુવિધ સ્વાર્થો મળીને શાસ્ત્રની સંમતિને શરણે ગયા છે. વર્તમાન સામાજિક માળખા સામેનો પોતાનો વિરોધ લેખકે ઠાવકાઈથી ઠંડે કલેજે રજૂ કર્યો છે.
આચાર્ય શાસ્ત્રો વાંચવા બેઠા છે, ચંદ્રી આંગણે પડી છે, એના ઘરમાં નારણપ્પાનું શબ પડ્યું છે; સમય વીતવા લાગ્યો છે, જીવનભર મરનારની ઉપેક્ષા કરનારાઓના સ્વાર્થ જાગી રહ્યા છે. શબ ગંધાવા લાગ્યું છે. પૂર્વે ત્યાં રાતરાણીની સુગંધ હતી...
આ ઘટના અને પરિસ્થિતિનો પૂરેપૂરો ક્યાસ કાઢ્યા પછી લેખક વાચકને ગૂઢ એવી વન્ય સ્થિતિમાં લઈ જાય છે. પ્રાણેશાચાર્ય જંગલનો રસ્તો પાર કરી હનુમાનજીના મંદીરે જાય છે. જેથી એમને ચઢાવેલું ફૂલ ખરે અને સંમતિ કે અસંમતિ મળે. પ્રાણેશાચાર્ય શ્રદ્ધાપૂર્વક બેસી રહે છે. પ્રાર્થના કરે છે. કશું થતું નથી. આંગણે પડેલી ચંદ્રીને રાત્રે એમણે ફાનસના અજવાળે ફાનસ અને ઓશીકું આપ્યાં હતાં. ઘરેણાં પાછાં આપ્યાં હતાં અને ખાસ તો એને સંબોધન કર્યું હતું. મુખ્ય પાત્રની મન:સ્થિતિ સાચવવા પરિસ્થિતિ બરાબર ખપ લાગે છે, લેખકની પરિકલ્પના અને સંયોજના ધ્યાન ખેંચે છે.
બીજી બાજુ, શાસ્ત્રનો પ્રાણ ગુમાવી, કર્મકાંડી બનેલો ધર્મને વ્યવસાયમાં ફેરવી બેઠેલો બ્રાહ્મણ સામાજિક એકમ તરીકે વધુ ને વધુ પ્રગટ થાય છે. એક બ્રાહ્મણ પછાત જાતિની બેલ્લીને એની ઝૂંપડીમાં જઈને ભોગવી આવ્યો છે એનું વર્ણન, બીજો બાજુના ગામે જઈ એનાથી ઊતરતા બ્રાહ્મણને ઘેર ચોરીછૂપીથી ભોજન કરી આવ્યો છે એનું વર્ણન વાર્તાના તંગ વાતાવરણમાં નવાં પરિમાણો ઉમેરે છે. લેખક પાછા વર્તમાન ક્ષણમાં આવે છે, ઉંદરો મરતા જાય છે ને ગીધ બ્રાહ્મણોના ઘર પર આવીને બેસવા લાગ્યાં છે. એમને ઉડાડી મૂકવા બ્રાહ્મણો કાંસાની ઝાંઝ અને શંખ લાવી-લાવીને વગાડે છે. મહામંગલ આરતીના પ્રસંગે થતા ભયંકર શોરબકોરની જેમ જાણે યુદ્ધનાં નગારાંની ગર્જનાથી બપોરના નિર્મળ મૌનના ચૂરેચૂર થઈ ગયા, આજુબાજુના પાંચ-છ માઈલના વિસ્તારના લોકોને ભ્રમ થયો કે દુર્વાસાપુરમાં પૂજા-આરતી થઈ રહી છે, મોટા મોટા ઢોલ વગાડીને મૂર્તિને સળગતા કપૂરની ભેટ ચઢાવી રહ્યાછે.
આ દશ્ય કેવું ભ્રાન્તિપૂર્ણ છે ! ટકી રહેવા માટેનો પ્રતિકાર બીજાઓને દેવની પૂજા લાગે છે ! લોકશાહી સમાજવાદમાં માનતો લેખક ધર્મને મૂલવવા માટે લૌકિક ઘટના અને લોકોના પ્રતિભાવને જ ખપમાં લે છે. એણે બોલવું પડતું નથી, જે બની રહ્યું છે એ જ બોલે છે.
ખરી વાત એ છે કે નારણપ્પા પ્લેગનો ભોગ બનીને મર્યો છે. જેને તમે કર્મફળ તરીકે ઘટાવી શકો એ આકસ્મિક કુદરતી ઘટના પણ હોય. બ્રાહ્મણો હજી સમજ્યા નથી કે નારણપ્પા શિવામોગે ગામથી જેનો ચેપ લઈ આવેલો એ પ્લેગ અહીં ફેલાવા લાગ્યો છે. એમની પાસે તો માત્ર ધાર્મિક અંધશ્રદ્ધા છે, ભય છે, સ્વાર્થ છે. મનુષ્યસહજ વાસનાઓ છે. શ્રી અનંતમૂર્તિએ પ્લેગનું નિદાન કરવામાં ગણતરીપૂર્વકનો વિલંબ કરીને, વાતાવરણમાં વિવિધ પરિબળો અને સંમિશ્ર લાગણીઓના અભ્યાસ દ્વારા 'સંસ્કાર'નુ સંકુલ પોત તૈયાર કર્યું છે.
પ્રાણેશાચાર્યના જીવનને વળાંક આપતી, ઉપરથી લાદેલાં આવરણો નીચે એમનાં હાડમાંસને ઓળખાવતી ઘટના હવે યોજાય છે. પોતાના ઈષ્ટદેવ પાસેથી નિર્ણય મેળવવા પ્રાણેશાચાર્ય મંદિર બાજુ ગયા તે પછી ચંદ્રી એમનું આંગણ છોડી, નદીમાં ખૂબ નાહીને, સાડીના પાલવમાં કેળાં લઈને એક વૃક્ષના ટેકે આવી બેઠી હતી. રાત પડી છતાં હનુમાનજીએ કશું સૂચવ્યું નહીં અને આચાર્યને યાદ આવ્યું કે પત્નીને દવા પાવાનો સમય થઈ ગયો છે. તેઓ મંદિર છોડી ઘર ભણી વળ્યા. ગાઢ જંગલમાં પાછળથી કોઈનો પગરવ સંભળાયો. એ ચંદ્રી હતી. પોતાને જ કારણે આચાર્ય આ બધું વેઠી રહ્યા છે એ જોઈને એના હ્રદયમાં ભારે સહાનુભૂતિ જાગી હતી. એ એમના ચરણોમાં નમી.
અંધારું ઘનઘોર હતું. કશુંય દેખાતું ન હતું. નમતી વખતે દુ:ખના અતિરેકથી એના સ્તન આચાર્યના ઘૂંટણને અડકી ગયા. નમવાની ઉતાવળમાં એની ચોળીના બટન ભરાયાં અને તૂટી ગયાં. એમની જાંઘ પર માથું ટેકવી એ એમના પગે વળગી પડી. કોમલ લાગણીઓના આવેગથી અને એવો ભાવ જાગતાં કે આ બિચારો બ્રાહ્મણ સ્ત્રીસુખથી અજાણ્યો, સદા અજાણ્યો રહ્યો છે એવો વિચાર પણ જાગતાં કે આ અગ્રહારમાં આ બ્રાહ્મણ સિવાય બીજું કોઈ મારું હિતેચ્છું નથી. એ ડઘાઈ ગઈ અને રોવા લાગી.
આ પછી બે ફકરામાં લેખકે ચંદ્રી અને આચાર્યના શારીરિક મિલનની ક્ષણો આલેખી છે. પરિસ્થિતિ જ અહીં મન:સ્થિતિને પ્રેરે છે. શાસ્ત્રજ્ઞાન અને સંકલ્પ પાસેથી સૂત્રો સરી જાય છે.
સમગ્ર લઘુનવલની સૃષ્ટિની ધરી આ છે : જૂની સમતુલા તૂટે છે અને નવાં સંચલનો અહીં જાગે છે. નારણપ્પાનું મૃત્યુ કૃતિના આરંભ પૂર્વે થઈ ચૂક્યું છે, હવે પ્રાણેશાચાર્યનો સમગ્ર ભવ્ય ભૂતકાળ ધ્રૂજી ઊઠે છે. આખી ઓળખ જ બદલાઈ જાય છે. સંસ્કાર સાથેનો વિચ્છેદ થતાં વર્તમાનના ગાઢ વનમાં આચાર્ય પોતાનું એક અજાણ્યું રૂપ જુએ છે. પૂર્વેની દ્વિધા ત્યજીને એ ચંદ્રીને કહી દે છે ; તું ગામના બ્રાહ્મણોને બધું જણાવી દેજે. નારણપ્પાનો અગ્નિસંસ્કાર હું કરીશ. પણ ચંદ્રી આચાર્ય માટે એ તક રહેવા દેતી નથી. તે આચાર્યથી એક સંતાન ઈચ્છી રહી છે. તે એક ગાડાવાળા મુસલમાનને કહીને એ જ રાતે મડદું ખસેડાવી સળગાવી દેવડાવે છે. પછી પોતે ગામ છોડીને ચાલી જાય છે. નારણપ્પાના નાટ્યરસિક દારૂડિયા મિત્રોનું અંધારામાં એને ઘેર જવું, ત્યાંથી ભાગવું, કેટલાક ગ્રામલોકોને પ્રેતસૃષ્ટિનો ભાસ થવો - આદિ ઘટનાઓ વાતાવરણને અર્થઘન બનાવે છે.
ઘેર પહોંચેલા પ્રાણેશાચાર્ય હવે પત્નીની ઝાઝી સારવાર કરી શકે એવી સ્થિતિ રહી નથી. ભાગીરથીને પણ પ્લેગની અસર છે. તે મરી જાય છે. સવારે એકલે હાથે એની ચિતા તૈયાર કરી, દાહ દઈ, આચાર્ય કોઈ પણ દિશા નક્કી કર્યા વિના નીકળી જાય છે. ચંદ્રીના ઉપભોગ પછી જીવનમાં પહેલી વાર એમને પત્ની અસુંદર લાગી હતી. સામાન્ય માણસોની જેમ કેટલુંક છુપાવીને પોતાનાં હિતોનું રક્ષણ કરવાનો ભાવ જાગ્યો હતો. માણસે બેવડાં ધોરણોથી જીવવું પડે છે એ વાત સમજાઈ હતી. જીવનના નિકટ પરિચયે આચાર્યને જાત સમક્ષ લાવી મૂક્યા હતા. બાળપણની નિર્બંધ ઈચ્છાઓ જાગવા લાગી હતી. પત્નીનું મૃત્યુ એ આચાર્યની તપસ્યાનું મૃત્યુ છે.
ગામ છોડીને 'ક્યાં'ની દિશામાં નીકળી પડેલા આચાર્ય કોઈક ક્ષણે પાપગ્રંથિથી છૂટવા પ્રાયશ્વિતનો ભાવ અનુભવે છે, તો કોઈક ક્ષણે ચંદ્રીના શરીરની કામના કરી રહે છે. બે દેહના મિલનની એ ઘટના વિશે વિચારે છે : એ એક એવી ક્ષણ હતી કે જ્યારે પોતે નક્કી કરી શક્યા હોત. જીવનની દિશા બદલવી કે નહિ, એ ઉત્તર સાચો નથી કે જે થયું એ મારા શરીરની સંમતિથી થયું. પરંતુ અંધકારમાં મારા હાથ ભારે ઉતાવળથી ચંદ્રીના સ્તન અને સાથળને શોધી રહ્યાં હતા. જે કંઈ બન્યું એ માટે પોતે જવાબદાર હતા એ સ્વીકારમાંથી એ છટકવા મથે છે. આ નાસભાગ એ પલાયન છે, વાસ્તવનો સ્વીકાર કરવાની હિંમતનો અભાવ છે. કૃતિનો ઉત્તરાર્ધ ભાવક માટે પણ કેટલાક પ્રશ્નો ઊભા કરે છે.
પારિજાતપુરના મંનજય્યાને પ્લેગનો અણસાર આવે છે. એક પછી એક થતા મૃત્યુ અને નારણપ્પા શિવામોગેથી પાછો ફર્યો ત્યારે ગાંઠ નીકળી હતી અને એના તાવમાં જ મરી ગયો એ હકીકત જાણે છે ત્યારે એની શંકા પાકી થાય છે અને જ્યારે સાંભળે છે કે ઉંદરડાઓ બહાર દોડી આવી, ચક્કર મારી મરી જતાં અને ગીધડાંઓ તેમની જ્યાફત ઉડાવતાં ત્યારે તો શંકા માન્યતામાં બદલાઈ ગઈ અને એકદમ દઢ થઈ ગઈ અને વહેમ રાખી નિષ્ક્રિય બેસી રહેવું એ તો છતી આંખે આંધળા થવાં જેવું છે. 'મૂર્ખાઓ છે બધાં ! અને પોતે પણ મૂર્ખ જ છે ને ! બેસી રહ્યો છે !' ઘરની બહાર દોડી આવે છે અને બૂમ મારે છે, 'જલદી ગાડું તૈયાર કરો !' નવલકથામાં વિચારોને સ્થાન છે પણ એની મુખરતા આથી વધુ સહ્ય બની ન હોત !
ખાલી થવા લાગેલાં ઘર પર ગીધ બેઠાં છે.
બીજી બાજુ પ્રાણેશાચાર્ય અજાણી અને અણધારી દિશામાં ચાલી રહ્યા છે, આગળ વધી રહ્યા છે એમ કહેવું વાજબી નથી, કેમકે ભવિષ્ય કરતાં વિશેષ તો એ ભૂતકાળ ભણી ખેંચાય છે. આ અનિશ્વિતતાભર્યા પ્રવાસમાં એક વણમાગ્યો સાથી મળી ગયો છે. ઢોરને વળગતી બગાઈ જેવો મલેરા જાતિનો પુત્તો પ્રાણેશાચાર્યનો પીછો છોડતો નથી, એમના કોઈક અતીતના પાપની જેમ ! શાસ્ત્ર સંસ્કારનું સ્થાન હવે આ ગ્રંથીએ લીધું છે. એ ગ્રંથીની જેમ પેલો પુત્તો મૂંગો રહેતો નથી અને બેચેન આચાર્યને ઉખાણા કહે છે. મુખ્ય પાત્રના મનોવ્યાપારને વ્યક્ત કરવા આ પ્રકારના એક પાત્રની યોજના કરવામાં લેખકને સફળતા મળી છે. તે ખુદ આચાર્યને મેળામાં લઈ જાય છે, એક વિશાળ જનસમુદાય સાથે ભેળવી દે છે. ગઈ કાલ સુધી સહુને ઉપદેશ અને ઉત્તર આપનારને આજે આ એક સામાન્ય માનવી પ્રેરી રહ્યો છે, ખેંચી રહ્યો છે ! સોનીને ત્યાં વીંટી વેચવામાં ભાવતાલ કરે છે. રૂપજીવી પદ્માવતીને ત્યાં લઈ જાય છે અને આચાર્ય રાત એને ત્યાં ગાળે એવી શક્યતા ઊભી કરે છે. મંદિરમાં ભોજન માટે મોકલે છે અને પોતે બહાર ઊભો રહે છે. જેની જોડે એ જમવા બેસે છે એ બ્રાહ્મણને એની દીકરી પરણાવવાની ચિંતા છે. બીજો પીરસનારો એમને ઓળખે છે અને એક શ્રીમંતને જાણ કરવા જાય છે. આવો મોટો પંડિત તે આમ સામાન્ય પંગતમાં બેસીને જમે ? ભોજન અધૂરું મૂકીને આચાર્ય ઊભા થઈ જાય છે, છટકે છે. પુત્તો એમની રાહ જોતો ઊભો હોય છે. અહીં સુધીની બધી ઘટનાઓની રજૂઆત બહુસ્તરીય છે. બહારથી સંપર્કમાં આવેલી વ્યક્તિ સાથેની વાતચીત અને આચાર્યની ભીતર ચાલતી જાત સાથેની વાતચીત, વચ્ચે સ્મૃતિ, સંશય, શાસ્ત્રવચન, યાજ્ઞવલ્ક્ય ઋષિના શબ્દો : 'સ્નેહ ? કોનો કોના પ્રત્યે સ્નેહ ? પત્ની સાથેનો સ્નેહ એ જાત સાથેનો જ સ્નેહ છે, પરમાત્મા સાથેનો પ્રેમ પણ પોતાના આત્મા પ્રત્યેનો પ્રેમ છે.' આવરણ-ભંગની પ્રક્રિયા હવે ગતિ પકડી રહી છે.
આચાર્ય દુર્વાસાપુરના છે એ જાણીને પુત્તો એમની સાથે જવા તૈયાર થાય છે. કુન્દાપુર જઈને ચંદ્રી સાથે જીવવાનો તરંગ શમી ગયો છે, ગ્રંથિઓથી મુક્ત થઈને સત્ય પ્રગટ કરવાની હિંમત જાગી છે. નારણપ્પાનું શબ સળગી ચૂક્યું છે એ તો ગામના બ્રાહ્મણોની જેમ આચાર્ય પણ નથી જાણતા, તેથી તો એમને માથે એના અગ્નિસંસ્કારનો ભાર પણ છે, જશે. સાથી બ્રાહ્મણોને સઘળું જણાવી દેશે ; 'એમનો વડીલ હું, એમની સામે ઊભો રહીશ આજે મધ્યરાત્રે એ લોકો સમક્ષ નવજાત શિશુ જેવો નિર્વસ્ત્ર કોઈ પણ આવરણ વગરનો !.....ત્યારે પશ્વાતાપના અગ્નિમાંથી ક્ષુબ્ધ થઈ નીકળી ચૂક્યો હોઈશ.'
દુર્વાસાપુર જતા ગાડામાં પુત્તો આચાર્યને ચઢાવી દે છે. ચારપાંચ કલાકની યાત્રા બાકી છે. પછી શું થશે ? પ્રાણેશાચાર્ય ચિંતિત વદને, આતુર નયને ક્ષિતિજ તરફ જોઈ રહ્યા હતા. આ શબ્દો સાથે કૃતિ પૂરી થાય છે.
આ એક વિવાદાસ્પદ કૃતિ છે. એ કારણે પણ એ વધુ જાણીતી થયેલી છે. દેખીતી રીતે રૂઢ ધર્મસંસ્કારની કડક ટીકા કરતી આ કથામાં જાણ્યે-અજાણ્યે લેખક પ્રાણેશાચાર્યના સંસ્કારની – બ્રાહ્મણસંસ્કારની - પ્રતિષ્ઠા કરી બેઠા છે અને એ પણ ચંદ્રી જેવી સ્ત્રીના માધ્યમથી. એ વેશ્યાની દીકરી છે. એની માએ એને શીખવેલું : 'વેશ્યાઓએ તો આવા પવિત્ર પુરુષોનો સમાગમ કરવો જોઈએ. એમનાથી ગર્ભ ધારણ કરવો જોઈએ !' (પૃ. – ૬૩) નારણપ્પાના ઘરમાં પત્ની કે રખાત તરીકે રહેવા છતાં તે નારણપ્પાના નહિ પણ પ્રાણેશાચાર્યના સંસ્કારનું સાતત્ય ઝંખી રહી હતી. એટલે આચાર્યને પોતાની જાત સોંપ્યા પછી એના મનમાં આશા બંધાઈ કે આચાર્યના સમાગમથી એનું શરીર નવું ફળ જરૂર ધારણ કરશે. આ પુણ્ય કમાવાથી એ ગદગદિત થઈ ગઈ હતી......'એણે કંઈક મેળવ્યું, અને સામે કંઈક આપ્યું........... એનું જીવન સાર્થક થઈ ગયું હોય એવું અનુભવ્યું.' (પૃ. - ૯૦) એટલે પાપ થઈ ગયાના અને અસત્ય આચર્યાના અપરાધભાવે પીડાતા પ્રાણેશાચાર્ય કરતાં ચંદ્રી વધુ સ્વસ્થ રહી શકી છે. એ તો પ્રસન્ન છે. એને કોઈ પશ્વાતાપ નથી. સંસ્કારભ્રષ્ટ બ્રાહ્મણોની વચ્ચે અને સાથે રહેતી ચંદ્રી જેવી હલકા વર્ગની સ્ત્રી સાવ સહજ રીતે સંસ્કારધર્મને સાચવી લેવા, સંસ્કારના મૂળ અને કુળને ફરીથી નવજીવન આપવા તૈયાર છે. એમ કરવા માટે લેખકે યોજેલી સાહિત્યિક પ્રયુક્તિઓ અને રચનારીતિ કારગત નીવડે છે.
સંદર્ભગ્રંથો :