Included in the UGC-CARE list (Group B Sr. No 172)
પન્ના નાયકની કવિતામાં નારીસંવેદના

'જીવનની બધી વાત કવિતા નથી કહી શકતી’ ‘નિસ્બત’ના પૃષ્ઠ પાને છપાયેલા આ શબ્દો ઘણું બધું કહી જાય છે. મહારાષ્ટમાં જન્મ, સુરત વતન, અને કર્મ સ્થળ ફિલાડેલ્ફિઆ. આ બધાનો સંગમ તે ગુજરાતી કવિયિત્રી પન્ના નાયક. ગુજરાતીમાં પુરુષ સર્જકોના પ્રમાણમાં સ્ત્રી લેખિકાઓ ખુબ ઓછી છે. પણ જે છે તેનો જોટો જડે તેમ નથી. ગદ્ય સર્જકોમાં તો ઘણાં નામ હોઠે ચડી આવે છે; પરંતુ આ બધામાં પદ્ય સર્જક તરીકે આપણને પન્ના નાયકને યાદ કરવાની ફરજ પડે તેવું તેમનું કાર્ય સર્જન રહ્યું છે. ‘પ્રવેશ થી લઈને ‘આવન-જાવન’ કાવ્ય સંગ્રહ સુધીની સફરમાં પન્નાબેનનો નીજી રણકો સંભળાયા વગર રહેતો નથી. પરદેશમાં રહીને કાવ્યનાં માદયમ દ્વારા પન્નાબેન ગુજરાતી ભાષાની સાધના કરે છે. માતૃપ્રેમ અને માતૃભૂમિ પ્રત્યે પન્નાબેન કંઈક જુદુજ સંવેદન અનુભવે છે. ‘આવન-જાવન’ના નિવેદનમાં તેઓ નોંધે છે. “નાનપણથી જ મારા બા હવેલી સંગીતના પદો ગાતાં આમ એમનો કંઠ અને એ પદોના લય કાનમાં સચવાયા છે.”

નાનપણમાં તેમની બાના મુખે સાંભળેલા પદો તથા વિદ્યાર્થીની હતા ત્યારે પ્રેરણાદાયી અદયાપકો મળ્યા અનુકૂળ પરિસ્થિતિ હતી મનમાં ઈચ્છા પણ જાગેલી પરંતુ ભારતમાં હતાં ત્યાં સુધી તેઓ કવિતા રચી ન શકયા. આપણને પ્રશ્ન થાય કે તો કવિતા કેવી રીતે ઊતરી આવી? આનો જવાબ તેમનાજ શબ્દોમાં જોઈએ, ‘નિસ્બત’ના નિવેદનમાં તેઓ જણાવે છે: “૧૯૬૦માં ફિલાડેલ્ફિઆ આવી. નવું જીવન અને નવો દેશ. આંખમાં જ નહી આખ્ખે આખ્ખા અસ્તિત્વમાં રોમાંચ હતો.પણ જીવનમાં બધે જ થાય છે, એમ રોમાંચનું આયુષ્ય બહુ નથી હોતું. ત્યાં અનેક માણસોથી વીંટળાયેલી હું એકાએક એકલી થઈ ગઈ હોઉં એવું મને રહી રહીને લાગ્યા કર્યું પેલું પરિચિત ઘર નહી. મનમેળ માણસોનો મેળો નહી કેવળ ઘર અને નોકરી અને શૂન્યતાનો અનુભવ કરાવે એવો ખાલી ખાલી પોકળ સમય. આ એકલતા અને શૂન્યતાના અનુભવમાંથી મને ઉગારવા માટે જ જાણે કવિતા પ્રગટી ન હોય! તમને સાચું કહું? કવિતા ન હોતને તો હું સાવ એકલી એકલી થઈ જાત.” કવિતા રૂપી તરણું જીવન સાગર તરવા માટે મળી ગયું હોય તેમ તેઓ કહે છે. “એક સ્ત્રી, પાણીમાં ડૂબતી.....જિંદગીને બચાવી કિનારે લાવે છે. એ સ્ત્રી કવિતા હતી.
નીજી સંવેદનોને નિખાલસ પણે, નિ:સંકોચ સમાજના વિધિનિષેધોની પરવા કર્યા વિના અભિવ્યક્ત કરવામાં પન્નાબેનને એન સેક્ષ્ટેનનું ખરું પ્રેરક ઉદાહરણ મળી ગયું. માંહ્યલામાં તો ઘંણું બધું પડયું હતું. પરંતુ તેને કેવી રીતે શબ્દ રૂપ આપવું તેની ગડમથલ ચાલતી રહી. અંદરના મનોભાવને વ્યક્ત કરવો પણ એટલોજ સહજ નથી અને એમ પણ એક ભારતીય સંસ્કૃતિમાં જન્મેલી-ઉછરેલી સ્ત્રી માટે આ કપરું હતું. પરંતુ ખરા સમયે એન સેક્ષ્ટેન જેવી કવયિત્રી મળી ગઈ અને પછી તો પન્ના બેનની કલમ રોકાવાનું નામ નથી લેતી. વિષય પસંદગી અને વૃત્તિ પૂરતી પ્રેરણા ભલે એન સેક્ષ્ટેન પાસેથી મળી હોય-એ વાત કેવળ સમય સંદર્ભની છે, પરંતુ આ બધી કવિતાઓ કશાય છોછ કે દંભના પડદા ચીરીને બહાર આવી છે, તે ખરું સત્ય છે. કવિતામાં વર્ણ્ય વિષય પાછળ કોઈ આંતર તત્વનો ધક્કો છે. જે તેને લખવા પ્રેરે છે. તેથીજ પન્નાબેનની કવિતામાં કંઈક રહસ્યવાદી તત્વ સતત ડોકાતું જોવા મળે છે. ‘નિસ્બત’ના નિવેદનમાં તેઓ નોંધે છે: “મારો અને કવિતાનો સંબંધ દુનિયાદારીના ગણિતથી જુદો છે.” દુનિયાદારીના ગણિતમાં જેનો જવાબ નથી મળતો એવા પ્રશ્નો પન્નાબહેનની કવિતા પૂછે છે :
“જીવનમાં બધેજ સફળ
અને પ્રેમમાં નિષ્ફળ કેમ?
અને પ્રેમમાં નિષ્ફળ
તો
જીવન સફળ કહેવાય ખરુ?”

કવિયિત્રી અહીં નીજી સંવેદનને કાવ્યમાં વાચા આપે છે. જીંદગીમાં સફળ થવાં માટે ઘણાં પ્રયત્નો કરવાં પડે છે. તેમાં સાંસારિક જીવનનો પણ સમાવેશ થઈ જાય છે. સુખની વ્યાખ્યામાં આવે તે બધુજ તેમની પાસે છે. પરંતુ એકજ વસ્તુની ખોટ છે તે પ્રેમ.
“મને જોઇને
સુખી વ્યક્તિની વ્યાખ્યા બાંધી શકાય
એવું બધું જ છે.
મારી સંવેદન શીલતામાંથી ઊઠતો પ્રશ્ન એ છે
કે
મારા કહેવાતા સુખદ જીવનમાંથી જન્મતું
એકાદ પ્રણય કાવ્ય
લખવું હોય ત્યારે
મારા કાવ્યો કેમ જન્મતા હશે
નર્યા વેદના સભર ?”

સ્ત્રી પરણીને સાસરે આવે છે, એટલે સસરાનું ઘર એજ પોતાનું ઘર બની જાય છે. સારો વર અને ઘર શોધવા માટે પિતાએ પોતાની દીકરી માટે ઘણી રઝળપાટ કરી હોય છે. પન્નાબહેને પોતાની સંવેદનાને આ કવિતામાં નાજુકાઈથી ઉતારી છે.
“પિતાનું ઘર ઓળંગ્યું ત્યારે કલ્પનાય નહી
કે.
મારી બધી શોધ માટે આ સમચોરસ ખંડ!
એ ક્યારેય નહી ઓળંગવાનો
આ ઘરનો ઉંબરો?

સ્ત્રી પરણીને સાસરે આવે ચાર દીવાલની વચ્ચે પૂરાઈ રહેવાનું. પિતાના ઘરમાં મળતી આઝાદીને ત્યાંજ મૂકી આવવાની અને લોખંડની બેડીઓ જેવી જવાબદારી ઉઠાવીને જીવન જીવવાનું. દરેક સ્ત્રી એક પ્રેમાળ પતિની ઝંખના કરતી હોય છે ને તેના સુંવાળા સ્પર્શનું સુખ પામવાની અદમ્ય ઈચ્છા રાખતી હોય છે. પન્નાબહેનનો રણકો અહી આ કાવ્યમાં વ્યક્ત થયો છે.
“મારા ઘરમાં સાવ એકલી
એકલી એકલી
બધાંજ દીવાઓને ઓલવીને
મારાજ પલંગ પર
એટલી આળોટું
કે
ચાદર પર
સળ પર સળ પર સળ પડી જાય
અને
હું મને કહી શકું
કે હા,
હમણાં જ
મારી શૈયામાં
કોઈ આવીને સૂઈ ગયું છે.
કોઈ આવીને મને મબલખ મબલખ પ્રેમ કરી ગયું છે.”

કવયિત્રી જીવનમાં નિષ્ફળતા અનુભવે છે,ત્યારે પોતાનેજ સવાલ પૂછી બેસે છે. જીવનમાં હતાશા –નિરાશાથી ઘેરાઈ જાય છે ત્યારે ફરી-ફરી અપરિચિત થઈ જવાની મથામણ અનુભવે છે.
“મારું આ સુવ્યવસ્થિત ઘર અને અસ્ત વ્યસ્ત પથારી
શયનખંડની દીવાલ પર લટકતી મારી સોળ વરસની છબી
ફ્રેમમાં ગોઠવાયેલી હું જીવનમાં કેમ ન ગોઠવાઈ શકી?”
********************************************
હું એક પછી એક પરિચયો માંગું છું કે જેથી અપરિચિત થઈને
હું ફરી ફરીને મને જ નવેસરથી પામી શકું મારામાં ક્યાંક ગોઠવાઈ જવા માટે”.

નિયતિ વસ્તુત: કેટલી વસમી છે, અપરિહાર્ય છે. તેની વાત તેમણે કાવ્યની રીતે સચોટતાથી માછલીનું ઉદાહરણ આપી કરી છે.
“ પાણી જ જેનું ઘર છે
સતત તરવાની ક્રિયા જ જેને લલાટે લખેલી છે,
એ માછલી
પાણી
કે
તરવાથી થાકતી હશે ત્યારે
ક્યાં જઈ ઠરતી હશે?”

તો માછલીના પ્રતિક દ્વારા વિવિધ કલ્પનોથી કવયિત્રી જે ઉન્માદ અનુભવે છે તે નીજી સંવેદનોને અહી વ્યક્ત કર્યું છે.
“ કેમ
લાગ્યા કરે છે
જાણે મારી ભીતર
એક માછલી સતત તર્યા કરે છે ?
ભીતર માછલી હશે
તો આ કાયા દરિયો હશે?”

વર્તમાન સમયમાં સ્ત્રીઓ બેવડી જવાબદારી ઉઠાવતી થઈ છે. ઘર-વર-બાળકો, સંબંધો બધું એકલે હાથે સાચવે ત્યારે પોતાનું ખરું અસ્તિત્વ ઓગળી દે છે. પોતે ક્યાં છે? જીવન એક મશીન જેવું બની જાય છે. એ વ્યવસ્થામાંથી બહાર આવવા કોશિશ કરીએ એમ વધુ ઊંડા ઉતરતા જવાનો ભય રહે છે. પન્નાબહેને પોતાની વાતમાં જાણે સમગ્ર સમાજની સ્ત્રીઓની સંવેદનાને વાચા આપી દીધી છે.
“ આ અમેરિકા
એમાં ફિલાડેલ્ફીઆ
***************
મારી જિંદગીને કેમ કરો સ્વીકારું, કેમ કરી છોડું?
ક્યારેક મને લાગે છે કે રસોડાની બહાર શું મારી દુનિયા નથી?
લાઈબ્રેરીમાં કામ કરું છું
પણ ક્યારેક મને લાગે છે કે
હું Money making machine છું.
આ બધામાં શોધું છું હું ખોવાઈ ગયેલી પન્નાને
બેડરૂમની દીવાલમાં તો એક હાડપિંજર ચણાઈ ગયું છે.
મારું કહી શકાય એવું મારું કોઈ નામ નથી.
મારું કહી શકાય એવું કોઈ સરનામું નથી.
આ તો હું જ મને કાગળ લખું છું ને ફાડી નાખું છું.
જિંદગીને પણ આટલી સહેલાઇથી..........”

‘દીવાનખાનામાં’ એક ગૃહિણીની અદાથી તેઓ બધી જ વસ્તુઓની ગોઠવણી –ફેર ગોઠવણી કરીને ઓરડાને સુશોભિત બનાવી દે છે, પરંતુ એથી મનની પ્રસન્નતા કે તૃપ્તિ અનુભવવાને બદલે મૂંઝવણ અને વિષાદ અનુભવે છે કે ‘આ બધામાં મને ક્યાં ગોઠવું?’

સુખ સગવડભરી સમૃદ્ધ જીવન વ્યવસ્થા વચ્ચે પણ માનવી આજે સુમેળથી સુસંગત રીતે ગોઠવાઈ જઈ શકતો નથી એ જ તો આપણી આજની મોટી સમસ્યા છે.
“ દીવાનખાનાને
વ્યવસ્થિત કરું છું,
ઘડી અહી, ઘડી તહી,
વિવિધ ફેરફારથી –
વસ્તુનું મન પૂછી પૂછી
ગોઠવણી કરું છું.
સોફા અને લેમ્પને નવું સ્થાન આપ્યું.
બારીના પડદા બદલી કાઢ્યા
જૂનાં ગાલીચાની જગ્યાએ
Wall to Wall કારપેટ નાખવી દીધી.
સુશોભને પ્રસન્ન થાય છે દીવાનખાનું
સઘળું બરાબર થાય છે ત્યારે જ
છટકે છે મારું મન –
આ બધામાં મને ક્યાં ગોઠવું?”

પોતાની આસપાસની રોજિંદી સાદી દુનિયાને સાદી સરળ ભાષામાં છતાં અર્થપૂર્ણ રીતે આલેખી અંતમાં એક ચમત્કૃતિ યોજી દઈ તેઓ જીવનનો પ્રશ્નાર્થ પ્રગટ કારી જાય છે. તો હતાશા અને જીવનની નિરર્થકતાનો પ્રશ્ન પન્નાબહેન સહજ ભાવે પૂછે છે.
“ બળી ગયેલાં ઘાસમાંથી
લાલ ઝાળ લાગેલા લીલાં તરણાને
વીણવાનો ને ફરી વાવવાનો કોઈ અર્થ ખરો?”

માનવજીવન કેટલીય આશા અને શ્રદ્ધા સાથે ટકી રહેલુ છે. સ્ત્રીઓ સારો પતિ મળે એટલે ગૌરી વ્રત કરે. બાળપણથી જ આ સંસ્કારો દીકરીને આપવામાં આવે છે. કવયિત્રીએ પણ ‘ઈપ્સિત’ વર મેળવવા ગૌરીવ્રત કરેલું તોય ‘બેડરૂમમાં આગ કેમ લાગી?’ આ પ્રશ્ન ‘તોય’ કાવ્યમાં ડોકાયો છે.
“ કુંવારકા હતી
ત્યારે
માની આજ્ઞા માથે ચડાવી
મેંદી રંગ્યા હાથે
ગૌરીવ્રત કરેલું
અને
આંગણાના તરસ્યા તુલસીના છોડને
રોજ પાણી સીંચી,
એની પ્રદક્ષિણા ભરી
ઘીનો દીવો કરી
પગે લાગી
ઈપ્સિત વર માંગેલો .......
તોય
બેડરૂમમાં આગ કેમ લાગી?”

લગ્નને ગમે તેવા વ્રતો કે વિધિના આભરણ ચડાવીએ, સૂર્ય, અગ્નિ અને ગુરુની સાક્ષીએ જીવનના નવા આશ્રમમાં પગરણ માંડીએ, પણ વાસ્તવિકતા તેને નિષ્ઠુર પ્રપંચ જ ગણવાનું. કવયિત્રીનું જાવન અર્થહીન યાતના બની રહે છે.

પન્નાબહેને વિવિધ સંવેદનોનું નિરૂપણ કર્યું છે. તેમાં ક્યારેક ખુશી અને આનંદની અભિવ્યક્તિ પણ જોવા મળે છે.
“એકમેકના હાથની વચ્ચે નદી નિરાંતે વહે
અને સ્પર્શની કથા શબ્દના તરંગ વિના કહે
સુખની એવી અવધ કે મન આ કાંઈ કશું નવ માંગે
અહો! તમારી સાથે રસ્તો નહી અજાણ્યો લાગે.”

વસંતઋતુ પ્રેમીઓની ઋતુ તરીકે જાણીતી છે. આ ઋતુમાં પતિ-પત્નીને છોડીને દૂર જાય એ પત્નીએ ગમતું નથી અને પતિ જો જશે તો તેની પ્રકૃતિ પર કેવી અસર થશે તે કવયિત્રી એ મોગ્ધ્ય ભાવે નિરૂપણ કર્યું છે.
“અમને ફૂલના રંગ ગમે ને ગમે સુગંધના સૂર,
ભર વસંતમાં છોડી અમને નહી જાઓ દૂર.

ફૂલો તો મુરઝાઈ જશે
ને બાગ આખો કરમાઈ જશે
ને સંબંધ પણ શરમાઈ જશે.
તમે અમારા બાગ બગીચા તમે બાગનું નૂર,
અમને ફૂલના રંગ ગમે ને ગમે સુગંધના સૂર.”

કવયિત્રી દીવાલમાનું હાડપિંજર નથી. કવયિત્રી ખોવાઈ ગયેલી પન્નાને સર્વથા શોધતી ફરે છે. સંસારના તંબુની બહાર, રોજની એકધારી ઘટમાળ અને રૂઢીચુસ્ત બંધનોમાંથી બહાર આવી પોતાની સાચી ઓળખ મેળવવા પ્રયત્ન આદરે છે.

‘મને જ નવેસરથી પામવાની’ સંવેદના પન્નાબહેનમાં દેખાય છે. પ્રિયતમ સાથેની વાતો ક્યારેક લય મધુર ગીતો બની જાય છે ને તેમાં પ્રસન્નતાનો ગુલાબી રંગ ભળતા લગ્નનો મંડપ રચાય જાય છે.
“ તમારી સાથે હું જરીક અમથી વાત કરું ત્યાં
બધી વાતો મારી લય મધુર ગીતો થઈ રહે
તમારી સાથે હું જરીક અમથું મૌન ધરું ત્યાં
બધી વાણી મૂંગી અકળ સ્મિતનો મંડપ રચે.”

‘જનની જન્મભૂમીશ્ચ, સ્વર્ગાદપિ ગરિયસી’ દરેક મનુષ્યને પોતાની જન્મદાત્રી માતા અને જન્મભૂમિ પ્રત્યે અનોખું આકર્ષણ હોય છે. તે સ્વર્ગના સુખની તુલનાએ ચડીયાતું છે. અહી પન્નાબહેનની ભાવસ્થિતિ પણ બરાબર આ વિચારને ચરિતાર્થ કરે છે. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી ‘નિસ્બત’ની પ્રસ્તાવનામાં નોંધ છે: “(જેનો પ્રત્યક્ષ અનુભવ શક્ય જ નથી ) જેની ઝંખનાઓ ઓરિયાઓ સાથે વર્તમાન પ્રત્યક્ષ વ્યવહારને બહુ ઓછો મેલ છે એવી સંકુલ કે વિચ્છિન્ન સત્વવાળી વ્યક્તિનું દર્શન પન્નાબહેન કરાવે છે. એ દર્શન એક રીતે આગવું છે. પણ સાથે દ્વિમુખી દેશજનનું પ્રતિનિધિ રૂપ ગણાય એવું છે. વ્યક્તિનો પોતાનો ભાવોદ્ગાર વ્યાપક રૂપે અનુભવાય વ્યાપક રૂપ ધરે, એજ એનો ધ્વની; એજ એનું કાવ્યત્વ” પન્નાબહેન કહે છે-
“મારા પાસપોર્ટના ભારતીય ચહેરા પર
અમેરિકન આંગળાઓ
અને અમેરિકન સિક્કાઓની છાપ
ક્યારની પડી ચૂકી છે.
*****************
ટેવ મુજબ
નજર ખોડાઈ જાય છે.
ભારતીય સમાચારને પાને –
આંખો અહેવાલ વાંચે છે ત્યારે
મન
મુગ્ધ બનીને
અંધેરીના પરિચિત ઘરમાં ઘડીક વિહરી આવે છે.
અને પછી
અમેરિકાના
અને બીજા આંતર્રાષ્ટ્રીય સમાચારોમાંય જાણે
શોધું છું કેવળ ભારતને –
કોણ કહે છે
મેં વર્ષોથી ભરત છોડી દીધું છે?”

પન્નાબહેનના કાવ્યોમાં ક્યાંક પ્રેમની મસ્તી છે, તો ક્યાંક યુવાનીનો ઉન્માદ છલકાય છે. ક્યાંક હતાશા-નિરાશાના રંગો પણ દેખાય છે તો ક્યાંક ભીતરી સંવેદનાના સૂરો સંભળાય છે. પન્નાબહેનને વિવિધ રૂપોમાં નિહાળતા આનંદની લાગણી અનુભવવા મળે છે. આ બધા ગીતોમાં સૌથી વધુ મને આ એક ગીત સ્પર્શી ગયું છે.
“કોઈની બુદ્ધિના પાંજરામાં લાગણીનું પંખી થઈ,
ટહુક્યા કરવાનું મને મંજૂર નથી;
*****************************************
માપસર બોલવાનું માપસર ચાલવાનું,
માપસર પહેરવાનું માપસર પોઢવાનું, માપસર ઓઢવાનું,
માપસર હળવાનું માપસર ભળવાનું,
આવું હળવાનું ભળવાનું માપસર ઓગળવાનું
મને આવું પીગળવાનું મંજૂર નથી.”

સુરેશ દલાલના એક વિધાનથી મારી વાત પૂરી કરું . ‘કાવ્યને કાવ્યની રીતે જ મૂલવવું જોઈએ. સ્ત્રી કે પુરુષે લખ્યું છે એવા ભેદ મિટાવીને.” છતાંયે અહીના કેટલાંક ગીતમાં નારીની સંવેદનાની જે વાસ્તવિકતા કલાત્મક રીતે પ્રગટી છે એ કદાચ આપણા કવિતા સાહિત્યમાં જુદી તરી આવે એવી છે.

સંદર્ભગ્રંથ સૂચિ :

  1. ‘આવન-જાવન’ કવિ પન્ના નાયક પ્ર. આ. ૧૯૯૧ પ્રકા. રજીસ્ટ્રાર, એસ. એન.ડી.ટી. વિ. યુનિ. મુંબઈ
  2. ‘નિસ્બત’ કવિ, પન્ના નાયક પ્ર.આ. ૧૯૮૪ પ્રકા. મિહિકા પબ્લિકેશન્સ, મુંબઈ
  3. ‘અરસ-પરસ’ કવિ.પન્ના નાયક પ્ર. આ. ૧૯૮૯ પ્રકા. રજીસ્ટ્રાર, એસ.એન.ડી.ટી. વિ. યુનિ. મુંબઈ
  4. ‘ગુજરાતી ઊર્મિકાવ્યો’ સંપાદક જયંત પાઠક, રમણલાલ પાઠક પ્ર.આ. ૧૯૮૩ પ્રકાશક આદર્શ પ્રકાશન, અમદાવાદ.


ડૉ. અરુણાબેન ત્રિવેદી (ગુજરાતી વિભાગ ), શ્રી એન.કે. મહેતા એન્ડ શ્રીમતી એમ. એફ.દાણી આર્ટસ કૉલેજ માલવણ. મો. ૯૪૨૮૧ ૫૬૧૨૯