('વિશ્વાસનું એવરેસ્ટ', લે.અરુણિમા સિન્હા, અનુ.સુધા મહેતા, પ્રકા.ગુર્જર સાહિત્ય પ્રકાશક, અમદાવાદ, પૃ.14+146, કિં.150 પ્રકા.વર્ષ.2018)
વિશ્વનાં સૌથી ઊંચા ગિરિ શિખર માઉન્ટ એવરેસ્ટ (૮,૮૪૮ મિ.-૨૯,૦૨૯ ફૂટ)ને ઈ.સ.૧૯૫૩માં એડમંડ હિલેરી અને તેનઝિંગ નોર્ગેએ સર કર્યા પછી તો વિશ્વના અનેક પર્વતારોહકોએ એવરેસ્ટ પર ધ્વજ લહેરાવીને પોતાના સાહસને સિદ્ધ કર્યા હતા. પરંતુ ૨૧-૦૫-૨૦૧૩ના સવારે ૧૦.૫૫ મિનિટે એવરેસ્ટ શિખર પર એક નવો જ કીર્તિમાન પ્રસ્થાપિત થયો. અરુણિમા સિન્હા વિશ્વની પ્રથમ મહિલા પર્વતારોહક બની જેણે દિવ્યાંગ હોવા છતાં એવરેસ્ટ ચડીને પોતાના અદમ્ય સાહસનો પરિચય આપી અનેક દિવ્યાંગ વ્યક્તિઓ માટે અને ખાસ કરીને સ્ત્રીઓ માટે સાહસ અને સંકલ્પથી જીવનમાર્ગ રચી લેવાની પ્રેરણા અને હિંમત આપી. અરુણિમા સિન્હાએ પોતાની સાહસકથાને 'Born Again on Mountain' (2014) પુસ્તકમાં શબ્દસ્થ કરી છે જેનો ગુજરાતી ભાવાનુવાદ 'વિશ્વવાસનું એવરેસ્ટ' (સપ્ટે.૨૦૧૮)નામથી સુધા મહેતાએ કર્યો છે. અહીં આ ગુજરાતી પુસ્તક વિશે થોડો વિચાર-વિમર્શ કરવાનો ઉપક્રમ છે.
જીવનમાં કેટલાંક દુ:ખદ અકસ્માતો સ્વપ્ન, સંકલ્પ, સાહસ અને શૌર્યનાં નવાં રસ્તા ચીંધી બતાવતા હોય છે. અરુણિમા સિન્હાનાં જીવનમાં ૧૧ મી એપ્રિલ ૨૦૧૧ રોજ રાત્રે ૯.૦૦ કલાકે લખનૌ સ્ટેશનેથી ઉપડતી પદ્માવત એક્સપ્રેસ ટ્રેનમાં મધરાતે એક અમાનવીય અકસ્માત સર્જાયો. દારૂના નશામાં ધૂત લૂંટારુઓએ એકલી જાણી અરુણિમા પર નિર્લજ્જ હૂમલો કર્યો. તેનાં ગળાની સોનાની ચેન આંચકી લેવાનો પ્રયાસ કર્યો. નિડર અરુણિમા એકલી હોવા છતાં હિંમતથી સામનો કરે છે. પરંતુ ક્રૂર લૂંટારુની લાતથી ચાલતી ટ્રેને દરવાજાની બહાર ફંગોળાઈ જાય છે અને રેલવેના પાટા પર પડતી અરુણિમાનાં પગ પર ટ્રેનનાં પૈડા ફરી વળે છે. અહીંથી જીવન ટકાવી રાખવાના સંઘર્ષથી લઈને કૃત્રિમ પગ સાથે માઉન્ટ એવરેસ્ટ શિખર ચઢવાના સ્વપ્નને સાર્થક કરવાના અપ્રતિમ સાહસની જીવનકથા એટલે 'વિશ્વાસનું એવરેસ્ટ'.
પ્રથમ વ્યક્તિ એકવચનની કથનરીતિમાં રચાયેલ અરુણિમા સિન્હાની આ જીવન-સાહસ કથા "રેલવેના બે પાટા વચ્ચે હું પડી હતી." થી શરુ થઈને " મને થયું કે જાણે મારો પુનર્જન્મ જ થયો છે-એવરેસ્ટના પહાડ ઉપરનો પુનર્જન્મ." – આ બે વિધાનોની વચ્ચે વિસ્તરેલી છે. એક મહિલાના અપ્રતિમ જીવનસંઘર્ષ અને જીવનસાફલ્યની આ કથા અનેક રીતે અનેકો માટે પ્રેરણાદાયી અને પથદર્શક બની રહે તેવી છે. સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સમાં નોકરી માટે કરેલી અરજીના સંદર્ભે ઈન્ટરવ્યું માટે દિલ્હી જવાનું બન્યું અને જીવનની દિશા જ ધરમૂળથી બદલાઈ જાય એવી દુર્ઘટના બની. મધરાતે ચાલુ ટ્રેનનાં ડબ્બામાંથી બદમાશો દ્વારા પાશવી રીતે ફેકી દેવાયેલ અરુણિમા સિન્હાના ડાબા પગ પરથી ટ્રેનના પૈડા પસાર થઈ ચૂક્યા હતા અને જમણા પગના મોટાભાગનાં સ્નાયુઓ-સાંધાનો ખુડદો બોલી ગયો હતો. જીવનમરણની વચ્ચે ઝોલા ખાતી અરુણિમા સિન્હા કોઈ અકળ-ઈશ્વરીય શક્તિ અને દ્રઢ આત્મબળને સહારે બે પાટાની વચ્ચે પડી પડી 48 જેટલી ટ્રેનોને પોતાની પાસેથી પસાર થતી જૂએ છે પણ સહાયનો કોઈ હાથ મળતો નથી. બીજે દિવસે પ્રભાતે શૌચક્રિયા અર્થે નીકળેલ કોઈ યુવકને પાટા વચ્ચે પડેલી અરુણિમા સિન્હા દેખાય છે અને તે સાથે જ સારવાર, સહાય અને સંઘર્ષની કથા વહેતી બને છે. પહેલાં ચનેટી સ્ટેશન પછી બરેલી રેલ્વે સ્ટેશન થોડાં કલાકો 'પેપરવર્ક'ની સરકારી વ્યવસ્થા પછી અંતે બરેલીની ડીસ્ટ્રિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. તાત્કાલિક ડાબા પગનું ઓપરેશન કરવું જરૂરી પણ કોઈ એનિસ્થેટિસ્ટ ઉપલબ્ધ નહિ. અરુણિમા વગર એનિસ્થેસિયા ઓપેરશન માટે તૈયાર થાય છે. ડૉ. બી.સી.યાદવજી સ્વયમ અરુણિમા માટે રકતદાન કરે છે. બેશુદ્ધ થયાં વિના પગની વાઢકાપની અસહ્ય પીડા સહન કરી પોતાની બહાદૂરીનો પરિચય આપતાં અરુણિમા એ પછી તો કૃત્રિમ પગ લગાવી ચાલી શકવાની હિંમત પ્રગટાવે છે. પરંતુ ત્યાં સુધીની સફર તેમને માટે સરળ નહોતી. અરુણિમા સાથે બનેલી અમાનુષી દુર્ઘટનાની વિગતો મીડિયામાં પ્રગટ થતાં ધીમે ધીમે શરૂઆતમાં ઉત્તરપ્રદેશ પ્રશાસન અને પછી તો કેન્દ્ર સરકારની સીધી દેખરેખ હેઠળ 'એમ્સ'માં ઝડપી અને ઉચિત સારવાર મળવા લાગી. જાણીતાં-અજાણ્યાં અનેક લોકોએ આર્થિક-નૈતિક ટેકો આપી અરુણિમાને બળ પુરું પાડ્યું. આ સમય દરમિયાન જેને તેઓ 'સાહેબ' કહીને બોલાવતાં તે બનેવી, મા, બહેન અને નાના ભાઈનો ખૂબ જ સધિયારો અરુણિમાને મળતો રહ્યો. 'સાહેબ'ની પ્રેરણાથી એવરેસ્ટ ચડવાનું સપનું જોવાનું શરું થયું અને પછી તેને સાકાર કરવા માટેનો પરિશ્રમ. સુખ્યાત પર્વતારોહક બચેન્દ્રી પાલને મળીને પોતાના સ્વપ્નની વાત કરે છે. બચેન્દ્રી પાલ પણ અરુણિમાનાં સાહસને સહારો આપે છે. પર્વતારોહણની વિધિવત્ તાલીમ લેવા માટે ઉત્તરકાશીના કામચલાઉ તાલીમ કેન્દ્રમાં વ્યવસ્થા ગોઠવી આપે છે. હોસ્પિટલમાં જીવન ટકાવી રાખવાનો સંઘર્ષ હતો તે હવે એવરેસ્ટ ચડવાનો એક નવો પડકાર બનીને વિકસે છે. નહેરુ ઇન્સ્ટિટયૂટ ઓફ માઉન્ટેનિયરિંગમાં દિવ્યાંગોને તાલીમ આપવાની મનાઈ હોવા છતાં અરુણિમા પોતાની માનસિક અને શારીરિક ક્ષમતાનો પરિચય આપી બેઝિક ટ્રેનિગ આત્મવિશ્વાસથી પૂર્ણ કરે છે. એ દરમિયાન અનેક મુશ્કેલીઓ આવે છે પણ અરુણિમા હિંમત નથી હારતાં. એવરેસ્ટ સર કરતાં પૂર્વે બચેન્દ્રી પાલના સૂચનથી જ લડાખના ચમસાર કાંગડી (21,798 fit) શિખર પર ચડવાનું લક્ષ્ય સફળ રીતે પરિપૂર્ણ કરી એવરેસ્ટ તરફ આગળ વધે છે.
એવરેસ્ટ સર કરવા માટે જેમ શારીરિક-માનસિક સ્વસ્થતા અત્યંત અનિવાર્ય છે તેમ મોટો આર્થિક સહયોગ પણ જરૂરી બને છે. મીડિયા દ્વારા અરુણિમાનો એવરેસ્ટ ચડવાનો મનસૂબો પ્રસિદ્ધ થયા પછી તો તેમને દેશભરમાંથી તેમજ અમેરિકાથી(ડૉ.રાકેશ) મદદ મળી. પ્રકરણ-15 'કાઠમંડુ'થી લઈને પ્રકરણ-23 'કાઠમંડુ ફરીથી' સુધીમાં અરુણિમાની એવરેસ્ટ વિજય યાત્રા રસમય રીતે વર્ણવાય છે. દુર્ગમ એવરેસ્ટને સર કરવા નીકળેલાં અરુણિમા ગુરુ બચેન્દ્રી પાલની એકે એક સલાહને અનુસરીને મોસમ અને પહાડ સાથે તાલમેલ જાળવીને પોતાના સાથી શેરપા સાથે આગળ વધે છે. દિંગબોચેથી છૂકુંગ અને પછી ત્યાંથી આઈલેન્ડ શિખર(20,299 fit) તરફનો કપરો પ્રવાસ અનેક મુશ્કેલીઓ વેઠીને કૃત્રિમ પગે પૂર્ણ કરે છે. હાડ ગાળી નાખે તેવી કાતિલ ઠંડીમાં, ઓક્સિજનની મર્યાદામાં શારીરિક-માનસિક તકલીફો વેઠીને બરફમાં લપસતાં પગને જાળવી જાળવી મૂકી આગળ વધાવાનું સાહસ અરુણિમાનાં શૌર્યનું પ્રતીક બને છે. એવરેસ્ટ સુધી પહોંચવા માટે કેમ્પ-1 થી કેમ્પ-4 સુધીનો જવા-આવવાનો હવે આખરી તબક્કો આવે છે. કેમ્પ-3 સુધી તો અરુણિમા ઓક્સિજન માસ્ક પહેર્યા વિના ચાલે છે પણ નીમા કાંચાના સૂચનથી માસ્ક પહેરીને આગળનો પ્રવાસ કરવો એમ નક્કી કરે છે. પગેથી બરફને સતત ઠોકીને-તોડીને આગળ વધવાનું સરળ તો નહતું. હાથ પગમાં પડેલા કાપાઓ રુજાતા નહોતા. પારાવાર વેદના અને અશક્તિને કારણે ચાલવું ય મુશ્કેલ બની ગયું. એક પછી એક સાથી આરોહકો આગળ વધી જાય છે. ઓક્સિજન પણ પૂરો થવા આવ્યો હતો. પણ અરુણિમા હાર નથી માનતા. શેરપાની સલાહ છતાં પાછાં નથી ફરતાં. લપસે છે, પડે છે, ઈજા પામે છે પણ ધીમે ધીમે આગળ વધે રાખે છે. છેવટે 21 મે 2013ની સવારે 10.55 કલાકે એવરેસ્ટ શિખરના પર અરુણિમા ભારતનો તિરંગો ગૌરવભેર લહેરાવે છે. મંત્રો બોલી પ્રાર્થના કરે છે. ઈશ્વરીય ચમત્કારની જેમ કોઈ નવા શેરપા પાસેથી મળેલું 'એનર્જી જેલ' ખાઈ પુનઃઉર્જા અને ચેતના મેળવે છે. દુનિયાને પોતાનાં અપૂર્વ પરાક્રમનો પૂરાવો આપી શકાય તે માટે શેરપા પાસે મોબાઈલમાં 92 સેકન્ડનો વિડિયો ઉતારાવે છે અને કદાચ પાછાં ફરતાં મરી જવાય તો પણ આ વીડિયોના માધ્યમથી દુનિયા સન્મુખ એક સંદેશ પહોંચાડવાની ઈચ્છા પૂર્ણ કરે છે. આગળ નીકળી ગયેલાં શેરપાએ ફેંકી દીધેલાં અધૂરાં ઓક્સિજન સિલીન્ડરના સહારે અરુણિમા મુશ્કેલીભરી વળતી મુસાફરી પણ હિંમત કરી બેઝ કેમ્પ પર પરત ફરે છે. એવરેસ્ટ આરોહણનો કીર્તિમાન રચાયાની દેશ અને દુનિયાને જાણ થયા પછી તો અરુણિમા સિન્હા અનેકો માટે પ્રેરણા અને પ્રોત્સાહનના દીવાદાંડી બની ગયા. પુસ્તકનાં અંતે મુકાયેલા અરુણિમાનાં શબ્દો ખાસ ધ્યાને લેવા જેવાં છે :
"એક વરસ પણ હજી પુરું નહોતું વીત્યું જયારે રેલવેના પાટા ઉપર લોહી વહી રહ્યું હોય તેવી સ્થિતિમાં હું પડી હતી અને કોઈ મદદે આવે તેમ નહોતું. તે પહેલાં તો મારા ઉદાસ પરિવારની મદદ માટે દિલ્હીમાં મારી નોકરી નક્કી કરવા જઈ રહી હતી. અને આજે એ બધું જ બદલાઈ ગયું હતું-સહુથી વધું તો મારાં સ્વપ્નો અને આકાંક્ષાઓ. મને થયું કે જાણે મારો પુનર્જન્મ જ થયો છે- એવરેસ્ટના પહાડ ઉપરનો પુનર્જન્મ." (પૃ.134,' વિશ્વાસનું એવરેસ્ટ')
અરુણિમા સિન્હાની આ સાહસકથા શારીરિક કે માનસિક રીતે અશક્ત એવાં અનેકો માટે જીવનગામી બળ પુરું પાડે તેવી છે. છલોછલ હકારાત્મકતા અને જીવનસિદ્ધિની ઉર્જા પૂરી પાડતી આ કથા પણ એવરેસ્ટ ચડવા જેવો જ કીર્તિમાન રચે તેવી છે. અનુવાદકે ખાસ કાળજી રાખીને કૃતિમાં રહેલી ટેકનિકલ વિગતોને ઓગળીને પ્રસંગો અને પરિસ્થિતિઓને રસવાહી રીતે જ વહેતી રાખવાનો સફળ પ્રયાસ કર્યો છે. જિજીવિષા અને વિજીગીષા (એવરેસ્ટ આરોહણ)નું સ્વપ્ન સિદ્ધ કરતાં અરુણિમા સિન્હા એક પ્રચંડ પ્રેરણા-સ્રોત બનીને ઉપસી આવ્યાં છે એ સ્વીકારવું જ રહ્યું. એવરેસ્ટ વિજય પછી પણ વિશ્વના છ એક જેટલાં દુર્ગમ શિખરો સર કરીને તેમણે પોતાની શિખરયાત્રા વણથંભી ચાલતી રાખી છે. 'ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ એકેડમી ફોર હેન્ડીકેપ'નો પ્રકલ્પ ઉન્નાવમાં (ઉ.પ્ર.) 'અરુણિમા ફાઉન્દેશન'ના સંચાલનમાં કાર્યરત છે અને ઘણાં બધાંને તાલીમ અને સહાય પૂરી પાડે છે.