Included in the UGC-CARE list (Group B Sr. No 172)
‘હું હીજડો... હું લક્ષ્મી’: માનવીની અનંત આત્મખોજની કથા

ભૂમિકા :

ગુજરાતી સાહિત્યમાં આર્વાચીન યુગના પ્રથમ તબક્કા એવા સુધારક યુગમાં જ એક આદર્શ અને સુશ્લિષ્ટ આત્મકથાનું અવતરણ થયું. પરંતુ તેનું પુસ્તકરૂપે પ્રકાશન તો છેક ગાંધીયુગ(1933) ના સમય દરમિયાન થયું. નર્મદની આ ‘મારી હકીકત’થી માંડીને છેલ્લે ‘એક હતો વિનેશ’(વિનેશ અંતાણી), ‘જલસાવતાર’(ચીનુ મોદી) ‘આત્મગોષ્ઠિ’ (હસુ યાજ્ઞિક) અને સાવ અંતિમ બિંદુ કહી શકાય એવી મણિલાલ હ. પટેલની બે ભાગમાં પ્રગટ થયેલી ‘ તરસી માટી’ અને ‘એકલા હોવું’ સુધીનો વિસ્તાર ગુજરાતી આત્મકથાએ સાધ્યો છે. વીસમી સદીની આત્મકથાઓની તુલનાએ આ સાહિત્ય-સ્વરુપમાં એકવીસમી સદીના પ્રથમ બે દાયકા દરમિયાન વધારે નક્કરતા અને વિપુલતાથી કામ થયાનું જોઇ શકાય છે. તેમાંય એકવીસમી સદીમાં દેશ-પ્રદેશના વધતા સંપર્કો અને સાધનોની વધતી ઉપ્લબ્ધતાને લીધે અનુવાદનું પ્રમાણ પણ વધ્યુંછે. બીજી ભાષાની, બીજા પ્રદેશની કોઇ ઉત્તમ કૃતિ જ્યારે અનુવાદિત થાય ત્યારે બીજી ભાષા-સંસ્કૃતિનો વારસો સંન્ક્રાન્ત કરવાની તક અન્ય ભાષાને મળી રહે છે. આવી જ એક ઉત્તમ તક સાંપડી છે ‘હું હીજડો...હું લક્ષ્મી..’ના અનુવાદરુપે. નહીં પુરુષ કે નહીં સ્ત્રી એવું માનવજાતિનું વચલુંરૂપ ધરાવતા શ્રી લક્ષ્મીનારાયણ ત્રિપાઠીના જીવનની, મૂળ મરાઠી ભાષાની આત્મકથાને શ્રી કિશોર ગૌડે ગુજરાતી ભાષામાં અનુવાદિત કરી છે. કદાચ ભારતની તમામ ભાષાઓ માટે દુર્લભ ગણી શકાય એવી આ આત્મકથાનું ગુજરાતીમાં અવતરણ થયું અને સદીઓથી માનવજાતિના અન્યાયનો ભોગ બનેલું માનવીની આ ત્રીજી જાતિનું- તૃતીય પંથીઓનું સન્માન થયું. જાણે લક્ષ્મીનારાયણનું જીવન સમગ્ર હીજડા જાતિ માટે પરિવર્તનનો પવન ફૂંકનારું બન્યું અને સમાજ સામે ઝઝૂમીને, આત્મબળની ઊચ્ચતમ અવસ્થાએ પહોંચીને આલેખયેલી આ સ્વ-ઓળખની કથા ગુજરાતી આત્મકથાના એક મહત્વના અધ્યાય તરીકે ઉમેરાઇ. જે ગુજરાતી સાહિત્ય માટે અને ગુજરાતી લોક-સમાજ માટે પણ મહત્વની ઘટના તરીકે જોઇ શકાય.

આમ તો આત્મકથા એટલે જ “આત્મબળની એરણ પર જીવનની કસોટીનું શબ્દરૂપ”. નર્મદ હોય, ગાંધીજી હોય કે મણિલાલ દ્વિવેદી હોય. ઇષ્ટ અને અનિષ્ટ, સત્ય અને અસત્ય, વ્યકિ અને સમાજ વચ્ચેના દ્વંદ્વ આ સાહિત્યસ્વરુપને પડકાર ફેંકતા જ રહે છે. શબ્દના સાધન વડે જે આ દ્વંદ્વમાંથી પાર ઉતરે તે જ સફળ. અહીં આત્મકથા નિમિત્તે લેખકે-લક્ષ્મીએ એવાં અનેક દ્વંદ્વમાંથી પાર ઉતરી પોતાનું જીવન સફળ બનાવ્યું છે. અને પોતાની સાથે બીજા અનેક સહપંથીઓના જીવનમાં પોતાના ઉદાહરણ દ્વારા આશાનું અજવાળું જન્માવ્યું છે. વ્યક્તિથી સમષ્ટિના પ્રતિનિધિરૂપ બની જતું વ્યક્તિત્વ ખરેખર જ માનવીની આત્મિકશક્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ બની જાયછે.

પાત્રના જીવન-ઘટનાનો આલેખ :

જન્મજાત પોતાના શારીરિક રૂપ અને આંતર વ્યક્તિત્વ, પોતાની જાતિ અને જાતિભાવ વચ્ચેની ભિન્નતા પારખી જનાર લક્ષ્મીનારાયણ લખે છે : “હું એક છોકરો હતો અને મારા શરીરમાં જે કળા હતી એ ‘સ્ત્રી’ની કળા હતી અને એટલે જ સમાજની દષ્ટિએ હું કલાકાર ન હતો, બાયલો હતો.. નાચનારો ?”[1]

લક્ષ્મીનું જીવન અને બાળપણ :

મૂળ તો ઉત્તર પ્રદેશનું રૂઢિચુસ્ત છતાં વ્યક્તિસ્વાતંત્ર્યમાં માનનારું ને પારિવારિક પ્રેમ ધરાવતું એક બ્રાહ્મણ કુટુંબ. ચંન્દ્રદેવ ચંડીનાથ ત્રિપાઠી અને વિધાવતીના સુખી દાંપત્યજીવનના સારરૂપ કુલ સાત સંતાનોમાંથી ત્રણ સંતાનો જીવ્યા. સૌથી મોટી બહેન અને સૌથી નાનો ભાઇ શશી. મોટા પુત્ર તરીકેનું સ્થાન આ લક્ષ્મીનારાયન ત્રિપાઠીનું. ઘરમાં લાડકું નામ રાજુ. માતા-પિતાએ આ ત્રણેયને લાડકોડથી ઉછેરવાની સાથે સાથે જ સરસ શિક્ષણ આપ્યું અને ઉત્તમ સંસ્કાર પણ આપ્યા. પોતાના વર્તનવ્યવહારથી જ આ દંપતીએ પોતાના સંતાનો પર જીવનના ઉચ્ચતમ મૂલ્યો પ્રસ્થાપિત કર્યા. ‘ક્યારેય ખોટું બોલવું નહીં, ખોટું વર્તવું નહીં. કોઇનું ખરાબ ઇચ્છવું નહીં. કોઇ દુભાય નહીં એનું ધ્યાન રાખવું ને કોઇ પણ કામ કરવામાં શરમાવું નહીં જેવા વિચારો બચપણથી જ બાળકોના સ્વભાવમાં સ્થાપવામાં આ માતા-પિતા આધારરુપ બન્યા.

લક્ષ્મીનારાયણ બાળપણથી જ મમ્મીની નિકટ .શશી ખૂબ જ મસ્તીખોર. મોટી બહેનની માતા જેવી મમતા અને દેખભાળ. દાદાગીરી ય ખરી. ભાઇઓ ક્યાં જાય છે ને કોની સાથે રમે છે, ને શાળામાં કેવાં માર્ક્સ મેળવે છે તેનીય સંપૂર્ણ જાણકારી. આવી બહેન લક્ષ્મીને સૌથી પહેલાં ફિલ્મના ગીતો પર સ્ટેપ શીખવે છે. પોતાનો ભાઇ એક સ્ત્રીની જેમ નૃત્ય કરી શકે છે એ જાણ્યા પછી પગમાં ઘૂંઘરું પણ જાતે જ બાંધી આપે છે. દરેક વ્યક્તિના બાળપણના અનેક સુખદ સંભારણા હોય છે એવું લક્ષ્મીની બાબતમાં નથી. બે-ચાર અપવાદરૂપ પ્રસંગોને બાદ કરતા યાદ રહી જાય એવી છે તેના બાળપણની માંદગી. લક્ષ્મીને બચપનથી જ અસ્થમાની બિમારી છે એટલે માતા અને બહેન એની ખૂબ જ સારસંભાળ લે છે. બિમાર પડી જવાના સતત ભયને લીધે લક્ષ્મી તેના સમોવડિયા બાળકો સાથે વધુ રમી શકતો નથી. ને એમ ને એમ એકલમોજી અને આંતર વ્યક્તિત્વ તરફ ઢળતો જાય છે.

બિમાર રહેવા છતાં નાચવું એ તેના માટે સૌથી વધુ આનંદ આપનારી પ્રવૃત્તિ છે. તેના મંદવાડનો એકમાત્ર વિસામો એટલે આ નૃત્ય. ભલે લોકો પછી બાયલા કે છક્કા તરીકે હાંસી ઉડાવતા. આવા ઉપહાસના ભોગે પણ તે નાચવા તૈયાર હતો. તેનો માસિયાઇ ભાઇ વિજયપ્રતાપ જેને તેઓ ‘દાઢીભૈયા’તરીકે ઓળખતા તે સદા લક્ષ્મીની મદદે આવતો, તેનું રક્ષણ કરતો. પરંતુ તે કમળામાં મૃત્યં પામ્યો એ લક્ષ્મીના જીવનનો પહેલો આઘાત.એ પછી તો લક્ષ્મીના જીવનમાં આઘાતોની હારમાળા સર્જાય છે. તે સાત વર્ષનો હોય છે ત્યારે તેનું પહેલીવાર જાતીય શોષણ થાય છે. લગ્નના એક પ્રસંગમાં કેટલાક છોકરા મળી તેના શરીરનો લાભ ઉઠાવતા રહ્યા. શરુઆતની જોર-જબરદસ્તી, ધમકીઓ અને પારાવાર પીડા છતાં પછી તે સામે ચાલીને પણ આ બધું થવા દેવા લાગ્યો. આનું કારણ સમજી શકાય એવી હજુ તો ઉંમર જ કયાં હતી ? પણ એ બધું ખોટું છે એવો આત્માનો અવાજ તેણે સાંભળ્યો અને તેના ‘શાંતપણા’ની કિંમત તેણે વધારે ચૂકવવી પડશે તેવું જણાતા તેણે પ્રતિકાર કરવાનો નિર્ધાર કર્યો.

સમવયસ્કોમાં ન ભળી શકનાર લક્ષ્મીને પ્રેમાળ અને અપ-ટૂ-ડેટ રહેનાર, અંગ્રેજી પર સારું પ્રભુત્વ ધરાવનાર પડોશી સંગીતા આંટી જોડે ઊંડો નાતો બંધાય છે. આ સંગીતા આંટી તેનું અંગ્રેજી સુધારે છે તેમ તેની શારીરિક વિશેષતા સમજે પણ છે. તે એક દિવસ લક્ષ્મીની ‘ગે’ લોકો માટે કામ કરતા અશોક રાવકવી સાથે મુલાકાત કરાવી આપે છે. મુંબઇના મહેશ્વરી બાગમાં થયેલી આ મુલાકાત લક્ષ્મીના મનનું થોડું-ઘણું સમાધાન કરી આપે છે. પોતે ‘એબનોર્મલ’ નથી એવું સમાધાન પામી, એસ.એસ.સી.ની પરીક્ષા બાદ બધુ સમજાવવનું કહી તે ‘ગે’ કમ્યુનિટીના આવકારને પામી ઘરે પરત ફરે છે. થાણેનું મકાન બદલવાનું થતા શાળા પણ બદલવાની ફરજ પડે છે. ખોપટના નવા મકાનમાં રહેવા આવતાં જ લક્ષ્મીના જીવનનું પ્રથમ પ્રેમ પ્રકરણ શરું થાય છે. તેની પાડોશમાં રહેતા તેનાથી આઠેક વર્ષ મોટા રોહન સાથે પ્રેમ સંબંધ બંધાય છે. આ પ્રેમ સંબંધ ઇષ્ટ છે કે અનિષ્ટ એ નક્કી કરવું તેના માટે અતિ દુષ્કર સાબિત થાય છે. આ સંબંધમાં સેક્સ પણ ઉમેરાયો, પણ તે લક્ષ્મીને આનંદ આપનારો, ભારથી લદાયેલો નહીં. થોડા જ વખતમાં આ સંબંધ શરીર પુરતો મર્યાદિત થવા લાગ્યો ને દોસ્તીનો પણ ભોગ લઇ આ સંબંધ કાળગ્રસ્થ થયો.

લક્ષ્મીને બાસ્કેટબોલ રમવાનું ગમતું .જન્મજાત અસ્થમાને લીધે તેણે આ રમત છોડવી પડેલી. પરંતુ આ રમત દરમિયાન મળેલા તેના જેવા જ સહધર્મી રાહુલ કાળેએ લક્ષ્મીને ‘બોલ્ડનેસ’ના પાઠ ભણાવ્યા. લોકોના અભિપ્રાયની ઝાઝી ચિંતા કર્યા સિવાય બોલવામાં, રમવામાં, રખડવામાં ને પાર્ટીઓ કરવામાં લક્ષ્મીએ રાહુલનો સાથ આપ્યો ને ‘સંગ તેવો રંગ’ને નાતે તેનામાં પણ આ ‘બોલ્ડનેસ’ કેળવાતી ગઇ.આ અરસામાં જ માથેરાનન પ્રવાસ દરમિયાન રાત્રે નાસીર જોડે સંબંધ બંધાયો. પાછો એ જ વિચાર પ્રક્રિયાનો દોર કે, “આપણામાં એવું શું છે જે પુરુષો પ્રત્યે જ આકર્ષણ અનુભવે છે ?” થોડા જ વખતમાં નાસિરને છોડી તેનું મન રવિ નામના એક છોકરા માટે વિહ્વળ બને છે. રવિનો તો જાણે એને નશો જ થતો ગયો ને નાસીર દૂર ને દૂર. રવિ સાથેના સંબંધમાં તેણે શરીર સિવાય પણ બીજું અનુભવ્યું. જાણે પ્રેમની દિવ્ય અનુભૂતિ. એટલે જ તે આ રવિના તેની પ્રિય સહેલી નિશા સાથે લગ્ન કરાવી આપી તેના સંપર્કમાં પોતાના પ્રેમને જીવંત રાખે છે. પ્રેમ અને આકર્ષણના આ ગાળામાં તે પોતાની જાત વિશે સાવ અનિશ્ચિતતા અનુભવે છે. તે કહે છે : “ મારી જાતીયતા વિશે હું ખૂબ વિચાર કરતો હતો. હું એબનોર્મલ નથી એ સાચું છે. પણ પછી આ છે ય શું ? છોકરા તરીકે મારો જન્મ થયો હતો અને છોકરાઓના જ પ્રેમમાં પડવા લાગ્યો હતો. પણ હવે હળવેહળવે આપણે છોકરો નથી જ, છોકરી જ છીએ એમ પણ મને ક્યારેક લાગવા લાગ્યું હતું. ચોક્કસ હું કોણ છું ? આ જીવન મને નક્કી ક્યાં લઇ જવાનું છે...? આપણી ઇચ્છાનુસાર આપણે કઇ કરી શકીશું કે નહી ...? કાંઇ સમજાતું નહોતું . આપણી કાંઇ ભૂલ થાય છે કે ? વિચાર કરીને માથું ભમવા લાગતું.” [2]

આવી મૂંઝવણ વચ્ચે લક્ષ્મી પોતાની કુદરતદત્ત કલાને વિકસાવવા તરફ વળે છે. બેબી જોની નામના વ્યક્તિ તેના જીવનમાં પ્રવેશી આ કલાને શાસ્ત્રીય ઘાટ આપે છે. નૃત્યનું સાચું પ્રેઝન્ટેશન શીખવે છે. ‘ ડાન્સર હંમેશા ડાન્સર જ લાગવો જોઇએં’ જેવા સૂત્ર દ્વારા તેઓ લક્ષ્મીના જીવનમાં આમૂલ પરિવર્તન આણે છે. પોતાની જાતનુ હંમેશા સન્માન કરવાનું પણ તેઓ લક્ષ્મીને શીખવે છે. આનું પરિણામ એ આવ્યું કે સાતમા-આઠમામાં અભ્યાસ કરતો લક્ષ્મી પોતાના ડાન્સક્લાસ શરું કરે છે. પોતાની માતાના નામ પરથી ‘ વિધા નૃત્ય નિકેતન’ નામે જીવનની પહેલી નૃત્યશાળા શરુ થઇ અને તેમાં વિધાર્થીરૂપે તો ક્યારેક વ્યવસાયિક ધોરણે નવા નવા લોકોનો પરિચય થતો જ રહ્યો. વૈશાલી મેડમે ફિલ્મી પ્રકારનો ડાન્સ શીખવ્યો તો દીપક સાળવી નામે એવા દીકરા જેવો સ્નેહી મળ્યો કે જે ભવિષ્યના તેના તમામ કાર્ય સંભાળવાનો હતો. આ સમયગાળા દરમિયાન પ્રબળ જાતિય વૃત્તિને કારણે કંઈ કેટલાય પુરુષોની ભૂખાળવી નજરનો ભોગ લક્ષ્મીએ બનવું પડ્યું . તેની ઉપર બાળાત્કાર સુધીના પ્રયાસો થયા. આ બધામાંથી તેને શીખવા મળ્યું કે પુરુષપ્રધાન સમાજમાં કઇ રીતે વર્તવું. ‘ગે’ ટુકડી સાથે રહેવામાં પણ તે હવે એક પ્રકારની ચીડ અનુભવે છે. પોતે પુરુષ છે અને પુરુષો પ્રત્યે આકર્ષણ અનુભવે છે એવું નથી પણ પોતે એક સ્ત્રી હોવાના સતત અનુભવને લીધે તે આ ‘ગે’ ટુકડીને વિદાય આપે છે.

લક્ષ્મીનો કોલેજ-યુવાનીનો પ્રવૃત્તિઓથી ધમધમતો કાળ :

એસ.એસ.સી. થઇને મીઠીબાઇ કોલેજમાં પ્રવેશતા જ શરમાળ લક્ષ્મીના વ્યક્તિત્વમાં પરિવર્તન આવે છે. અગાઉ બોલ્ડનેસના પાઠ ભણેલો તે હવે બિંદાસ્ત થતો જાય છે. કોલેજનું મુક્ત વાતવરણ તેને જિંદગીનો એક નવો જ અનુભવ કરાવે છે. તે વખતને યાદ કરીને લક્ષ્મી કહે છે: “ અત્યંત ફેશનેબલ હતો હું ત્યારે અને મારી જાતિયતા બાબતમાં ખૂબ જ બોલ્ડ. ક્યારેક પુરુષોનાં, ક્યારેક સ્ત્રીનાં કપડાં રહેતાં શરીર પર. મને પ્રિય ‘પરસોની ૧૧૨’ ડાર્ક લિપસ્ટિક લગાવેલી રહેતી. વધારેલાં નખ. તેમાં વધેલા ભાગમાં કાણા પાડેલા અને તેમાં નાની રીંગો ભરાવેલી.”[3]

તેના આ ફેશનેબલ રૂપને કારણે મોડલ કોર્ડિનેશનનું કામ કરતી મિસ એનોબલના સંર્કમાં તે આવે છે, ને તે પણ એ કામ શરું કરે છે. તેનું એસ્ટાબ્લિશ શરું થાય છે.આ કામને લીધે તેના ટી.વી, સીરિયલ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રિઝમાં સંપર્કો વધતા જાય છે. દિન-પ્રતિદિન ‘નૃત્યકલા’તેના માટે પેશન બનતી જાય છે. ને ‘લાવણી ઓન ફાયર” નામના વૈશાલી સામંતના રિમિક્સવાળા આલબમમાં નૃત્ય કરવાની તક મળતાં લક્ષ્મી ખૂબ જ પ્રસિદ્ધિ પામે છે. કુટુંબના મોટા દીકરા તરીકેની જવાબદારી ઉપાડી લક્ષ્મી ઘરમાં મદદરુપ બનતો જાય છે. પરિવાર તરફથી મળેલી પૂરી સ્વતંત્રતા તેના વ્યક્તિત્વ વિકાસમાં ખૂબ જ ઊંડો ભાગ ભજવે છે. સાવ ઉન્મુક્ત લક્ષ્મી આ અરસામાં જ એક મિત્ર સાથેની શરત પૂરી કરવાની હોડમાં જસપાલના પ્રેમમાં પડે છે. માત્ર મજાકથી આરંભાયેલો આ સંબંધ ગંભીર રુપ ધારણ કરે છે ને આ સંબંધનું વરવું રૂપ સામે આવતાં તે લક્ષ્મીને ખૂબ જ આઘાત આપે છે.

નૃત્ય પ્રત્યેના બેહદ લગાવને લીધે લક્ષ્મી મુંબઇના ડાન્સ-બારમાં નાચવાનું સ્વીકારે છે. ‘સુંદર તવાયફ’ થવાની પ્રબળ ઇચ્છા અને પૈસા કમાવવાની આસક્તિને કારણે તે પાંચ વર્ષ સુધી બારમાં ડાન્સ કરે છે. પરંતુ આ સમય દરમિયાન લાગણીના પ્રવાહમાં તણાયા સિવાય માત્ર ધંધાકીય અભિગમ દાખવવાનું વલણ વધતું જાય છે. ગ્રાહકોમાં રહેલી ‘પુરુષ વૃત્તિ’ને પારખવામાં તે માહેર થતો જાય છે. પોતાના ગમતા સંબંધો આ ગાળા દરમિયાન જરુર બાંધ્યા પરંતુ અનિચ્છનીય સંબંધોથી તે દૂર રહી શક્યો. અહીં આવીને તેને બારબાળાની વાસ્તવિક જીંદગીનો પરિચય થયો. તેમનાં દુ:ખ-દર્દ, મજબૂરી અને સનસનીખેજ વિગતોથી તે પરિચિત થયો. પુરુષોને પાગલ બનાવવાની કળા અને તેમની દુરવૃત્તિ બંનેનો સારો મહાવરો તે આ સમયમાં કરી શક્યો.

આ બધાની સાથે જ પોતે એક ‘સ્ત્રી’હોવાના જાતિભાવનો તીવ્રતમ અનુભવ અને ઘેર આ બાબતને કઇ રીતે જણાવવી તેના વચ્ચેનો દ્વંદ્વ વધુ ને વધુ તીવ્ર બનતો ગયો. તેની પીડામાંથી દારુનું દુષણ ક્યારે ઘર કરી ગયું તેની ખબર જ ના રહીં. બારમાં નાચવું, દારુંનું દુષણ અને પોતે એક સ્ત્રીનો ભાવ અનુભવે છે એ બધા જ આઘાત એક સંનિષ્ટ બ્રાહ્મણ પરિવારને એક સાથે આપી શકાય ખરા ? બીજી તરફ લક્ષ્મીની ભૌતિક જીવનની લાલસાઓ વધતી જ જાય છે. પેજર અને મોબાઇલ તેના પ્રારંભમાં જ લક્ષ્મી પાસે આવે છે.ગ્લેમેર વ્યવસાયોને વરેલા લોકોમાં વેગળી જાતિયતા ધરાવતા લોકોની ભરમાર છે તેનો અનુભવ લક્ષ્મી થતો જાય છે. તેની સાથે જ કામ કરતી એક છોકરીનો ભાઇ નામે ‘શબીના ‘હીજડા સાથે લક્ષ્મીનો પરિચય થાય છે. આ શબીના જ તેને હીજડાઓ વિશેની તમામ હકીકતોથી માહિતગાર કરે છે.આ શબીનાને મળ્યા પછી લક્ષ્મી હીજડાઓ વિશે ઘણું જાણે છે અને પોતે પણ એક દિવસ આ શબીનાને ગુરુ બનાવી હીજડો થવું એ વાતનો મનોમન નિર્ધાર કરે છે.

લક્ષ્મીનારાયણમાંથી લક્ષ્મી હીજડો :

મક્કમ નિર્ધાર થતાં જ તે સીધો ભાયખલ્લા પહોંચે છે ને શબીનાના ‘લષ્કર’ ઘરાનાના મુખ્ય નાયક લતા નાયકને મળે છે. ‘મારે ચેલા થવું છે. કમ્યુનિટીમાં આવવું છે’ એવી ઇચ્છા વ્યક્ત કરતાં જ ‘જોગજનમ’ સાડી આપી તેની ‘રીત’ કરવામાં આવે છે ને તે વિધિવત રીતે લક્ષ્મીનારાયણમાંથી લક્ષ્મી હીજડો બને છે. ગોવંડી ટાટનગરમાં રહેતા ને થોડી મુક્ત વિચારધારા ધરાવતા લતા ગુરુ તેના હીજડા જાતિના પ્રથમ ગુરુ બને છે. આ ગુરુ તેની સ્થિતિને પામી સાડીને બદલે પેંટ-શર્ટ પહેરવાની છૂટ આપે છે. આ દિવસથી લક્ષ્મીના માથે બેવડી જવાબદારી વહન કરવાની આવે છે. ઘેર પરિવારના મોટા દીકરા તરીકે અને બહાર નીકળતાં જ એક હીજડા તરીકે. પોતે સારું ભણેલો અને અંગ્રેજી પર પ્રભુત્વ ધરાવતો હોવાને કારણે તે અન્ય હીજડાઓથી અલગ જ તરી આવે છે. પોતાના હીજડા થવાની વાત કેટલાક અંગત મિત્રોને તેણે કરી. કેટલાકે હીજડા તરીકે પણ લક્ષ્મીને સ્વીકારી તો કેટલાક જીવનભરનો નાતો જ તોડી ગયા. ખુદ લતા ગુરુએ પણ લક્ષ્મીને દુ:ખ આપવામાં કંઇ બાકી રાખ્યુ નહીં. લક્ષ્મીએ ‘બિગબોસ’નામના ટી.વી. કાર્યક્રમમાં ભાગ લીધેલો તેમાં તેને બહુ જ પૈસા મળ્યા છે એમ માની લતા ગુરુએ બે લાખ રુપિયાની માંગણી લક્ષ્મી પાસે કરી. શરુઆતમાં આ બાબતે તેણે આનાકાની કરી પણ પછી તેની પજવણી શરુ થઇ. ત્યાં સુધી કે તેના ખૂનની ધમકીઓ પણ મળવા લાગી.લક્ષ્મીના દિલ્હી ગયા બાદ એક નવા જ પ્રેમાળ ગુરુ મળ્યા હોવા છતાં લક્ષ્મી ત્યાંથી પાછી ફરીને લતા ગુરુને બે લાખનો ચેક આપી આવે છે.

શિક્ષિત, સંસ્કારી અને વ્યવસાયની કેટલીય ઉજળી તક ધરાવનાર લક્ષ્મી આ કમ્યુનિટીમાં કેમ આવી તેનો પ્રશ્ન હવે હીજડાઓમાં જાગે છે. અહીં તો સમાજે તરછોડેલા, નિરાધાર અને અન્ય રોજગારનું નામ સુદ્ધા નથી એવા તૃતીયપંથીઓને સ્થાન છે. બીજી તરફ લક્ષ્મીના પરિચિતોમાં પણ શંકા જવા લાગી હતી. થોડા સમય સુધી તો એ નૃત્ય કે અન્ય કોઇ કર્યક્રમના બહાને પોતાની અંગત હકીકત ટાળે છે પણ આ બધું પોતાના જ ઘરથી છાનું ક્યાં સુધી રહી શકે ? છેવટે એ દિવસ આવી પહોંચે છે. સજાતીય સંબંધ અંગેની કલમ 377 અંગેના એક કર્યક્રમમાં લક્ષ્મી ‘ઝી ન્યૂઝ’ ને પોતનો હીજડા તરીકેનો અને સજાતિયોના પ્રતિનિધિ તરીકેનો પ્રતિભાવ આપે છે. જે વાત લક્ષ્મીએ આજ દિન સુધી છુપાવી હતી તે ટી.વી.ના પડદે ગાજે છે ને લક્ષ્મી પોતાના પરિવારનો ગુનેગાર બની સૌની સામે હાજર થાય છે.પરિવાર આઘાતમાં છે. દીકરાએ કેમ આવું કર્યું તે મતલબનું ઘણું ઘણું તેમણે પૂછવું છે. પોતાની પ્રતિષ્ઠિત પેઢી-ખાનદાનના એક પ્રતિનિધિ દ્વારા આચરવામાં આવેલું આવું કૃત્ય સમાજ સામે કેમ ધરવું તેની માનસિક તાણ સહુ અનુભવે છે. મૂળ ઉત્તપ્રદેશનો આ પરિવાર હીજડાઓને પવિત્ર માને છે પણ એ પોતાને ઘેર હોય એ તો કેમ પોસાય ? કેટલાય દિવસો સુધી લક્ષ્મીને તેના આ રસ્તેથી પાછા વાળવાના પ્રયત્નો થાય છે. પણ આ રસ્તો તો કુદરત નિર્મિત હતો. ધીમે ધીમે ઘરના લોકોનો વિરોધ શમતો જાય છે ને લક્ષ્મીને આ હીજડા તરીકેનો કેફ ચડતો જાય છે. હવે પોતાનું હીજડા તરીકેનું અને પોતે જે કમ્યુનિટિમાં આવી છે તેની દુર્દશા નિવારવાનું ખરું કામ તેના માથે આવતું જાય છે.

લક્ષ્મીનું જાહેરજીવન અને તેની પ્રગતિ :

હીજડાઓને પોલીસના ત્રાસથી બચવાવવાનું કામ તે હાથમાં લે છે. તેની મોટો ચેલો સુભદ્રા ગુમ થયા બાદ તેનો મૃતદેહ મળી આવતા પોલીસની હેરાનગતિનો તેને અનુભવ થાય છે. પરંતુ બોલવામાં ને વિચારવામાં ચપળ લક્ષ્મી પોતાને અને તેના સાથીઓને પોલીસના ત્રાસમાંથી બચાવી લે છે.

‘દાઇ વેલફેર સોસાયટી’એ શબીનાએ શરુ કરેલી હીજડાઓના કલ્યાણ માટે કામ કરતી સંસ્થા હતી. તેમાં હીજડાઓના શારીરિક, માનસિક અને સામાજિક ઉત્થાનના કાર્યો થતા. લક્ષ્મીની પ્રતિભાને કારણે બહુ ટૂંકા ગાળામાં આ ‘દાઇ’નું કામ તેના હાથમાં આવી પડે છે ને તેના કાર્યો થકી જ આ સમાજને લક્ષ્મીનો સાચો પરિચય મળે છે.લક્ષ્મી આપણા સમાજની અને હીજડા કમ્યુનિટીની કેટલીય ઘેર-માન્યતાઓને, હલકી વિચારધારાને ‘દાઇ’ની પ્રવૃત્તિઓ દ્વારા ખાળી શકે છે. ખાસ તો કોન્ડોમ વિશેની હીજડઓના મનમાં ઘર કરી ગયેલી ભ્રમણાને તે તોડે છે. હીજડાઓ શારીરિક સંબંધ વખતે કોન્ડોમનો ખાસ આગ્રહ રાખે અને તેનાથી એચ.આઇ.વી.નું સંક્રમણ ખાળી શકે એ વાત સમજાવામાં લક્ષ્મી અને ‘દાઇ’ની પ્રવૃત્તિઓ સફળ પુરવાર થાય છે.’દાઇ’ના કામની સાથેસાથે જ ઘરના લોકોએ લીધેલા અબોલા લક્ષ્મએ સહન કરવા પડે છે. શરુઆતમાં તો પરિવારજનોને લાગેલું કે લક્ષ્મીનો આ નિર્ણય કામચલાઉ છે. સમય જતાં સૌ સારાં વાનાં થશે અને એટલે જ ઘરમાં લક્ષ્મીના લગ્નની વાત વહેતી થાય છે. ભારતના પરંપરિત કુટંબમાં લગ્નને તમામ સમસ્યાઓનું સમાધાન માનવામાં આવે છે. પરંતુ અહીં લક્ષ્મી તો મક્કમ છે પોતાના નિર્ણયમાં. તે સ્પષ્ટ અભિપ્રાય આપતા જણાવે છે કે આના લીધે તો ઘરમાં આવનાર કોઇ સ્વપ્નશીલ છોકરીનું જીવન બરબાદ થઇ જશે. લીધેલા રસ્તાએ જ આગળ વધવાનો મક્કમ નિર્ધાર થાય છે ને લક્ષ્મી ‘દાઇ’નું કામ મિશનની રીતે ઉપાડી લે છે. દાઇ’ના મૂળ કાર્યકરો શબીના અને પ્રિયા સંસ્થા છોડીને ચાલ્યા ગયા પછી લક્ષ્મીના માથે તેનું તમામ પ્રકારનું કામ આવી પડે છે. કોઇપણ કામને તન, મન, ધનથી કરવાની નેમને લીધે હીજડઓના આરોગ્યને લગતી ઘણી સમસ્યાઓ લક્ષ્મી ઉકેલી શકે છે.ઉપરાંત એવર્ટ સોસાયટી તરફથી યજાયેલા એક કાર્યક્રમમાં લક્ષ્મી‘ દાઇ’નું આખું પ્રેઝન્ટેશન અંગ્રેજીમાં રજૂ કરે છે. અધ્યક્ષા બનેલી લક્ષ્મી ત્યાં હાજર સૌને આંજી નાખે છે ને આ સંસ્થાને ગૌરવ આપાવે છે.એક પ્રતિષ્ઠિત સંસ્થાના અધ્યક્ષા તરીકેનો મોભો સાચવા બારમાં નાચવાનું તે બંધ કરે છે ને ‘દાઇ’ના કામ નિમિત્તે ‘એમડેક્સ’(મુંબઇ એઇડ્સ કંટ્રોલ સોસાયટી) સાથેના તેના સંપર્કો વધતા જાય છે. ડૉ. અલકા ગોગટ અને પ્રમોદ નિગુડકર જેવાઓની મદદ મેળવી તે પોતનું ઉત્તમ કાર્ય બજાવે છે.

‘દાઇ’ના કામ નિમિત્તે તેને મુંબઇના સેક્સહબ ગણાતા કામઠીપુર વિસ્તારની મુલાકાતે જવાનું થાય છે. ત્યાંની સ્ત્રીઓની સ્થિતિ જોઇ લક્ષ્મી ઊંડો આઘાત અનુભવે છે. ‘સેક્સ’ જેવી આનંદદાયી ઘટનાને અહીં નાની ખોલીઓમાં કેવી ગૂંગળાવી નાંખવામાં આવી છે, ને તે સ્ત્રીઓને તો સેક્સની કાળી મજૂરી જ કરવી પડે છે એ જાણી લક્ષ્મી અંદરથી હચમચી જાય છે.પોતાના અંગત આનંદ માટે ગમે તેવી પશુતા આચરતા આ ઢોંગી સમાજની વરવી વાસ્તવિકતા તેની સામે ખુલી જાય છે. આ જ સમયગાળામાં મુંબઇમાં ‘ડાન્સબાર’ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. બારબાળાઓનો રોટલો છીનવાઇ જતાં આ ઘટનાને તે ‘સ્ટેજ કાઢી ખાટલો પાથરવા’ માટેની ઘટના સાથે સરખાવી તેનો સખત વિરોધ નોંધાવે છે. 'દાઇ'ના કાર્યોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક પર લઇ જવાના ઇરાદાથી 'દાઇ’ને પ્રોફેશનલ ટચ આપવાની શરુઆત થાય છે ને તેના આરંભે જ અર્થવ નાયર નામનો બહુ પ્રતિભાશાળી વ્યક્તિ આ સંસ્થા સાથે જોડાય છે.‘દાઇ’ની નવી ખજાનચી થયેલી કિરણ મોરે અને અર્થવ સાથેના સંબંધોને લીધે કમ્યુનિટિના અન્ય લોકો લક્ષ્મી પર ચિડાય છે. ‘દાઇ’ને નવા નવા પ્રોજેક્ટ્સ મળવાની શરુઆત થાય છે પણ લતા ગુરુ સમેતના સંસ્થાના લોકોનો લક્ષ્મી સામેનો વિરોધ પ્રબળ બનતો જાય છે. એક જર્મન મહિલા ભારતના હીજડાઓ પર સંશોધન કરી, લક્ષ્મીને મુખ્ય પાત્ર બનાવી ‘Beteween the lines’નામની ફિલ્મ બનાવે છે. ફિલ્મના બે તબક્કાની વચ્ચે લક્ષ્મીના નાના ભાઇના લગ્ન થાય છે. સ્વિત્ઝર્લેન્ડના ફિલ્મફિસ્ટિવેલમાં આ Beteween the lines’નામની ફિલ્મ દર્શાવવામાં આવે છે અને લોકોને તે ખૂબ જ પસંદ પડે છે. તેની આ પ્રસિધ્ધિથી લતા ગુરુ વધારે અકળાય છે. તે લક્ષ્મી પર ઘર છોડીને પોતાની સાથે રહેવાનું દબાણ કરે છે.લક્ષ્મી આ દબાણને વશ ન થતાં તે પોતે જ લક્ષ્મીના બિલ્ડિંગમાં રહેવા આવી જાય છે.પોતાના ઘરમાં પેન્ટ-શર્ટ પહેનાર લક્ષ્મી હવે સાડી પહેરીને લતા ગુરુની સાથે બહાર નીકળતી થાય છે.

રાષ્ટીય અને આંતરરાષ્ટીય ફલક પર લક્ષ્મીની પ્રવૃત્તિઓનો વિસ્તાર :

‘દાઇ’ના અધ્યક્ષા તરીકે લક્ષ્મીને ભારતમાં એચ.આઇ.વીની પરિસ્થિતિ પર મુંબઇમાં યોજાનારી કોન્ફરન્સમાં આમંત્રણ મળે છે. યુ.એન.ના સેક્રેટરી કોફી અન્નાન જેમાં હાજર રહેવાના હોય એવી વૈશ્વિક સ્તરની આ કોન્ફરન્સ લક્ષ્મી માટે બહુ ગૌવરશાળી ક્ષણ બની રહે છે. લક્ષ્મીનું માનવું છે કે હીજડાઓ જેટલા આમ સમાજમાં ભળશે એટલી જ લોકોની તેમના તરફની સદભાવના વધતી જશે. તેના પ્રયત્નોને કારણે હીજડાઓને મળવા લાગેલું મોભા ભરેલું સ્થાન તો બીજી બાજુ લતા ગુરુ વગેરેની આ બબતની જડતાને લીધે લક્ષ્મી માનસિક તાણ અનુભવે છે. શું કરવું અને શું નહીં તેના મનસિક સંઘર્ષ વચ્ચે તે દિવના દરિયા કિનારે નશાની સ્થિતિમાં આત્મહત્યાનો પ્રયાસ પણ કરી બેસે છે. દારુના નશામાં અને નિરાશામાં ડૂબેલી લક્ષ્મીને ગુજરાતમાં એચ.આઇ.વી. પર કામ કરનાર સિલ્વેસ્ટર મર્ચંટ માર્ગદર્શન કરી નિરાશામાંથી બહાર કાઢે છે. તરત જ લક્ષ્મી સામે બીજી એક તક આવીને ઊભી રહે છે. ટોરેંટોમાં યોજાનારી સોળમી આંતરરાષ્ટ્રીય એઇડ્સ કોન્ફ્રરન્સમાં ભાગ લેવાનું તેને આમંત્રણ મળે છે. તો બીજી બાજુ લતા ગુરુ તેને અજમેરમાં યોજાનાર હીજડાઓ માટેના ઉત્સવ એવા ‘ઉરસ’ માં મોકલવા માંગે છે. તેના માટે દસ હજાર રુપિયા પણ તે આપી દે છે. એક બાજુ ઉજળી વૈશ્વિક પ્રતિનિધિત્વની તક તો બીજી બાજુ ગુરુનો આદેશ. થોડા માનસિક સંઘર્ષ બાદ લક્ષ્મી ટોરેન્ટો જવાનું નક્કી કરે છે. નક્કી તો કર્યું પણ પાસપોર્ટ ? હીજડાઓને પાસપોર્ટ કોણ આપે ? પાસપોર્ટ ઓફિસમાં પણ આજ સુધી આવો કેસ સામે આવ્યો નહોતો. પરંતુ ત્યાંના સુરેશ મિસ્ત્રી જેવા અધિકારિઓ અને દાકતરી પ્રક્રિયા માટે ડૉ. હેમા જયરાજાની જેવા લોકો લક્ષ્મીને ખૂબ જ મદદ કરે છે ને સૌપ્રથમવાર એક હીજડાનો પાસપોર્ટ બને છે. અહીં નહીં પુરુષ કે નહીં સ્ત્રી એવી આ વચલી જાતિનો કાયદાકીય પ્રથમ વિજય થાય છે.

ટોરેન્ટો જતા પહેલા ખૂબ જ વ્યસ્તતા વચ્ચે પણ લક્ષ્મી પોતાના સ્નેહી તેજલ શાહનું માન સાચવવા હીજડાઓ માટેના ખાસ ‘what are you ?’ નામના ફોટો પ્રદર્શન માટે પોતાનું ફોટોશુટ કરાવે છે. તેમાં તે પોતાની માનીતી ઇજિપ્તની મહારાણી ક્લીઓપેટ્રા બને છે ને ટોરેન્ટો જવાની તૈયારીઓ વચ્ચે જ આ કાર્ય પૂરું પાડે છે. વિશ્વની સોળમી આંતરરાષ્ટ્રીય એઇડ્સ કોન્ફ્રરન્સમાં લક્ષ્મીનું પ્રતિનિધિત્વ તેના માટે અને ભારતના પીડિતો માટે ઉત્તમ ફળદાયી નીવડે છે. નવા નવા લોકો, ચર્ચાઓ, પ્રેઝંટેશનો ને વૈશ્વિક માહોલ એક જુદા જ પ્રકારનો અનુભવ પૂરો પાડે છે. ત્યાંના એક ટ્રાન્સજેંડર સેશનમાં લક્ષ્મીને અચાનક જ બોલવાની તક સાંપડે છે ને તેની પ્રતિભાનો સૌને પરિચય થાય છે. લક્ષ્મી એ પણ જાણી શકે છે કે વિદેશમાં હીજડા થવું એ માત્ર તબીબી પ્રક્રિયા છે જ્યારે ભારતમાં એ એક આધ્યાત્મિક પ્રક્રિયા છે. તેમ છતાં સમાજના ભેદભાવ વચ્ચે ત્યાં અને અહીં ઝાઝું અંતર નથી. યાસ્મિન જેવી કેનેડાની ટ્રાન્સજેન્ડર સાથેની મુલાકાત લક્ષ્મી માટે મોટી ઉપલબ્ધિ બની રહે છે.

ત્યાંથી પાછી ફરેલી લક્ષ્મી આફ્રિકન જેવા વાંકડિયા વાળ રાખી ફરે છે તે લોકો માટે વધુ એક અણગમો પેદા કરે છે.લતાગુરુ માટે તો આ અસહ્ય જ છે પણ એક મરાઠી ટોક શોમાં પણ એના આ દેખાવને લીધે તેણે પોતાનો પક્ષ રજૂ કરવો પડે છે. પિંજર’ ફિલ્મ જોઇને મરાઠી શીખેલી લક્ષ્મી આ ટોક-શોમાં પોતાની સુંદર રજૂઆત કરી શકે છે. ટોરેન્ટોની મુલાકાત બાદ વૈશ્વિક બનેલી તેની વિચારધારા પોતાની અંગત ઉન્નતિ માટે કઇંક નવું જ કરવાની તમન્ના જગાવે છે. બીજું બાજુ ‘દાઇ’માં પ્રવેશેલા હલકી પ્રકારના રાજકારણને લીધે લક્ષ્મી તેના અધ્યક્ષ પદેથી રાજીનામું આપે છે. ને પોતાની વિચારધારા પર આધારિત ‘અસ્તિત્વ’ નામની સંસ્થા શરુ કરે છે. આ સંસ્થાનો મુખ્ય ધ્યેય હીજડાઓમાં વધતું એચ.આઇ.વી.નું પ્રમાણ અટકાવવાનું હતું. તેને લગતા અનેક પ્રોજેક્ટ્સ અને અનુદાન લક્ષ્મી તેના નિષ્ઠાવાન પ્રયત્નોને લીધે મેળવી શકે છે. હીજડા પર થતા બાળાત્કારની ઘટનાને ખુદ પોલીસ પણ હાંસીપાત્ર ગણે છે ને એચ.આઇ.વી.ગ્રસ્ત હીજડાને ડોક્ટરો હાથ પણ લગાડતા નથી. આ સ્થિતિમાં બદલાવ લાવવા માટે લક્ષ્મી દિવસ-રાત એક કરી હીજડાઓને એક માણસ તરીકે પ્રતિષ્ઠા અપાવે છે.લક્ષ્મીના કાર્યો હવે વિશ્વ કક્ષાના બનતા જાય છે. વધુ એક વાર ‘નેધરલેન્ડ ફિલ્મ ફેસ્ટીવલ’માં ભાગ લેવા માટે એમસ્ટરડેમ જવાનું થાય છે. લક્ષ્મીની મુખ્ય ભૂમિકાવાળી ફિલ્મ ‘બિટ્વીન ધ લાઇન્સ’ ત્યાં બતાવવામાં આવે છે. પરીકથાઓનું આ શહેર લક્ષ્મીના હૈયે વસી જાય છે ને ત્યાંના લોકોની મુક્તતા અને ખુલ્લાપણાના પ્રેમમાં પડી જાય છે.પોતે સ્ત્રી પણ નથી અને પુરુષ પણ નથી એવી આંતરિક મથામણ અનુભવનારી ને પછી લેખનમાં જ પોતાની ઇચ્છાઓનો આધાર શોધનારી જ્યુઇશ-અમેરિકન ટ્રાન્સ્જેન્ડર લેખિકા કેટ બોસ્ટન તેને ખૂબ જ પસંદ પડે છે ને તેનો આખો ઇતિહાસ તે જાણે છે. અહીં આત્મકથા નિમત્તે તેના એક ઉમદા અનુભવ તરીકે તેને વર્ણવે પણ છે.

કેટની જમ સ્ત્રીમાંથી પુરુષ થયેલો સ્ટીફન વીટલ કે જે માંચેસ્ટરની મેટ્રોપોલિટિન યુનિવર્સિટીમાં ‘ઇક્વલિટીજ લૉ’નો પ્રોફેસર છે અને બ્રિટનમાં ‘જેંડર રિકગ્નિશન એક્ટ’ પસાર કરાવવામાં જેનું મહત્વનું યોગદાન છે તેને ત્યાં મળે છે. આ ઉપરાંત તાઇવાન યુનિવર્સિટીની જોસેફાઇ હૂ, હોટેલની માલિક સુઝન ઓક્સનાર અને ક્રિસ વગેરે વ્યક્તિઓ મળે છે. તેમાંથી સુઝન એક પ્રિય સખી તરીકે અને ક્રિસ ઉમદા પ્રેમી તરીકે તેના હૈયામાં વસી જાય છે. ક્રિસ પ્રત્યેનું બેહદ આકર્ષણ પણ એક માનસિક અંતરાલ પછી છેવટ સુધી લક્ષ્મી પોતાની મૈત્રીપૂર્ણ મર્યાદા તેની સાથે જાળવી રાખે છે. એમાંથી જ તેને જ્ઞાન લાધે છે. “ પ્રેમ સેક્સુએલિટિની પેલે પાર જનાર હોય છે.”[4]

એમસ્ટરડેમની પહેલી મુલાકાતના સફળ અનુભવ પછી ટૂંક સમયમાં જ બીજી મુલાકાતે જવાનું થાય છે.સુઝન સાથેનો વધુ ગાઢ સંબંધ અને હરિપ્રસાદ ચૌરસિયા, શિવકુમાર શર્મા અને ઝાકીર હુસેન જેવા મહાનુભાવો જેમાં ભાગ લે છે તેવા ‘ ઇન્ડિયા ફેસ્ટિવલ’માં ભારતીય નૃત્ય રજૂ કરવાની તક તેના આખા ગૃપને મળે છે. પાંચ જ મહિનાના સમયમાં સંપૂર્ણ તૈયારી સાથે લક્ષ્મી વિદેશની ભૂમિ પર ભારતીય નૃત્યની વિવિધતઓ બતાવી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી કરી શકે છે. વધુમાં, પોતાની સાથે અન્ય હીજડાઓને પાસપોર્ટ સહિતની સુવિધાઓ ઉપ્લબ્ધ કરાવી સમગ્ર હીજડા સમાજ માટે વિકાસ અને પ્રગતિનુ પ્લેટફોર્મ પૂરું પાડે છે. બી.બી.સી. આ સમાચારને લઇ સ્ટોરી બનાવી આખા વિશ્વના લોકો સુધી લક્ષ્મીના પ્રયત્નો અને તેના ગૃપની કલાકીય કુશળતાની વાત પહોંચાડે છે.

નાના ભાઇ શશીના ઘેર પુત્ર અવતરણની ખુશીમાં લક્ષ્મી માંડ એકાદ વર્ષ પૂરું કરે છે ત્યાં તેની પ્રિય સખી બનેલી સુઝાન તરફથી સમાચાર મળે છે કે અત્યંત પ્રતિષ્ઠિત એવો ‘બેનો પ્રેમસેલા એવોર્ડ’ લક્ષ્મીને મળ્યો હતો. તે લેવા સુઝન પાછા તેને એમસ્ટરડેમ બોલાવે છે.લક્ષ્મીની આ બધી જ પ્રવૃત્તિઓ અને પ્રોત્સાહનોને પરિણામે તેનામાં એક્ટિવિઝમ વધતું જ જાય છે. કામઠીપુરને જોઇ અંદરથી ધ્રૂજી જનારી લક્ષ્મી સામાજિક ફલક પરની અનેક પ્રવૃત્તિઓને લીધે પોતાના સાચા વ્યક્તિત્વને પામે છે. વધુ ને વધુ આત્મિક શક્તિને પામે છે અને ક્રમશ: પોતાના વ્યક્તિત્વની ઉન્નતિ તરફ જાય છે. તેની આવી પ્રવૃત્તિઓને પરિણામે જ તે ‘એશિયા પેસિફિક નેટવર્ક ફોર સેક્સ વર્કર્સ’ની સભ્ય બને છે. ત્યારબાદ તેનાથી વધુ સન્માનજનક તક તેને સાંપડે છે. યુ.એન.ની જનરલ એસેમ્બ્લીના પ્રમુખના આમંત્રણથી ન્યૂયોર્કની એક હાઇ લેવલ મીટીંગમાં જવાના સંજોગ ઊભા થાય છે અને તેની મિત્ર અનિતા ખેમકાના આગ્રહને લીધે તે ત્યાં જવાનું નક્કી કરે છે. અમેરિકાના વીઝા મેળવવા મુશ્કેલ હોવા છતાં ડિપ્લોમેટિક સ્ટેટસને લીધે કોઇપણ જાતની તકલીફ વગર પોતાની સફર આદરી શકે છે.સિવિલ સોસાયટી ટાસ્ક ફોર્સ પર નિમાયેલી તે પહેલી ટ્રાન્સજેંડર હતી અને સમગ્ર ભારતનું તેણે પ્રતિનિધિત્વ કરવાનું હતું. યુ.એન.માં ભારતની ખુરશી પર બેસતાં જ તેની આંખમાં હર્ષનાં આંસુ આવી જાય છે. હવે તે માત્ર લક્ષ્મી ન બની રહેતા ભારતની પ્રતિનિધિ બની છે. આ કામ માટે તેણે વારંવાર અમેરિકાની મુલાકાત લેવાની થાય છે. તેમાં એક્વાર તે ન્યૂયોર્કની બાજુમાં આવેલા ગ્રીનવીચ નગર કે જે એલિજિબિટીના હકોની ચળવળનું ઉદગમસ્થાન ગણાય છે તેની મુલાકાત લે છે. યુ.એસ. સિવાય આ કામના હેતુસર તેને તેના મનગમતા શહેર બેંગકૉક જવાનું પણ થાય છે.પોતાની સગી માસી આ બેંગકૉકમાં રહે છે તે જાણી તે માસીને મળે છે અને ચાલીસ વરસથી વિખૂટા પડેલા સંબંધને પુનર્જિવિત કરે છે. માસીના પિતરાઇઓ તેની લાગણીને માન આપીને બહેન તરીકે તેનો સ્વીકાર કરે છે.બેંગકૉક બાદ થાઇલેન્ડ અને મલેશિયા અને તેની સેક્સ ઇન્ડસ્ટ્રીઝનો પણ તેને અનુભવ થાય છે.સાંસ્કૃતિક રીતે ભારત જેવો જ દેશ હોવા છતાં થાઇલેન્ડની ‘સેક્સ’ અને જેન્ડર’સાથે સંકળાયેલી બાબતો આપણને આઘાત આપે છે, તેનો જાત અનુભવ લક્ષ્મી ત્યાંના ક્થૉય (Kathoey- એક પ્રકારના લેડી બોયઝ, ટ્રાન્સજેન્ડર)દ્વારા કરે છે.

‘ઇશ્વરે જે આપ્યું છે તે માણસે બદલવું નહીં’ જેવા ચુસ્ત ધાર્મિક નિયમમાં માનતા મલેશીયા જેવા મુસ્લિમ બહુમતી ધરાવતા દેશમાં પણ કાર્તિની સ્લામા જેવા ટ્રાન્સજેન્ડરોએ ચળવળ ચલાવી તેની પ્રતિતી લક્ષ્મીને થાય છે.કાર્તિની તો કહે છે: “ Every person must have the right to decide their gender expression and identity”[5]

આ કાર્તિની ‘એશિયા પેસિફિક નેટવર્ક ઓફ સેક્સ વર્કર્સ’ના સચિવ છે. થાઇલેન્ડ, મલેશિયા ,સિંગાપોર જેવા પેસિફિક દેશો સાથે જ ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાલ જેવા એશિયાના દેશોનો તેમાં સમાવેશ થાય છે.લક્ષ્મી પણ તેની સભ્ય બને છે.આ ઉપરાંત તે ‘બુગીવુગી’ જેવા ટી.વી. કર્યક્રમો દ્વારા, કાલાઘોડા ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાના જીવન પર જ આધારિત ‘કોલ ઇટ સ્લટ’ જેવી ફિલ્મ બનાવી, ‘બંબય્યા’ફિચર ફિલ્મ દ્વારા, ટી.વી ચેનલ પર ‘મહાચર્ચા’જેવા જાહેર કાર્યક્રમો અને ‘ના રે બાબા ના’ જેવા પંજાબી આલબમમાં કામ કરી વધુમાં વધુ સમાજ સાથે અને લોકો સાથે ભળી શકાય અને તે દ્વારા લોકોની હીજડાઓ પ્રત્યેની માન્યતાઓમાં બદલાવ લાવી શકાય એવા સતત પ્રયત્નો કરતી રહે છે.સોની ટી.વી. પર સલમાન ખાનના ‘દસ કા દમ’ અને સ્ટાર પ્લસના ‘સચકા સામના’ અને ‘બિગબોસ’ જેવા કાર્યક્રમોમાં જાતને દાવ પર લગાવીને પણ તે ભાગ લે છે અને અસ્તિત્વને ઘમરોળીનાંખતા પ્રશ્નોનો સામનો કરીને પણ સત્યને વળગી રહી સમાજને પોતાના ઉમદા વ્યક્તિત્વનો પરિચય આપે છે. સમાજની આ એક ચોક્કસ કોમ પ્રત્યે ‘વિઝીબિલિટી’ વધારવાના તેના ઉદેશમાં તે સફળ થાય છે.

જીવનાના આઘાતો અને વણથંભ્યો વિકાસ :

વધતા જતા લક્ષ્મીના માન-પાન અને સ્ટેટસ વચ્ચે જ એક આઘાત આપનારી ઘટના બને છે. બોમ્બે જીમખાના પાર્ટીમાં તેના આયોજકો દ્વારા તેને આમંત્રણ મળે છે. પરંતુ જીમખાનાના સી.ઇ.ઓ. દ્વારા લક્ષ્મી એક ટ્રાન્સ્જેન્ડર હોવાને લીધે તેનું અપમાન થાય છે અને અધૂરી પાર્ટી છોડી જવા જેવો અપમાનનો ઘૂંટ પીવો પડે છે .લક્ષ્મી પણ જાહેર માધ્યમોનો ઉપયોગ કરી સમાજ સામે આ ઘટનાને મૂકી આપે છે અને જેની ભૂલ છે તેને એક વ્યકિનું મહત્વ ન જાળવ્યાના અપરાધનો અહેસાસ કરાવે છે.આ ઘટના બાદ લક્ષ્મી અન્ય કાર્યકરો સાથે મળીને એમને ‘માનવઅધિકારો’ન મળતા હોવાની સીધી જ ફરિયાદ સરકાર સામે કરે છે. કોઇપણ સરકારી ફોર્મ ભરતી વખતે સ્ત્રી અને પુરુષ જેવા બે જ વિકલ્પો મળે છે. ‘અધર’નો વિકલ્પ ન હોવાને કારણે આ હીજડાઓ પોતાના કેટલાય લાભોથી વંચિત રહી જાય છે. તેથી આ ‘અધર’ના વિકલ્પ માટે તે જોરદાર રજૂઆત કરે છે. લક્ષ્મીનું માનવું છે કે સમાજમાં દરેક મોટું પરિવર્તન એકાદ મોટી લડાઇ પછી જ થાય છે.

આમ સમાજમાં હીજડાઓને એસ્ટાબ્લિશ કરવાનું એક મોટું કામ લક્ષ્મી સમગ્ર ભારતમાં સૌંદર્ય સ્પર્ધાઓના આયોજન દ્વારા ઉપાડી લે છે. ‘ વી.કેયર’ સંસ્થના આર્થિક સહયોગથી લક્ષ્મી આ ચેલેન્જ ઉપાડે છે. શરુઆતમાં આ માટે ચાર કરોડના ભંડોળની જહેરાત બાદ દોઢ કરોડમાં જ આ સ્પર્ધા સમેટી લેવાની આવે છે ત્યારે પણ તે હિંમત હાર્યા વિના આ કામ બહુ ઉત્તમ રીતે પાર પાડી બતાવે છે. સેલીના જેટલી અને જિન્નત અમાન જેવી રાષ્ટ્રીય પ્રતિભાઓની હાજરીમાં તેમની આ ‘ઇન્ડિયા સુપરક્વીન’ સ્પર્ધા સંપન્ન થાય છે.

આ બધા સામાજિક અને કમ્યુનિટી માટેના ઉદ્ધારક કામોની વચ્ચે જ એક સૌથી મોટી પારિવારિક આપત્તિ આવી પડે છે. લક્ષ્મીના પિતાને મોઢાના કેન્સરનું નિદાન થાય છે. જાણે ધસમસતા પ્રવાહે વહી રહેલી જીંદગી અચાનક જ થંભી જાય છે. રિપોર્ટ્સ, દવાઓ, ઓપરેશન, અનહદ પીડા ને તેમ છતાં કરુણ અંજામ. પપ્પાની આ માંદગીના સમયે અધ્ધર શ્વાસે થઈ રહેલી લક્ષ્મીની તમામ પ્રવૃત્તિઓ. અનેક પ્રયત્નો અને પપ્પાને સાજા કરવાની જાદુઇ છડીની આરતભરી શોધ છતાં આખરે એ દિવસ આવી પહેચેં છે જે લક્ષ્મીને જીવનને સૌથી મોટો આઘાત આપી જાય છે. ઘરમાં મમ્મીનું કલ્પાંત ને પોતે ઘરનો મોટો દીકરો. પોતાને છોડી સહુને સંભાળે છે છતાં તે પિતાને અગ્નિદાહ આપી મોટા દીકરા તરીકેનું કર્તવ્ય નિભાવી શકતો નથી. તેને આરામ આપવાના બહાના હેઠળ આ ધર્મિક વિધિથી દૂર રાખવામાં આવે છે. પપ્પાની આખરી વિધિ કરવા માટે ઉત્તર પ્રદેશ પહોચેલા પરિવારમાં તે રીતિ-રિવાજોની જડતાનો ભોગ બને છે પરંતુ પોતાની બુદ્ધિપ્રતિભાથી સહુના મન પણ જીતી લે છે. બ્રહ્મણોને મોં માગી દક્ષિણા આપવાની બાબતમાં પણ પોતે કિન્નર હોવાનો ફાયદો ઉઠાવી પરિસ્થિતિને પહોંચી વળે છે.

પિતાની વિધિ પૂરી કરીને મુંબઇ આવ્યાની ઘટના પછી લક્ષ્મીની આ આત્મકથની અંત તરફ વળે છે. તે પોતાના જીવન દરિમિયાન પરિચયમાં આવેલી વ્યક્તિઓનો પરિચય અને ભૂમિકા આપવા તરફ વળે છે. તેમાં પિતાના પિતરાઇ ભાઇ શ્રી એસ.એન.તિવારી, ઇદના તહેવારમાં હંમેશા જેના ઘરે જતા એ ખાન અંકલ, પુણેનો સિદીકી પરિવાર અને અજમેરના શ્રી શબ્બોભાઇ અબ્બુનો પરિવાર,લક્ષ્મીનો માનેલો દીકરો દીપક સાળવી, તેની માનેલી બહેન જયાદીદી, બહેન છાયા અને બહેનપણી સારા અને થોડી વિગતે વાત થઇ છે તેવા રાજપીપળા રાજ્યવંશના ‘ગે’ રાજવી માનવેન્દ્રસિંહ. ચંદ્રિકાકુમારી સાથે તેમના લગ્ન થયા હોવા છતાં તે પરિવારમાં હિંમતપૂર્વક પોતાની શારીરિક વિવિધતાનો એકરાર કરે છે. પરિણામે પરિવારનો રોષ ભોગવવા સાથે રાજવી તરીકેની ઉજ્જવળ કારકિર્દીનો પણ ભોગ આપવો પડે છે. તેમનો લક્ષ્મી સાથે પરિચય થાય છે અને સજાતીયો માટે તેમણે કરેલ કાર્યોથી લક્ષ્મી પ્રભાવિત થાય છે. તેનો અને માનવેન્દ્રસિંહનો જીવનભરનો ભાઇ-બહેનનો અતૂટ નાતો બંધાય છે.

આત્મકથા અંત તરફ જતાં લક્ષ્મી હીજડાઓની સામાજિક, મનોવૈજ્ઞાનિક દષ્ટિએ મૂલવણી કરે છે. પોતાના જીવનભરના કાર્યો અને સંપર્કમાં આવેલી વ્યક્તિઓને પણ સંભારે છે. ને તેના હાલના(2012 સુધીના) કાર્યોની વાત કરતા જણાવે છે કે તે મહારાષ્ટ્ર માટેની મહિલા નીતિમાં સફળ રીતે પોતાની ‘તૃતીય પંથી’ તરીકેની ભૂમિકા રજૂ કરી શક્યા છે. મહારાષ્ટ્રના મહિલા અને બાળવિકાસ મંત્રી સુશ્રી વર્ષા ગાયકવાડે “ તૃતીય પંથીઓ’ ની જવાબદરી એ ‘સરકારીની જવાબદારી’ તરીકે સ્વીકારી છે એ ભારતના સમગ્ર હીજડા કમ્યુનિટી માટે આનંદદાયી ઘટના છે. છેલ્લે 2013માં મહારાષ્ટ્ર્ના મુખ્યમંત્રીના સમજિક કાર્યોના ઉત્થાન માટે જે થોડાક કાર્યકરોને પ્રશસ્તિપત્ર આપી સન્માનવામાં આવ્યા તેમાં મુખ્યમંત્રીના હાથે પ્રશસ્તિપત્ર મેળવનાર લક્ષ્મી પ્રથમ તૃતીયપંથી બને છે. ને છેલ્લે લક્ષ્મીનું કામ મુંબઇ, મહારાષ્ટ્ર, દેશ અને વિદેશના સ્તરે અવિરત ચાલુ છે તેનો ઉલ્લેખ મળી રહે છે. તેમ છતાં, લક્ષ્મી આત્મકથાને અંતે પુસ્તકની શરુઆતમાં મૂકેલા કાવ્યનું અનુસંધાન સાધે છે અને પોતાનું આત્મમૂલ્યાંકન કરતાં જણાવે છે કે ઘણા બધાની સાથે રહેવા છતાં પોતે તો પેલા યેયૂરની ટેકરી પરના વૃક્ષ જેવી એકલી જ છે.

‘હીજડો’ શબ્દ: ઉત્પત્તિ,અર્થછાયા અને માન્યતાઓ:

‘હીજડા’શબ્દમાં રહેલા ‘હીજ’નો અર્થ થાય છે ‘આત્મા’.અને આખા શબ્દનો અર્થ થાય છે પવિત્ર આત્મા. સામાન્ય રીતે આપણા સમાજમાં ‘હીજડા’ શબ્દનો એક ગાળના રૂપમાં વપરાશ થતો જોવા મળે છે. તેના ઘણા પર્યાઓ પણ મળી રહે છે. ‘હીજડો’શબ્દ મૂળ ઉર્દૂ શબ્દ છે. તે ‘હિજર’ જેવા અરેબિક શબ્દ પરથી અવેલો છે. ‘હિજર’એટલે પોતાના સમુદાયે ત્યજેલો. સ્ત્રી-પુરુષ સમાજે ત્યજેલો અને પોતાનો અલગ સમુદાય બનાવીને રહેતા આ તૃતીયપંથીઓ માટે હીજડા શબ્દ વપરાય છે. પ્રાચીન ગ્રંથોમાં ‘કિન્નર’ શબ્દ પણ છે. તેન કારણે આ શબ્દ પણ ઘણી ભાષાઓમાં પ્રચારમાં છે. મરાઠીમાં ‘હીજડા; અને ‘છક્કા’ જેવા બે શબ્દો પ્રચારમાં છે. તો ગુજરાતીમાં ‘પાવૈયા’ શબ્દ પણ મળે છે. પંજાબીમાં ‘ખુસ્ત્રા’ કે ‘જંખા’ શબ્દ પ્રચારમાં છે. તેલુગુમાં તેમને ‘નપુંસકુડૂ’, ‘કોજ્જ’ કે ‘માદા’ કહેવામં આવે છે. તો તમિલમાં ‘થિરુનાનગાઇ’, ‘અલી’ ‘અરવન્ની’ ‘અરાવની’ જેવા શબ્દો તેમના માટે વાપરવામાં આવે છે.

ઘણા લાંબા સમ્ઉ સુધી હીજડાઓને ‘યુનક’ તરીકે પણ ઓળખવામાં આવતા હતા. ‘યુનક’ એટલે પુરુષમાંથી સ્ત્રી એમ લિંગ પરિવર્તન કરેલી વ્યક્તિ. એટલે કે ‘લિંગચ્છેદ’ કરેલો પુરુષ. ‘યૂનક’નો ઉલ્લેખ બાઇબલમાં પણ છે. સમલિંગી વ્યક્તિઓનો પણ અનેક ઠેકાણે ‘યૂનક’ તરીકે ઉલ્લેખ કરવામાં અવ્યો છે. પ્રાચીન રોમન કાયદામાં પણ ‘યુનુક્સ’ બે પ્રકારના વર્ણવવામાં આવ્યા છે. ‘સ્પેંડોન્સ’ એટલે કે જેને બાળકો થઇ શકતા નથી, જેમનામાં પુનરુત્પાદનની શક્તિ નથી. બીજા પ્રકારને ‘કાસ્ટ્રાટી’તરીકે ઓળખવામાં આવે છે. તેનો અર્થ છે લિંગચ્છેદ કરેલો પુરુષ. સ્પેંડોન્સ સ્ત્રીઓ સાથે લગ્ન કરી શકે , બાળકો દત્તક લઇ શકે છે પણ કાસ્ટાટી આમ કરી શકતા નથી. પરંતુ આ ’યુનુક્સ’ના વિચારમાં લિંગચ્છેદ કેંદ્રસ્થાને છે. ‘હીજડા’ના મૂળભૂત વિચારમાં એ નથી. હીજડાઓ માટે લિંગચ્છેદ એ સ્વૈચ્છિક બાબત છે. આપણે ત્યાં કોઇ નક્કી ટકાવારી ઉપ્લબ્ધ નથી પણ આ બાબતમાં કામ કરનારી સ્વૈચ્છિક સંસ્થાઓના આંકડા મુજબ બાર ટકા હીજડઓના લિંગચ્છેદ કરેલા હોય છે. એટ્લે આપણે ત્યં હીજડા ‘યુનુક’ નથી પરંતુ ‘ટ્રાન્સજેન્ડર’ છે એમ કહેવું વધારે યોગ્ય છે.

વિશ્વમાં સૌથી વધારે ‘ટ્રાન્સજેન્ડર’ શબ્દને સ્વીકૃતિ મળેલી છે. ‘ટ્રાન્સજેન્ડર’ એટલે જેન્ડરની પેલે પાર. જેન્ડરનો અર્થ થાય છે લિંગભાવ. સામાન્ય રીતે અંગ્રેજીમાં ‘જેંડર’ અને ‘સેક્સ’ શબ્દ એક જ અર્થમાં ઉપયોગમાં લેવામાં આવે છે. પરંતુ વાસ્તવમાં એવું નથી. ‘સેક્સ’એટલે લિંગ, કે જે વ્યક્તિને જન્મજાત શરીરના એક અવયવરૂપે પ્રાપ્ત થાય છે. પરંતુ જેન્ડર નો અર્થ જોઇએ તો વ્યક્તિ પોતાની અંદરથી જે લિંગભાવ અનુભવે છે તે. આ લિંગ અને લિંગભાવનું જુદાપણું એ જ હીજડાઓન જીવનની મોટી કરુણત્તા છે. કહો કે વિશેષતા છે. લોકો બહારના દેખાવ પરથી તેના જાતીય વર્તનની અપેક્ષા રાખે છે. પણ વ્યક્તિનું વર્તન તેની અંદરનો ભાવ નક્કી કરે છે, બહાર દેખાતું શરીર નહી. આથી આવા વિશિષ્ટ વ્યક્તિઓ સમાજના ઉપહાસનો ભોગ બને છે અને તેમણે પોતાનો નવો સમાજ રચવાની ફરજ પડે છે.

કોઇ પણ ભાષામાં કોઇ પણ શબ્દ વપરાતો હોય પણ તેની અર્થ સંકલપના એક જ છે. ‘હીજડો પુરુષ તરીકે જન્મ લે છે પરંતુ અસલમાં તેની જાતીયતા જુદી જ હોય છે. મોટા થવાની સાથે તે એક સ્ત્રીની ભૂમિકા ધારણ કરવા લાગે છે. તેનો દેખાવ, હરવું-ફરવું , હાલચાલ અને હાવભાવ બધુ સ્ત્રી જેવું જ થતું જાય છે.

પુરાણકાળથી જ હીજડાઓનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. રામાયણ-મહાભારતમાં તેમનો સ્પષ્ટ ઉલ્લેખ મળી આવે છે. રામ વનવાસ ગયા ત્યારે અયોધ્યાના દરવાજે હીજડા તેમની પ્રતિક્ષા કરતા રોકાયા હતા. રામને વળાવાવ માટે ગયેલા સહુ સ્ત્રી-પુરુષોને પાછ વળવાની વિનંતી રામે કરી, પણ જે હીજડાઓ હતા તે ત્યાં જ રોકાઇ ગયા. મહાભારતના યુદ્ધ પહેલાં અરાવને પોતાના મૃત્યું પહેલા લગ્ન કરવાની ઇચ્છ વ્યક્ત કરતા ભગવાન કૃષ્ણએ મોહિનીરૂપ ધારણ કરી અરાવન સાથે લગ્ન કર્યાં તેથી દક્ષિણ ભારતમાં હીજડઓને ‘અરાવની’ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત મહાભારતમાં ધનુર્ધારી અર્જુનને ઉર્વશીના શાપના કારણે ‘ક્લીબા’(તૃતીયપંથી) થઇ બૃહન્નલા તરીકે રહેવું પડ્યું હતું. આ ઉપરાં મહાભારતની શિખંડીની કથા પણ આ સંદર્ભમા જોઇ શકાય. રાજકુમારીના પતિનું લિંગ માતાએ કાપી નાંખ્યું ને તે બહુચર માતા થયા તે કથા પણ હીજડાઓમાં ઘણી શ્રદ્ધા ધરાવે છે. આજે પણ બહુચર માતા હીજડાઓ માટે પૂજનીય અને આશ્રયદાતા છે. વાત્સાયનના ‘કામસૂત્ર’માં ‘તૃતીય પ્રકૃતિ’ એવા હીજડઓનો ઉલ્લેખ છે. વાત્સાયન અને અન્ય વિદ્વાનોએ તેમનો ‘નાયિકા’ તરીકે ઉલ્લેખ કરેલો છે. કોઇ રાજપુત્ર કામક્રિડામાં અશક્ત હોય તો તે શીખવવા માટે હીજડાઓની નિમણૂંક કરવામાં આવતી. સ્ત્રી-પુરુષ બંનેનું સાયુજ્ય હોવાને કારણે તે બન્નેનો પક્ષ રજૂ કરી શકતા.

ઔરંગઝેબના સમયમાં લિગચ્છેદ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. આ અરસામાં મુસ્લિમ હીજડાઓને માન મળતું અને તેઓ ધનવાન હતા તો હિંદુ હીજડા ગરીબ હોવાને કારણે ધર્મ પરિવર્તન પણ કરતા. અઢારમી સદીમાં રાજાશાહીનો અંત આવ્યો અને હીજડઓ સાવ બેકાર બન્યા. બ્રિટિશરોના સંસ્કૃતિક વિચારોમાં ‘હીજડા’નો વિચાર બંધબેસતો ન હોવાથી હીજડા બનવા પ્રત્યે તેમણે કાયદાકીય પ્રતિબંધ મૂક્યો. હીજડાઓ સમાજમાંથી હડધૂત થતા ગયા અને ભીખ માંગવા કે વેશ્યાવૃત્તિ સિવાય તેમની પાસે બીજો કોઇ વિકલ્પ ના રહ્યો.

આત્મકથાનો સામાજિક અભિગમ :

આખરે આપણો સમાજ વ્યક્તિની સુખાકારી માટે છે. હીજડાઓનો પણ વ્યક્તિ તરીકે સ્વીકાર આ સમાજમાં થાય, તેમને પણ એક વ્યક્તિ તરીકેનું મહત્વ મળતું થાય એવા ઘણા વિચારો અને પ્રયત્નો અહીં લક્ષ્મીના માધ્મમ દ્વારા થતા રહ્યા છે. હીજડાઓ વિશે જાણવાની સૌ કોઇને ઇચ્છા હોય છે. તે કઇ રીતે પેદા થાય છે ? તેમનો સમાજ કઇ રીતે અસ્તિત્વમાં આવે છે? તે પોતાના આખા આયુષ્ય દરમિયાન શું શું કરે છે ? તે મરી જાય પછી તેમને બાળવામાં આવે છે કે દાટવામાં? આવા અનેક પ્રશ્નો સામાન્ય માણસ માટે મોટી જિજ્ઞાસા બની રહે છે. અહી એના જવાબમાં કહેવું જોઇએ કે હીજડા પણ એક સામાન્ય ગરીબ માણસની જેમ જ પોતાની જિંદગી જીવે છે. હમણા હમણાં આવેલું પેલું ‘આધાર કાર્ડ’ બાદ કરીએ તો કોઇનાય આધાર વગરનું જીવન તેઓ જીવે છે.

પરિવારે તેમને તગેડી મૂકેલા છે અને સમાજે બહિષ્કૃત કરેલા છે. તે શું ખાશે, શું પીશે તેની કોઇ દરકાર નથી કરતું. આવી અસહાય સ્થિતિમાં હીજડઓથી નાનો સરખો અપરાધ થાય કે આખો સમાજ તેની પાછળ મારવા દોડે છે. પોલીસ તેમને અનેક ગુનાઓમાં સંડોવે છે. દરેક ગુનાઓને સામજિક બાજુ હોય છે તે હીજડાઓની બાબતમાં સહુથી મહત્વની છે. ક્યાંયથી કોઇનો પણ આધાર નહીં, પૈસા કમાવવાનું કોઇ સાધન નહીં, ધંધા- રોજગાર-નોકરીઓમાં કોઇ સ્થાન નહીં. એટલે જબરજસ્તી ભીખ માંગવા સિવાય બીજો કોઇ વિકલ્પ જ નહી. પરંપરા અનુસાર તો ‘વધામણી’કરવાનો તેમનો મુખ્ય વ્યવસાય. બાળકના જન્મ કે લગ્ન્પ્રસંગે હીજડાઓને વધામણી અને આશીર્વાદ માટે બોલાવે પણ આવી વધામણીથી કેટલા હીજસાઓનું પેટ ભરાય ? પછી ભીખ માંગવી કે ‘સેક્સવર્ક’ કરવું એ જ વ્યવસાય તેમના માટે બચે છે. મુંબઇ જેવા મહાનગરોમાં કેટલાક હીજડાઓ નાચવા જાય છે. નાચવાની કલા તેમનામાં જન્મજાત હોય છે.

હીજડઓના લિંગચ્છેદને ‘નિર્વાણ તરીકે ઓળળવામાં આવે છે. તે દરેકમાં થયેલું જ હોય તે જરૂરી નથી. આ સ્વૈચ્છિક બાબતને સમાજે ફરજિયાત માની લીધેલી છે. જાતિભાવના સતત અનુભવને લીધે કોઇએ સર્જરી કરાવી હોય કે હોર્મોંન્સ લીધા હોય એવું બને પણ આ પ્રક્રિયા જરુરી મનવામાં આવતી નથી. હીજડા બનવા સુધીની જે માનસિક અને સામાજિક પ્રક્રિયા છે તે અત્યંત પીડાદાયક હોય છે. ઘર, સમાજ કે સ્નેહીઓના અસ્વીકરના ડરને લીધે ‘અમને જબરજસ્તી ભગાડી હીજડા બનાવવામાં આવ્યા છે’ એવું કહેવામાં આવે છે. ક્યારેક કોઇ બાળક્ને ઉપાડી જવાના કિસ્સામાં તેમનું નામ સંડોવવમાં આવે છે તેની પણ તટ્સ્થતાથી તપાસ કરવામાં આવે તો ખબર પડે કે દરેક ગુનામાં સામાન્ય માણસનું જેટલું પ્રમાણ હોય છે તેટલું જ પ્રમાણ હીજડઓનું પણ હોય છે. પણ આવી વાતોને વધારીને કહેવાથી હંમેશા સમાજમાં તેમનો અપપ્રચાર વધતો જ રહે છે. અને આવા તરછોડાયેલા લોકોની સત્યતપાસ કરવા સુધી કોઇ પહોંચતું પણ નથી.

હીજડા મરી જાય પછી તેમનું શું કરવામાં આવે છે તેના વિશે પણ જુદી જુદી લોકવાયકાઓ સમાજમાં વહેતી થયેલી છે. તેમની પણ તેમના ધર્મ મુજબ અંતિમક્રિયા કરવામાં આવે છે. અંતિમક્રિયામાં તેઓ સ્ત્રીના વેશમાં જતા નથી એટલે લોકો તેમને ઓળખી શકતા નથી. હીજડા પણ આપણા સમાજનો જ એક હિસ્સો છે. આપણા સમાજના જેવી જ કુટુંબરચના તેમનામાં પણ હોય છે.કોઇ વ્યક્તિ હીજડો થવાનું નક્કી કરે તો તેને દિક્ષા આપવાનો પ્રસંગ યોજવામાં આવે છે. તેને ‘રીત’ તરીકે ઓળખવામાં આવે છે. આવી દિક્ષા પામ્યા પછી હીજડા આમ સમાજથી દૂર થતા જાય છે અને પોતાના એક અલગ જ વર્તુળમાં પોતાનું જીવન પૂરું કરે છે. એક વ્યક્તિ તરીકે સમાજ દ્વારા બિલકુલ મૂલ્ય ન આપવને કારણે જ તેઓ નિરાશ થાય છે. એ નિશામાંથી તે સમાજ પ્રત્યે રોષ વ્યક્ત કરવા લાગે છે. સમાજથી વધુ ને વધુ અતડા રહેવા લગે છે. સમાજ પછી તેમને દૂર ને દૂર ધકેલતો રહે છે. આ દુષ્ચક્ર આમ ને આમ સતત ચાલતું જ રહે છે. આથી આ આત્મકથા દ્વારા એ પણ અભિપ્રેત છે કે હીજડાઓને આપણે આપણા જ સમાજનો એક હિસ્સો ગણીને તેમને અપનાવીએ. શરીરથી જુદી દેખાતી એક વ્યક્તિ કે જેનો જાતિભાવ જુદો છ તેને સ્વીકારીએ અને એક વ્યક્તિ તરીકે તેમનું સમાજમાં મૂલ્ય પ્રસ્થાપિત કરીએ.

આત્મક્થાની મનોવૈજ્ઞાનિકિ ભૂમિકા :

સામાન્ય રીતે આપણા સમાજમાં વ્યક્તિ કે વસ્તુના બાહ્ય દેખાવ પરથી જ તેના આંતરિક ગુણોનું પ્રત્યારોપણ કરવામાં આવે છે અને એવા જ વર્તનની અપેક્ષા રાખવામાં આવે છે. વ્યક્તિનો દેખાવ પુરુષ જેવો છે તો તેણે પુરુષ જેવું જ વર્તંન કરવું અને સ્ત્રી જેવો દેખાવ છે તો તેણે સ્ત્રી જેવું જ વર્તન કરવું એવું એવું અપેક્ષિત છે. આમાંથી જ હીજડાઓના જીવનની મોટી કરુણાંતિકા સર્જાય છે. કાચી વયમાં તેમના નિકટના લોકો તરફથી જ તેમને ચીડવવાની શરુઆત થાય છે. આવી ન સમજાય એવી ચીડવણીથી આ બાળકો મૂંઝાઇ જાય છે, એકલા બની જાય છે. ‘હું કોણ’ એ પ્રશ્નનો જવાબ સતત શોધતા રહે છે પણ એનું કોઇ સમાધાન ન થતાં પોતે સ્ત્રી જ છે એમ માની પોતાનું વતર્ન ઘડે છે. તેમનાં શરીર પરનાં પુરુષત્વના તમામ લક્ષણો નાબુદ કરવા ઇચ્છે છે. વાળ વધારવા, સુંવાળી ચળકતી દાઢી કરવી, સાડી, સલવાર-કમીઝ, દાગીના પહેરવાથી માંડીને લિંગચ્છેદ કરવો અને હોર્મોન્સ લઇ છાતીનો ઉભાર વધારવા જેવી અનેક જાત સાથેની મથામણોમાં તે જોડાઇ જાય છે. આ બાહ્ય શરીર અને આંતરિક જાતિભાવ વચ્ચેનો સંઘર્ષ અને સમાજની ક્રુર ઉપેક્ષા વચ્ચે તેઓ અનેક આપત્તિઓનો ભોગ બને છે. દારુ, ચરસ, ગાંજો કે અફીણ જેવા માદક દ્રવ્યો અને ગુનાખોરી તેમના જીવનનો હિસ્સો બનતો જાય છે અને પોલીસની સંડોવણી અને મીડીયાના વધુ પડતા અપપ્રચારને લીધે સમાજના લોકમાં તેમના પ્રત્યે ચોક્કસ પુર્વધારણા બંધાતી જાય છે.

ખરેખર તો હીજડા કુદરત તરફથી મળેલા એક અભિશાપરુપ તેમનું જીવન ગુજારે છે. પહેલાં પુરુષના શરીરમાં સ્ત્રીના મનની થનારી ગૂંગળામણ, ત્યારબાદ હીજડા થયા પછી પરિવાર તૂટ્યાનું પારાવાર દુ:ખ, સમાજની વિચિત્ર વર્તણૂંક અને નિકટનું ગણી શકાય એવું કોઇ જ નહીં, આવકનું કોઇ સાધન નહી ને કોઇ નોકરી આપે નહી, પછી કોઇપણ રસ્તો અખત્યાર કરી પૈસા કમાવવા ને પોતાના જ વ્યક્તિત્વ અને વર્તનથી સતત તાણમાં રહેવું, ને પેલો સતત પીડતો સવાલ કે ‘હું કોણ છું?’ જીવનના જાતજાતના અનુભવોને કારણે તેમની મૂંઝવણ વધતી જ જાય છે. તેમાંથી આવનારી નિરાશા કે તે પછીની બેપરવાઇ તેમેને પોતાની જાત અને આ સમાજથી વધુ ને વધુ દૂર લઇ જાય છે. તેમને મન પોતાના જ જીવનની કિંમત ઘટતી જાય છે. છેવટે કોઇપણ વ્યસન કે અનિષ્ટ આચરતા કોઇ અપરાધભાવ તેમનામાં રહેતો નથી ને કોઇ નોંધ પણ ના લે તેવી અસાધ્ય રોગ કે આકસ્મિક સ્થિતિમાં જીવનનો અકાળે જ અંત આવી જાય છે.

‘હું હીજડો... હું લક્ષ્મી’ એક આત્મકથા તરીકે.

આમ તો અન્ય સાહિત્યસ્વરુપોની જેમ આત્મકથા સ્વરુપના લક્ષણોની કોઇ ચોક્કસ સીમા આંકી શકાય એમ નથી. તેમાં વ્યક્તિના જીવનની સચ્ચાઇ અને જીવનના દરેક પ્રસંગોનું આલેખન કરતી વખતે તટસ્થતા બહુ મહત્વની હોય છે. ક્યાંક લઘુતાગ્રંથિ તો ક્યાંક ગુરુતાગ્રંથી એવી રીતે પ્રવેશી જાય છે કે જે આત્મક્થાના સ્વરુપને હાનિ પહોંચાડે છે.

અહીં લક્ષ્મીનારાયણના જીવનની કથા તેમના મુખે કહેવાઇ છે અને સામાજિક કાર્યકર અને પછીથી લક્ષ્મીના સ્નેહી બનેલા વૈશાલી રોડેએ તેને આલેખી છે. હીજડાઓ પોતાના જીવન વિશે કશું કહેતા નથી એવો એક અદૃશ્ય નિયમ આમ સમાજમાં અને તેમની ક્મ્યુનિટીમાં પણ પ્રસ્થાપિત થયેલો છે. આથી લક્ષ્મીએ સૌપ્રથમ આ સાહસ કર્યુ અને એક હીજડા જાતિના વ્યક્તિની કથા આપણને મળી તેમાં તેનું ઐતિહાસિક મૂલ્ય છે.

અહીં લક્ષ્મીના જીવનના જે પ્રસંગો અને સંઘર્ષો આલેખાયા છે તે યાદ કરવા લક્ષ્મીએ અને તેને યતાતથ લેખનમાં ઉતારવા માટે વૈશાલી રોડેએ ઘણું મથવું પડ્યું છે. કંઇ કેટલાય દિવસો તેની પાછળ વ્યતીત થયા છે. જીવનના પીડાદાયક અનુભવોની કથની કહેતા ક્યારેક ભાવુક થઇ જતી લક્ષ્મીને લીધે લેખન અટકાવવું પડ્યું છે તો ક્યારેક લક્ષ્મીના વ્યસ્ત કાર્યક્રમોને લીધે દિવસો સુધી લેખન અટકી પડ્યું હોય એવું બન્યું છે. પણ આકરા પરિશ્રમ પછી જે કથા લખાઇ છે તેમાંથી લક્ષ્મીના જીવનની એક સર્વગ્રાહી છાપ ઉપસી આવે છે. યાદ કરી શકાય એવા સાવ બાલ્યવસ્થાના પ્રસંગોથી માંડીને લક્ષ્મીના જીવનન લગભગ પાંત્રીસ વર્ષ સુધીની જીવન ઘટનાઓને આ કથા આવરી લે છે. સામાન્ય મધ્યમ પરિવારમાં જન્મથી માંડીને હાલના જાજરમાન વ્યક્તિ સુધીનો વિકાસ આ કથામાં દેખાય છે. આ સફર દરમિયાન કરવા પડેલા સંઘર્ષો, વેઠવી પડેલી મુશ્કેલીઓ અને ઊભા થયેલા અંતરાયો બધું જ આ કથામાં બહુ રસપ્રદ રીતે સાંકળી શકાયું છે. પોતાની જાત પ્રત્યેના અત્યાચારો અને પોતાના જ સ્ખલનો વિશે વાત કરતી વખતે પણ લક્ષ્મીએ ગજબનું તાટસ્થ્ય જાળવ્યું છે. લક્ષ્મીના હાલના જીવનમાં જેમ કશું છૂપું નથી એમ આ કથામાં પણ કોઇ આવરણની જરુર તેને જણાઇ નથી. હા, અમુક પ્રેમ-પ્રસંગોની કથની કહેતાં તેના મૂળ અસલી પાત્રોના નામ તેણે નથી આપ્યા, તે પોતાના ખાતર નહીં પણ એ પાત્રના હાલના જીવનમાં કોઇ આપત્તિ ઊભી ના થાય એ માટે. બાકી જે વીતકકથા, સાહસકથા અને ઊર્ધ્વગામી કથાનું અહી બયાન થયું છે તે આત્મકથાના ઇતિહાસમાં એક નક્કર ઉમેરણરુપ છે.

આત્મકથાની થોડીઘણી મર્યાદા તરફ જોઇએ તો અહીં એવી પણ વિગતો સમાવેશ પામી છે કે જેની અહીં જરુરિયાત આત્મકથાના સ્વરુપ માટે નક્કી કરી શકાતી નથી. કથાના મધ્યભાગ સુધી લક્ષ્મી પોતાના જીવનની જ વાત કરે છે પણ જાહેર જીવનમાં જોડાયા બાદ તે પોતાની સાથે સાથે અન્યના જીવન કે પ્રગતિની વાતો પણ બહુ વિસ્તારપૂર્વક કરે છે. એટલે ઘણી બિંનજરુરી વિગતો આવવથી ક્થાનું લંબાણ વધી જાય છે અને લક્ષ્મીના જીવનના સાતત્યની કથા જોખમાય છે. ખાસ તો વિદેશમાં હીજડા જાતિ કે ટ્રાન્સજેનન્ડરો માટેની ચળવળો અને તે ચળવળના વાહકો વિશે ઘણી લંબાણથી વાત અહીં થઇ છે. ઉપરાંત, આત્મક્થાના અંતે પોતાના પરિવારના પરિચિત એવા વ્યક્તિઓનો ઉલ્લેખ પણ માત્ર વિગત ઉમરે છે. એનું કંઇ ખાસ મહત્વ જણાતું નથી.

મૂળ મરાઠી આ આત્મકથાના ગુજરાતી અનુવાદમાં સારી ચીવટ જોવા મળે છે. લક્ષ્મીના મનોભાવને વ્યક્ત કરતા શબ્દોની પસંદગીમાં વિવેક જાળવવને લીધે આખી કથા મૂળ ગુજરાતીમાં જ લખાઇ હોય એમ જણાય છે. ક્યાંક લથડતી વાક્યચનાઓ આવી જાય પણ એ અપવાદરુપ ગણી શકાય. શું ખબર, મૂળ કથાનો જ એ એક ભાગ હોય. આત્મકથાની શરુઆતમાં અનુવાદકનો ‘લક્ષ્મી સાકાર થવાની વેળાએ’ નામનો પ્રસ્તાવના લેખ મુકાયો છે તો ત્યાર બાદ દાકતરી પરિભાષામાં ‘હીજડા’નું વિશ્લેષણ કરતો ડૉ. પ્રદીપ પાટકરનો લેખ સમાવેશ પામ્યો છે. કથાના અંતે પરિશિષ્ટમાં ‘હીજડા એટલે શું’ નામના લેખ દ્વારા હીજડા અંગેની તમામ પ્રકારની જાણકારી તેમજ વાચક અને આમ સમાજના લોકોની ઉત્સુકતાને સંતોષવાનો પ્રયત્ન થયો છે.

આમ, આ આત્મકથા એક નવા જ પ્રકારના વ્યક્તિત્વનો વિચાર કરવા તરફ આપણને દોરી જાય છે. સ્ત્રી-પુરુષથી પર એવું કોઇ ત્રીજા જ પ્રકારનું વ્યક્તિત્વ પણ આ પૃથ્વી પર માન-સન્માનનું અધિકારી બની શકે અને તે પોતાના જ પ્રયત્નોથી જીવવનનો ઉચ્ચતમ વિકાસ સાધી શકે તે તરફ આ કથા અંગૂલિનિર્દેશ કરે છે. આથી માત્ર ગુજરાતી જ નહીં પણ ભારતીય આત્મકથાના ઇતિહાસમાં પણ આ આત્મકથાનું ચીલો ચાતરનાર તરીકેનું મૂલ્ય હંમેશા રહેશે.

સંદર્ભ :

  1. ‘ હું લક્ષ્મી... હું હીજડો’ લક્ષ્મીનારયણ ત્રિપાઠી,અનુ. કિશોર ગૌડ,પૃ.3
  2. ‘ હું લક્ષ્મી... હું હીજડો’ લક્ષ્મીનારયણ ત્રિપાઠી,અનુ. કિશોર ગૌડ,પૃ.15
  3. ‘ હું લક્ષ્મી... હું હીજડો’ લક્ષ્મીનારયણ ત્રિપાઠી,અનુ. કિશોર ગૌડ,પૃ.21
  4. ‘ હું લક્ષ્મી... હું હીજડો’ લક્ષ્મીનારયણ ત્રિપાઠી,અનુ. કિશોર ગૌડ,પૃ.75
  5. ‘ હું લક્ષ્મી... હું હીજડો’ લક્ષ્મીનારયણ ત્રિપાઠી,અનુ. કિશોર ગૌડ,પૃ.90


સંજય એમ.પટેલ, આસિ.પ્રોફેસર, ગુજરાતી, ગવર્ન્મેન્ટ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, પોશીના, સાબરકાંઠા.(ઉ.ગુજ.) Mo. 9925798405, 8980875508 Mail: Shreysanju1978@gmail.com