આપણે જાણીએ છીએ તેમ ‘નવલકથા’ નું સાહિત્ય સ્વરૂપ આપણે ત્યાં પશ્ચિમમાંથી આવ્યું છે. ગુજરાતી સાહિત્યમાં ઇતિહાસ જેવા વિષયને લઇને નવલકથા લખવાના પ્રયત્નો થયા છે. સંકુલ સાહિત્ય સ્વરૂપને કારણે કથાની ગૂંથણી, વ્યાપ, વિસ્તાર વગેરેની સાથે કામ પાર પાડવું સર્જક માટે કસોટી છે. વળી આપણે ત્યાં ‘કરણઘેલો’ થી લઇને આજે લખાતી નવલકથામાં સમયાંતરે બદલાવ આવ્યા છે. સામાજિક, રાજકીય, ઐતિહાસિક, મનોવૈજ્ઞાનિક જેવી કથાઓને સર્જકે સર્જકે જુદી-જુદી રીતે રસપ્રદ અને કલાત્મક બનાવવાનો સરાહનીય પ્રયત્ન કર્યો છે. ખાસ કરીને નવલકથા પરથી ‘લઘુનવલ’ એટલે કે કથાનકને જુદી રીતે રજૂ કરી રસાનંદને જાળવી રાખવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. ગોવર્ધનરામ ત્રિપાઠી, મુનશી, ર.વ.દેસાઇ, મડિયા, મેઘાણી, પન્નાલાલ, દર્શક, ઇશ્વર પેટલીકર, સુરેશ જોષી, રઘુવીર ચૌધરી સુધી આવતા તેમાં ઘણાં વળાંકો આવ્યા છે. ખાસ કરીને સ્ત્રી લેખિકાઓમાં વર્ષા અડાલજા, કુંદનિકા કાપડિયા, સરોજ પાઠક, ઇલા આરબ મહેતાએ પણ સ્ત્રી જીવનને પ્રત્યક્ષ-પરોક્ષ રીતે નવલકથા - લઘુનવલકથા દ્વારા રજૂ કરી છે. એમાં પણ ધીરૂબહેન પટેલનું પ્રદાન વિશેષતઃ આંકી શકાય.
ધીરૂબહેન પટેલ મૂળે વડોદરાના. પણ મુંબઇની સાન્તાક્રૂઝની પોદ્દાર હાઇસ્કૂલમાં શિક્ષણ લઇ એલ્ફિસ્ટન કૉલેજમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું. 1945 માં અંગ્રેજી વિષય સાથે બી.એ. અને 1948 માં એમ.એ. થઇ મુંબઇની ભવન્સ કોલેજ અને પછી દહિસરની કોલેજમાં અંગ્રેજીના અધ્યાપક રહ્યા. ‘સુધા’ સાપ્તાહિકના તંત્રી તરીકે પણ તેમણે કામ કર્યું છે. તેમની મહત્વની કૃતિઓમાં ‘અધૂરો કોલ’, ‘એક લહર’, ‘વિશ્વંભકથા’ જેવા વાર્તાસંગ્રહો, ‘વડવાનલ’, ‘શીમળાના ફૂલ’, ‘વાવંટોળ’, ‘વમળ’ જેવી નવલકથાઓ, ‘વાંસનો અંકુર’ નામે લઘુનવલ ઉપરાંત ‘એક ભલો માણસ’, ‘આંધળી ગલી’ જેલી લઘુનવલો તેમની પાસેથી મળે છે. ઉપરાંત હાસ્ય સાહિત્ય, નાટક, રેડિયો નાટક, એકાંકીઓ, બાળવાર્તા, બાળકવિતા, અનુવાદ એમ સાહિત્યના વિધવિધ સ્વરૂપોમાં ઉમદા અને ઉત્તમ ખેડાણ કર્યું છે. વર્ષ 2003-2004 માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે રહેલા ધીરૂબહેનને પોતાના સર્જનને ગુજરાતી ભાવકોએ તો પાંખ્યું છે તેમજ સાહિત્યજગતમાં પણ રણજિતરામ સુવર્ણચંદ્રક ઉપરાંત મુનશી સુવર્ણચંદ્રક, સાહિત્ય ગૌરવ પુરસ્કાર, દર્શક એવોર્ડ જેવા પુરસ્કારોથી પણ ગૌરવવંત થયા છે.
તેમની લઘુનવલ ‘વાંસનો અંકુર’ વિશે દક્ષા વ્યાસ લખે છે એ રીતે “કથા નાયક કેશવની નસોમાં સ્વાભિમાની માતા સુશીલાનું બંડખોર લોહી વહે છે. પતિને ઘરજમાઇ ન થવા દેતાં સુશીલાએ સ્વેચ્છાએ ગરબી સ્વીકારેલી. પુત્રને જન્મ આપી એ મૃત્યુ પામેલી ત્યારે કેશવનો હવાલો દાદાજીએ લીધેલો. હવે કેશવે એમની પ્રતિકૃતિ બનવાનું હતું. કેશવ બળવો કરે છે, તે પણ દાદાજીની શૈલીએ જ ! અંકુર ખરો, પરંતુ તે વાંસનો જ. કેશવના લાગણીતંત્રના આઘાત-પ્રત્યાઘાત અને સાત્વિક સંઘર્ષનું સ્પર્ષક્ષમ ઘટનાઓ, પ્રાકૃતિક સાદૃશ્યો અને કલ્પનાને સહારે અહીં કલાપૂર્ણ નિરૂપણ થયું છે. દોહિત્ર કેશવ, જમાઇ મોતીલાલ અને દાદાજીના મનોગતને સૂચક રીતે વ્યક્ત કરતી કથનરીતિ, પાત્ર સામે પડકારરૂપે ઉપસ્થિત થતી ઘટનાઓ, કલ્પનો, લાઘવ અને વ્યંજના – આ સર્વથી કલાત્મક બની છે”.
‘વાંસનો અંકુર’ લઘુનવલ નવનીત ગુજરાતી ડાયજેસ્ટમાં ઇ.સ. 1967 ના નવેમ્બરથી ક્રમશઃ પ્રસિદ્ધ થઇ હતી. મુંબઇ અને ગુજરાતની વિવિધ યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં પણ વિદ્યાર્થીઓ આ લઘુનવલનો અભ્યાસ કરી ચૂક્યા છે, કરે છે.
આ નવલકથાનો મુખ્ય તંતુ મુંબઇ જેવા મહાનગરમાં માણસ જ્યારે માણસને શોધે છે ત્યારની માનવીય સંવેદના અને પિતા-પુત્રના પ્રેમને આબાદ રીતે પ્રગટ કરે છે.
મોતીલાલ, તેનો પુત્ર કેશવ અને કેશવના મમ્મીના પપ્પા એટલે કે રમણીકલાલ વચ્ચે રચાતો કથા પટ ધીમે-ધીમે સર્જક કાબેલિયતથી વિસ્તરે છે. રમણીકલાલના ઘેર નોકર-ચાકરની કમી નથી. સાહ્યબીમાં કેશવનો ઉછેર કરવા માટે રમણીકલાલ તેને ભણાવે છે. પણ કેશવનું મન અભ્યાસમાં લાગતું નથી. સામે પક્ષે મોતીલાલનું ઘર એકદમ ગરીબ છે. પણ પુત્રની સ્વાભાવિક ખેંચાણ તો પિતા જ હોય... ! કેશવની માંદગીના સમયે રમણીકલાલ તેની સંભાળ રાખે છે. રમણીકલાલ ખૂબ જ ચોકસાઇવાળા અને ઘડિયાળના કાંટા પર તેનું જીવન પણ ચાલે છે. સમયની ચુસ્ત પાબંધી જાળવનાર રમણીકલાલને કેશવની બેદરકારી ખૂંચે છે પણ તેને લાડથી રાખે છે. કારણ કે તેની મૃત પુત્રીનો પુત્ર છે. સામે પક્ષે આ લઘુનવલના સ્ત્રી પાત્રોમાં કેશવની ફોઇ અને મોતીલાલની બહેન અનસૂયા છે જે મોતીલાલની પત્ની સુશીલાના મૃત્યુ પછી મોતીલાલની સંભાળ રાખવા એની સાથે રહે છે અને બીજી બાજુ રમણીકલાલની ત્રણ દીકરીઓમાં કેશવની માતા જે સુશીલાનું તો અવસાન થયું છે પણ કેશવની સંભાળ રાખવા તેની કમળામાસી અને વિમળામાસી છે. રમણીકલાલ કેશવને ભણાવીને પોતાના ધંધામાં સેટ કરવા માગતા હતા. કેશવને વારેવારે પોતાની બા યાદ આવે એ સ્વાભાવિક છે પણ વિમળામાસી અને કમળામાસી બંને વિધવાઓ રમણીકલાલનું જેટલું ધ્યાન રાખે છે તેથી વિશેષ કાળજી તે કેશવની લે છે.
દાદાજી અને પિતાજી સાથેની વૈચારિક લડાઇમાં પિસાતો કેશવ પોતાના જીવનને જુદી રીતે ઘડવા માંગે છે. તે જાણે છે કે પિતાજીના ઘરે તો ગરીબાઇ સિવાય કશું જ નથી પણ દાદાજી સાથે એ પોતાનું ધાર્યું તો ક્યારેય નહિ કરી શકે. ત્યાં અનસૂયા જેવા ફોઇબા છે અને અહીં તેમની બન્ને માસીઓ સાથે એ રહે છે.
કેશવની સાથે કોલેજમાં ભણતી વાસંતી એને મનોમન ખૂબ જ ગમતી એવી છોકરી છે પણ એ પોતાના મનની વાત વાસંતી સામે કરી નહિ શક્તો એવો શરમાળ છે. વાસંતી કેશવની મિત્ર હતી અને તે રમણીકલાલને તેની સાથે લગ્ન કરવાનું કહેવાનું વિચારતો. દાદાજીને કેમ કહેવું એવા વિચારે એ જુદી-જુદી ચિઠ્ઠી લખીને ફડાવી નાખવાની ચેષ્ઠાને લેખિકાએ સુંદર રીતે રજૂ કરી છે.
બીજી બાજુ કેશવ દાદાજીને કંઇ કહે એ પહેલા તો દાદાજી એને થાણાથી આગળ ભાંડુપ લઇ જાય છે. વચ્ચે ચેમ્બુરમાં હરિપ્રસાદના ઘરે લઇ જાય છે. જે રમણીકલાલના નાનપણના દોસ્ત છે. તેની દીકરી સુવર્ણાને જ ખાસ તો જોવી હતી અને કેશવ માટે એની સગાઇ-લગ્નની વાત કરવી હતી. તે વિલાયતથી ડૉક્ટર થઇને આવી હતી. ‘છતાં પોતાનું નારીત્વ અખંડિત અબાધિત રાખી શકી છે’. આ બાજુ કેશવ એક તબક્કે અભ્યાસ છોડવાની વાત કરતો હતો તેને હવે કૉલેજ જવાની ઇચ્છા થતી હતી. તેનું મૂળ કારણ તો વાસંતી જ હતી. પણ આખરે કૉલેજ છોડી અને વાસંતીને છેલ્લે મળી લીધું. મૂળ કેશવનો રૂમાલ વાસંતી પાસે છે તે તેની યાદગીરી છે. ‘રૂમાલ’ વાળી તરકીબ પણ સર્જકે ઉત્તમ રીતે પ્રયોજી છે અને છૂટા પડતી વખતે વાસંતી એના પિતાના સરનામાનું કાર્ડ કેશવને આપે છે.
આ બાજુ હવે ઉંમર થતાં મોતીલાલની પણ તબિયત સારી રહેતી નથી. ખાસ તો તેને પુત્ર કેશવ અને પત્ની વિનાની એકલતાથી ભાંગી ગયો છે. કેશવ આવી સ્થિતિમાં મોતીલાલ પાસે આવે છે. એમને પિતા પ્રત્યેનો સહજ ભાવ પ્રગટ થાય છે. કેશવ પ્રત્યેનો ફોઇ અનસૂયાનો પ્રેમ પ્રગટ થાય છે. આ તબક્કે પિતાને પુત્રનો સહારો જ જોઇતો હોય છે. કેશવને મનોમન લાગી આવે છે. દાદાજી અને પિતાજી વચ્ચે અટવાતા કેશવને ફરી મનોમંથનની દિશામાં ધકેલી દે છે. પિતા મોતીલાલ સાથે કેશવને બેંકમાં લઇ જઇ એક મગમાળા, બે પાટલી, આઠ બંગડી, એક નંગ જડેલો હાર, બે-ત્રણ વીંટીઓ, એક છડો જે કેશવની માતા સુશીલાનું હતું અને હજારેક રૂપિયાનું બેંક બેલેન્સ કેશવને આપે છે. અંતે દાદાજી જ કહે છે કે ‘જે.જે. હોસ્પિટલમાં મોતીલાલને દાખલ કર્યા છે. ત્યાં જતો આવજે’ મોતીલાલને પગના નળા આગળ ફએક્ચર થયું હતું. એક તો નબળું શરીર હતું. મોટર સાથે એક્સીડન્ટ થયેલું. ત્યાંથી લઇ કેશવ તેને સારા નર્સિંગ હોમમાં દાખલ કરે છે ને અંતે કેશવ દાદાજીનું ઘર છોડે છે. પિતાજીને સારી સ્થિતિમાં જોઇ તેને આસામમાં નોકરી મળતાં જતો રહે છે. છેલ્લે વાસંતીને મળી તેના ઘરનું સરનામું નોકરી માટે આપે છે. પિતાએ પણ આ રીતે જ ઘર છોડેલું તેમ સાચા અર્થમાં ‘વાંસનો અંકુર’ દિકરામાં તેના ગુણ ઉતરે છે.
આ લઘુનવલનું મુખ્ય પાત્ર કેશવ છે. તેની આસપાસ બનતી ઘટનાઓને લેખિકાએ કલાત્મક રીતે અને માનવીય ભાવોથી નિરૂપી છે. કેશવને બાળપણથી જ મા-બાપનો પ્રેમ મળ્યો નથી. કારણ કે તેના જન્મથી જ માતાનું મૃત્યું થયું છે. તેના પિતાજી ફોઇની સાથે રહે છે. કેશવ તેના માતા સુશીલાના પિતા રમણીકલાલ સાથે રહે છે. ખૂબ જ સાહ્યબીમાં ઊછરેલો છે. તેના માસી કમળા અને વિમળાનો માતૃવત્સલ પ્રેમ પામ્યો છે. રમણીકલાલ દ્વારા તેનું ઘડતર થયું છે પણ આખરે તો સંતાન તો મોતીલાલ અને સુશીલાનું છે. એક બાજુ તેની કૉલેજમાં સાથે ભણતી વાસંતી તેને ગમે છે તો તેના દાદા તેની સગાઇ તેના મિત્રની દીકરી સુવર્ણા સાથે કરાવવા માગે છે. ભારે કશ્મકશમાં જીવતા કેશવને પિતા કે દાદા, ફોઇ કે માસી, દાદાનું ઘર કે પિતાનું ઘર, વાસંતી કે સુવર્ણા, અભ્યાસ કે નોકરી કે ધંધો સંભાળવો આમ અનેક વિટંબણાઓ વચ્ચે જીવતા કેશવનું મનોમંથન અને આખરે માતા-પિતાના સંસ્કારો દીકરામાં જીવંત હોય છે તેનો ઉત્તમ નમૂનો કેશવના પાત્ર દ્વારા જોવા મળે છે.
આ લઘુનવલનું અન્ય પાત્ર રમણીકલાલ છે જે કેશવની માતાના પિતા છે. તેની સાથે કેશવનો ઉછેર થાય છે. મોતીલાલ તેના પિતા છે જે મીલમાં નોકરી કરે છે અને અત્યંત ગરીબાઇમાં રહે છે. સુશીલા તેની માતા છે તેનો તો કેશવે માત્ર ફોટો જ જોયો છે તેના પરથી અને માસીઓ તથા અનસૂયા ફોઇની વાતો દ્વારા માતાનો ખ્યાલ મેળવે છે. વાસંતી કૉલેજમાં સાથે ભણતી છોકરી છે જે કેશવને ગમે છે પણ તેના દાદા તેની સગાઇ સુવર્ણા સાથે કરાવવા માગે છે.
આમ, લઘુનવલના પાત્રોને લેખિકા ઉત્તમ રીતે મૂકી આપે છે. સંબંધોના તાણાવાણા અને તેમાંથી ઊભો થતો માનવીય પ્રેમ વ્યક્ત થાય છે. તેમના પાત્રો વિશે દીપક દોશીએ કહ્યું છે તે મુજબ ‘ધીરૂબહેનનાં પાત્રો પુસ્તકના પાના ઓળંગીને આપણા મનોચિત્તમાં પ્રવેશી જાય છે’. અહીં મનુષ્યની તમામ ગતિવિધિ અને તેના મનોસંચલનોને વાંચા ફૂટે છે. પાત્રોની જીવંત સૃષ્ટિ ભાવકને વિશેષતઃ આકર્ષે છે અને લઘુનવલના પાને પાનેથી પ્રગટતો આત્મવિશ્વાસ કૃતિને આસ્વાદ્ય બનાવે છે.
કેશવની મનસ્થિતિની શરૂઆત ‘ઘણે વર્ષે ઊંઘ ન આવી’ (પૃ.6) માં હવે તેના પરિવર્તનની શરૂઆત થાય છે. કશુંક નવું અને જુદું વિચારવાની કેશવની ગતિનો પરિચય આપે છે.
‘ખીણ જેટલી ઊંડી તેટલું જ ટોચે ધજા ફરકાવનારનું મહત્મ્ય વધારે’ (પૃ.7) માં આખી લઘુનવલમાં કેશવના મહત્વને વધારે સ્થાપિત કરી આપે છે. ઉપરાંત રમણીકલાલના વ્યક્તિત્વમાં મિનીટે મિનીટનો હિસાબ, ચીવટ, ચોકસાઇ અને તેનો ઠાઠ-જોસ્સો, તેની અમીરાઇની ચાડી ખાય છે.
મોતીલાલના વ્યક્તિત્વને ઉપસાવવા વિમળામાસીના મનોઉદ્દગારો જુવો... “રાખોડી રંગના દોરાવાળી સોંય પાછી પિનકુશનમાં ખોસાઇ ગઇ.... ના, આ બધું કંઇ ઠીક નહોતું થતું... ગુલાબી રંગનો દોરો ટૂંકો છે. નવો પરોવતાં પરોવતાં બહુ વાર લાગી. બેએક વાર આંખ લુછાઇ... આખરે પારકો છોકરો. વધારે માંદો-સાજો થાય તો એના બાપને શો જવાબ દેવો ? વિમળામાસીએ બહુ વર્ષોથી મોતીલાલને જોયા નથી. પણ માણસ લાખ રૂપિયાના. જીદ તો મોટી બહેનની જ હતી. એમાં બિચારા મોતીલાલનો શો વાંક ? ” (પૃ. 41) આખું દ્રશ્ય એક સ્વભાવને દર્શાવી આપે છે. હવે કમળામાસીને સાંભળો ‘રાતે બાપાજીએ કહી દીધું છે, કેશવ ! જ્યારે તને કોઇ છોકરી સાથે વાત કરવાનું મન થાય ત્યારે સુવર્ણાને મળજે. એમાં બાપને વાંધો નથી’ (પૃ. 57) માં કેશવની ઇચ્છા વિરુદ્ધ જે રીતે સુવર્ણા સાથે સગાઇ-લગ્નની વાત છે તેમાં રમણીકલાલનો આગ્રહ જોઇ શકાય છે.
વાસંતી અને કેશવના સંવાદો જુઓ :
‘કેશવ ! શું થયું છે ? ’
‘કશું નહીં.’
‘તો તું કેમ નથી આવવાનો.’
‘બસ, હવેથી હું નથી ભણવાનો.’
‘અરે, પણ વ્હાય ? ’
‘આમ જ – એનું કોઇ ખાસ કારણ નથી. ચાલ, ત્યારે હું જાઉં ? ’
‘પણ મેં તો તારું ઘર પણ નથી જોયું. મારે તને મળવું કેવી રીતે ? ’
‘શા માટે ? ’
‘શા માટે...’ (પૃ. 63)
સંવાદમાં રહેલો આત્મીયભાવ પામી શકાય છે. ‘શા માટે’ માં પ્રશ્ન અને જવાબને જે રીતે જોડી આપે છે તેમાં બન્નેના પરસ્પરના લાગણીભર્યા સંબંધોની ઝાંખી થઇ આવે છે.
મોતીલાલની મનઃસ્થિતિને વ્યક્ત કરવાની લેખિકાની રીત જુઓ : ‘સસલાને હાથી સાથે કોઇ જાતની દુશ્મની નથી હોતી. કચરાઇ જવાય કોક વખત. પણ, એમાં હાથી શું કરે ? એને કોઇએ બનાવ્યો છે જ મોટો, શું થાય ? ના, રમણીકલાલનો કોઇ વાંક નહોતો. આ સુશીલાને એનો છોકરો જ વગર કારણની ઉપાધિ - ’ (પૃ. 67) એટલે પોતાની જાતને સસલા અને રમણીકલાલને યોગ્ય રીતે હાથી સાથે સરખાવે છે.
‘દૂધપાકમાં મીઠાની કાંકરી પડ્યા જેવું’ પોતાના ભાગ્યને દોષ આપે છે. કેશવ વિશે વિચારતા મોતીલાલને એવું લાગે છે કે આખરે દીકરો પણ મારા પર જ જશે. તેને વ્યક્ત કરતા લઘુનવલમાં લેખિકાની કાબેલિયત દેખાય આવે છે “મોતીલાલને આ જ બીક હતી. જગતમાં કાયમ રજ્જુસર્પન્યાય નથી ચાલતો, ક્યારેક સર્પરજ્જુન્યાય પણ થઇ જાય છે. ભાંગતી રાતે અવાવરું ઘરમાં કાથીના તૂટેલા ખાટલા પર પગ ઉપર લઇને બેઠેલો માણસ ખૂણામાં પડેલા ગૂંચળાને દોરડું છે, દોરડું છે કહીને મન મનાવ્યા કરે પણ દોરડું જ્યારે દોઢેક હાથ ઊંચુ થઇ ફેણ પસારે ત્યારે એનું કંઇ ચાલે નહિ, એણે સ્વીકારવું જ પડે કે મનની દહેશત સાચી છે, મનનું આશ્વાસન ખોટું.” (પૃ. 74) સાચે જ એવું બને છે. જીવન અને જગતનું દર્શન વ્યક્ત થાય છે. ‘એમના કેલેન્ડરમાં પ્રત્યેક મહિનો બે વાર આવતો હોય એવા તો એ ઘરડા લાગતા હતા.’ (પૃ. 91) માં મોતીલાલની ગરીબાઇ અને તેના શારીરિક બાંધાની ચેષ્ટા રજૂ કરે છે.
આવા તો અનેક દૃષ્ટાંતો લઘુનવલકથામાં સદ્યંત જોવા મળે છે એ જ સર્જક તરીકેની ધીરૂબહેનની ખૂબી છે. ખરેખર એક યુવકના પરાવલંબનમાંથી સ્વાવલંબનમાં પ્રવેશવાની આ સક્રાન્તકથા બની રહે છે. લઘુનવલકથાનું સાદ્યંત કથાનક વાચકને સમગ્ર કથા એકીબેઠકે વાચવા લલચાવે તેવા પ્રકારના પાત્રો, પરિવેશ, ભાષાશૈલીની લેખિકા તરીકેની ધીરુબહેનની કસબને દાદ દેવી પડે.