Included in the UGC-CARE list (Group B Sr. No 172)
ભારતીય પુરાકથા આધારિત પ્રથમ ફિલ્મ – ‘રાજા હરિશ્ચન્દ્ર’

“However, I had decided to establish this (film) industry in India. Fortunately, I was successful where several others failed. So I decided to establish it on a permanent footing to provide employment to hundreds of worker-artist like me. I was determined to do my duty even at the cost of my life, i.e., to defend this industry even in the absence of any financial support, with the firm conviction that Indian people would get an occasion to see Indian images on the screen and people abroad would get a true picture of India. Mountains, rivers, oceans, houses, human being, animals, Birds, everything on the screen is real. The miracle of the visual Appearance of objects is sometimes caused by the play of light and shadow. This is the magic of the film maker.”[1]

ભારતીય ફિલ્મ ઉદ્યોગના પિતામહ દાદાસાહેબ ફાળકેનો ભારતીય સિનેમા વિશે લખેલો નિબંધ મુંબઈથી નવયુગ સામયિકમાં 1917માં પ્રકાશિત થયેલો, જેમાં એમનું ઉક્ત વિધાન છે. એમનો સંકલ્પ સ્પષ્ટ છે કે, ભારતની છબિ વિશ્વ સમક્ષ ફિલ્મ માધ્યમે પ્રગટ કરવી. 1913માં એમણે ભારતના સિનેજગતનું પ્રથમ ફિલ્મ ‘રાજા હરિશ્ચન્દ્ર’ બનાવ્યું. આ ફિલ્મ ભારતની એક ઐતિહાસિક ઘટનારૂપે પ્રકાશિત થવાનું હતું, એવા સમયે ફિલ્મની પટકથા તરીકે પુરાકથા પસંદ કરવામાં આવી. પુરાકથા વહેતા જનમાનસ સાથે દૃઢ અનુબંધ ધરાવતી હોય છે. રાજા હરિશ્ચન્દ્ર સત્યવાદી અને વચનનિષ્ઠ રાજા તરીકે પુરાકથામાં ખ્યાત ચરિત્ર છે. ‘સત્ય’ તત્ત્વ માટે રાજા હરિશ્ચન્દ્ર ભારતીય જનમાનસમાં એક આદર્શ ચરિત્ર છે.

1913નું વર્ષ ભારતમાં ફિલ્મક્ષેત્રે પદાર્પણનું હતું, તો સાહિત્યક્ષેત્રે વૈશ્વિક ખ્યાતિની સંપ્રાપ્તિનું પણ હતું. આ જ વર્ષે કવિવર રવીન્દ્રનાથ ઠાકુરને નોબેલ પુરસ્કાર અર્પણ થયો છે. ભલે અંગ્રેજોના સંપર્કે સાહિત્યમાં સુધારાનો ધસમસતો પ્રવાહ આવ્યો, પરંતુ પ્રાચીન ભારતીય સાહિત્યએ પ્રસ્થાપિત કરેલો જીવનદર્શનનો પાયો અને મધ્યકાળના ભક્તિ આંદોલનના સ્પંદનો પ્રજા માનસમાં-હૃદયમાં આવર્તિત થતાં રહ્યાં છે. સાહિત્ય રચનાના સ્વરૂપો-માધ્યમો-વિચારો બદલાયા પણ લાગણીનો તંતુ પ્રાચીન પરંપરા સાથે અનુસંધાન સાધતો રહ્યો. એટલે જ પ્રાચીન સાહિત્ય, કથાનકો, ચરિત્રો, ઘટનાઓ નવ્ય સ્વરૂપોમાં કે પુરાકલ્પન પ્રયુક્તિરૂપ પણ આલેખાતા રહ્યાં.

મહાત્મા ગાંધીજીના બાળમાનસ પર પણ હરિશ્ચન્દ્ર આખ્યાનની ઊંડી અસર પડી હતી. એમણે ‘સત્યના પ્રયોગો’માં નોંધ્યું છે – “એ અરસામાં કોઈ નાટક કંપની આવેલ તેનું નાટક જોવાની મને રજા મળી. હરિશ્ચન્દ્ર આખ્યાન હતું. એ નાટક જોતો હું થાકું જ નહીં. એ ફરી ફરી જોવાનું મન થાય. એમ વારંવાર જવા તો કોણ દે? પણ મારા મનમાં મેં એ નાટક સેકડો વખત ભજવ્યું હશે. હરિશ્ચન્દ્રનાં સ્વપ્નાં આવે. હરિશ્ચન્દ્રના જેવા સત્યવાદી બધાં કાં ન થાય? એ ધૂન ચાલી. હરિશ્ચન્દ્રની ઉપર પડેલી તેવી વિપત્તિઓ ભોગવવી ને સત્યનું પાલન કરવું એ જ ખરું સત્ય. જેવી નાટકમાં લખેલી તેવી જ વિપદો હરિશ્ચન્દ્રને પડી હશે એમ મેં માની લીધેલું. હરિશ્ચન્દ્રનાં દુ:ખ જોઈ, તેનું સ્મરણ કરી હું ખૂબ રોયો છું. આજે મારી બુદ્ધિ સમજે છે કે હરિશ્ચન્દ્ર કોઈ ઐતિહાસિક વ્યક્તિ નહીં હોય. છતાં મારે મન હરિશ્ચન્દ્ર અને શ્રવણ આજે જીવતા છે. હું આજે એ નાટકો વાંચુ તો આજે પણ મને આંસુ આવે એમ માનું છું.”[2] ગાંધીજીની હરિશ્ચન્દ્ર આખ્યાન વિશેની આ અનુભૂતિ આમ તો ભારતીય જનમાનસની અનુભૂતિ છે. જેમ રામાયણ અને ભાગવતપુરાણાદિ કથા કથન-શ્રવણ પરંપરા થકી જનપ્રવાહમાં અવિરત ધારા બની વહેતાં રહ્યાં એમ રાજા હરિશ્ચન્દ્રનું જીવન કથાનક મુખ્યતયા આખ્યાન સ્વરૂપે ભારતીય માનસ ધારામાં ઉતરતું રહ્યું. બાળપણમાં આ હરિશ્ચન્દ્ર નાટકે સત્યની અમીટ છાપ ગાંધીજી પર છોડી હતી. એક તરફ ભારતમાં 1906થી દાદાસાહેબ ફાળકેના મનમાં ફિલ્મ નિર્માણનો વિચાર ઊગ્યો અને આ નાટકની આધારભૂમિ પર ભારતીય જીવનમાં ‘સત્ય’ને જીવન ધર્મના પરમ આદર્શરૂપે સ્થાપતી ફિલ્મ 1913માં પ્રગટ થઈ ત્યાં સુધીની એમની જહેમત ચાલતી રહી હતી, તો બીજી તરફ દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીએ સત્યાગ્રહની ચળવળ વાસ્તવિક જીવનની ધરાતળ પર શરૂ કરી. ગાંધીજી 1915માં આફ્રિકાથી ભારત પાછા ફર્યા ત્યારે એ જ કથાનક ફિલ્મ રૂપે એમની સામે હતું. સત્ય એ જ પરમ ધર્મ માનીને મહાત્મા ગાંધીજીએ જીવનમાર્ગ કંડાર્યો.

લોકનાટ્ય ભવાઈ સ્વરૂપથી આગળ વધી ગુજરાતી રંગભૂમિને શિષ્ટ નાટકના નવ્ય પ્રવાહમાં વળાંક આપનાર, ‘ગુજરાતી નાટક મંડળી’ના સ્થાપક અને ગુજરાતી નાટકના પિતા એવા રણછોડભાઈ ઉદયરામ દવેએ દસ મૌલિક અને ચાર સંસ્કૃતમાંથી અનુવાદિત નાટકો આપ્યા. 1871માં એમણે ‘હરિશ્ચન્દ્ર’ નાટક લખ્યું. જે ‘નાટક ઊત્તેજક મંડળી’ દ્વારા ભજવાયું હતું. કેખુશરો નવરોજી કાબરાજીએ રા.રા. રણછોડભાઈ ઉદયરામ દવેની અનુમતિ મેળવી ચાર અંકમાં પોતે સ્થાપેલી આ નાટક ઊત્તેજક મંડળીને ભજવવા માટે અનુકૂળ ફેરફાર સાથે, દફતર આશકારા છાપખાના, મુંબઈ દ્વારા પ્રકાશિત કર્યું હતું.[3] આ એ જ નાટક હતું, જે 1881માં રાજકોટમાં ભજવાયું હતું. 1874થી ગાંધી પરિવાર પોરબંદર છોડી રાજકોટમાં સ્થાયી થયો હતો. 1876માં કરમચંદ ગાંધી રાજકોટના દીવાન બન્યા. ગાંધીજીએ બાળપણમાં રાજકોટમાં આ નાટક જોયું હતું ને સત્યની અસર એમના હૃદય-આત્માને સ્પર્શી ગઈ હતી.[4] વિકિપીડિયામાં[5] રણછોડભાઈ ઉદયરામ દવેના આ ‘હરિશ્ચન્દ્ર’ નાટકની આધારભૂમિ પર ભારતીય ફિલ્મ ઇતિહાસનું પ્રથમ ફિલ્મ - ‘રાજા હરિશ્ચન્દ્ર’, દાદાસાહેબ ફાળકેએ બનાવ્યું એવી માહિતી મળી અને મને થયું કે ગુજરાતી સાહિત્યના ઇતિહાસની આ મહત્ત્વપૂર્ણ ઘટના મારા ધ્યાન પર કેમ ન આવી? કદાચ એટલે ચૂકી જવાયું હશે કે, રણછોડભાઈ દવેના ‘લલિતાદુ:ખદર્શક’ નામક સામાજિક નાટકે તત્કાલીન સમયનું ધ્યાન પોતાના તરફ કેન્દ્રિત કર્યું હતું અને એ જ વાત વાગોળાતી રહી. રણછોડભાઈ દવે અને કેખુશરો નવરોજી કાબરાજી તેમજ તેમણે સ્થાપેલી નાટક મંડળીઓ મૂળે તો મુંબઈ સાથે જોડાયેલી હતી. દાદસાહેબ ફાળકેનો અને આ નાટ્યકારોનો સંબંધ ગુજરાત અને મુંબઈ સાથે રહેલો છે. ઘણીખરી શક્યતા છે કે, દાદાસાહેબે રણછોડભાઈ દવે કૃત ‘હરિશ્ચન્દ્ર’ નાટકને ધ્યાને રાખી ફિલ્મની પટકથા તૈયાર કરી હોય.

સાંપ્રત સમયમાં કોઈ ફિલ્મની પટભૂમિનો આધાર કોઈ સાહિત્ય કૃતિ રહી હોય તો એ સાહિત્યકાર અને સાહિત્ય કૃતિ વિશેની નોંધ પણ મીડિયામાં અને સાહિત્યજગતમાં એટલી જ ધ્યાનપાત્ર-નોંધપાત્ર બને છે અને ફિલ્મના પ્રારંભે એનો ઉલ્લેખ કરવામાં આવે છે. હું રણછોડભાઈ દવેનું આ નાટક જ ‘રાજા હરિશ્ચન્દ્ર’ ફિલ્મની મુખ્ય આધારભૂમિ છે કે કેમ? એ વિશેના આધાર અને અંકોડા મેળવવા મથામણ કરી રહી છું. શક્ય છે આ પછીના મારા લેખમાં એના તથ્યને વધુ આધાર સાથે પ્રકાશિત કરી શકું. જો કે, માત્ર આ એક જ નહીં, ગુજરાતી નાટક ઉપરાંત મરાઠી નાટકો અને પુરાણમાં આલેખિત હરિશ્ચન્દ્ર આખ્યાનનો આધાર લઈ દાદાસાહેબ ફાળકેએ ફિલ્મ રૂપાંતર માટે પોતે પટકથા તૈયાર કરી હતી. પરંતુ વધુ આધારરૂપ ગુજરાતી નાટક લેવાયું હોઈ શકે.

દાદાસાહેબ ફાળકેએ વડોદરામાં ફોટોગ્રાફીનો એક અભ્યાસ કર્યો હતો. ફિલ્મમાં વડોદરાના રાજા રવિ વર્મા દ્વારા દોરવામાં આવેલા રાજા હરિશ્ચન્દ્ર, એમની પત્ની તારામતી અને પુત્ર રોહિતનું છબિ-ચિત્ર પ્રારંભે મૂકવામાં આવ્યું છે. દાદાસાહેબે ફિલ્મ નિર્માણનો નિર્ણય લીધો ત્યારે તેમને લાગેલું કે, રામાયણ, મહાભારત અને પૌરાણિક મહાકાવ્યોમાંથી સારી કથાઓ મળશે. કુલ 125 ફિલ્મો એમણે બનાવી, જેમાં રાજા હરિશ્ચન્દ્ર ઉપરાંત ભસ્માસુર મોહિની, સત્યવાન સાવિત્રી, ગંગાવતરણ, લંકાદહન, શ્રી કૃષ્ણ જન્મ, કલિયા મર્દન, બુદ્ધદેવ, ભક્ત પ્રહલાદ, ભક્ત સુદામા, રૂક્મિણી હરણ, દ્રૌપદી વસ્ત્રહરણ, હનુમાન જન્મ, નલ દમયંતિ, પરશુરામ, કચ દેવયાની, ચન્દ્રહાસ, સેતુ બંધન આદિ રામાયણ, મહાભારત પુરણાદિ મહાકાવ્યોના કથાનક આધારિત ફિલ્મ છે. સંસ્કૃત નાટકો પરથી પણ કેટલાક ફિલ્મના કથાનક છે. રાજા હરિશ્ચન્દ્ર ભારતીય ફિલ્મ ઇતિહાસની પ્રથમ મૂક ફિલ્મ છે તો ગંગાવતરણ દાદાસાહેબ ફાળકે દ્વારા નિર્દેશિત પ્રથમ બોલતી ફિલ્મ છે.

મજાની વાત તો એ હતી કે રાજા હરિશ્ચન્દ્ર ફિલ્મમાં તારામતીનું ચરિત્ર ભજવવા અનુકૂળ કોઈ સ્ત્રીપાત્ર ન મળતાં, છેવટે એક હોટેલના રસોઇયા- અન્ના સાલુંકેએ ભારતીય ફિલ્મની પહેલી નાયિકા – તારામતીની ભૂમિકા ભજવી. દત્તાત્રેય દામોદર દબકે રાજા હરિશ્ચન્દ્રની ભૂમિકામાં રહ્યા અને દાદાસાહેબ ફાળકેના સાત વર્ષના પુત્ર બાલાચન્દ્ર ફાળકેએ રોહિતની ભૂમિકા ભજવી. ફિલ્મના નિર્દેશક, નિર્માતા અને પટકથાલેખક એવી અનેક ભૂમિકા દાદાસાહેબે ભજવેલી.

મહાભારત (સભાપર્વ, અ.12) ભાગવતપુરાણ (નવમો સ્કંધ), હરિવંશપુરાણ, દેવીભાગવત (સાતમો સ્કંધ, અ. 14 થી 24) તેમજ માર્કણ્ડેય પુરાણ – ભારતીય સાહિત્યના મહત્ત્વના પ્રાચીન ગ્રંથો છે, જેમાં રાજા હરિશ્ચન્દ્રની મૂળ કથા છે. ડાહ્યાભાઈ દેરાસરીએ ‘પૌરાણિક કથાકોશ’માં હરિશ્ચન્દ્રની કથા ભાગવતપુરાણ, હરિવંશપુરાણ, દેવીભાગવત અને મહાભારતના સભાપર્વના સંદર્ભ આધારિત આપી છે. આ પ્રાચીન ગ્રંથો હરિશ્ચન્દ્રના કથાનકને નિરૂપે છે. જેમાં સત્યનો જીવન આદર્શ પ્રતિષ્ઠિત થાય છે. સંસ્કૃત સાહિત્યમાં આર્ય ક્ષેમીશ્વર કૃત ‘ચંડકૌશિક’ અને રામચન્દ્ર કૃત ‘સત્યહરિશ્ચન્દ્ર નાટકમ્’ નામે બે રૂપક મળે છે. જે રાજા હરિશ્ચન્દ્રની આખ્યાયિકાને આધારે નિર્માણ પામ્યા છે. હિન્દી સાહિત્યમાં ભારતેન્દુ હરિશ્ચન્દ્ર કૃત ‘સત્ય હરિશ્ચન્દ્ર’ ખ્યાત નાટક છે. મધ્યકાલીન સાહિત્યમાં આખ્યાન સ્વરૂપમાં આ કથા ખૂબ પ્રખ્યાત બની. આખ્યાન રૂપે ભજવાતું-ગવાતું આ ખૂબ પ્રસિદ્ધ કથાનક છે. મને પણ યાદ છે કે, બાપાલાલ ગોહિલ દ્વારા ગુજરાતીમાં લિખિત હરિશ્ચન્દ્ર આખ્યાન, સારંગપુરની બાજુના નાનકડા ખાંભડા ગામના પ્રભાતગીરી બાપુ એમના બુલંદ અવાજમાં ગાતા ને જ્યારે તારામતીનો સંવાદ આવતો હોય કે –
‘‘દાસી રે ઠરી દીન આજથી, થઈ ગઈ તમારી વેચાણથી,
હવે હુકમ કરો હું આધિન છું આવી ઉચરો નહિ વાણજી.
અધમ કરમ હું તો નહીં કરું...’’

તેમજ પુત્ર રોહિતના મૃત્યુ સમે કલ્પાંત કરતી તારામતીના સંવાદો ગાવાતા ત્યારે શ્રોતાહૃદય ભાવવિભોર બની અશ્રુધારામાં વહેવા લાગતું. સત્યની દૃઠતા ને કસોટીની કરૂણતાથી પુરા કથાનક અતિ લોકપ્રિય બન્યું છે.

ઐતરેય બ્રાહ્મણ ગ્રંથમાં ‘શુન:શેપાખ્યાન’ છે, જેમાં આ કથાનો પૂર્વાર્ધ આ પ્રમાણે છે :

અયોધ્યાના ઈક્ષ્વાકુ (સૂર્યવંશી) રાજા હરિશ્ચન્દ્ર સૌ રાણીઓ હોવા છતાં નિ:સંતાન હતા. એમણે વરુણદેવની ઉપાસના કરી અને કહ્યું કે, જો મને પુત્ર પ્રાપ્તિ થાય તો હું મારો પહેલો પુત્ર આપને સમર્પિત કરી દઈશ. એમને રોહિત નામે એક પુત્રની પ્રાપ્તિ થઈ. પુત્રપ્રેમ જાગતા એ વરુણને સોપી ન શક્યા અને પિતા પોતાને વરુણને સોપી દેશે એવા ડરથી રોહિત જંગલમાં જતો રહ્યો. રાજા હરિશ્ચન્દ્ર વચન પાલન ન કરી શક્યા. કોપિત થઈ વરુણદેવે શાપ આપ્યો અને એમને જળોદર રોગ થયો.

જંગલમાં ફરતા રોહિતને ઈન્દ્રએ ‘चरैवेति चरैवेति, चराति चरतो भग।’ અર્થાત્ ફરતો રહે ફરતો રહે, ફરતાનું ભાગ્ય ફરે છે. – એવો ઉપદેશ આપ્યો. ફળસ્વરૂપે વન-વિચરણ દરમિયાન રોહિતને અજીગર્ત મળે છે. એ ખૂબ દરિદ્ર હતો. અજીગર્તને ત્રણ પુત્ર હતા- શુન:પુચ્છ, શુન:શેપ અને શુન:લાંગૂલ. દરિદ્રતાના કારણે સૌ ગાયોના બદલામાં મધ્યમ પુત્ર શુન:શેપ રોહિતને સોંપે છે. રોહિત વરુણદેવને સોપવા શુન:શેપને લઈ આવે છે.

વરુણદેવને નરબલિ આપવા શુન:શેપને વધ સ્તંભ પર ચડાવવામાં આવ્યો, પરન્તુ શુન:શેપ બ્રાહ્મણ હતો તેનો વધ કરવા કોઈ તૈયાર નહોતું. એવા બીજી એકસૌ ગાયોના બદલામાં સ્વયં શુન:શેપનો પિતા અજીગર્ત એના વધ માટે તૈયાર થયો. પોતાની અંતિમ ક્ષણો સામે જોઈ શુન:શેપ ઉષા સ્તવન ગાવા લાગે છે. પ્રત્યેક ઋચા સાથે એના બંધન તૂટવા લાગે છે. એની મુક્તિ સાથે રાજા હરિશ્ચન્દ્ર પણ શાપ મુક્ત થાય છે. ‘શુન:શેપાખ્યાન’નો સંદેશ એ છે કે, ભારતીય સંસ્કૃતિમાં જન્મેલા મનુષ્યનું મન ત્રિવિધ એષણાઓથી નિબદ્ધ છે. એ ત્રણ એષણા છે – પુત્રૈષણા, વિત્તેષણા અને લોકૈષણા. પુત્રૈષણા મનુષ્યની પૃથ્વી પર સદૈવ રહેવાની શાશ્વત ઈચ્છાઓનું પ્રતિનિધિત્વ કરે છે.

ભારતીય માનસમાં ઐતરેય બ્રાહ્મણ ગ્રંથની આ કથા એટલું ગહન સ્થાન નથી ધરાવતી, પરન્તુ આ પછી રાજા હરિશ્ચન્દ્રના જીવનના ઉત્તરાર્ધમાં બનતી સત્યવાદી તરીકેની પરીક્ષાની હૃદયસ્પર્શી ઘટનાઓ અતિ મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવ છે. દેવી ભાગવતમાં હરિશ્ચન્દ્રોપાખ્યાનમાં લખ્યું છે –
हरिश्चन्द्रो नृपश्रेष्ठ: सूर्यवंशे महिपति:।
तादृशो नृरतिर्दाता न भूतो न भविष्यति ।।11।।

આ પૃથ્વીલોક પર રાજા હરિશ્ચન્દ્ર સમાન કોઈ મનુષ્ય ન થયું છે ન ભવિષ્યમાં થઈ શકશે. પુરાણોમાં આ કથાનું પણ વૈવિધ્ય છે, પરન્તુ શ્રુતિ-સ્મૃતિમાં કથા કથન-શ્રવણ થકી જે જનસાધારણના મનમાં આ કથા અંકિત છે તે કંઈક આવી છે-

સ્વર્ગલોકમાં ઇન્દ્રસભામાં ઇન્દ્ર એક પ્રશ્ન પૂછે છે કે, ‘પૃથ્વી પર સત્યવાદી કોણ?’ એના ઉત્તરમાં અયોધ્યાના કુલગુરુ એવા ઋષિ વશિષ્ઠ, અયોધ્યાના રાજા અને સૂર્યવંશી અને ત્રિશંકુ રાજાના પુત્ર એવા રાજા હરિશ્ચન્દ્રનું નામ ગૌરવપૂર્વક આપે છે અને રાજા હરિશ્ચન્દ્રને સત્યની સાક્ષાત્ મૂર્તિ તરીકે ઓળખાવે છે. પરન્તુ ચંડકૌશિક-વિશ્વામિત્ર એ વાત સ્વીકારવા તૈયાર નથી અને એની પરીક્ષા કરવાનો નિર્ધાર કરે છે. રાજા હરિશ્ચન્દ્રને તારામતી નામે પત્ની અને રોહિત નામે પુત્ર છે, જેના જન્મ સાથે જોડાયેલી કથા ઐતરેય બ્રાહ્મણ ગ્રંથમાં જોવા છે. વિશ્વામિત્ર અનેક પ્રપંચ રચે છે હરિશ્ચન્દ્રને મિથ્યાવાદી સિદ્ધ કરવા માટે. નગર ઉદ્યાનમાં ઉધામ મચાવી રહેલા ભૂંડને મારવા નિકળેલા હરિશ્ચન્દ્રના માર્ગમાં એક બ્રાહ્મણ કન્યા અને યુવકના લગ્ન કરાવે છે, જેમાં પાસે સોનાનું દાન આપવાનું વચન લે છે. અયોધ્યાની રાજસભામાં જઈ રાજા હરિશ્ચન્દ્રનું સમસ્ત રાજપાટ દાનમાં માંગી લે છે અને પછી પેલા બ્રાહ્મણ યુગલને દાન આપવાનું આપેલું વચન યાદ કરાવી એ વચનપાલન કરવાની કસોટીમાં મૂકે છે. કાશીની બજારમાં પત્ની તારામતીને અગ્નિરથ બ્રાહ્મણને ત્યાં કામવાળી તરીકે, પુત્ર રોહિત માળીને ત્યાં બગીચામાં કામ કરનાક તરીકે અને પોતે સ્મશાનમાં શબ સળગાવવા કર ઉઘરાવનાર તરીકે વેચાય છે. અનેક કષ્ટો વેઠતા રાજા હરિશ્ચન્દ્ર પોતાનું સત્ ચૂકતા નથી. ઋષિ વિશ્વામિત્ર વધુ કઠિન અને કસોટી કરવા તત્પર બને છે. સર્પ બની રોહિત દંશ દે છે અને પુત્રના મૃત્યુ પર કલ્પાંત કરતી તારામતી, પુત્રના અંતિમ સંસ્કાર કરવા માટે સ્મશાનઘાટ પર લઈ જાય છે. કર આપ્યા વગર અગ્નિ સંસ્કાર કરવા દેવામાં ન આવે અને નિયમ મુજબ દાણ લેવા ઊભા છે સ્વયં હરિશ્ચન્દ્ર. પુત્રનું શબ સામે પડ્યું છે, પત્ની તારામતીને પર એના ઘાતનો આરોપ લગાવવામાં આવ્યો અને પોતાના હાથમાં રહેલા ખડગથી તારામતીનું શિરચ્છેદ કરવાની અતિ કરુણ ક્ષણે પણ રાજા હરિશ્ચન્દ્ર સત્ય ચૂકતા નથી. છેવટે વિશ્વામિત્રએ સ્વીકારવું જ રહ્યું કે પૃથ્વી પર રાજા હરિશ્ચન્દ્ર સમાન કોઈ સત્યવાદી નથી.

ફિલ્મમાં આ દૃશ્યો સુંદર રીતે ભજવવામાં આવ્યાં છે. મૂક ફિલ્મ હોવાથી દૃશ્યોની વચ્ચે-વચ્ચે એક એક વાક્ય-પોસ્ટર મૂકવામાં આવ્યાં છે, જે એક રીતે કથકનું કામ કરે છે. કથા પ્રવાહ આગળ વધારવા એ એક સંવાદરૂપ કાર્ય કરે છે. ફિલ્મના પ્રારંભે મહારાજ હરિશ્ચન્દ્ર પુત્ર રોહિતને ધનર્વિદ્યા શીખવે છે. ગ્રામ્યજનોના આગ્રહથી વનમાં શિકાર અર્થે જાય ત્યાં, સ્ત્રીઓના કરુણ સ્વર સંભળાતા એ તરફ જોય, વિશ્વામિત્રએ યજ્ઞથી ત્રિશક્તિ રૂપી ત્રણ સ્ત્રીઓની ઉત્પત્તિ કરી, જેને ઋષિને યજ્ઞમાં બાધ્યરૂપ સમજી હરિશ્ચન્દ્ર તીર મારી બેસે છે. વિશ્વામિત્ર ક્રોધિત થાય અને એમને શાંત કરવા રાજા હરિશ્ચન્દ્ર પોતાનું રાજપાટ અર્પણ કરે છે. રાજમહેલમાંથી પ્રયાણ કરતા રાજા પ્રત્યે પ્રજાપ્રેમ, કાશીરાજાના પુત્રનું મૃત્યુ, તારામતી પર એની હત્યાનો આક્ષેપ આદિ દૃશ્યો, પ્રાચીન વાતાવરણ, વેશભૂષા અને સંવાદ વિના કામ કરવાનું હોવાથી આંગિક અભિનયથી કથા પ્રત્યાન ઊભું કરતી ફિલ્મ કેવી રીતે બની, ફિલ્મ બનાવવાનો વિચાર, પરિવારની ભૂમિકા, અંગ્રેજ શાસન, દાદાસાહેબે ભારતને કેવા સંજોગોમાં એક નવી કલાની ભેટ આપી, તેનો સમગ્ર ખ્યાલ ‘હરિશ્ચન્દ્ર ફેક્ટરી’માં મળે છે. તત્ પશ્ચાત્ ભારતમાં હિન્દી સમેત અનેક ભાષામાં હરિશ્ચન્દ્ર કથાનક આધારિત ફિલ્મ બની અને શરૂઆતની ફિલ્મોમાં મોટાભાગે પૌરાણિક કથાનક વિષય બન્યાં છે.

આ ફિલ્મએ ભારતમાં એક નવા યુગનો આરંભ કર્યો છે. ફિલ્મકળા-ઉદ્યોગરૂપમાં વિકસિત બની અને આજે જાણે વિશ્વ સમક્ષ ભારતની છબિ પ્રગટ કરવાનું દાદસાહેબનું સ્વપ્ન સાકારરૂપ ધારણ કરી પોતાનો અફાટ વિસ્તાર સાધી ચૂક્યું છે. આજે પણ આ ક્ષેત્રમાં ભારતીય પુરાકથો એટલી જ પ્રભાવક બની નવાં રૂપોમાં ફિલ્મ માધ્યમે પ્રગટી રહી છે. ઇતિહાસ-પુરાણ તમામ કલાક્ષેત્રોના સતત આકર્ષણના વિષયો રહ્યાં છે, કારણ કે એનાથી માનવીય જીવન પ્રવાહના સપના, મૂલ્યો અને આદર્શો ઘડાયાં હોય છે.

અયોધ્યાનગરી પુરાકાળથી ભારતીય માનસમાં મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. હાલમાં જ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ફૈજાબાદ જિલ્લાનું નામ અયોધ્યા ઘોષિત કર્યું. અયોધ્યામાં રામ મંદિર બનાવવાનો મુદ્દો છેલ્લા કેટલાક વર્ષોથી જનચર્ચા, જનઆંદોલન, ધર્મ આંદોલન તથા રાજનીતિનો વિષય બની ગયું છે. એવા સમયે આ નગરની ભૂમિ પર થયેલા આદર્શ ચરિત્રોએ આપેલા જીવનમંત્રો પણ આપણા જીવનને સત્ય તરફ, પ્રકાશ-જ્યોતિ તરફ લઈ જાય એવા પાઠ પણ યાદ કરતું રહેવું ઘટે. આજે અને ભવિષ્યમાં પણ ભારતીય જીવનમાં અસતો મા સદ્ ગમય, સત્ય એ જ પરમેશ્વર, સત્ય પરમ ધર્મ અને સત્યમેવ્ જયતેના સૂર સનાતન-સદાકાળ બની રહેશે. ભારતમાં કોઈ પણ કલા હોય એનો અનુબંધ પ્રાચીન સંસ્કૃતિ સાથે રહેવાનો. દાદાસાહેબ જ્યારે ભારતના તિમિર અને પ્રકાશને (The miracle of the visual Appearance of objects is sometimes caused by the play of light and shadow.) પ્રગટાવવા માગતા હતા અને ભારતીય ફિલ્મકલા ક્ષેત્રના પ્રારંભે સત્યનો પ્રકાશ એમણે પ્રગટાવી ભારતીય દિગ્દર્શક તરીકે પોતાનો પ્રભાવ અને પ્રકાશ પાથર્યો છે.

સંદર્ભ

  1. Bollywood Volume-I (Critical concepts in media and cultural studies), Ed. By Reachel Dwyer, Pub.-Routledge, London and New York, First Ed.-2015
    (Dadasaheb Phalke, ‘Essays on the Indian Cinema’, Navyug (Bombay : November-December, 1917: February-September, 2018) Essay translation into English by Feroze Rangoonwalla, Ed. Phalke Communication Souvenir, Bombay, 1971)
  2. સત્યના પ્રયોગો, મોહનદાસ કરમચંદ ગાંધી, 1927ની આવૃત્તિનું પુન:મુદ્રણ- 2010, ISBN: 81-7229-042-X, www.mkgandhi.org, પૃ. નં. 13,14
  3. https://archive.org/details/in.ernet.dli.2015.318437
  4. KaiKhusjro Navroji Kabraji, Gujarati Theatre Personality (https://m.indianetzone.com)
  5. વિકિપીડિયા (‘राजा हरिश्चन्द्र’ – फिल्म હિન્દી ભાષામાં માહિતી જૂઓ)


રાજેશ્વરી પટેલ, આસિસ્ટન્ટ પ્રોફેસર, અનુસ્નાતક ગુજરાતી વિભાગ, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર-388120